મહારાણી એલિઝાબેથ દ્વિતીયે કેવી રીતે લાખો ભારતીયોને મોહિત કર્યા હતા?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, સૌતિક બિસ્વાસ
- પદ, ભારત સંવાદદાતા
જાન્યુઆરી 1961માં મહારાણી એલિઝાબેથ દ્વિતીયે પહેલી વખત ભારતની મુલાકાત લીધી હતી. તેમની આ યાત્રા સમયે દિલ્હીના ઍરપૉર્ટથી ભારતના રાષ્ટ્રપતિભવનના રસ્તે લાખોની ભીડ ઊમટી પડી હતી.
ન્યૂયૉર્ક ટાઇમ્સે આ વિશેના રિપોર્ટમાં લખ્યો હતો કે, "ભારતીયો આ અઠવાડિયે તેમની તકલીફો ભૂલી ગયા. બધી નહીં, પણ આર્થિક મુશ્કેલીઓ, રાજકીય ખટપટ, સામ્યવાદી ચીન વિશેની ચિંતા, કોંગો અને લાઓસ પૃષ્ઠભૂમિમાં ઝાંખા પડી ગયાં હોય તેવું લાગતું હતું. મહારાણી એલિઝાબેથ દ્વિતીય અહીં હતાં. દેશની રાજધાની દિલ્હી તેનો મહત્તમ લાભ લેવા માટે સંકલ્પબદ્ધ દેખાઈ."
ટાઇમ્સે કહ્યું કે ટ્રેનો, બસો અને બળદગાડીઓની મદદથી લોકો દેશની રાજધાની પહોંચ્યા હતા. અહીં લોકો રસ્તા પર જ જોવા મળ્યા અને બગીચાઓમાં જ રોકાઈ ગયા હતા જેથી શાહી દંપતીની એક ઝલક તેમને મળી શકે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું, "તેઓ રાણી અને ડ્યૂક ઑફ એડિનબર્ગ પ્રિન્સ ફિલિપને એક એવા માધ્યમ તરીકે જોતા હતા જેમણે તેમના માટે તકલીફો ભુલાવીને આનંદ માણવાનું શક્ય બનાવ્યું હતું."
ત્યારે જ ન્યૂઝપેપરમાં રિપોર્ટ કરવામાં આવ્યું હતું કે "એલિઝાબેથ સામ્રાજ્યના પ્રવાસ પર શાસક તરીકે નહીં, પરંતુ સમાનતા બતાવતાં જોવા મળ્યાં હતાં."
1947માં ભારતને બ્રિટિશ સામ્રાજ્યથી સ્વતંત્રતા મળ્યા બાદ તેઓ પહેલાં મહારાણી હતાં જેમણે ગાદી સંભાળી હતી.
આ પ્રવાસ ભારત માટે એક તક સમાન હતો કે જેમાં તે બ્રિટિશ શાસકોને દેખાડી શકતું હતું કે "તેમના લોકો ગયા ત્યારથી તેઓએ એટલું ખરાબ પ્રદર્શન કર્યું નથી."
ઉદાહરણ તરીકે, તેના "જેટ એજ ઍરપૉર્ટ, નવાં ઘર અને ઑફિસોની ઇમારતો, સ્ટીલ મિલ અને ન્યુક્લિયર રિઍક્ટર."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ઇમેજ સ્રોત, FOX PHOTOS/HULTON ARCHIVE/GETTY IMAG
શાહી દંપતી માટે ઉપખંડનો છ સપ્તાહનો પ્રવાસ પણ ભારતની સમૃદ્ધ શોધ હતી. બ્રિટિશ પાથેની (British Pathe) એક ફૂટેજમાં એ પ્રવાસના અંશ છે જેમાં જોવા મળે છે કે આ શાહી દંપતીનું કેટલું શાહી સ્વાગત કરાયું હતું.
મહારાણીએ મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતાનો (ત્યારે આ પ્રદેશો બૉમ્બે, મદ્રાસ અને કલકતાના નામે ઓળખાતાં હતાં) પ્રવાસ કર્યો હતો અને સાથે જ તાજ મહેલ, પિંક સિટી જયપુર અને પ્રાચીન શહેર વારાણસી જેવી જગ્યાઓની મુલાકાત પણ લીધી હતી. તેમણે અઢળક રિસેપ્શનમાં ભાગ લીધો હતો અને સાથે બે દિવસ મહારાજાના શિકારની જગ્યાએ વિતાવીને હાથી પર પણ સવારી કરી હતી. શાહી દંપતી 26 જાન્યુઆરીએ યોજાનારી ભવ્ય ગણતંત્રદિવસની પરેડમાં મુખ્ય મહેમાન પણ બન્યાં હતાં.
દિલ્હીના રામલીલા મેદાનમાં મહારાણીએ હજારો લોકોને સંબોધિત કર્યા હતા. તેમણે આગ્રામાં તાજ મહેલ જવાના રસ્તે ખુલ્લી કારમાં પ્રવાસ કર્યો હતો અને લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. તેમણે પશ્ચિમ બંગાળમાં સ્ટીલ પ્લાન્ટની મુલાકાત લીધી હતી જેને બ્રિટિશ સહાયથી બનાવાયું હતું અને સાથે ત્યાંના કર્મચારીઓ સાથે મુલાકાત કરી હતી.
કોલકાતામાં તેમણે રાણી વિક્ટોરિયાની યાદમાં બનાવવામાં આવેલા સ્મારકની મુલાકાત લીધી હતી. શાહી દંપતી માટે ત્યાં સ્થાનિક ઘોડાની રેસ પણ કરાવવામાં આવી હતી અને વિજેતાને મહારાણીએ કપ આપીને સન્માન્યા હતા.
કોલકાતા શહેરમાં મહારાણીની ખુલ્લી કારમાં પ્રવાસને કવર કરવા પહોંચેલા ઑલ ઇન્ડિયા રેડિયોના રિપોર્ટરે યૉર્કશાયર પોસ્ટના એડિટોરિયલને ટાંકીને કહ્યું હતું કે તેઓ ભારતનાં મહારાણી ભલે ન હોય, ભારતીયોનો ઉત્સાહ દર્શાવે છે કે તેઓ હજુ પણ ભારતીયોનાં દિલનાં મહારાણી છે.

ઇમેજ સ્રોત, Getty Images
આશરે બે દાયકા બાદ નવેમ્બર 1983માં મહારાણી ભારતના બીજા પ્રવાસે પહોંચ્યાં હતાં, અને ત્યારે કૉમનવેલ્થ નેતાઓની સમિટનું આયોજન થયું હતું.
શાહી દંપતી રાષ્ટ્રપતિભવનના મુલાકાતીઓના સ્યૂટમાં રોકાયું હતું જેમાંથી, એક ન્યૂઝપેપર પ્રમાણે, ભારતીય રાચરચીલું હઠાવીને વાઇસરેગલ ડેકોર ફરી કરવામાં આવ્યું હતું.
અધિકારીઓ પ્રમાણે, "ધૂળ લાગેલું જૂનું ફર્નિચર ઑફિસ અને મ્યુઝિયમમાં મળ્યું હતું જેને સાફ કરવામાં આવ્યું હતું અને સ્યૂટ ડેકનું સમારકામ કરવામાં આવ્યું હતું. પલંગની ચાદરો, પડદાં અને ચાકળા બદલીને તેને શાહી અંદાજમાં લગાવવામાં આવ્યાં હતાં."
મેનુમાં "જૂની પશ્ચિમી સ્ટાઇલની વાનગીઓનો" ઉમેરો થયો હતો કેમ કે એવું મનાય છે કે મહારાણીને સાદું ભોજન ભાવતું હતું.
ઑક્ટોબર 1997માં તેમની અંતિમ ભારત મુલાકાત એક દુર્ઘટનાની પૃષ્ઠભૂમિ સામે થઈ હતી. તે સમય હતો ભારત અને પાકિસ્તાનની સ્વતંત્રતાનાં 50 વર્ષ પૂર્ણ થવાનો. અને તે જ સમયે મહારાણી પ્રિન્સેસ ડાયનાની દફનવિધિ બાદ પહેલી વખત લોકોની સમક્ષ આવ્યાં હતાં.
આ પ્રવાસ કેટલાક વિવાદોમાં પણ સંકળાયો હતો. તેઓ માફી માટે જલિયાવાલાં બાગની મુલાકાત લેવાનાં હતાં, જ્યાં બ્રિટિશ ઇતિહાસમાં સૌથી લોહિયાળ નરસંહાર થયો હતો. અહીં જ 1919માં એક જાહેરસભા દરમિયાન બ્રિટિશ સેના દ્વારા સેંકડો ભારતીયો પર ગોળીઓ વરસાવવામાં આવી હતી.
અમૃતસર મુલાકાતની એક રાત પહેલાં દિલ્હીમાં મહારાણીએ એક ભોજનસમારંભમાં કહ્યું હતું, "ભૂતકાળમાં જલિયાવાલાં બાગ જેવી કેટલીક ખરાબ ઘટનાઓ ઘટી છે તે વાત કોઈથી છુપાયેલી નથી. જલિયાવાલાં બાગની હું કાલે મુલાકાત લેવા જઈ રહી છું. ઇતિહાસ ફરી લખી શકાતો નથી. જોકે ઘણી વખત આપણે કંઈક અલગ જ ઇચ્છીએ છીએ. અહીં દુ:ખની ઘડીઓ પણ છે અને સુખની ઘડીઓ પણ છે. આપણે હંમેશાં દુ:ખથી શીખવું જોઈએ અને સુખ સાથે આગળ વધવું જોઈએ."
ભાષણ એ લોકો માટે સંતોષકારક ન હતું જેઓ બ્રિટન પાસેથી માફીની માગ કરી રહ્યા હતા. આ ભાષણ એવું લાગ્યું જાણે તે એ લોકોને ખુશ કરવા માટે હતું જેઓ અમૃતસરના ઍરપૉર્ટ પર પ્રદર્શન કરવાના હતા અને પછી તેમણે તે રદ કરી દીધું હતું. અહીં પ્રદર્શનના બદલે ઍરપૉર્ટથી શહેર સુધીના દસ માઇલના રસ્તા પર ઝંડા ફરકાવતા લોકો ખુશી સાથે સ્વાગત કરતા જોવા મળ્યા હતા.
શહેરના ગોલ્ડન ટૅમ્પલ પર મહારાણીને જૂતાં કઢાવ્યાં બાદ મોજાં સાથે અંદર જવાની પરવાનગી આપવામાં આવી હતી.

ઇમેજ સ્રોત, Getty Images
શાહી ડ્રેસ ભારતીય મીડિયામાં અનંત આકર્ષણ અને અટકળોનો વિષય હતો. ઇન્ડિયા ટુડે મૅગેઝિના સંવાદદાતાના રિપોર્ટ પ્રમાણે મહારાણીની 1983ની મુલાકાત દરમિયાન પણ તેઓ જે પણ પહેરતાં તેના વિશે અટકળો પ્રચલિત થઈ જતી હતી.
સુનીલ સેઠીએ તે પ્રવાસ અંગે રિપોર્ટિંગ કર્યું હતું :
એક રિપોર્ટરે જોરથી પૂછ્યું, "તે ટોપો, તે ટોપો શામાંથી બનેલો છે?"
એક અંગ્રેજે તેનો જવાબ આપી તેમને શાંત કર્યા, "તે તણખલામાંથી બન્યો છે.
"અને કપડાં? તે કયા મટીરિયલમાંથી બન્યાં છે?"
"ક્રેપ ડે ચાઇનમાંથી."
મેં પૂછ્યું, "તમે મહારાણીના ડિઝાઇનર છો?"
તેમણે કહ્યું, "વધુ એક રિપોર્ટર."
"મને પછી જાણવા મળ્યું કે તેઓ દિલ્હીસ્થિત ટાઇમ્સ ઑફ લંડનના સંવાદદાતા હતા."
મહારાણીએ તેમની ભારતની ત્રણ મુલાકાત દરમિયાન ખૂબ આનંદ માણ્યો હતો.
તેમણે પછી કહ્યું હતું, "ભારતીય લોકોમાં જે ઉષ્મા છે અને તેમની મહેમાનગતિ તેમની ભારતની સમૃદ્ધિ તેમજ વિવિધતા આપણા બધા માટે પ્રેરણારૂપ છે."

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













