You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાત ચૂંટણી : અધિકારીઓની બદલીનો રિપોર્ટ ન સોંપાતાં ચૂંટણીપંચનો સરકારને ઠપકો
ઇન્ડિયન એક્સપ્રેસ અનુસાર, કેન્દ્રીય ચૂંટણીપંચે કહ્યું કે તેણે 1 ઑગસ્ટે ગુજરાત સરકારને પોતાના જિલ્લાઓમાં નિયુક્ત અધિકારીઓ અને છેલ્લાં ચાર વર્ષમાં એક જ જિલ્લામાં ત્રણ વર્ષ ગાળ્યાં હોય તેવા અધિકારીઓની બદલી કરવાનો નિર્દેશ આપતો પત્ર લખ્યો હતો.
વિધાનસભા ચૂંટણી પહેલા અધિકારીઓની બદલી અને પોસ્ટિંગ અંગેના આ નિર્દેશનો અનુપાલન અહેવાલ ફાઇલ ન કરવા બદલ ગુજરાત સરકારને પંચે ઠપકો આપ્યો છે.
ચૂંટણીપંચે રાજ્યના મુખ્ય સચિવ અને ડીજીપીને પત્ર લખીને પૂછ્યું છે કે, "આ બાબતમાં બીજું રિમાઇન્ડર આપવા છતાં નિર્ધારિત સમયમર્યાદા પછી પણ અત્યાર સુધી અનુપાલન રિપોર્ટ કેમ રજૂ કરવામાં આવ્યા નથી."
પત્રમાં જણાવવામાં આવ્યું છે કે, "રાજ્ય સરકારના સંબંધિત વિભાગો/કચેરીઓમાંથી મેળવેલ કાર્યવાહીની વિગતો સાથે મુખ્ય સચિવ અને ડીજીપી દ્વારા અનુપાલન અહેવાલ તારીખ 30 જૂન 2022 સુધીમાં કમિશનને આપવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો."
ચૂંટણીપંચે જણાવ્યું હતું કે, "ઉપરના નિર્દેશો અપાયા હોવા છતાં મુખ્ય સચિવ અને ડીજીપી તરફથી નિયત તારીખ સુધી કોઈ રિપોર્ટ મળ્યો નથી. ફરીથી, તારીખ 19 ઑક્ટોબર 2022ના રોજ ચૂંટણીપંચે પત્ર લખીને તત્કાલ રિપોર્ટ જમા કરાવવાનો નિર્દેશ આપ્યો હતો."
ચૂંટણીપંચે કહ્યું કે અધિકારીઓની બદલી અને પોસ્ટિંગ અંગેનો પત્ર હિમાચલ પ્રદેશને પણ મોકલવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે હિમાચલ પ્રદેશમાં 12 નવેમ્બરે મતદાન થશે, જ્યારે ગુજરાત ચૂંટણીની તારીખો હજુ જાહેર કરવામાં આવી નથી. ગુજરાત વિધાનસભાનો કાર્યકાળ 18 ફેબ્રુઆરીએ અને હિમાચલ પ્રદેશ વિધાનસભાનો કાર્યકાળ 8 જાન્યુઆરીએ પૂરો થાય છે.
દિવાળીમાં ટ્રાફિક નિયમોના ભંગ કરવા બદલ નહીં થાય દંડ : હર્ષ સંઘવી
ગુજરાત સરકારના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ શુક્રવારે જાહેરાત કરી હતી કે ટ્રાફિક નિયમોના ભંગ બદલ રાજ્યમાં 21થી 27 ઑક્ટોબર દરમિયાન કોઈ દંડ નહીં થાય.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
'ટાઇમ્સ નાઉ ન્યૂઝ'ના અહેવાલ પ્રમાણે આ જાહેરાત ગૃહરાજ્ય મંત્રીએ દિવાળીના તહેવારને ધ્યાને રાખીને કરી છે.
સંઘવીએ સાથે જ એવું પણ કહ્યું કે, "એનો અર્થ એ નથી કે લોકો ટ્રાફિકના નિયમોની દરકાર ન કરે કે બેફામ તેનું ઉલ્લંઘન કરે, પણ કોઈ ભૂલથી કે નિરુદ્દેશે નિયમનો ભંગ કરશે તો તેમને દંડ નહીં થાય."
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં આગામી દિવસોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે, ત્યારે વિપક્ષ આ જાહેરાતને ચૂંટણી સાથે જોડીને જુએ છે.
પાકિસ્તાન FATFના ગ્રે લિસ્ટમાંથી હવે બહાર, ભારતે શું ટકોર કરી?
મની લૉન્ડરિંગ અને ટેરર ફન્ડિંગને રોકવા માટે બનેલા આંતરારષ્ટ્રીય સંગઠન ફાઇનાન્સિયલ ઍક્શન ટાસ્ક ફોર્સ (FATF)એ પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાંથી બહાર મૂકી દીધું છે.
અત્યાર સુધી ગ્રે લિસ્ટમાં હોવાના કારણે પાકિસ્તાનને આઈએમફ, વિશ્વ બૅન્ક અને એશિયા ડેવલપમૅન્ટ બૅન્કની મદદ મેળવવામાં મુશ્કેલીઓ વેઠવી પડતી હતી. એવો અંદાજ છે કે પાકિસ્તાનને દર વર્ષે લગભગ 10 અબજ ડૉલરનું નુકસાન થઈ રહ્યું હતું.
પાકિસ્તાનના વિદેશમંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારીએ ટ્વીટ કરીને પાકિસ્તાનના લોકોને આ અંગે વધામણી પાઠવી હતી.
તેમણે લખ્યું કે, "પાકિસ્તાનના લોકોને વધામણી. પાકિસ્તાનને સત્તાવાર રીતે એફએટીએફના ગ્રે લિસ્ટમાંથી હઠાવી દેવામાં આવ્યું છે."
આ અંગે પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે પણ વિદેશમંત્રી બિલાવલ ભુટ્ટો, સેનાપ્રમુખ જનરલ કમર જાવેદ બાજવાનો તથા રાજકીય પક્ષોનો આભાર માન્યો હતો.
તેમણે કહ્યું કે, 'સૌના સહિયારા પ્રયાસથી પાકિસ્તાન ગ્રે લિસ્ટમાંથી બહાર આવી શક્યું છે.'
'ધ ઇન્ડિયા ટુડે'ની વેબસાઇટ પ્રમાણે ભારતે આ અંગે પ્રતિક્રિયા આપી છે.
આંતરરાષ્ટ્રીય મામલાઓના મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ નિવેદન આપતા કહ્યું હતું કે, "અમે એવું સમજીએ છીએ કે પાકિસ્તાન હવે એશિયા પેસિફિક ગ્રૂપ સાથે મળીને મની લૉન્ડરિંગ અને ઉગ્રવાદીઓને કરાતી આર્થિક સહાયને રોકવાની દિશામાં પગલાં ભરશે."
ભારતે એવું પણ કહ્યું કે, "FATFની સ્ક્રૂટિનીને પગલે પાકિસ્તાને કેટલાક નામી ઉગ્રવાદીઓ સામે કાર્યવાહી કરવી પડી હતી."
'હેટ સ્પીચ' મુદ્દે સુપ્રીમ કોર્ટે બતાવી કડકાઈ, 'કેસ દાખલ કરવા' આદેશ
છેલ્લા થોડા મહિનાઓથી દેશનાં અનેક રાજ્યોમાં ઠેકઠેકાણે યોજાયેલાં ધાર્મિક સંમેલનોમાં આપવામાં આવેલા ભડકાઉ ભાષણ અથવા હેટ સ્પીચ મુદ્દે સુપ્રીમ કોર્ટે કડકાઈ બતાવી છે.
બીબીસીના સહયોગી સુચિત્ર મોહંતીએ આપેલી માહિતી પ્રમાણે સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશ, દિલ્હી અને ઉતરાખંડ સરકારને આદેશ આપ્યા છે કે 'હેટ સ્પીચ' મામલે ફરિયાદની રાહ જોયા વગર જાતે ફરિયાદ દાખલ કરે.
અદાલતે આ મામલાને 'ખૂબ ગંભીર' ગણાવ્યો હતો અને ચેતવણી આપી હતી કે જો તંત્ર કામગીરી કરવામાં વિલંબ કરશે તો તેને અદાલતની અવમાનના ગણવામાં આવશે.
ઉત્તર પ્રદેશ : હૉસ્પિટલે પ્લાઝમાના બદલે મોસંબીનો જ્યૂસ ચડાવ્યો, ડેન્ગ્યુના દરદીનું મૃત્યુ
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજની ખાનગી હૉસ્પિટલ પર એવો આરોપ મૂકવામાં આવ્યો કે ડેન્ગ્યુના દરદીને પ્લાઝમાના બદલે મોસંબીનો જ્યૂસ ચડાવી દીધો હતો. જે બાદ દરદીનું મોત થયું હતું.
'ધ મિન્ટ'ના અહેવાલ પ્રમાણે ઉત્તર પ્રદેશ પોલીસે આ માહિતી સાચી હોવાનું જણાવ્યું છે અને આ ખાનગી હૉસ્પિટલને સીલ કરી દેવામાં આવી છે.
સોશિયલ મીડિયા પર આ ઘટના અંગેનો વીડિયો વાઇરલ થયો એ બાદ આ મામલો પ્રકાશમાં આવ્યો હતો.
જે બાદ સ્થાનિક તંત્ર દ્વારા પગલાં લેવામાં આવ્યાં હતાં અને ઉત્તર પ્રદેશના ઉપમુખ્ય મંત્રી બ્રજેશ પાઠકના આદેશથી હૉસ્પિટલને સીલ કરવામાં આવી હતી.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો