એલિઝાબેથ દ્વિતીય : વિશ્વના નેતાઓએ "ઉદાર હૃદયવાળાં મહારાણી"ને શ્રદ્ધાંજલિ અર્પિત કરી

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ટિફૅની વર્થાઇમર
- પદ, બીબીસી ન્યૂઝ
વિશ્વભરના નેતાઓ અને મહાનુભાવોએ મહારાણી એલિઝાબેથ દ્વિતીયને અંજલિ અર્પિત કરી છે. ગુરુવારે એમનું 96 વર્ષની ઉંમરે અવસાન થયું છે.
તેમણે મહારાણીની ફરજનિષ્ઠા તથા તેમની રમૂજવૃત્તિ અને ઉદારતાને સન્માનિત કરી છે.
ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની બે યુકે યાત્રા દરમિયાન રાજવી સાથેની "યાદગાર મુલાકાતો"ને વાગોળી હતી.
તેમણે ટ્વીટ કર્યું, "હું તેમની ઉષ્મા અને ઉદારતાને ક્યારેય ભૂલી નહીં શકું. એક મુલાકાત દરમિયાન તેમણે મને એ હાથરૂમાલ દેખાડ્યો હતો, જે મહાત્મા ગાંધીએ તેમને લગ્નભેટ તરીકે આપ્યો હતો. હું હંમેશાં તેમના આ ભાવને સાચવી રાખીશ. "
ફ્રાન્સના ઇમેન્યુઅલ મૅંક્રોંએ શ્રદ્ધાંજલિ આપતી વખતે તેમને "ઉદારહૃદયવાળાં મહારાણી" તથા "ફ્રાન્સનાં મિત્ર તરીકે" યાદ કર્યાં.

ઇમેજ સ્રોત, 10 DOWNING STREET
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામાએ કહ્યું કે મહારાણીએ "તેમની વિનીતતા, લાલિત્ય અને કર્તવ્ય પ્રત્યે ઊંડી નિષ્ઠા" દ્વારા "સમગ્ર વિશ્વને મોહિત" કરી રાખ્યું.
અનેક પ્રસંગે મહારાણી સાથે મુલાકાત કરનારા ઓબામાએ નિવેદન બહાર પાડીને કહ્યું, "વારંવાર અમને તેમની ઉષ્મા, લોકોને સહજતાનો અનુભવ કરાવ્યાની વાતનો પરિચય થયો છે, સત્તાવાર કાર્યક્રમ અને સંજોગોને તેઓ પોતાની વિનોદવૃત્તિથી મનોહર બનાવી દેતાં."
અમેરિકાના વર્તમાન રાષ્ટ્રપ્રમુખ જો બાઇડન લગભગ 40 વર્ષ પહેલાં પહેલી વખત મહારાણીને મળ્યાં હતાં - તેમણે મહારાણી વિશે કહ્યું, "તેઓએ સમગ્ર યુગને પરિભાષિત કર્યો."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વર્ષ 2021માં યુકેની યાત્રાને યાદ કરતાં રાષ્ટ્રમુખ બાઇડને કહ્યું, "તેમણે પોતાની વિનોદવૃત્તિથી અમને આકર્ષિત કર્યા હતા, તેઓ અમારી સાથે ઉદારતાપૂર્વક ફર્યાં હતાં અને ઉદારતાપૂર્વક પોતાનું જ્ઞાન વહેંચ્યું હતું."
પોતાના કાર્યકાળ દરમિયાન મહારાણી એલિઝાબેથ દ્વિતીયે અમેરિકાના 13 રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી હતી.
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે "મહારાણીની ઉદાર મિત્રતા, ઊંડાણપૂર્વકના જ્ઞાન તથા સુંદર વિનોદવૃત્તિને ક્યારેય ભૂલી નહીં શકું."
ઓનલાઇન પ્લૅટફૉર્મ ટ્રૂથ સોશિયલ ઉપર તેમણે લખ્યું, "તેઓ ખૂબ જ ભવ્ય અને સુંદર મહિલા હતાં - તેમના જેવું કોઈ નહોતું!"
અન્ય એક પૂર્વ રાષ્ટ્રપ્રમુખ જ્યોર્જ ડબલ્યુ. બુશે તેમને "મહાન બુદ્ધિશાળી, લાવણ્યમય અને વિનોદી" તરીકે યાદ કરીને મહારાણી તથા તેમના શ્વાનો સાથે ચા વેળાએ વિતાવેલા સમયને યાદ કર્યો હતો.
મહારાણી એલિઝાબેથ કૅનેડાનાં રાષ્ટ્રાધ્યક્ષ હતાં - પોતાના કાર્યકાળ દરમિયાન તેમણે કૅનેડામાં 12 વડા પ્રધાન જોયા હતા.

ઇમેજ સ્રોત, Getty Images
ભાવુક જસ્ટિન ટ્રુડોએ કહ્યું કે તેઓ "કૅનેડાવાસીઓ માટે ઊંડી અને પ્રગાઢ ઉષ્મા ધરાવતાં હતાં."
તેમણે કહ્યું, "જટિલ વિશ્વમાં તેમની એકધારી મોહકતા અને ઇચ્છાશક્તિ અમને બધાને સહજ કરી દેતી." તેમની સાથેની "વાતચીત" યાદ આવશે, જેમાં તેઓ "વિચારશીલ, સમજુ, ઉત્સુક, મદદરૂપ, રમૂજી તથા બીજું ઘણું હતાં."
આંસુને રોકતાં તેમણે ક્હ્યું, "તેઓ મારા વિશ્વના પસંદગીના લોકોમાંથી એક હતા, અને મને તેમની ખૂબ જ ખોટ સાલશે."
'અસામાન્ય વ્યક્તિત્વ'
અમેરિકાના વર્તમાન રાષ્ટ્રપ્રમુખ જો બાઇડને વૉશિંગ્ટન ડીસી ખાતે બ્રિટનના રાજદૂતાલયે જઈને દિલસોજી પુસ્તકમાં શોકસંદેશ લખ્યો હતો, પાસે જિલ બાઇડન તથા યુકેના રાજદૂત કેરન પિયર્સ દેખાય છે.
વિશ્વભરનાં અનેક સ્થળોની જેમ બૅલ્જિયમના બ્રસેલ્સમાં યુરોપિયન કમિશનના મુખ્યાલય ખાતે પણ ધ્વજને અડધી કાઠીએ ફરકાવવામાં આવી રહ્યો છે.
યુરોપિયન કમિશનનાં વડાં ઉર્સુલા વૉન દર લિયેને કહ્યું, "સહજભાવથી તેઓ દરેક પેઢી સાથે તાદાત્મ્ય સાધી શકતાં હતાં, આ દરમિયાન તેઓ પોતાની પરંપરા સાથે ઊંડાણપૂર્વક વળગી રહ્યાં હતાં, જે તેમની નેતૃત્વશક્તિનું ઉત્તમ ઉદાહરણ છે."
નેધરલૅન્ડના રાજા કિંગ વિલેમ-એલેક્ઝાન્ડર મહારાણી એલિઝાબેથના પાંચમી પેઢીના પિત્રાઈ થાય - તેમણે કહ્યું કે તેઓ અને મહારાણી મૅક્સિમા 'બુદ્ધિમાન અને દૃઢ' મહારાણીને 'અતિશય સન્માન અને સ્નેહ સાથે યાદ કરી રહ્યાં છે.'
મહારાણીના દૂરના પિત્રાઈ અને સ્વીડનના રાજા કાર્લડ સોળમા ગુસ્તાફે કહ્યું, "મારા પરિવાર પ્રત્યે તેમની હંમેશાં કૃપાદૃષ્ટિ રહી અને તેઓ અમારા પરિવારના સંયુક્ત ઇતિહાસની મહત્ત્વપૂર્ણ કડી હતાં."
જ્યારે બૅલ્જિયમનાં રાજા ફિલિપ અને મહારાણી મૅથિડના મતે "તેઓ અસામાન્ય વ્યક્તિત્વ ધરાવતાં હતાં... જેમણે, પોતાના સમગ્ર કાર્યકાળ દરમિયાન ગૌરવપૂર્ણ વર્તન કર્યું અને સાહસ તથા સમર્પણ દાખવ્યાં."
જર્મનીના ચાન્સેલર ઑલ્ફ સ્કૉલ્ઝે મહારાણીને શ્રદ્ધાંજલિ આપતાં મહારાણીની "સુંદર વિનોદવૃત્તિ"ને યાદ કરી હતી.
પોતાના નિવેદનમાં તેમણે કહ્યું, "બીજા વિશ્વયુદ્ધની ત્રાસદી પછી જર્મન-બ્રિટિશ સમાધાન માટે તેમણે કરેલા પ્રયાસોને ક્યારેય ભૂલી નહીં શકાય."
મહારાણી એલિઝાબેથ દ્વિતીય સાત દાયકા સુધી રાજકાજ સાથે જોડાયેલાં રહ્યાં હતાં અને આ દરમિયાન તેઓ અસામાન્ય પરિવર્તનનાં સાક્ષી પણ રહ્યાં.
મહારાણીને આપવામાં આવેલી શ્રદ્ધાંજલિમાં પણ આ બાબતની ઝાંખી દેખાય છે.

ઇમેજ સ્રોત, Getty Images
બરાક ઓબામાએ પોતાના નિવેદનમાં કહ્યું, "માણસે ચાંદ ઉપર ડગ માંડ્યા, ત્યારથી લઈને બર્લિનની દીવાલને ધ્વસ્ત કરવા સુધી તેમણે સંપન્નતા અને સ્થિતરતા જોયાં છે."
આયર્લૅન્ડના રાષ્ટ્રપતિ માઇકલ ડી હિંગિસે મહારાણીની "અસાધારણ કર્તવ્યનિષ્ઠા" તથા તેમના પ્રત્યે સન્માન વ્યક્ત કરતાં કહ્યું કે બ્રિટનના ઇતિહાસમાં તેમનું સ્થાન અજોડ છે.
લાંબા નિવેદનમાં રાષ્ટ્રપતિ હિંગિસે કહ્યું, "70 વર્ષના તેમના કાર્યકાળ દરમિયાન વ્યાપક પરિવર્તન થયાં, આ દરમિયાન તેઓ બ્રિટનના લોકો માટે વિશ્વાસનો વિશાળ સ્રોત બની રહ્યાં."
"તે ઇતિહાસની કોઈ સંકીર્ણ અવધારણાને બદલે પ્રવર્તમાન ઘટનાઓનાં મહત્ત્વ અને યથાર્થવાદ ઉપર આધારિત વિશ્વાસ હતો."
આયર્લૅન્ડના વડા પ્રધાને પોતાના નિવેદનમાં મહારાણીના સમયને ઐતિહાસિક યુગ ગણાવીને કહ્યું હતું કે મહારાણીના અવસાનથી "એક યુગનો અંત થઈ ગયો."
માઇકલ માર્ટિને પોતાના નિવેદનમાં કહ્યું, "કર્તવ્ય અને જનસેવા પ્રત્યે તેમની નિષ્ઠા સ્પષ્ટ હતી અને તેમની બુદ્ધિમતા તથા અનુભવ અનોખાં હતાં."
તેમણે વર્ષ 2011ની મહારાણીની સત્તાવાર આયર્લૅન્ડ યાત્રાને યાદ કરતાં કહ્યું કે એ દરમિયાન તેમણે "ભારે ઉષ્માભર્યું વર્તન કર્યું અને ઉત્સાહવર્ધક ટિપ્પણીઓ કરી."
યુએનના મહાસચિવ એન્ટાનિયો ગુટેરસે કહ્યું, "ભારે પરિવર્તનોના દાયકા દરમિયાન મહારાણીની હાજરી વિશ્વાસનું પ્રતીક હતી. આ દરમિયાન આફ્રિકા અને એશિયામાં સંસ્થાનવાદ સમાપ્ત થયો અને કૉમનવેલ્થની સ્થાપના થઈ."
પોતાના નિવેદનમાં મહાસચિવે "લોકોની સેવા માટે મહારાણીના અતૂટ આજીવન સમર્પણ" માટે સન્માન વ્યક્ત કર્યું અને કહ્યું કે વિશ્વ લાંબા સમય સુધી તેમના નેતૃત્વ અને સમર્પણભાવને યાદ કરશે.
ઇઝરાયલના રાષ્ટ્રપતિ ઇસાક હર્જોગે પણ મહારાણીના કાર્યકાળ દરમિયાન થયેલાં વ્યાપક પરિવર્તનોનો ઉલ્લેખ કર્યો અને કહ્યું, પરિવર્તનના આ સમયમાં પણ મહારાણી "સ્થિર અને જવાબદાર નેતૃત્વનું પ્રતીક બની રહ્યાં તથા નૈતિકતા, માનવતા અને દેશપ્રેમનું અજોડ ઉદારહણ હતાં."
મહારાણી એલિઝાબેથે ક્યારેય ઇઝરાયલની યાત્રા કરી ન હતી.
જોકે, ચાર્લ્સ, એડવર્ડ, વિલિયમ તથા દિવંગત પ્રિન્સ ફિલિપે ઇઝારયલના પ્રવાસ ખેડ્યા હતા.
પ્રિન્સ ફિલિપનાં માતાને જેરુસલેમમાં દફનાવવામાં આવ્યાં છે.
હર્જોગે લખ્યું, "મહારાણી એલિઝાબેથ ઐતિહાસિક વ્યક્તિ હતાં. તેઓ ઇતિહાસને જીવ્યાં, તેમણે ઇતિહાસને બનાવ્યો અને મહાન તથા પ્રેરણાદાયક વારસો છોડી જઈ રહ્યાં છે."

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













