પાકિસ્તાન પૂર : 'અચાનક પાણી આવ્યું અને બધું જ તણાઈ ગયું'

પાકિસ્તાનમાં પડી રહેલો અવિરત વરસાદ ભયાવહ પૂર લઈને આવ્યો છે. જેમાં ઘરો, સામાન તેમજ લોકોનું સર્વસ્વ લૂંટાઈ ગયું છે. આ પૂરથી લગભગ એક હજાર લોકો માર્યા ગયા છે.
બીબીસીના બે સંવાદદાતાઓએ દેશના ઉત્તર અને દક્ષિણ ભાગમાં જે જોયું એ પૂરના વિનાશને રજૂ કરે છે.

નૌશેરા, ઉત્તર પાકિસ્તાન
સિકંદર કિરમાની

ઉત્તર પાકિસ્તાનમાં આવેલા શહેર નૌશેરામાં પૂરથી તબાહ રસ્તા પરથી પસાર થઈ રહેલા લોકો પોતાનાં ઘરોનું નિરીક્ષણ કરી રહ્યા છે અને એ જે પણ બચી શકતું હોય તેને બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે.
કેટલાક લોકો કાળા રંગની રબરની ટ્યૂબોના સહારે પૂરના કારણે છાતી સુધી ભરાઈ ગયેલાં ગંદા પાણીમાં તરવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

નૌશેરામાં રહેતા અને રસોઇયા તરીકે કામ કરતાં ઇમાદુલ્લાહ પોતાના નાનકડા દીકરાને ખભે બેસાડીને પોતાના ઘર સુધી પહોંચવામાં સફળ રહ્યા હતા, પરંતુ ત્યાં હવે કંઈ બચ્યું જ ન હતું. તેમનો તમામ સામાન માટીમાં દટાઈ ગયો હતો અને વેરવિખેર થઈ ગયો હતો.
તેમણે બીબીસીને જણાવ્યું, "અમારી પાસે હવે કશું બચ્યું નથી. અમે અમારાં બાળકો સિવાય કશું બચાવી ન શક્યા."
આગળ પાણી ભરાયેલા રસ્તા પર બે મહિલાઓ એકબીજાનો હાથ પકડીને ચાલતી નજરે પડી રહી હતી. રસ્તા પર ઘણું પાણી ભરાયેલું હતું અને તેઓ ચાલીને પોતાના ઘરે જઈ રહ્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ બે મહિલાઓમાંથી એકે કહ્યું, "અમને એ પણ ખ્યાલ નથી કે અમારું ઘર સલામત છે કે નહીં. જો એ પડી ગયું હશે તો તેને પાછું કેમનું ઊભું કરીશું? અમારી પાસે પૈસા પણ નથી. હાલ અમે એક સ્કૂલમાં આશરો લઈ રહ્યા છે."
દેશભરમાં હજારો ઘરો આ પૂરના કારણે તબાહ થઈ ગયાં છે અથવા તો આંશિકપણે નષ્ટ થયાં છે. જેના લીધે લાખો લોકો બેઘર થઈ ગયા છે. પાકિસ્તાની અધિકારીઓનો દાવો છે કે લગભગ 10 મિલિયન ડૉલરનું નુકસાન થયું છે, જેના લીધે પાક નષ્ટ થવાથી ભોજનની અછતનો પણ પ્રશ્ન વધ્યો છે.

ઘણા લોકો હાલ રાહત કૅમ્પોમાં રહી રહ્યા છે. નૌશેરાથી થોડે જ દૂર સેંકડો અન્ય લોકો રસ્તાના કિનારે તંબૂ લગાવીને રહે છે. જ્યાંથી તેઓ એ આશાએ પોતાનાં ઘરો પર નજર રાખવામાં સક્ષમ છે કે જેવું પાણી ઘટશે તો તેઓ પાછા જઈ શકશે.
પોતાનાં સાત બાળકો સાથે તંબૂમાં રહેતા રોજિના કહે છે, "આ એટલું દર્દનાક છે કે તેને વર્ણવી પણ શકતા નથી."

ચોમાસા દરમિયાન ભારે વરસાદ એક વાર્ષિક ઘટના છે, પરંતુ આ વખતે જે વરસાદ પડ્યો છે તે પહેલાં ક્યારેય પડ્યો નથી.
છેલ્લા એક દાયકામાં આ વર્ષે પાકિસ્તાનમાં સૌથી વધુ વરસાદ પડ્યો છે અને સરકારના મંત્રીઓનું કહેવું છે કે દેશનો વૈશ્વિક કાર્બન ઉત્સર્જનમાં ખૂબ ઓછો ફાળો હોવા છતાં વૈશ્વિક જળવાયુ પરિવર્તનની કિંમત ચૂકવી રહ્યો છે.
વિદેશી પત્રકારો માટે આયોજિત એક બ્રીફિંગમાં બીબીસી સાથે વાત કરતા વડા પ્રધાન શહબાઝ શરીફે ટીકાને રદિયો આપ્યો હતો કે જ્યારે પૂર શરૂ થયું ત્યારે અધિકારીઓએ પ્રતિક્રિયા આપવામાં મોડું કર્યું હતું.
તેમણે કહ્યું, "અમે ચોક્કસપણે અમારા અનુભવથી શીખીશું પરંતુ વૈશ્વિક સમુદાયે આજે અમારી સાથે ઊભું રહેવું જોઈએ. અમને જે મળી રહ્યું છે અને અમને જેની જરૂર છે એ વચ્ચે જમીન-આકાશનું અંતર છે."
સઈદાબાદ, દક્ષિણ પાકિસ્તાન
પુમઝા ફિહલાની

પાકિસ્તાનના કેટલાક વિસ્તારોમાં વરસાદ રોકાઈ ગયો છે, પરંતુ તબાહી રોકાવાનું નામ લઈ રહી નથી. ઉત્તર પાકિસ્તાનમાં ભારે પૂરનું પાણી દક્ષિણ તરફ આવી રહ્યું છે. જ્યાં પહેલેથી મોટા ભાગની જમીન નિર્જન છે.
અહીં પણ હજારો લોકો બેઘર થઈ ગયા છે, તેમના ઘર સંપૂર્ણ કે આંશિકપણે તબાહ થઈ ગયા છે અને લાખો લોકો ઘર અને મદદવિહોણા થઈ ગયા છે. પાકિસ્તાનના સિંધ પ્રાંતના સઈદાબાદમાં એક નાનકડા રસ્તાના કિનારે સેંકડો લોકો રહી રહ્યા છે. આ રસ્તો જ્યાં પૂરો થાય છે ત્યાં કમર સુધી પાણી ભરાયેલું છે.
થોડે દૂર એ લોકોના ઘર છે જે રસ્તાના કિનારે રહી રહ્યા છે. કેટલાક ઘરોની બારીઓ સુધી પાણી ભરાયેલા છે.

હું 15 બાળકો સાથે તંબૂમાં રહેતાં બનુલને મળ્યો. આ બાળકોમાં તેમનાં ખુદનાં અને કેટલાંક તેમના પરિવારના સભ્યોના બાળકો હતાં. તેઓ ખુશ છે કે બધાં બચી ગયાં છે પરંતુ હવે તેમને ચિંતા એ વાતની છે કે આ બાળકોને ખવડાવશે શું?
બનુલ કહે છે, "અમને અહીં રહેવામાં એક અઠવાડિયાથી વધારે સમય થયો. અમારી પાસે ન તો ઘર છે, ન તો કંઈ ખાવાનું. અમને જીવ બચાવવા માટે મદદની જરૂર છે."
તેઓ આગળ કહે છે, "અમે ખેડૂત હતા, કપાસની ખેતી કરતા હતા. અમારી પાસે પાકું મકાન હતું, ખેતરમાં પાક પણ તૈયાર હતો. અચાનક પાણી આવ્યું અને બધું જ ચાલ્યું ગયું. હવે ન તો રહેવા માટે ઘર છે ન તો ખાવા માટે ભોજન."

આ ગંદકીથી ભરેલા રસ્તા પર લોકો ઘણા દિવસો સુધી કંઈ પણ ખાધાપીધા વગર રહી રહ્યા છે. જ્યારે ખાવાનું લઈને કોઈ ટ્રક આવે છે તો તે ગણતરીની મીનિટોમાં ખાલી થઈ જાય છે. આ ટ્રકથી પણ તમામ લોકોને ખાવાનું મળતું નથી.
સ્થાનિક બચાવકર્તાઓ પણ થાકી ગયા છે. તેઓ કહે છે કે અમારી પાસે પર્યાપ્ત સંસાધનો નથી. તેઓ છેવાડે આવેલાં ગામડાઓ સુધી પહોંચી શકતા નથી કારણ કે ત્યાં સુધી પહોંચવાના તમામ કાચા રસ્તા પાણીમાં ગરકાવ છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













