બ્રિટનમાં રાજા-રાણી પાસે કયાં-કયાં કાર્યો હોય છે?

ઇમેજ સ્રોત, Getty Images
બ્રિટનમાં મહારાણી એલિઝાબેથ દ્વિતીયના નિધન બાદ તેમના ઉત્તરાધિકારી કિંગ ચાર્લ્સ તૃતીયને તુરંત રાજગાદી સોંપી દેવામાં આવી છે.
શનિવારે સવારે 11 વાગ્યે લંડન ખાતે વેસ્ટ મિન્સ્ટર એબીમાં કિંગ ચાર્લ્સની તાજપોશીનો કાર્યક્રમ યોજાશે.
બ્રિટનમાં સંસદીય રાજતંત્ર છે એટલે કે ત્યાં રાજા પણ છે અને સંસદ પણ. આ બંને જ ત્યાંની મજબૂત સંસ્થાઓ છે જે એકબીજાની પૂરક છે.
કિંગ બ્રિટનના રાષ્ટ્રપ્રમુખ છે. જોકે, રાજગાદીની શક્તિઓ પ્રતીકાત્મક અને ઔપચારિક છે. બ્રિટનના કિંગ રાજકીય રૂપે તટસ્થ રહે છે.
રાષ્ટ્રપ્રમુખ તરીકે કિંગ ચાર્લ્સ તૃતીયને સરકારી કામકાજ અને નિર્ણયોની જાણકારી દરેક દિવસે લેધરના લાલ બૉક્સમાં મળશે.
સાથે જ મહત્ત્વપૂર્ણ બેઠકો કે દસ્તાવેજોનો પણ પહેલેથી રિપોર્ટ આપવામાં આવશે, જેના પર તેમના હસ્તાક્ષર જરૂરી હશે.
વડા પ્રધાન ઋષિ સુનક સામાન્યપણે દર બુધવારના રોજ બકિંઘમ પૅલેસમાં કિંગ ચાર્લ્સ સાથે મુલાકાત કરશે અને તેમને સરકારના કામકાજની મહત્ત્વની જાણકારીઓ આપશે.
આ બેઠકો સંપૂર્ણપણે ખાનગી હોય છે અને તેમાં શું વાત થઈ, તેનો કોઈ ઔપચારિક રેકૉર્ડ રાખવામાં આવતો નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કિંગ પાસે ઘણાં સંસદીય કાર્યો પણ હોય છે.

કિંગ પાસે કઈ-કઈ જવાબદારીઓ છે?

ઇમેજ સ્રોત, Getty Images
કિંગનાં સૌથી મહત્ત્વપૂર્ણ કામોમાંથી એક છે - બ્રિટનમાં સામાન્ય ચૂંટણી બાદ સરકારની નિયુક્તિ.
ચૂંટણી જીતનારી પાર્ટીના નેતાને કિંગ રાજનિવાસ બકિંઘમ પૅલેસ બોલાવે છે અને તેમને સરકાર બનાવવા માટે ઔપચારિક નિમંત્રણ આપે છે.
બ્રિટનમાં સામાન્ય ચૂંટણી પહેલાં સરકારને ભંગ કરવાનો અધિકાર પણ કિંગ પાસે હોય છે. તેની સાથે જ કિંગ સંસદીય સત્રની શરૂઆત ઉદ્ઘાટન સમારોહમાં કરે છે અને પોતાના ભાષણમાં સરકારની યોજનાઓ નક્કી કરે છે. આ ભાષણ બ્રિટિશ સંસદના ઉચ્ચ સદન હાઉસ ઑફ લૉર્ડ્સમાં થાય છે.
કિંગનું કામ સંસદમાં પાસ થયેલા કાયદાઓને ઔપચારિક સ્વીકૃતિ આપવાનું પણ હોય છે જેથી તે કાયદેસર માનવામાં આવે. છેલ્લી વખત 1708માં રાજગાદીએ કોઈ કાયદો પાસ કરવાની ના પાડી હતી.

કૉમનવેલ્થના પ્રમુખ

ઇમેજ સ્રોત, PA Media
આ જ રીતે, દર વર્ષે નવેમ્બરમાં તેઓ રિમેમ્બરેન્સ ડે પર પણ નિર્દેશ આપે છે. તેને યુદ્ધવિરામ દિવસ અથવા વેટરન્સ ડે પણ કહેવામાં આવે છે. આ એ દિવસ છે જ્યારે કેટલાક કૉમનવેલ્થ દેશોમાં યુદ્ધોના સમયે જીવ ગુમાવનારા સૈનિકો અને સામાન્ય લોકોને યાદ કરવામાં આવે છે.
નવા કિંગ કૉમનવેલ્થના પણ પ્રમુખ છે. કૉમનવેલ્થ 56 સ્વતંત્ર દેશો અને 2.4 અબજ લોકોનું સંઘ છે.
આ સાથે જ કિંગ ચાર્લ્સ તૃતીય 14 કૉમનવેલ્થ દેશોના રાષ્ટ્રપ્રમુખ પણ બની ગયા છે.
જોકે, 2021માં બારબાડોસના ગણરાજ્ય બન્યા બાદ બીજાં કેરેબિયન કૉમનવેલ્થ ક્ષેત્રોએ પણ ગણરાજ્ય બનવાની ઇચ્છા વ્યક્ત કરી છે.

રાજાશાહીને બ્રિટનમાં કેટલી પસંદ કરવામાં આવે છે?
ગત વર્ષના મધ્યમાં કરાવવામાં આવેલા યૂ-ગવના એક સરવે પ્રમાણે મહારાણીની પ્લૅટિનમ જુબલીના અવસર પર 62 ટકા બ્રિટિશ નાગરિકોનો મત હતો કે રાજાશાહી યથાવત્ રહેવી જોઈએ. જ્યારે 22 ટકા લોકોનું કહેવું હતું કે રાષ્ટ્ર્રપ્રમુખની ચૂંટણી થવી જોઈએ.
ઇપ્સૉસ મૉરીના વર્ષ 2021નાં બે સર્વેક્ષણોમાં પણ લગભગ આ જ પરિણામો આવ્યાં. સર્વેમાં ભાગ લેનારી પાંચમાંથી માત્ર એક વ્યક્તિનું માનવું હતું કે રાજાશાહી હઠાવવી બ્રિટન માટે સારી રહેશે.
જોકે, YouGovના સર્વે પરિણામ દર્શાવે છે કે છેલ્લા દાયકામાં રાજાશાહીના સમર્થનમાં ઘટાડો નોંધાયો છે. વર્ષ 2012માં સમર્થનનો આંકડો 75 ટકા હતો જે 2022માં 62 ટકા થઈ ગયો છે. આમ તો વરિષ્ઠ લોકો વચ્ચે રાજાશાહીના સમર્થનને લઈને ઘણું જોવા મળ્યું પરંતુ યુવાનોનો ડેટા થોડો અલગ જોવા મળ્યો છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













