મહારાણી એલિઝાબેથ દ્વિતીયના અંતિમસંસ્કાર : કોણ હાજર અને કોને નિમંત્રણ નહીં

ઇમેજ સ્રોત, Getty Images
મહારાણી એલિઝાબેથ દ્વિતીયના અંતિમસંસ્કાર સોમવારે (19 સપ્ટેમ્બર) થશે. આ પ્રસંગે રાજવી પરિવારના સભ્યો અને વિશ્વભરના નેતાઓ ત્યાં હાજર રહેશે.
બ્રિટનમાં દાયકાઓ પછી શાહી પરિવારના સભ્યો અને રાજ્યના વડાઓનો આટલો મોટો મેળાવડો જોવા મળશે. એવું માનવામાં આવે છે કે છેલ્લા કેટલાક દાયકા દરમિયાન આ પ્રસંગે બ્રિટનમાં સૌથી વધુ લોકોનો મેળાવડો યોજાઈ રહ્યો છે.
એમાં હાજરી આપનારને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
મહારાણીના અંતિમસંસ્કારમાં રાજ્યના વડાઓ અને પ્રતિષ્ઠિત વિદેશી મહેમાનો સહિત 500 લોકોને હાજર રહેવા માટે બોલાવવામાં આવ્યા છે.
મોટા ભાગના નેતાઓને કૉમર્શિયલ ફ્લાઈટથી આવવાનું કહેવામાં આવ્યું છે. લંડન પહોંચતાં જ આ નેતાઓને બસમાં બેસાડીને પશ્ચિમ લંડન લઈ જવામાં આવશે.

ઇમેજ સ્રોત, Reuters
અંતિમસંસ્કાર વેસ્ટમિન્સ્ટર ઍબી ખાતે થશે. અહીં ઓછામાં ઓછા 2,200 લોકો હાજર રહી શકે છે.
મહારાણીના અંતિમસંસ્કારમાં કોણ આવશે અને કોણ નહીં હાજરી આપે તેની નવીનતમ માહિતી આપવામાં આવી છે.

શાહી પરિવાર

ઇમેજ સ્રોત, Getty Images
અંતિમસંસ્કારમાં ચોક્કસપણે મહારાણીનો પરિવાર હાજર રહેશે. કિંગ ચાર્લ્સ, ક્વીન કોન્સૉર્ટ કેમીલા, મહારાણીનાં બાળકો એન, એન્ડ્રુ અને એડવર્ડ અને તેમનાં જીવનસાથી - જેમાં એન્ડ્રુનાં પૂર્વ પત્ની સારાહ ફર્ગ્યુસન પણ હાજર રહેશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મહારાણીનાં પૌત્રો - પ્રિન્સ વિલિયમ અને હેરી, પ્રિન્સેસ બીટ્રિસ અને યુજિની, ઝારા ટિંડલ, પીટર ફિલિપ્સ, લેડી લુઈસ વિન્ડસર અને જેમ્સ વિસ્કાઉન્ટ સેવરન - તેમના જીવનસાથીઓ સાથે હાજરી આપે તેવી અપેક્ષા છે. મહારાણીનાં 12 પૌત્રમાંથી કેટલાં તેમના અંતિમસંસ્કારમાં ભાગ લેશે તે હજુ સ્પષ્ટ નથી.
અન્ય લોકોમાં અર્લ સ્પેન્સર, પ્રિન્સેસ ડાયનાના ભાઈ, મહારાણીના ગૉડસન અને હેરીના કાકા, પ્રિન્સ અને પ્રિન્સેસ માઈકલ ઑફ કેન્ટ અને ડ્યૂક અને ડચેસ ઑફ કેન્ટ પણ સામેલ થાય તેવી અપેક્ષા છે.

મહારાણીના મિત્રો અને તેમનો સ્ટાફ

ઇમેજ સ્રોત, PA Media
આમંત્રિત લોકોમાં એ લોકોનો પણ સમાવેશ થાય છે જેમણે દાયકાઓ સુધી મહારાણી માટે કામ કર્યું છે અને તેમની સાથે રહ્યા છે.
આમાં લેડી સુઝેન હસીનો સમાવેશ થાય છે, જેમણે 1960માં મહારાણી સાથે કામ કરવાનું શરૂ કર્યું હતું. તેઓ પ્રિન્સ વિલિયમનાં ગૉડમધર પણ છે. તેઓ 2021માં પ્રિન્સ ફિલિપના અંતિમસંસ્કારમાં મહારાણી સાથે જોવા મળ્યાં હતાં.
ડેમ મેરી મોરિસન પણ હાજર રહેશે, જેઓ 81 વર્ષની વયે પગની પિંડી તૂટી ગયા પછી સારવારમાંથી સ્વસ્થ થયા પછી શક્ય તેટલી વહેલી તકે મહારાણી પાસે પરત ફર્યા હતા.
લિવરપૂલમાં જન્મેલા અને બંદર પરના મજૂરનાં પુત્રી એન્જેલા કેલી 30 વર્ષથી મહારાણીનાં અંગત સહાયક અને વરિષ્ઠ ડ્રેસર તરીકે કામ કરી રહ્યાં હતાં અને તેમને મહારાણીનાં સૌથી વિશ્વાસુ માનવામાં આવતાં હતાં.
અન્ય સલાહકાર અને મિત્ર જોન વૉરેન પણ હાજરી આપશે. તેઓ મહારાણીના રેસિંગ મૅનેજર હતા. જ્યારે તેમનો ઘોડો ઇસ્ટમેટ 2013માં ગોલ્ડકપ જીત્યો ત્યારે તેઓ મહારાણી સાથે ઉજવણી કરતા કૅમેરામાં જોવા મળ્યા હતા.
પૂર્વ ફૉર્મ્યૂલા વન વર્લ્ડ ચૅમ્પિયન સર જેકી સ્ટુઅર્ટ મહારાણીના નિધન પહેલાં તેમને મળવા બાલમોરલ જવાના હતા. તેઓ પણ અંતિમસંસ્કારમાં હાજરી આપે તેવી શક્યતા છે.
એ જ રીતે સર ડેવિડ એટનબરો, તેમનો અને મહારાણીનો જન્મ થોડાં અઠવાડિયાંના અંતરે જ થયો હતો અને અનેક પ્રસંગોએ બંનેએ સાથે કામ કર્યું હતું, તેઓ પણ હાજર રહે તેવી સંભાવના છે.

યુરોપનો શાહી પરિવાર

ઇમેજ સ્રોત, Reuters
યુરોપમાં વર્તમાન શાહી પરિવારના સભ્યો મહારાણીના અંતિમસંસ્કારમાં હાજરી આપશે. આમાંથી ઘણાને મહારાણી સાથે લોહીના સંબંધ હતા.
બેલ્જિયમના કિંગ ફિલિપ અને ક્વીન માટિલ્ડાએ મહારાણીના અંતિમસંસ્કારમાં તેમના આગમનની પુષ્ટિ કરી છે. કિંગ વિલેમ-એલેક્ઝાન્ડર અને તેમનાં પત્ની ક્વીન મેક્સિમા અને તેમનાં માતા ભૂતપૂર્વ ડચ ક્વીન પ્રિન્સેસ બીટ્રિક્સ પણ હાજરી આપશે.
સ્પેનના કિંગ ફેલિપે અને ક્વીન લેટિઝિયાએ પણ આમંત્રણ સ્વીકાર્યું છે. આ પ્રસંગે નોર્વે, સ્વિડન અને ડેનમાર્કના રાજવી પરિવારના સભ્યો પણ અહીં આવશે.

અમેરિકી રાષ્ટ્રપતિ

ઇમેજ સ્રોત, EPA
વ્હાઇટ હાઉસે કહ્યું છે કે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડન તેમનાં પત્ની જિલ બાઇડન સાથે આવશે. જોકે તેઓ બસમાં અંતિમસંસ્કારના સ્થળ સુધી નહીં જાય તેવું મનાઈ રહ્યું છે.
રાષ્ટ્રપતિ બાઇડન યુએસ ડેલિગેશનમાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો સમાવેશ કરશે કે કેમ તે અંગે ઘણી ચર્ચા થઈ હતી. પરંતુ બાઇડનની સાથે જોડાનારા લોકોની મર્યાદિત સંખ્યાને જોતાં જરૂરી નથી કે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ તેમાં જોડાય.
એવી અટકળો છે કે ઓબામા દંપતી અને અન્ય કેટલાક પૂર્વ રાષ્ટ્રપતિઓને ખાનગી રીતે આમંત્રણ મોકલવામાં આવી શકે છે.
જોકે, 'પોલિટિકો' અનુસાર, 1977થી 1981 સુધી યુએસના રાષ્ટ્રપતિ રહી ચૂકેલા જિમી કાર્ટરના કાર્યાલયે કહ્યું છે કે તેમને આમંત્રણ મળ્યું નથી.

કૉમનવેલ્થના નેતા

ઇમેજ સ્રોત, Getty Images
ભારતનાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ બ્રિટનનાં મહારાણી એલિઝાબેથ દ્વિતીયના અંતિમસંસ્કારમાં હાજરી આપવા લંડન જશે. જોકે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એ વાતની પુષ્ટિ કરી નથી કે તેઓ તેમાં ભાગ લેવા લંડન જશે કે નહીં.
ઑસ્ટ્રેલિયન વડા પ્રધાન એન્ટોની એલ્બનિસે અંતિમસંસ્કારમાં હાજરી આપવાનું આમંત્રણ સ્વીકાર્યું છે. ન્યૂઝીલૅન્ડનાં વડાં પ્રધાન જેસિન્ડા અર્ડર્ન અને કૅનેડાના પીએમ જસ્ટિન ટ્રુડો પણ હાજરી આપશે.
ગવર્નર-જનરલ કે જેમની કૉમનવેલ્થ દરમિયાન સમ્રાટ અથવા મહારાણીના પ્રતિનિધિ તરીકે નિમણૂક કરવામાં આવી હતી તેઓ પણ હાજરી આપે તેવી અપેક્ષા છે.
બાંગ્લાદેશનાં વડાં પ્રધાન શેખ હસીના અને શ્રીલંકાના રાષ્ટ્રપતિ રનિલ વિક્રમસિંઘે પણ અંતિમસંસ્કારમાં હાજરી આપે તેવી શક્યતા છે.

અન્ય કોણ-કોણ સામેલ થશે?

ઇમેજ સ્રોત, CHRISTOF STACHE
અંતિમસંસ્કારમાં વિશ્વના ઘણા મોટા નેતાઓ હાજરી આપશે. તેમાં આઇરિશ નેતા તાઓઇશિચ માઇકલ માર્ટિન, જર્મનીના રાષ્ટ્રપતિ ફ્રેન્ક વોલ્ટર સ્ટિનમાયર, ઇટાલિયન પ્રમુખ સર્જિયો માતારેલા અને યુરોપિયન કમિશનના વડા ઉર્સ વોનડર લિએનનો સમાવેશ થાય છે.
દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ યુન સુક યોલ અને બ્રાઝિલના રાષ્ટ્રપતિ જાયર બોલસોનારોએ મહારાણીના અંતિમસંસ્કારમાં હાજરીની પુષ્ટિ કરી છે.
તુર્કીના રાષ્ટ્રપતિ રેચેપ તૈયપ અર્દોઆન, ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન અને જાપાનના સમ્રાટ નારુહિતો પણ હાજરી આપે તેવી શક્યતા છે.
આ અઠવાડિયે કઝાકિસ્તાન અને ઉઝબેકિસ્તાનની મુલાકાત લઈ રહેલા ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને પણ અંતિમસંસ્કારમાં હાજરી આપવા આમંત્રણ આપવામાં આવ્યું છે.
ચીનના લઘુમતી વીગર સમુદાયના લોકો સાથેના વ્યવહારને લઈને ઘણા મંત્રીઓ દ્વારા તેમની ટીકા કરવામાં આવી છે.
સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે અને લંડનમાં સાઉદી ઍમ્બૅસીએ કહ્યું છે કે તેઓ સપ્તાહના અંતમાં બ્રિટન પહોંચી જશે.
વ્હાઇટ હૉલનાં સૂત્રોના જણાવ્યા અનુસાર, તેના પરમાણુ કાર્યક્રમને લઈને આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોનો સામનો કરી રહેલા ઈરાન તરફથી રાજદૂતસ્તરની ભાગીદારી હશે.

'આમને બોલાવવામાં આવ્યા નથી'

ઇમેજ સ્રોત, Reuters
બીબીસીના જેમ્સ લેન્ડેલના જણાવ્યા અનુસાર સીરિયા, વેનેઝુએલા અને અફઘાનિસ્તાનને આમંત્રણ આપવામાં આવ્યું નથી. તેમનું કહેવું છે કે આનું કારણ એ છે કે બ્રિટનના આ દેશો સાથે પૂર્ણ રાજદ્વારી સંબંધો નથી.
મહારાણીના અંતિમસંસ્કારમાં રશિયા, બેલારુસ કે મ્યાનમારના કોઈ પ્રતિનિધિઓને આમંત્રણ આપવામાં આવ્યું નથી.
યુક્રેન પર હુમલા બાદ રશિયા અને બ્રિટનના રાજદ્વારી સંબંધો તૂટી ગયા છે. રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના પ્રવક્તાએ ગયા અઠવાડિયે કહ્યું હતું કે પુતિન અંતિમસંસ્કારમાં જવા માટે "વિચાર નથી" કરી રહ્યા.
યુક્રેન પર રશિયાના આક્રમણના પ્રારંભિક તબક્કામાં રશિયાએ બેલારુસિયન જમીનોનો ઉપયોગ કર્યો. બેલારુસના રાષ્ટ્રપતિ એલેક્ઝાન્ડર લુકાશેન્કોને રશિયન રાષ્ટ્રપતિ પુતિનના નજીકના સાથી માનવામાં આવે છે.
ફેબ્રુઆરી 2021માં લશ્કરી બળવા પછી બ્રિટને મ્યાનમારમાં પણ પોતાની રાજદ્વારી હાજરી ઘટાડી દીધી છે.
જ્યારે ઉત્તર કોરિયા અને નિકારાગુઆને આ કાર્યક્રમમાં હાજરી આપવા માટે રાજ્યના વડાઓની જગ્યાએ તેમના રાજદૂતો મોકલવાનું આમંત્રણ આપવામાં આવ્યું છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













