You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સાયરસ મિસ્ત્રીનું મૃત્યુ : કેમ ગુજરાત આવ્યા હતા ઉદ્યોગપતિ, કેવી રીતે થયો અકસ્માત?
- ડેરિયસ પંડોલે ટાટા ગ્રૂપમાં ડાયરેક્ટર હતા અને તેમણે સાયરસ મિસ્ત્રીને કંપનીના ચૅરમૅન પદેથી હઠાવવાનો વિરોધ કર્યો હતો અને મિસ્ત્રીને હઠાવતાં તેમણે ટાટા ગ્રૂપ છોડી દીધું હતું
- પંડોલેના પિતાનું પખવાડિયા પહેલાં મૃત્યુ થયું હતું અને સાયરસ મિસ્ત્રી અને અન્ય ત્રણ અંતિમ વિધિ માટે ગુજરાતના વલસાડ ખાતેના ઉદવાડા ગયા હતા, જ્યાંથી તેઓ પરત ફરી રહ્યા હતા
- સૂર્યા નદી પરના પુલ પર પહોંચ્યા, ત્યારે રસ્તો ત્રણ લૅનથી બે લૅનમાં ફેરવાયો હતો અને ત્યાં કાર પુલની ધારમાં ધસી ગઈ
- એસપી અનુસાર, ડૉ અનાહિતા પંડોલે કાર ચલાવી રહ્યાં હતાં અને પ્રથમ દૃષ્ટિએ કારની ગતિ વધારે હતી એવું જણાય છે
ટાટા સન્સના ભૂતપૂર્વ ચૅરમૅન સાયરસ મિસ્ત્રીની કાર રવિવારે મહારાષ્ટ્રના પાલઘરમાં ડિવાઇડર સાથે અથડાતાં તેઓ માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા. તેઓ 54 વર્ષના હતા.
ઈન્ડિયન એક્સપ્રેસ અનુસાર, પોલીસના જણાવ્યા અનુસાર, તેમની મર્સીડીઝ કાર બપોરના સવા ત્રણ વાગ્યાની આસપાસ ચરોટી પાસે પુલ પર ડિવાઈડર સાથે અથડાઈ હતી. કારમાં ચાર લોકો હતા, જેમાંથી સાયરસ મિસ્ત્રી સહિત બેનાં ઘટનાસ્થળે જ મૃત્યુ થયાં હતાં. અન્ય મૃતકની ઓળખ જહાંગીર બિનશાહ પંડોલે તરીકે થઈ છે.
ઇજાગ્રસ્તોની ઓળખ બ્રીચ કેન્ડી હૉસ્પિટલના ગાયનેકૉલૉજિસ્ટ ડૉ. અનાહિતા પંડોલે અને તેમના પતિ, અને જેએમ ફાઇનાન્સિયલ પ્રાઇવેટ ઇક્વિટીના મૅનેજિંગ ડિરેક્ટર અને સીઇઓ ડેરિયસ પંડોલે તરીકે કરવામાં આવી છે. તેમને વાપીની રેઈનબો હૉસ્પિટલના આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમને હોસ્પિટલ લઈ જનાર પોલીસ કોન્સ્ટેબલ યોગેશ અવતારે ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું કે બંનેને મલ્ટીપલ ફ્રેક્ચર છે પરંતુ તેઓ ભાનમાં છે.
ઉદવાડા સંબંધીના અંતિમ સંસ્કાર માટે ગયા હતા
રેઈનબો હૉસ્પિટલના ડૉક્ટર તેજસ શાહે ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું તે મુજબ, "જ્યારે પંડોલેને અમારી હૉસ્પિટલમાં લાવવામાં આવ્યા ત્યારે તેમની હાલત ખરાબ હતી. તેમનું ઑક્સિજન સેચ્યુરેશનનું સ્તર ઘટી ગયું હતું અને તેથી તેમનું બ્લડ પ્રેશર પણ ઘટી ગયું હતું. તેમને ઘણાં ફ્રૅક્ચર છે અને તેઓ ટ્રોમામાં છે. પરંતુ તેમનું બ્લ઼ડ પ્રેશર અને ઑક્સિજન સ્તર હવે સામાન્ય થઈ રહ્યું છે. અમને કહેવામાં આવ્યું છે કે મુંબઈથી ડૉક્ટરોની એક ટીમ પણ તેમને જોવા માટે આવી રહી છે."
મિસ્ત્રી અમદાવાદથી મુંબઈ જઈ રહ્યા હતા. પાલઘરના પોલીસ અધીક્ષક બાલાસાહેબ પાટીલના જણાવ્યા અનુસાર, અકસ્માત થયો ત્યારે ડૉક્ટર અનાહિતા પંડોલે કાર ચલાવી રહ્યાં હતાં.
એસપી અનુસાર, "પ્રથમ દૃષ્ટિએ કારની ગતિ વધારે હતી એવું જણાય છે. જ્યારે તેઓ સૂર્યા નદી પરના પુલ પર પહોંચ્યાં, ત્યારે રસ્તો ત્રણ લૅનથી બે લૅનમાં ફેરવાયો હતો અને ત્યાં કાર પુલની ધારમાં ધસી ગઈ. ડૉ. પંડોલે અને તેમના પતિ આગળની સીટ પર અને મિસ્ત્રી પાછળની સીટ પર હતા.''
સૂત્રોના જણાવ્યા અનુસાર સાયરસ મિસ્ત્રી પંડોલેના પારિવારિક મિત્ર હતા. પંડોલેના પિતાનું પખવાડિયા પહેલાં મૃત્યુ થયું હતું.
એનડીટીવી અનુસાર, કારમાં સાયરસ મિસ્ત્રી, જહાંગીર પંડોલે અને અનાહિતા પંડોલે સાથે ડેરિયસ પંડોલે કારમાં હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ડેરિયસ પંડોલે અનાહિતાના પતિ છે અને જહાંગીર પંડોલે ડેરિયસના સંબંધી થાય. ડેરિયસ પંડોલે ટાટા ગ્રૂપમાં ડાયરેક્ટર હતા અને તેમણે સાયરસ મિસ્ત્રીને કંપનીના ચૅરમૅન પદેથી હઠાવવાનો વિરોધ કર્યો હતો અને મિસ્ત્રીને હઠાવાતાં તેમણે ટાટા ગ્રૂપ છોડી દીધું હતું.
જ્યાં અકસ્માત થયો તે નેશનલ હાઈવે 48ની દેખરેખ રાખતાં નેશનલ હાઈવે ઑથૉરિટી ઑફ ઈન્ડિયાના પ્રોજેક્ટ ડાયરેક્ટર સૂરજસિંહે કહ્યું, "હાઈવે છ લૅનનો છે. પરંતુ ગુજરાત-મુંબઈ રૂટ પર બે-બે લૅનના બે પુલ છે. જ્યાં ડ્રાઇવરોએ થોડો વળાંક લેવો પડે છે, જે અનાહિતા પંડોલે કારની વધુ ઝડપને કારણે ન લીધો હોય એવુ બને."
સાયરસ મિસ્ત્રી પરિવારમાં પત્ની અને બે પુત્રો છોડી ગયા છે. તેમના એક નજીકના પરિવારના મિત્રના હવાલાથી ઇન્ડિયન એક્સપ્રેસ લખે છે કે મિસ્ત્રીના પરિવારના સભ્યો એક કાર્યક્રમ માટે વિદેશમાં હતા.
સાયરસ મિસ્ત્રી મુંબઈ જતાં પહેલાં ઉદવાડા ખાતે પણ આવ્યા હતા. તેમણે પારસીઓના ધર્મસ્થળ ઉદવાડાની મુલાકાત લીધી હતી એમ પારસીઓના ધર્મગુરુ ખુરસીદજી વડા દસ્તૂરે કહ્યું હતું.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો