મહારાણી એલિઝાબેથ દ્વિતીય : કર્તવ્યપથ પર સમર્પણની લાંબી યાત્રા

મહારાણી એલિઝાબેથનું નિધન

ઇમેજ સ્રોત, NPG

બ્રિટનનાં મહારાણી એલિઝાબેથનો લગભગ સાત દાયકા લાંબો રાજકાજનો સમય ખૂબ ઊથલપાથલ ભરેલો રહ્યો.

તેઓ બ્રિટનનાં સૌથી લાંબા સમય સુધી રાજ કરનારાં મહારાણી હતાં. મહારાણી એલિઝાબેથને તેમની જવાબદારી નિભાવવાના મજબૂત ઇરાદા માટે હંમેશાં યાદ કરવામાં આવશે. તેમણે પોતાનું સંપૂર્ણ જીવન પોતાના તાજ અને પોતાની જનતાના નામે કરી દીધું હતું. તેમણે દરેક જવાબદારી સારી રીતે નિભાવી.

69 વર્ષનાં તેમના શાસન દરમિયાન ઇંગ્લૅન્ડ જ નહીં, સમગ્ર વિશ્વમાં ભારે ઊથલપાથલ જોવા મળી. ક્યારેક આર્થિક પડકારો સામે હતા તો ક્યારે રાજકીય સંકટ. પરંતુ આ ઊથલપાથલમાં જનતા વચ્ચે વિશ્વાસ જગાડવા માટે એક જ નામ હતું, મહારાણી એલિઝાબેથનું.

એલિઝાબેથ એ સમયગાળા દરમિયાન બ્રિટનનાં મહારાણી બન્યાં, જ્યારે વિશ્વમાં બ્રિટનનો પ્રભાવ ઘટી રહ્યો હતો. સમાજમાં અભૂતપૂર્વ ફેરફારો થઈ રહ્યા હતા. બ્રિટનમાં ઘણા બધા લોકો રાજાશાહીની ભૂમિકા પર પ્રશ્ન ઉઠાવી રહ્યા હતા. પરંતુ તેમણે આ પડકારોનો મક્કમપણે સામનો કર્યો. અત્યંત સમજદારીપૂર્વક પોતાની જવાબદારીઓ ભજવી અને બ્રિટનના રાજપરિવારમાં લોકોનો વિશ્વાસ જાળવી રાખ્યો.

કોઈએ નહોતું વિચાર્યું કે એલિઝાબેથ એક દિવસ બ્રિટનનાં મહારાણી બનશે. તેઓ 21 એપ્રિલ 1926ના રોજ મફેયરમાં જન્મ્યાં હતાં. એલિઝાબેથ એ સમયના બ્રિટનના રાજા જ્યોર્જ પંચમના બીજા પુત્ર ડ્યૂક ઑફ યૉર્ક આલ્બર્ટનાં સૌથી મોટાં પુત્રી હતાં.

મહારાણી એલિઝાબેથનું નિધન

ઇમેજ સ્રોત, Getty Images

એલિઝાબેથ ક્યારેય સ્કૂલે નથી ગયાં. તેમનું અને તેમનાં નાનાં બહેન માર્ગરેટનું ભણતર, રાજમહેલમાં જ થયું. એલિઝાબેથ પોતાના પિતા અને પોતાના દાદા, બંનેનાં અત્યંત લાડકવાયાં હતાં. છ વર્ષની ઉંમરે ઘોડેસવારી શીખતી વખતે તેમણે પોતાના ઉસ્તાદને કહ્યું કે તેઓ ગામમાં રહેનાર છોકરી બનવા માગે છે અને ઘણાં બધાં ઘોડા અને કૂતરાં પાળવાં માગે છે.

બાળપણથી જ તેમનું વર્તન ઘણું જવાબદારીભર્યું હતું. બ્રિટનના ભૂતપૂર્વ વડા પ્રધાન સર વિંસ્ટન ચર્ચિલ પણ તેમનાથી ઘણા પ્રભાવિત થયા હતા. ચર્ચિલે મહારાણી એલિઝાબેથ વિશે કહ્યું હતું કે આટલી ઓછી ઉંમરે પણ તેઓ ઘણાં રોફદાર લાગતાં હતાં.

ક્યારેય સ્કૂલ ન ગયાં હોવા છતાં એલિઝાબેથે ઘણી ભાષાઓ શીખી લીધી હતી. તેમણે બ્રિટનના બંધારણીય ઇતિહાસ અંગે પણ સારો અભ્યાસ કર્યો હતો. એલિઝાબેથ અને તેમનાં બહેન માર્ગરેટ પોતાની સમોવડી છોકરીઓ સાથે હળીમળી શકે, તે માટે બકિંઘમ પૅલેસના નામ પર ગર્લ્સ ગાઇડ કંપની બનાવાઈ હતી.

1936માં બ્રિટનના મહારાજા જ્યોર્જ પંચમના નિધન બાદ તેમના મોટા પુત્ર ડેવિડ, એડવર્ડ અષ્ટમના નામથી ગાદીએ બેઠા. પરંતુ એડવર્ડે પોતાનાં જીવનસાથી તરીકે અમેરિકન મહિલા વૈલિસ સિંપસનને પસંદ કર્યાં. સિંપસનના બે વખત છૂટાછેડા થઈ ચૂક્યા હતા. તેમના ધાર્મિક ઝુકાવ અંગે પણ બ્રિટનમાં ઘણો વિરોધ હતો. આ કારણે એડવર્ડ અષ્ટમે ગાદી છોડી દીધી.

રાજકુમારી એલિઝાબેથ અને તેમનાં નાનાં બહેન રાજકુમારી મારગ્રેટ રોજ 12 ઑક્ટોબર 1940ના રોજ પ્રથમ વખત રેડિયો પ્રસારણમાં આવ્યાં. ત્યારે સમગ્ર દેશે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન તેમને સાંભળ્યાં.
ઇમેજ કૅપ્શન, રાજકુમારી એલિઝાબેથ અને તેમનાં નાનાં બહેન રાજકુમારી માર્ગરેટ રોજ 12 ઑક્ટોબર 1940ના રોજ પ્રથમ વખત રેડિયો પ્રસારણમાં આવ્યાં. ત્યારે સમગ્ર દેશે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન તેમને સાંભળ્યાં.

આ બાદ એલિઝાબેથના પિતા ડ્યૂક ઑફ યૉર્ક, કિંગ જ્યૉર્જ ષષ્ઠમના નામથી ગાદીએ બેઠા. એલિઝાબેથના પિતા રાજા બનવા માગતા ન હતા. પિતાની તાજપોશીથી એલિઝાબેથને પોતાના પર ભવિષ્યમાં આવનાર જવાબદારીઓનો અહેસાસ થવા લાગ્યો હતો. બાદમાં તેમણે આ અનુભવને ખૂબ સારો ગણાવ્યો હતો.

તે સમયે હિટલર ખૂબ ઝડપથી પોતાની તાકત વધારી રહ્યો હતો. યુરોપમાં વધતા જતા ઘર્ષણ વચ્ચે કિંગ જ્યોર્જ ષષ્ઠમ પોતાના પરિવાર સાથે દેશના પ્રવાસ પર નીકળી પડ્યા. એલિઝાબેથે તેમના પિતાના આ પ્રવાસથી ઘણા પાઠ શીખ્યાં.

1939માં 13 વર્ષની ઉંમરે એલિઝાબેથ તેમનાં માતાપિતા સાથે ડાર્ટમાઉથની રૉયલ નૅવલ કૉલેજ ગયાં. અહીં તેમની મુલાકાત પોતાના ભવિષ્યના પતિ ગ્રીસના પ્રિન્સ ફિલિપ સાથે થઈ. આમ તો આ બંને વચ્ચેની પ્રથમ મુલાકાત નહોતી. પરંતુ, જ્યારે બંને નૅવલ કૉલેજમાં મળ્યાં તો એલિઝાબેથે પ્રિન્સ ફિલિપમાં વધારે દિલચસ્પી લેવાનું શરૂ કર્યું.

રજાના દિવસો દરમિયાન પ્રિન્સ ફિલિપ પણ શાહી સંબંધીઓને મળવા લંડન પહોંચ્યા. 1944 આવતાં-આવતાં એલિઝાબેથ, પ્રિન્સ ફિલિપના પ્રેમમાં પડી ચૂક્યાં હતાં. તેઓ એકબીજાને પત્રો લખવા માંડ્યાં હતાં. એલિઝાબેથ, પ્રિન્સ ફિલિપની તસવીરો પોતાના ઓરડામાં રાખવા લાગ્યાં હતાં.

રાજકુમારી એલિઝાબેથ પોતાનાં માતાપિતા અને નાનાં બહેન માર્ગરેટ સાથે પોતાના પિતા કિંગ જ્યૉર્જ ષષ્ઠની તાજપોશી દરમિયાન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, રાજકુમારી એલિઝાબેથ પોતાનાં માતાપિતા અને નાનાં બહેન માર્ગરેટ સાથે પોતાના પિતા કિંગ જ્યોર્જ ષષ્ઠમની તાજપોશી દરમિયાન

બીજા વિશ્વ યુદ્ધના અંત સમયે રાજકુમારી એલિઝાબેથ ઑગ્ઝિલરી ટૅરિટોરિયલ સર્વિસમાં સામેલ થઈ ગયાં હતાં. ત્યાં તેઓ ગાડી ચલાવતાં અને તેને રિપૅર કરતાં શીખ્યાં.

8 મે 1945ના રોજ રાજકુમારી એલિઝાબેથે શાહી પરિવાર સાથે મળીને, વિશ્વ યુદ્ધના અંતની ઉજવણી કરી. જેમાં બ્રિટનની જીત થઈ હતી.

બાદમાં તેમણે લખ્યું, "અમે અમારાં માતા-પિતા પાસે સામાન્ય લોકો વચ્ચે જવાની મંજૂરી માગી કારણે કે અમે સામાન્ય લોકોની ખુશીને અનુભવી શકીએ. અમને ડર લાગતો હતો કે કોઈ ઓળખી ના લે. એ વખતે લંડનના મૉલમાં એટલી ભીડ હતી કે એક રેલો આવ્યો અને અમને પણ ખેંચીને લઈ ગયો."

યુદ્ધના અંત બાદ તેઓ પ્રિન્સ ફિલિપ સાથે લગ્ન કરવા ઇચ્છતાં હતાં. પરંતુ તેમના માર્ગમાં અનેક વિઘ્નો હતાં. એલિઝાબેથના પિતા કિંગ જ્યોર્જ પોતાની લાડકી દીકરીને દૂર મોકલવા માગતા ન હતા. બીજી તરફ પ્રિન્સ ફિલિપ બીજા દેશના હોવાની બાબત પણ એક કારણ હતું.

જોકે વિઘ્નો દૂર થઈ ગયાં. 20 નવેમ્બર 1947માં બંનેએ લંડનમાં શાહી ચર્ચ વેસ્ટમિનસ્ટરમાં લગ્ન કરી લીધાં.

મહારાણી એલિઝાબેથનું નિધન

ઇમેજ સ્રોત, PA Media

શાહી પરિવારમાં લગ્ન બાદ પ્રિન્સ ફિલિપને ડ્યૂક ઑફ એડિનબર્ગનો દરજ્જો આપવામાં આવ્યો. જોકે તેમણે શાહી નૌસેનાની નોકરી ના છોડી. તેમણે લગ્ન બાદ માલ્ટામાં કેટલોક સમય સાથે વિતાવ્યો, કોઈ સામાન્ય દંપતીની જેમ.

પ્રિન્સ ફિલિપ અને રાજકુમારી એલિઝાબેથના પ્રથમ સંતાન તરીકે 1948માં પ્રિન્સ ચાર્લ્સનો જન્મ થયો. બે વર્ષ બાદ પુત્રી એનનો પણ જન્મ થયો.

આ વચ્ચે એલિઝાબેથના પિતા કિંગ જ્યોર્જની તબિયત પણ નાજુક થઈ રહી હતી. તેમને ફેફસાંનું કૅન્સર હતું.

જાન્યુઆરી 1952માં એલિઝાબેથ અને તેમના પતિ વિદેશના પ્રવાસે નીકળ્યાં. ખરાબ તબિયતની વચ્ચે પણ કિંગ જ્યોર્જ જમાઈને વળાવવા માટે ઍરપૉર્ટ સુધી આવ્યા. આ પિતા-પુત્રી વચ્ચે છેલ્લી મુલાકાત હતી.

એલિઝાબેથ અને પ્રિન્સ ફિલિપ, કેન્યામાં હતાં ત્યારે તેમને તેમના પિતાના મોતના સમાચાર મળ્યા. તેઓ તુરંત બ્રિટન પહોંચ્યાં અને ખૂબ ઉતાવળે તેમને મહારાણી જાહેર કરી દેવામાં આવ્યાં.

તે સમયને યાદ કરતાં મહારાણી એલિઝાબેથે લખ્યું, 'મારા પિતાનું અવસાન ખૂબ વહેલું થયું હતું. તેમની સાથે રહીને મને શાહી કામકાજ શીખવાની તક પણ ન મળી. તેથી જ મને અચાનક મળેલી આ જવાબદારીને યોગ્ય રીતે નિભાવવાનો પડકાર મારી સામે હતો.'

તાજપોશી

મહારાણી એલિઝાબેથનું નિધન

ઇમેજ સ્રોત, PA

જૂન 1953માં એલિઝાબેથના રાજ્યાભિષેકનું લાઇવ ટીવી પ્રસારણ સમગ્ર વિશ્વમાં કરવામાં આવ્યું હતું. ઘણા લોકોએ પહેલીવાર ટીવી પર કોઈ કાર્યક્રમનું લાઇવ ટેલિકાસ્ટ જોયું. તે સમયે બ્રિટન બીજા વિશ્વયુદ્ધ બાદ કપાતના સમયગાળામાંથી પસાર થઈ રહ્યું હતું. વડા પ્રધાન વિંસ્ટન ચર્ચિલને આ કાર્યક્રમ પૈસાનો બગાડ લાગ્યો હતો. તેઓ લાઇવ પ્રસારણના વિરોધમાં હતા. પરંતુ બ્રિટનના સામાન્ય લોકોએ આ પ્રસારણથી ખુશ હતા.

વિશ્વયુદ્ધ પછી બ્રિટનની હેસિયતમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો. તેના સામ્રાજ્યનો વિસ્તાર ઘટવા લાગ્યો હતો. ભારત સહિત અનેક દેશોએ બ્રિટનથી આઝાદીની જાહેરાત કરી દીધી હતી. આ સ્થિતિમાં બ્રિટનનું ગૌરવ પાછું લાવવા માટે મહારાણી એલિઝાબેથે કૉમનવેલ્થ દેશોની મુલાકાત લેવાનું નક્કી કર્યું. ઑસ્ટ્રેલિયા અને ન્યૂ ઝીલૅન્ડની મુલાકાત લેનારાં તેઓ બ્રિટનનાં પ્રથમ મહારાણી હતાં. કહેવામાં આવે છે કે બે તૃતીયાંશ ઑસ્ટ્રેલિયન નાગરિકોએ તેમને નજીકથી જોયાં હતાં.

જેમ-જેમ અન્ય દેશો બ્રિટનથી સ્વતંત્ર થઈ રહ્યા હતા તેમ-તેમ રાણીનો લગાવ કૉમનવેલ્થ પ્રત્યે વધતો જતો હતો. કેટલાક લોકોને એવું લાગતું હતું કે બ્રિટિશ કૉમનવેલ્થને યુરોપિયન આર્થિક સમુદાયની સામે ઊભું કરી શકાય એમ છે.

વ્યક્તિગત હુમલો

1957માં તેઓ અમેરિકાના પ્રવાસ પર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 1957માં તેઓ અમેરિકાના પ્રવાસ પર

પરંતુ, મહારાણીના તમામ પ્રયાસો છતાં, બ્રિટનની તાકતના પતનને રોકી શકાયું ન હતું. 1956માં સુએઝ કેનાલ સંકટે બ્રિટનના સન્માનને વધુ ઝટકો આપ્યો. જ્યારે ઇજિપ્તે સુએઝ કેનાલનું રાષ્ટ્રીયકરણ કર્યું તેને રોકવા માટે બ્રિટિશ સૈનિકોને મોકલવામાં આવ્યા પરંતુ તેમણે ખાલી હાથે જ પરત ફરવું પડ્યું. આ જ કારણે બ્રિટનના વડા પ્રધાન એન્થોની એડને રાજીનામું આપવું પડ્યું હતું.

વડા પ્રધાનના રાજીનામાને કારણે મહારાણી એલિઝાબેથને એક રાજકીય સંકટનો સામનો કરવો પડ્યો. સત્તાધારી કન્ઝર્વેટિવ પાર્ટીમાં નવા નેતાની પસંદગીની પ્રક્રિયા નિશ્ચિત ન હતી. પરંતુ વડા પ્રધાન વિના દેશ ચાલી શકે તેમ પણ નહોતો. તેથી મહારાણીએ હેરોલ્ડ મેકમિલનને નવી સરકાર રચવા આમંત્રણ આપ્યું.

આ સમયે મહારાણીએ વ્યક્તિગત હુમલાઓનો પણ સામનો કરવો પડ્યો હતો. લૉર્ડ અલ્ટ્રિંચમે તેમના પર ઘણા આરોપો મૂક્યા. તેમનો આરોપ હતો કે મહારાણી ખૂબ જ ઉચ્ચ દરજ્જાનાં દેખાતાં હતાં, તેઓ લખ્યા વિના કોઈ ભાષણ આપી શકતાં નથી.

'રાજાશાહી'થી 'શાહી પરિવાર' સુધી

હેરૉલ્ડ મૅકમિલનના રાજીનામાથી પેદા થયેલ બંધારણીય સંકટ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, હેરોલ્ડ મેકમિલનના રાજીનામાથી પેદા થયેલ બંધારણીય સંકટ

મહારાણી વિરુદ્ધ આવાં નિવેદનો બાદ લૉર્ડ અલ્ટ્રિંચમ પર પણ હુમલાઓ થયા. પરંતુ આ ઘટના બાદ એ સ્પષ્ટ થઈ ગયું છે કે બ્રિટિશ શાહી પરિવાર વિશે લોકોનો અભિપ્રાય બદલાઈ રહ્યો છે. હવે લોકો પ્રશ્નો પૂછવા લાગ્યા હતા.

પતિની સલાહ પર મહારાણી એલિઝાબેથે પોતાને સમયની સાથે અનુકૂળ બનાવવાનું શરૂ કરી દીધું. રાજ દરબારના ઘણા રિવાજોને ખતમ કરી નાખવામાં આવ્યા. મહારાણીએ રાજાશાહીને બદલે શાહી પરિવાર શબ્દના ઉપયોગ પર ભાર મૂકવાનું શરૂ કર્યું.

1963માં જ્યારે હેરોલ્ડ મેકમિલન વડા પ્રધાન પદેથી રાજીનામું આપ્યું ત્યારે મહારાણીને અન્ય વધુ એક રાજકીય પડકારનો સામનો કરવો પડ્યો. તે સમયે પણ કન્ઝર્વેટિવ પાર્ટીમાં નેતાઓની પસંદગીની નવી પદ્ધતિ નક્કી કરવામાં આવી ન હતી. આ સ્થિતિમાં મૈકમિલનની સલાહ પર મહારાણીએ અર્લ ઑફ હોમને નવી સરકાર બનાવવા માટે આમંત્રણ મોકલી દીધું.

આમ તો બ્રિટનનાં મહારાણી તરીકે તેમની પાસે વધારે બંધારણીય અધિકારો ન હતા. પરંતુ તેઓ જાણકારી અને સલાહ લેવાના પોતાના અધિકારો પ્રત્યે ખૂબ જ સતર્ક હતાં. પરંતુ તેમના બંધારણીય દાયરાને પાર કરવાની કોશિશ તેમણે ક્યારેય નહોતી કરી.

જોકે, તે બાદ મહારાણીને આવી પરેશાનીનો સામનો કરવો પડ્યો નહીં.

સાઠના દાયકાના અંતમાં શાહી પરિવારે સામાન્ય લોકો સાથે સંબંધો વધારવાનો નિર્ણય કર્યો. બીબીસીએ શાહી પરિવાર પર એક ડૉક્યુમૅન્ટરી બનાવી. જેમાં શાહી પરિવારના સભ્યોને સામાન્ય લોકોની જેમ કામ કરતા પ્રથમ વખત બતાવવામાં આવ્યા. મહારાણીના પતિ પ્રિન્સ ફિલિપ કામ કરતા જોવા મળ્યા. શાહી પરિવારના બીજા સભ્યો પોતાનું ક્રિસમસ ટ્રી સજાવતા જોવા મળ્યા. પરિવારના પુરુષો પોતાનાં બાળકોને ફેરવતા જોવા મળ્યા.

અનેક લોકોએ આ ડૉક્યુમૅન્ટરી સામે વાંધો ઉઠાવ્યો. તેમનું કહેવું હતું કે આના કારણે જ શાહી પરિવાર સામાન્ય લોકો જેવો દેખાવા લાગ્યો.

મહારાણી એલિઝાબેથનું નિધન

ઇમેજ સ્રોત, HULTON ARCHIVE / GETTY IMAGES

લોકોના વાંધાથી અલગ, સામાન્ય લોકોએ આ ડૉક્યુમેન્ટરીનાં ખૂબ વખાણ કર્યાં. 1977માં જ્યારે મહારાણીની તાજપોશીની પચ્ચીસમી વર્ષગાંઠ મનાવવામાં આવી તો લોકોએ ધૂમધામથી ઉજવણી કરી.

બે વર્ષ બાદ માર્ગરેટ થેચર બ્રિટનનાં પ્રથમ મહિલા વડાં પ્રધાન બન્યાં. જોકે મહારાણી એલિઝાબેથ સાથે તેમના સંબંધો સામાન્ય રહ્યા નહોતા. થેચરની કામ કરવાની રીત મહારાણીને પસંદ નહોતી આવી. કારણ એ હતું કે મહારાણીને બ્રિટિશ કૉમનવેલ્થમાં અને ખાસ કરીને જૂની આફ્રીકન કૉલોનીઓ સાથે સંબંધો સુધારવામાં ઘણી દિલચસ્પી હતી. પરંતુ માર્ગરેટ થેચરનું આફ્રિકન દેશો પ્રત્યેનું વલણ મહારાણીને પસંદ ન હતું.

વર્ષ દર વર્ષ મહારાણી તરીકે એલિઝાબેથ પોતાની જવાબદારીઓ નિભાવતાં રહ્યાં. 1991ના ખાડી યુદ્ધ બાદ તેઓ અમેરિકાના પ્રવાસે ગયાં. જ્યાં તેઓ અમેરિકન કૉંગ્રેસને સંબોધન કરનારાં બ્રિટનનાં પ્રથમ મહારાણી બન્યાં. અમેરિકાના તત્કાલીન રાષ્ટ્રપતિ જ્યોર્જ એચ બુશે તેમનાં ખૂબ વખાણ કર્યાં હતાં.

પરંતુ નેવુંનો દાયકો શાહી પરિવાર માટે ખૂબ ખરાબ રહ્યો. મહારાણી એલિઝાબેથના બીજા પૂત્ર ડ્યૂક ઑફ યૉર્ક અને તેમનાં પત્ની સારા અલગ થઈ ગયાં. એવી જ રીતે તેમનાં પુત્રી રાજકુમારી એનના પણ તેમના પતિ માર્ક ફિલિપ્સ સાથે છૂટાછેડા થઈ ગયા. બાદમાં પ્રિન્સ ચાર્લ્સ અને રાજકુમારી ડાયના વચ્ચેના કડવાશભર્યા સંબંધોની સચ્ચાઈ પણ સાર્વજનિક થઈ ગઈ. બાદમાં બંને અલગ પણ થઈ ગયાં.

ટીકા અને મુસીબત

મહારાણી એલિઝાબેથનું નિધન

ઇમેજ સ્રોત, PA Media

નેવુંના દાયકામાં શાહી મહેલ વિન્ડસર પૅલેસમાં ભયંકર આગ લાગી ગઈ. જે બાદ બ્રિટનમાં એ વાત પર ચર્ચા શરૂ થઈ કે આખરે રાજમહેલના સમારકામનો ખર્ચ કોણ ઉઠાવશે? સમારકામ શાહી ખર્ચે થાય કે બ્રિટિશ પબ્લીકના ખર્ચે થાય. જેને લઈને ઇંગ્લૅન્ડના લોકો બે ભાગમાં વહેંચાઈ ગયા.

મહારાણીએ તેનો રસ્તો કાઢ્યો. રાજમહેલના સમારકામનો ખર્ચ કાઢવા માટે તેમણે બકિંમઘમ પૅલેસને સામાન્ય લોકો માટે ખુલ્લો મૂક્યો. સાથે જ રાજપરિવારે એ જાહેરાત પણ કરી કે મહારાણી અને તેમના યુવરાજ પ્રિન્સ ઑફ વેલ્સ બંને પોતાની આવક પર ટૅક્સ ચૂકવશે.

1992ના વર્ષને મહારાણી એલિઝાબેથે પોતાની જિંદગીનું સૌથી ખરાબ વર્ષ કહ્યું હતું. તેમણે એક ભાષણમાં કહ્યું કે કોઈ પણ સંસ્થા કે વ્યક્તિએ જવાબદારીથી ભાગવું ના જોઈએ. બ્રિટનનો શાહી પરિવાર પણ આ પ્રકારની તપાસ માટે તૈયાર છે. પરંતુ તપાસ કરવાની રીત કડક ના હોવી જોઈએ.

આવા ખરાબ સમયની વચ્ચે એક સારા સમાચાર પણ આવ્યા. દક્ષિણ આફ્રિકાએ રંગભેદને નાબૂદ કરવાની જાહેરાત કરી દીધી. મહારાણીને હંમેશાંથી કૉમનવેલ્થ દેશો સાથેના સંબંધોમાં રુચિ રહી હતી. એટલા માટે તેમણે રંગભેદ નાબૂદી બાદ 1995માં દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ પણ કર્યો.

રાજકુમારી ડાયનાનું નિધન

ઑસ્ટ્રેલિયાના પર્થમાં મહારાણી એલિઝાબેથ કૉમનવેલ્થ પ્રમુખો સાથે બેઠક દરમિયાન (વર્ષ 2011ની તસવીર)

ઇમેજ સ્રોત, AFP

ઇમેજ કૅપ્શન, ઑસ્ટ્રેલિયાના પર્થમાં મહારાણી એલિઝાબેથ કૉમનવેલ્થ પ્રમુખો સાથે બેઠક દરમિયાન (વર્ષ 2011ની તસવીર)

ઘર આંગણે મહારાણી સામે શાહી પરિવારની આબરુ બચાવી રાખવાનો પડકાર હતો.

પરંતુ પ્રિન્સેસ ડાયના અને પ્રિન્સ ચાર્લ્સના કડવાશભર્યા સંબંધો અને અલગ થયાની ઘટનાને કારણે શાહી પરિવારની આબરુને નુકસાન પહોંચ્યું હતું. 1997માં રાજકુમારી ડાયનાનાં મોત બાદ જનતા સંપૂર્ણરીતે શાહી પરિવારની વિરુદ્ધ થઈ ગઈ. મહારાણી પર વ્યક્તિગત રીતે અનેક આરોપો લાગ્યા હતા.

પેરિસમાં થયેલી દુર્ઘટનામાં રાજકુમારી ડાયનાના મોત બાદ હજારો લોકોએ ઘરની બહાર નીકળીને રાજકુમારી ડાયનાને શ્રદ્ધાંજલી આપી. મહારાણીને આ દેખાડો જરા પણ પસંદ ન હતો. સાથે જ તેઓ ઇચ્છતાં હતાં કે વ્યક્તિગત નુકસાનના આ સમયે પોતાના પૌત્રોની સંભાળ કરવા માટે તેમને એકલાં છોડી દેવામાં આવે.

જોકે બાદમાં તેમણે રાજકુમારી ડાયનાના મોત પર દેશના નામ પર સંદેશ આપ્યો. તેમણે દેશને વચન આપ્યું કે શાહી પરિવાર ખુદને બદલતા સમયની સાથે તાલ મેળવવાની કોશિશ કરશે.

વર્ષ 2002માં પોતાના રાજપાટ 50મી વર્ષગાંઠ પર મહારાણીને વ્યક્તિગત ઝટકો લાગ્યો. આ સમયે તેમનાં માતા રાજકુમારી માર્ગરેટનું મૃત્યુ થયું હતું. આમ છતાં તેમની તાજપોશીની 50મી વર્ષગાંઠ ધામધૂમથી ઉજવવામાં આવી.

પ્રિન્સેસ ઑફ વેલ્સ ડાયનાના મૃત્યુ બાદ મહારાણીએ ટીકાનો સામનો કરવો પડ્યો

ઇમેજ સ્રોત, PA Media

ઇમેજ કૅપ્શન, પ્રિન્સેસ ઑફ વેલ્સ ડાયનાના મૃત્યુ બાદ મહારાણીએ ટીકાનો સામનો કરવો પડ્યો

આ સમયે લંડનના ધ મૉલ ખાતે 10 લાખથી પણ વધુ લોકો ઉજવણી માટે એકઠા થયા હતા. એપ્રિલ 2006માં જ્યારે મહારાણી તેમના 80મા જન્મદિવસે સામાન્ય લોકોને મળવા નીકળ્યાં ત્યારે વિંડસર પૅલેસની સામે ટોળાં એકઠાં થઈ ગયાં.

વર્ષ 2007માં મહારાણી એલિઝાબેથ અને પ્રિન્સ ફિલિપે તેમના લગ્નની 60મી વર્ષગાંઠ ઊજવી. આ પ્રસંગે વેસ્ટમિનસ્ટર એબેના રૉયલ ચર્ચમાં વિશેષ પ્રાર્થનાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બે હજાર લોકો હાજર રહ્યા હતા.

એપ્રિલ 2011માં રાજવી પરિવારમાં વધુ એક ખુશીનો પ્રસંગ આવ્યો, જ્યારે રાણીના પૌત્ર પ્રિન્સ વિલિયમનાં લગ્ન કેટ મિડલટન સાથે થયાં

ઇમેજ સ્રોત, PA Media

ઇમેજ કૅપ્શન, એપ્રિલ 2011માં રાજવી પરિવારમાં વધુ એક ખુશીનો પ્રસંગ આવ્યો, જ્યારે રાણીના પૌત્ર પ્રિન્સ વિલિયમનાં લગ્ન કેટ મિડલટન સાથે થયાં

એપ્રિલ 2011માં રાજવી પરિવારમાં વધુ એક ખુશીનો પ્રસંગ આવ્યો, જ્યારે રાણીના પૌત્ર પ્રિન્સ વિલિયમનાં લગ્ન કેટ મિડલટન સાથે થયાં. આખા દેશે આ શાહી લગ્નની ઉજવણી કરી હતી.

મે 2011માં મહારાણી એલિઝાબેથ આયર્લૅન્ડની મુલાકાત કરનારાં બ્રિટનનાં પ્રથમ મહારાણી બન્યાં હતાં. તેમણે આયર્લૅન્ડ સાથે ઐતિહાસિક રીતે વણસેલા સંબંધોને સુધારવા માટે પહેલ કરી. મહારાણીએ આયરિશ લોકો પર બ્રિટનના જૂના જુલમ અંગે પણ ખેદ વ્યક્ત કર્યો હતો.

2012માં ઉત્તરી આયર્લૅન્ડના પ્રવાસ વખતે તેમણે બ્રિટિશ સરકાર વિરુદ્ધ બળવો કરનારા સંગઠન આઇરિશ રિપબ્લિકન આર્મીના નેતા માર્ટિન મૈક્ગિનસ સાથે હાથ મિલાવીને નવો સંદેશ આપવાનો પ્રયાસ કર્યો. આ એ જ આઇરિશ રિપબ્લિક આર્મી છે જેમણે મહારાણીના પિતરાઈ ભાઈ લૉર્ડ માઉન્ટબેટનની હત્યા કરી હતી.

તે વર્ષે રાણીની તાજપોશીની 60મી વર્ષગાંઠની ઉજવણી પણ ખૂબ જ ધામધૂમથી કરવામાં આવી હતી. 2014માં રાણી માટે રાજકીય રીતે મુશ્કેલ સમય પણ આવ્યો. બ્રિટનથી અલગ થવા માટે સ્કૉટલૅન્ડમાં અભિપ્રાય લેવામાં આવ્યો હતો.

આયરિશ રિપબ્લિકન આર્મીના નેતા માર્ટિન મૅક્ગિનસ સાથે હાથ મિલાવીને એક નવો સંદેશ આપવાની કોશિશ કરતાં મહારાણી

ઇમેજ સ્રોત, PA Media

ઇમેજ કૅપ્શન, આયરિશ રિપબ્લિકન આર્મીના નેતા માર્ટિન મૅક્ગિનસ સાથે હાથ મિલાવીને એક નવો સંદેશ આપવાની કોશિશ કરતાં મહારાણી

મહારાણીએ હંમેશાં બ્રિટનની એકતાને સમર્થન આપ્યું હતું. તેઓ નહોતાં ઇચ્છતાં કે સ્કૉટલૅન્ડ અલગ થઈ જાય. લોકમત પહેલાં મહારાણીએ બાલમોરલ કિલ્લાની બહાર એકઠા થયેલા લોકોને સમજદારીપૂર્વક નિર્ણય લેવા અપીલ કરી હતી. કદાચ જનતાએ તેમના દિલની વાત સાંભળી અને સ્કૉટલૅન્ડના અલગ થવાના પ્રસ્તાવને જરૂરી સમર્થન ન મળ્યું.

જ્યારે જનમતનો આંકડો સામે આવ્યો ત્યારે મહારાણીએ રાહતનો શ્વાસ લીધો. 1997માં સંસદમાં આપેલા એક ભાષણમાં તેમણે બ્રિટનની એકતા જાળવી રાખવાનો વાયદો કર્યો હતો. એ જવાબદારીનું વહન કરવામાં મહારાણી સફળ રહ્યાં હતાં.

આ પ્રસંગે મહારાણીએ કહ્યું હતું કે, 'હવે જ્યારે આપણે આગળ વધી રહ્યા છીએ, તો આપણે યાદ રાખવું જોઈએ કે ઘણા લોકોએ તેમના અલગઅલગ અભિપ્રાયો વ્યક્ત કર્યા છે. પરંતુ, આ બધામાં એક વાત છે જેના પર બધા સહમત થશે અને તે છે કે આપણે બધા સ્કૉટલૅન્ડને ખૂબ પ્રેમ કરીએ છીએ.

મહારાણી એલિઝાબેથનું નિધન

ઇમેજ સ્રોત, Getty Images

9 સપ્ટેમ્બર 2015ના રોજ તેઓ રાણી વિક્ટોરિયા કરતાં પણ વધુ સમય સુધી રાજ કરનારાં મહારાણી બની ગયાં હતાં. જોકે આ બાબત પર એલિઝાબેથે વધુ ખુશી વ્યક્ત કરી ન હતી. આ વર્ષે એપ્રિલમાં જ મહારાણી એલિઝાબેથે પોતાનો 90મો જન્મદિવસ ઉજવ્યો હતો.

મહારાણી એલિઝાબેથના શાસનના અંત સમયે શાહી પરિવારનો દરજ્જો એટલો ઊંચો નથી જેટલો 1952માં તેમના રાજ્યાભિષેક સમયે હતો. પરંતુ સામાન્ય બ્રિટિશ નાગરિકોમાં શાહી પરિવાર પ્રત્યેનો મોભો અને પ્રેમ જાળવી રાખવામાં તેઓ સફળ રહ્યાં.

પોતાના રાજ્યાભિષેકની 25મી વર્ષગાંઠ નિમિત્તે મહારાણી એલિઝાબેથે 30 વર્ષ પહેલાં લીધેલા સોગનને યાદ કર્યા હતા. આ વાયદો તેમણે દક્ષિણ આફ્રિકાના પ્રવાસ વખતે પોતાના લોકોને કર્યો હતો.

'જ્યારે હું 21 વર્ષની હતી ત્યારે જ મેં મારી જાતને લોકોની સેવામાં સમર્પિત કરી દીધી હતી. તે સમયે મેં આ જવાબદારી નિભાવવામાં ભગવાનની મદદ માગી હતી. એ મારા બાળપણના દિવસો હતા. ત્યારે મને સાચાં-ખોટાં વચ્ચેના ભેદ વિશે વધારે ખબર નહોતી. પરંતુ ત્યારે મેં જે વાયદો કર્યો હતો તેના પર હું આજે પણ અડગ છું. તેના એક પણ શબ્દથી હું પાછળ હઠી નથી.'

બ્રિટનમાં સૌથી લાંબા સમય સુધી શાસન કરનારાં મહારાણી એલિઝાબેથ દ્વિતીયનું 96 વર્ષની ઉંમરે નિધન થયું છે.

તેમણે બ્રિટન પર 70 વર્ષ સુધી શાસન કર્યું હતું.

ગુરુવારે મહારાણી એલિઝાબેથની સ્વાસ્થ્યની સ્થિતિને જોતાં તેમના સ્કૉટિશ ઍસ્ટેટમાં તેમનો સમગ્ર પરિવાર એકઠો થયો હતો.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન