મહારાણી એલિઝાબેથ દ્વિતીયની તસવીરોવાળાં સિક્કા અને નોટોનું હવે શું થશે?

ઇમેજ સ્રોત, Getty Images
70 વર્ષોથી મહારાણી એલિઝાબેથ દ્વિતીય બ્રિટનના લોકોના રોજિંદા જીવનનો ભાગ બની ચૂક્યાં હતાં. તેમની તસવીરો સિક્કાથી માંડીને અન્ય જગ્યાઓએ જોઈ શકાય છે.

સિક્કા પર તસવીરો

ઇમેજ સ્રોત, THE ROYAL MINT
બ્રિટનમાં મહારાણીની તસવીર સાથે લગભગ 290 કરોડ સિક્કા ઉપયોગમાં છે. વર્ષ 2015માં સિક્કાની સૌથી નવી ડિઝાઇન જાહેર કરાઈ હતી, ત્યારે મહારાણી 88 વર્ષનાં હતાં. મહારાણી એલિઝાબેથ દ્વિતીયના શાસનમાં તેમની તસવીરવાળા સિક્કા જાહેર કરાયા હોય તેવી આ પાંચમી તક હતી.
રૉયલ મિન્ટ નહીં જણાવે કે તેઓ કિંગ ચાર્લ્સની તસવીરવાળા સિક્કા ક્યારથી જાહેર કરવાનું શરૂ કરશે, પરંતુ શક્ય છે કે સિક્કાને બદલવાનું કામ નિરાંતે થશે અને આગામી અમુક વર્ષો સુધી મહારાણીની તસવીરવાળા સિક્કાનો ઉપયોગ થતો રહેશે.
વર્ષ 1971માં જ્યારે સિક્કા અપડેટ કરાયા હતા, તે સમયે ઘણા રાજાઓની તસવીરોવાળા સિક્કાનો ઉપયોગ થવો એ સામાન્ય બાબત હતી.
રાજાની તસવીરવાળા સિક્કા કેવા દેખાશે, તે અંગે હાલ કોઈ જાણકારી ઉપલબ્ધ નથી. વર્ષ 2018માં તેમના 70મા જન્મદિવસે જાહેર કરાયેલ સિક્કાથી એક ઝલક જરૂર પ્રાપ્ત થાય છે. એક વાત તો સ્પષ્ટ છે, તસવીરમાં તેઓ બીજી તરફ જોઈ રહ્યા હશે એટલે કે જમણી બાજુ. પરંપરાગત રીતે જ્યારે સિક્કા પર તસવીર બદલવામાં આવે છે તો તેમનું મોઢું ગત મહારાજા કે મહારાણીના મોઢાની દિશામાં નહીં પરંતુ અન્ય દિશામાં રહે છે.

ઇમેજ સ્રોત, Getty Images
સરકાર દ્વારા સંમતિ મળી જાય પછી સાઉથ વેલ્સ સ્થિત રૉયલ મિંટ નવી ડિઝાઇનના સિક્કા બનાવવાનું શરૂ કરી દે છે.
વર્ષ 1960થી મહારાણી બૅંક ઑફ ઇંગ્લૅન્ડની દરેક નોટ પર પણ જોવા મળે છે. જોકે, સ્કૉટિશ અને આઇરિશ નોટો પર મોનાર્કની તસવીર નહીં હોય.
ઇંગ્લૅન્ડમાં લગભગ 450 કરોડ નોટ ઉપયોગમાં છે. જેની કુલ કિંમત આઠ હજાર કરોડ છે. સિક્કાની જેમ નોટોને પણ ધીરે ધીરે બદલવામાં આવશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પહેલાં ચલણમાં હતી તે તમામ નોટો લીગલ ટૅન્ડર તરીકે જળવાઈ રહેશે. કોઈ પણ પ્રકારના ફેરફારની સ્થિતિમાં બૅંક ઑફ ઇંગ્લૅન્ડ ઘણી નોટિસો બહાર પાડશે.

સ્ટૅમ્પ અને પોસ્ટબૉક્સ

ઇમેજ સ્રોત, ROYAL MAIL
વર્ષ 1967થી રૉયલ મેલના તમામ સ્ટૅમ્પ પર મહારાણી એલિઝાબેથ દ્વિતીયની તસવીર હતી. હવે રૉયલ મેલે આ સ્ટૅમ્પ બનાવવાનું બંધ કરી દીધું છે. પરંતુ જૂનાનો ઉપયોગ ચાલુ રહેશે. નવા સ્ટૅમ્પ પ્રિન્ટ કરવાની પ્રક્રિયા જલદી શરૂ થશે.
નવા મહારાજાની તસવીર પહેલાં રૉયલ સ્ટૅમ્પ પર આવી ચૂકી છે પરંતુ નવી ડિઝાઇન કેવી હશે, રૉયલ મેલે હજુ સુધી તે અંગે સ્પષ્ટતા નથી કરી. સ્ટૅમ્પ સિવાય ઘણા પોસ્ટબૉક્સ પર મહારાણી સાથે જોડાયેલા સંકેતોનો ઉપયોગ કરાય છે.
બ્રિટનના 1,15,000 પોસ્ટ બૉક્સમાંથી 60 ટકા પર મહારાણીનું EIIR માર્ક છે. તેમાં Eનો અર્થ એલિઝાબેથ છે અને Rનો અર્થ રેગિના કે મહારાણી. સ્કૉટલૅન્ડમાં સ્કૉટિશ ક્રાઉનની તસવીર હોય છે. સ્કૉટલૅન્ડથી બહાર તમામ પોસ્ટબૉક્સમાં રાજાનાં નિશાન લગાવાશે.

રૉયલ સીલ

ટૉમેટો કેચઅપથી માંડીને પર્ફ્યૂમની બોટલો સુધી, રોજબરોજના વપરાશની ઘણી વસ્તુઓ પર એક સીલ લગાવવામાં આવે છે જેના પર લખ્યું હોય છે, "હર મેજેસ્ટીની નિયુક્તિ થકી"
આ વસ્તુઓને રૉયલ વૉરંટ પ્રાપ્ત થયેલ હોય છે, જેનો અર્થ છે કે જે કંપની આને બનાવે છે, તે શાહી ઘરોમાં પણ તેની સપ્લાય કરે છે.
પાછલી એક સદીથી મોનાર્ક કે પછી તેમનાં પતિ/પત્ની રૉયલ વૉરંટ જાહેર કરતાં આવ્યાં છે. તેમને ગ્રાન્ટર કહેવાય છે. હાલ આવાં 900 રૉયલ વૉરંટ છે જે 800 કંપનીઓ પાસે છે.
જ્યારે ગ્રાન્ટરનું મૃત્યુ થાય છે, ત્યારે તેમનાં રૉયલ વૉરંટ ખતમ થઈ જાય છે. કંપનીએ બે વર્ષની અંદર એ નિશાનનો ઉપયોગ બંધ કરવાનો હોય છે. જોકે ક્વીન મધરનાં વૉરંટ પાંચ વર્ષ સુધી ચાલ્યાં હતાં.
પ્રિન્સ ઑફ વેલ્સ હોવા દરમિયાન જે વૉરંટ ચાર્લ્સે જાહેર કર્યાં છે, તે ચાલતાં રહેશે. હવે રાજા પોતાનાં સંતાનોને વૉરંટ જાહેર કરવાના અધિકાર આપી શકે છે.

પાસપોર્ટનું શું થશે?
બ્રિટનમાં પાસપોર્ટ 'હર મેજેસ્ટી'ના નામ પર જાહેર કરાય છે. આ પાસપોર્ટનો ઉપયોગ થતો રહેશે. નવા પાસપોર્ટના પ્રથમ પાને 'હિઝ મેજેસ્ટી' લખાશે.
ઇંગ્લૅન્ડ અને વેલ્સની પોલીસની હેલમેટ પ્લૅટ પર લાગેલી મહારાણીની તસવીર બદલવામાં આવશે.
મોનાર્ક દ્વારા નિયુક્ત કરાયેલ વકીલોને ક્વીન્સ કાઉન્સિલ કહેવામાં આવતા હતા જેમને હવે તાત્કાલિક અસરથી કિંગ્સ કાઉન્સિલ કહેવામાં આવશે.
રાષ્ટ્રીય ગાનના શબ્દ હાલ 'ગૉડ સેવ ધ ક્વીન' છે. આધિકારિક સમારોહમાં રાજાની નિયુક્તિ બાદ સેન્ટ જેમ્સ પૅલેસની બાલકનીથી તેના સ્થાને 'ગૉડ સેવ ધ કિંગ' શબ્દોનું એલાન કરાશે.
1952 પછી પહેલીવાર આ શબ્દો સાથે રાષ્ટ્રગીત બનાવવામાં આવશે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













