You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઋષિ સુનક કે પછી લિઝ ટ્રસ : કોણ બનશે બ્રિટનના નવા વડા પ્રધાન?
- સોમવારે જાહેર થશે બ્રિટનમાં કન્ઝર્વેટિવ પાર્ટીના નવા નેતા
- એક મહિના જેટલી ચાલેલી ચૂંટણી પ્રક્રિયા આજે થશે પૂર્ણ
- કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા આપોઆપ બને છે બ્રિટનના વડા પ્રધાન
- આવતીકાલે નવા વડા પ્રધાન અને બોરિસ જોનસન મળી શકે છે મહારાણીને
કન્ઝર્વેટિવ પાર્ટીના નેતાની ચૂંટણીપ્રક્રિયા આજે સોમવારે પૂરી થયા બાદ નિર્ણય આવી જશે કે બ્રિટનના આગામી વડા પ્રધાનની રેસમાં લિઝ ટ્રસે બાજી મારી કે પછી ઋષિ સુનકે.
સર્વેક્ષણો પ્રમાણે વિદેશમંત્રી લિઝ ટ્રસની સંભાવના વધુ છે. જુલાઈમાં હાલના વડા પ્રધાન બોરિસ જોનસનના રાજીનામા બાદથી પાર્ટીના નેતાના પદની રેસમાં લિઝ ટ્રસે પાર્ટીસભ્યોમાં પોતાની લીડ સતત યથાવત્ રાખી છે.
બ્રિટનમાં રાજકીય પાર્ટીઓના સભ્યો દ્વારા મતદાન કરીને વડા પ્રધાનપદના દાવેદારોની પસંદગી કરવામાં આવે છે.
આ ઉમેદવારોમાંથી વિજેતાની ચૂંટણી કન્ઝર્વેટિવ પાર્ટીના સભ્યો કરે છે. તેઓ જે ઉમેદવારને ચૂંટશે, તે સંસદના નીચલા સદન 'હાઉસ ઓફ કૉમન્સ'માં બહુમતવાળી પાર્ટીના નેતા તરીકે આપમેળે વડા પ્રધાન બની જશે.
પોતાની પાર્ટીના સભ્યોનું સમર્થન મેળવવા માટે સુનક અને ટ્રસ બંનેએ ઘણા કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમોમાં બંને ઉમેદવારો સમક્ષ તેમની નીતિઓ વિશે પ્રશ્ન પૂછવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમોમાં કન્ઝર્વેટિવ પાર્ટીના સભ્યોએ ભાગ લીધો હતો અને તેનું પ્રસારણ પાર્ટીની વેબસાઇટ દ્વારા કરવામાં આવ્યું હતું. પાર્ટીના સભ્યો સિવાય તેમાં પત્રકારોને પણ ભાગ લેવાની અનુમતિ હતી પરંતુ તેઓ સવાલ પૂછી શકતા ન હતા.
કેવી રીતે થયું મતદાન?
પાર્ટીના સભ્યો બે સપ્ટેમ્બર શુક્રવાર સુધી મતદાન કરી શકે તેમ હતા. 3 જૂન 2022 કે તેની પહેલાં પાર્ટીમાં સામેલ થયેલા સભ્યો જ વોટ કરી શકે તેવી જોગવાઈ હતી.
મતદાન પોસ્ટ અથવા તો ઓનલાઇન માધ્યમથી કરી શકાય તેમ હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અગાઉ એવી યોજના બનાવવામાં આવી હતી કે પાર્ટીના સભ્ય બે વખત વોટ કરી શકતા હતા. જોકે, એવા કિસ્સામાં સભ્યે બીજી વખત નાખેલો વોટ જ માન્ય રાખવામાં આવતો.
જોકે, દેશની ગુપ્ત અને સુરક્ષા માટે જવાબદાર સંસ્થા 'ગવર્મેન્ટ કૉમ્યુનિકેશન્સ હૅડક્વૉર્ટર્સ' એટલે કે જીસીએચક્યૂ અંતર્ગત કામ કરનાર નેશનલ સાઇબર સિક્યૉરિટી સેન્ટરે ચેતાવણી આપી હતી કે આ પ્રક્રિયામાં અન્ય કોઈ દેશ હસ્તક્ષેપ કરી શકે છે.
એ બાબત સ્પષ્ટ થઈ શકી નથી કે કન્ઝર્વેટિવ પાર્ટીના કેટલા સભ્યો છે. એમ પણ રાજનૈતિક દળોએ ચોક્કસ સંખ્યા આપવાની જરૂરત પણ હોતી નથી.
2019માં પાર્ટી નેતાની ચૂંટણીમાં લગભગ 1.6 લાખ લોકો વોટિંગ માટે યોગ્ય હતા. કન્ઝર્વેટિવ પાર્ટીનું કહેવું છે કે ત્યાર બાદ મતદારોની સંખ્યા વધી છે.
ક્યારે મળશે નવા વડા પ્રધાન?
પાર્ટીના નવા નેતાની જાહેરાત 1922 કન્ઝર્વેટિવ બૅકબૅન્ચ સાંસદોની સમિતિના અધ્યક્ષ સર ગ્રાહમ બ્રૅડી કરશે.
આ જાહેરાત સોમવારે પાંચ સપ્ટેમ્બરે સ્થાનિક સમયાનુસાર બપોરે 12:30 વાગ્યે કરવામાં આવશે. ભારતમાં ત્યારે સાંજના પાંચ વાગ્યા હશે.
સંભાવના છે કે હાલના વડા પ્રધાન બોરિસ જોનસન આ જાહેરાતના બીજા જ દિવસે મહારાણીને પોતાનું રાજીનામું સોંપશે. બાદમાં મહારાણી તેમના ઉત્તરાધિકારીને વડા પ્રધાનપદે નિયુક્ત કરશે.
શું બોરિસ જોનસન હજી પણ વડા પ્રધાન છે?
બંધારણીય રીતે હંમેશાં માટે દેશના એક વડા પ્રધાન હોવા જોઈએ. જેથી પોતાના ઉત્તરાધિકારીના પદ સંભાળતાં સુધી બોરિસ જોનસન વડા પ્રધાનપદ પર કાર્યરત્ રહેશે.
સત્તાધારી પક્ષની સલાહ પર તેમના નેતાને વડા પ્રધાન તરીકે નિયુક્ત કરવા માટે બકિંઘમ પૅલેસમાં બોલાવવામાં આવે છે
જોકે, મહારાણી હાલ સ્કૉટલૅન્ડસ્થિત બાલ્મોરલમાં હોવાથી નવા વડા પ્રધાન અને બોરિસ જોનસન બંને તેમને મળવા માટે સ્કૉટલૅન્ડ જશે.
શું બોરિસ જોનસન પાસે હજુ પણ સત્તા છે?
જ્યાં સુધી તેઓ મહારાણી પાસે જઈને સત્તાવાર રીતે રાજીનામું નથી સોંપતા, ત્યાં સુધી તેમની પાસે વડા પ્રધાન તરીકેની તમામ સત્તા છે.
જોકે, તેમની પાસે નવી નીતિ લાગુ કરવાનો કોઈ અધિકાર નથી.
પોતાની કૅબિનેટને પણ તેમણે વાયદો કર્યો છે કે તેઓ મોટા ફેરફાર નહીં લાવે.
શું થશે સામાન્ય ચૂંટણી?
જ્યારે કોઈ વડા પ્રધાન રાજીનામું આપે છે, તો દેશમાં આપોઆપ ચૂંટણી થતી નથી. ઉદાહરણ તરીકે ટેરેસા મે દ્વારા 2016માં જ્યારે ડેવિડ કૅમરન પાસેથી પદ સંભાળ્યું, તો તેમણે તાત્કાલિક ચૂંટણી ન યોજવાનો નર્ણય લીધો હતો.
જો નવા વડા પ્રધાન નક્કી થયેલા સમય પહેલાં ચૂંટણી ન યોજવાનો નિર્ણય લે તો દેશમાં જાન્યુઆરી 2025 પહેલાં આગામી સામાન્ય ચૂંટણી યોજાય તેવી કોઈ સંભાવના નથી.
કેવી રીતે થઈ અંતિમ બે ઉમેદવારોની પસંદગી?
કન્ઝર્વેટિવ પાર્ટીના 357 સાંસદોએ વિવિધ તબક્કામાં યોજાયેલી મતદાન પ્રક્રિયા અંતર્ગત પોતાના મતાધિકારનો પ્રયોગ કર્યો હતો. દરેક તબક્કામાં સૌથી ઓછા મત મેળવનારા ઉમેદવાર બહાર થતા હતા.
આ પ્રક્રિયા અંતે બે ઉમેદવાર બાકી રહ્યા ત્યાં સુધી ચાલુ રહી હતી અને આ બે ઉમેદવારો છે: પૂર્વ ચાન્સેલર ઋષિ સુનક અને વિદેશ મંત્રી લિઝ ટ્રસ.
રેસની બહાર નીકળી ગયેલા ઉમેદવારો:
- વેપારમંત્રી પેની મોરડોંટ (પાંચમો તબક્કો)
- પૂર્વ ઇક્વાલિટીઝમંત્રી કેમી બડેનોચ (ચોથો તબક્કો)
- વિદેશ મામલાની સમિતિના અધ્યક્ષ ટૉમ તુગેંડેટ (ત્રીજો તબક્કો)
- ઍટર્ની જનરલ સુએલા બ્રેવરમૅન (બીજો તબક્કો)
- ચાન્સેલર નદીમ ઝહાવી (પ્રથમ તબક્કો)
- પૂર્વ સ્વાસ્થ્યમંત્રી જૅરેમી હંટ (પ્રથમ તબક્કો)
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો