મહારાણી એલિઝાબેથ દ્વિતીયના અંતિમસંસ્કાર કેમ અતુલ્ય છે?

મહારાણી એલિઝાબેથ દ્વિતીયના અંતિમસંસ્કાર

ઇમેજ સ્રોત, PA Media

    • લેેખક, લૉરા ક્વીન્સબર્ગ
    • પદ, પ્રેઝન્ટર સન્ડે વિથ લૉરા ક્વીન્સબર્ગ

બે હજાર મહેમાન, 500 વિદેશી મહાનુભાવ, 4000થી વધુ કર્મચારીઓ અને સંભવતઃ વિશ્વભરના જોતા અબજો લોકો.

સોમવારે યોજાનારા મહારાણી એલિઝાબેથ દ્વિતીયના રાજકીય અંતિમસંસ્કાર 21મી સદીનું એવું આયોજન છે, જેની તુલના ન થઈ શકે.

માર્મિક ઔપચારિકતાઓ અને દુ:ખદ માહોલ વચ્ચે આગામી કલાકોમાં તાજેતરના ઇતિહાસમાં વૈશ્વિક નેતાઓ અને મહાનુભાવોનો સૌથી મોટો જમાવડો થયો છે.

વિશ્વભરમાંથી આવેલા સમ્રાટો, રાજકુમારો-રાજકુમારીઓ, રાષ્ટ્રપતિઓ, વડા પ્રધાનો લંડનમાં એકઠા થયાં છે. આ તમામ વેસ્ટમિન્સ્ટર ઍબી ખાતે થનારા મહારાણીના અંતિમસંસ્કારમાં હાજરી આપી રહ્યા છે.

સ્વાભાવિક છે કે મહારાણીના નિધન બાદનું આ મહત્ત્વપૂર્ણ યાદગાર આયોજન છે. આ એક એવાં મહિલાને અપાતી વૈશ્વિક શ્રદ્ધાંજલિ છે જેઓ લાંબા સમયથી વિશ્વનાં સૌથી વધુ ચર્ચિત અને ઓળખવા યોગ્ય નેતા હતાં.

એક વરિષ્ઠ રાજદ્વારીએ મને કહ્યું, "હરેક મહારાણીના અંતિમસંસ્કારમાં હાજરી આપવા માગે છે, કારણ કે તેઓ દરેક માટે એક પરિવાર હતાં. લોકો તેમની સાથે તાદાત્મ્ય અનુભવે છે. આ એક પારિવારિક અંતિમસંસ્કાર છે."

જોકે, અંતિમસંસ્કારમાં સામેલ થનારા ઘણા નેતાઓ એ વાત પર પણ ધ્યાન આપી રહ્યા છે કે તેમના માટે આ કેટલું મહત્ત્વનું છે.

એક રાજદ્વારીએ મને કહ્યું, "આ સદીના સૌથી મોટા અંતિમસંસ્કાર છે. વિશ્વના દરેક વૈશ્વિક નેતા તેને જોવા માગે છે અને અંતિમસંસ્કારમાં દેખાવા માગે છે. જે નેતાઓ અહીં નહીં હોય અથવા નહીં દેખાય તે આપણા સમયના સૌથી મોટા ફોટો-અપની તક ગુમાવી દેશે."

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન તેમનાં પત્ની સાથે અંતિમસંસ્કારમાં હાજરી આપશે

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન તેમનાં પત્ની સાથે અંતિમસંસ્કારમાં હાજરી આપશે

મેં સમયાંતરે સમારોહ દરમિયાન શાહી પરિવારની મુલાકાતે આવનારા મહાનુભાવો પર થનારી અસરને જોઈ છે.

લોકો હંમેશાં તેમની સાથે દેખાવા માટે ઉત્સાહિત રહે છે, ઘણી વાર તો ભાગદોડ જેવી સ્થિતિ પણ સર્જાય છે. હરેક મહારાણી સાથે તસવીર ખેંચાવા માગે છે. મેં વડા પ્રધાનોને મહારાણીની નજીક જવા માટે એકબીજાની કોણીઓને ટકરાવાતા જોયા છે.

પરંતુ આ વિશ્વ માટે અને વૈશ્વિક નેતાઓ માટે એકબીજાની નજીક આવવાની તક પણ છે. અહીં માત્ર એ જ જોવામાં નહીં આવે કે વિશ્વના કયા મોટા નેતાઓએ કેટલો મૅક-અપ કર્યો છે અથવા ઍરપૉર્ટ પર કોનું વિમાન સૌથી આલિશાન છે, (એમાં કોઈ નવાઈ નથી કે ઍરફોર્સ વન મોખરે છે) પરંતુ આ એકબીજા સાથે વાત કરવાની તક પણ છે.

રાજદ્વારી બૅરોનેસ ઍમોસ જણાવે છે, "તે નાની-નાની બાબતો હશે." તેઓ કહે છે કે મહારાણી પોતે પણ આ નાની-નાની વાતચીતનો ઉપયોગ ઔપચારિક સમારંભોમાં ખૂબ જ અસરકારક રીતે કરતાં હતાં.

સોમવારે સવારે વેસ્ટમિન્સ્ટર ઍબી જતી બસમાં (હા, તેમાં વડા પ્રધાન અને રાષ્ટ્રપતિ બેઠા હશે) અથવા રવિવારે કિંગના રિશેપ્શન પર થનારા સમારોહમાં આ વાતચીતો થઈ શકે છે.

બની શકે કે ભાવુક અંતિમસંસ્કારના સમાપન બાદ આ મોકો મળે. ગમે ત્યારે રાજકારણીઓ અને રાજદ્વારીઓ હંમેશાં શાંતિથી વાત કરવાની, નવા અંગત સંબંધ બાંધવા અથવા તેમની ચિંતાઓ વ્યક્ત કરવાની તકની શોધમાં હોય છે.

મહારાણી એલિઝાબેથ દ્વિતીયના અંતિમસંસ્કાર

ઇમેજ સ્રોત, PA Media

અંતિમસંસ્કારમાં હાજરી આપનારા મહેમાનોની સૂચિ પણ 2022ની રાજનીતિ અને સત્તાને પ્રદર્શિત કરે છે. માત્ર કેટલાક પસંદગીના દેશોને જ આમાંથી બાકાત રાખવામાં આવ્યા છે. યુક્રેન યુદ્ધને કારણે રશિયા અને બેલારુસને આમંત્રણ આપવામાં આવ્યું નથી.

આ સિવાય સીરિયા, મ્યાનમાર, અફઘાનિસ્તાન અને વેનેઝુએલા મહેમાનોની સૂચિમાંથી બહાર છે.

મોકલવામાં આવેલાં આમંત્રણોમાં કેટલાક દેશો સાથેના સામાન્ય સંબંધો પણ જોવા મળે છે. ઉદાહરણ તરીકે, ઉત્તર કોરિયાના નેતાને બદલે રાજદૂતને બોલાવવામાં આવ્યા છે.

આપણે એ પણ જાણીએ છીએ કે ગયા અઠવાડિયે ઉઠાવેલા વાંધા બાદ ચીનના નેતાઓને પણ અંતિમસંસ્કાર માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. જોકે, કેટલાક સાંસદોએ એમ પણ કહ્યું કે તેમને કહેવામાં આવ્યું છે કે વેસ્ટમિન્સ્ટર ઍબીમાં ચીનના પ્રતિનિધિમંડળનું સ્વાગત કરવામાં નહીં આવે.

આમંત્રણની પસંદગી, કાર્યક્રમની કોરિયોગ્રાફી અને એટલે સુધી કે બેઠકવ્યવસ્થા પણ પોતાની રીતે મહત્ત્વના નિર્ણયોની પ્રતીક હશે.

એક રાજદૂતે મને કહ્યું કે "આ આયોજન સામાન્ય રીતે રાજદ્વારી ગતિવિધિઓ માટે બહુ ઓછી તકો પૂરી પાડે છે."

વિશ્વના જે નેતાઓ અહીં આવ્યા છે તેમનો મુખ્ય હેતુ મહારાણી પ્રત્યે આદર દર્શાવવાનો છે.

મહારાણી એલિઝાબેથના શાસનનો કાર્યકાળ અને તેમના વ્યક્તિત્વનું સ્તર અતુલનીય હતું અને એવામાં આજે યોજાનારા અંતિમસંસ્કાર પણ એટલા જ ભવ્ય અને અજોડ છે.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન