55 કરોડ રૂપિયા ભૂલથી ખાતામાં આવી ગયા, 10 કરોડનું ઘર ખરીધ્યું, પણ પછી...

ઇમેજ સ્રોત, Getty Images

- ઑસ્ટ્રેલિયાના મૅલબર્નમાં બની વિચિત્ર ઘટના
- ક્રિપ્ટોમાં રોકાણ કરનારી મહિલાના ખાતામાં આવી ગયા પૈસા
- પૈસા આવ્યા બાદ મહિલાએ મોટા ભાગના પૈસા ખર્ચી નાખ્યા
- ક્રિપ્ટો કંપનીને સાત મહિના બાદ થયો ભૂલનો અહેસાસ

થેવામાનોગરી મનીવેલના બૅન્ક ખાતામાં જ્યારે ભૂલથી 70 લાખ ડૉલર (ભારતીય ચલણમાં 55 કરોડ કરતાં વધારે રૂપિયા) આવી ગયા તો તેમને લાગ્યું કે તેઓ વિશ્વનાં સૌથી નસીબદાર મહિલા છે.
પરંતુ હવે તેઓ અને તેમના કેટલાક નજીકના મિત્રો મુશ્કેલીમાં છે.
ઑસ્ટ્રેલિયાની કોર્ટે તેમના કેસમાં ચુકાદો આપ્યો છે કે તેમણે પૈસા પાછા ચૂકવવા પડશે નહીં તો તેના પર વ્યાજ અને કાયદેસરની કાર્યવાહીની ફી પણ ચૂકવવી પડશે.
આ બધું મે 2021માં શરૂ થયું હતું જ્યારે ક્રિપ્ટો ડૉટ કોમે મનીવેલના ખાતામાં 100 ઑસ્ટ્રેલિયન ડૉલરના ચૂકવણા માટે ટ્રાન્ઝેક્શન કર્યું હતું.
જોકે, ઑસ્ટ્રેલિયાના દક્ષિણ-પૂર્વમાં આવેલા શહેર મૅલબર્નમાં રહેતાં મનીવેલના ખાતામાં 100 ડૉલરની જગ્યાએ એક કરોડ ચાર લાખ 74 હજાર 143 ઑસ્ટ્રેલિયન ડૉલર એટલે કે લગભગ 70 લાખ અમેરિકન ડૉલર આવી ગયા.
ઑસ્ટ્રેલિયન મીડિયા પ્રમાણે ટ્રાન્ઝેક્શન કરી રહેલી વ્યક્તિની આ ભૂલ હતી. તેણે રકમ લખવાની જગ્યાએ મનીવેલનો ઍકાઉન્ટ નંબર લખી દીધો હતો.

ભૂલનો અહેસાસ

ઇમેજ સ્રોત, CRYPTO.COM
મનીવેલ પળભરમાં કરોડપતિ બની ગયાં હતાં અને તેમની પાસે આ પૈસાનું આયોજન કરવા માટે સમયની પણ અછત નહોતી.
આગામી કેટલાક મહિનામાં આ મહિલાએ પોતાના ખાતામાં આવેલી રકમનો મોટો ભાગ પોતાના મિત્ર સાથેના એક ઍકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દીધો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એ મિત્રએ અંદાજે ત્રણ લાખ ડૉલર પોતાની પુત્રીના ખાતામાં નાખી દીધા અને મૅલબર્નના ઉત્તરમાં એક ઘર પણ ખરીદી લીધું. આ ઘર તેમણે મલેશિયામાં રહેતાં પોતાનાં બહેન થિલગાવથી ગંગાદરીના નામે ખરીદ્યું હતું.
ચાર રૂમ, ચાર બાથરૂમ, સિનેમા રૂમ, જિમ અને ડબલ ગૅરેજવાળું આ મકાન 500 વર્ગમીટરમાં બન્યું હતું અને તેના માટે તેમણે 13.5 લાખ ડૉલર (ભારતીય ચલણમાં દસ કરોડ કરતાં વધારે રૂપિયા ) ચૂકવ્યા હતા.
ક્રિપ્ટો ડૉટ કોમ કંપનીને પોતાની ભૂલનો અહેસાસ થતાં ઘણા મહિના લાગી ગયા.
ઑસ્ટ્રેલિયાના વિક્ટોરિયા પ્રાંતની સુપ્રીમ કોર્ટના જસ્ટિસ જેમ્સ ઍલિયટે ગયા શુક્રવારે આ મામલે નિર્ણય આપતાં કહ્યું, "એમ લાગે છે કે અરજદારને આ મોટી ભૂલનો અહેસાસ થતાં સાત મહિનાનો સમય લાગ્યો."

કોર્ટનો ચુકાદો

ઇમેજ સ્રોત, Getty Images
કોર્ટે અરજદારના પક્ષમાં નિર્ણય આપતાં ન માત્ર સંપૂર્ણ રકમ પરંતુ તેના પર વ્યાજ અને કાયદાકીય કાર્યવાહીનો ખર્ચ પણ પરત આપવાનો આદેશ આપ્યો છે.
કોર્ટે આદેશ આપ્યો કે મનીવેલની બહેને ઘર વેચવું જ પડશે કારણ કે એ સાબિત થઈ ગયું છે કે ભૂલથી આવેલા પૈસાથી ઘર ખરીદવામાં આવ્યું હતું.
ક્રિપ્ટો કરન્સી કંપનીએ આ વર્ષે ફેબ્રુઆરીમાં કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી અને મનીવેલ સાથે જોડાયેલાં ખાતાં ફ્રીઝ કરવામાં સફળતા મેળવી હતી.
મનીવેલની સંપત્તિઓ ફ્રીઝ થયાને બે અઠવાડિયાં બાદ જ તેમની બહેન ઘરની માલકણ બની હતી.
ક્રિપ્ટો કરન્સી કંપનીએ માગ કરી હતી કે મનીવેલની બહેનનું ખાતું પણ ફ્રીઝ કરવામાં આવે. હવે કોર્ટે તેમને પણ ઘર વેચવાનો આદેશ આપ્યો છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













