You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ચીનનો તાઇવાન સાથેનો તણાવ ભારત માટે એક નવા ભવિષ્યની તક કઈ રીતે બની ગયો છે?
- લેેખક, નીતિન શ્રીવાસ્તવ
- પદ, બીબીસી સંવાદદાતા, તાઇવાન
- અમેરિકાની પ્રતિનિધિ સભાનાં સ્પીકર નૅન્સી પલોસીના તાઇવાન પ્રવાસ બાદ અમેરિકા-ચીન વચ્ચે તાઇવાન મામલે તણાવ પ્રવર્તી રહ્યો છે
- આ મુલાકાતની પ્રતિક્રિયારૂપે ચીને તાઇવાન નજીક મિસાઇલો છોડી હતી
- તાઇવાને ચીનના આક્રમક અંદાજને જોતાં પોતાના પર હુમલાનો ભય વ્યક્ત કર્યો હતો
- આ સમીકરણો ભારત માટે કઈ રીતે ફાયદારૂપ સાબિત થઈ શકે?
તાઇપેના વિદેશમંત્રાલયમાં આજકાલ ઘણી અવરજવર છે. લગભગ બધા જ મોટા અધિકારીઓ કામ પર છે અને જે લોકો રજા પર હતા તેઓ પણ ઝડપથી પાછા આવી ગયા છે.
રાજધાનીની વચ્ચોવચ બનેલા એક વિશાળ, અતિસુંદર પ્રેસિડેન્શિયલ પૅલેસની પાસે સ્થિત એક સાદી ઇમારતમાંથી દિવસ-રાત વિદેશી મિત્રો સાથે સંપર્ક સધાઈ રહ્યો છે.
ચીનના મીડિયા પર નજર રાખવા માટે એક અલગ વિભાગ છે અને આંતરરાષ્ટ્રીય મીડિયા પર નજર રાખવા માટે બીજો એક વિભાગ.
તાઇવાનના વિદેશમંત્રીએ અમને આજનો સમય આપ્યો છે.
મુલાકાતમાં જોસેફ વૂએ કહ્યું, "ભારત અને તાઇવાન ડેમૉક્રસી અને માનવાધિકારોમાં વિશ્વાસ ધરાવે છે અને ભારત તો દુનિયાનો સૌથી મોટો પ્રજાસત્તાક દેશ છે. દુર્ભાગ્યે આપણા બંનેને ચીન તરફથી ખતરો છે. તાજેતરમાં જ ચીને અમારી આસપાસ જે રીતે સૈન્ય કાર્યવાહી કરી છે એનાથી એ સ્પષ્ટ થઈ ગયું છે કે અમારે સમર્થનની જરૂર પડશે. મને આશા છે કે અમારા ભારતીય મિત્ર અમારા સમર્થનમાં રહેશે."
તાઇવાનના વિદેશમંત્રીની આ મહત્ત્વપૂર્ણ વિનંતીને સમજવા માટે એ જાણવું જરૂરી છે કે મામલો શો છે.
તણાવ શા માટે છે?
તાઇવાન અને ચીન વચ્ચેનો તણાવ ઘટવાનું નામ નથી લેતો. વાસ્તવમાં, અમેરિકન સંસદના નીચલા ગૃહ હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવ્સનાં સ્પીકર નૅન્સી પેલોસી બીજી ઑગસ્ટે તાઇવાન પહોંચ્યાં હતાં.
ચીનના વાંધા અને ધમકીઓ છતાં એમણે પોતાનો પ્રવાસ પૂરો કર્યો અને તાઇવાનનાં રાષ્ટ્રપતિ સાઈ ઇંગ-વેન સાથે મુલાકાત પણ કરી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અતિશય નારાજ થયેલા ચીને આ મુલાકાતને 'વન ચાઇના પૉલિસી'નું ઉલ્લંધન ગણાવીને સૈન્ય ડ્રિલ શરૂ કરી દીધી અને એનાં ફાઇટર જેટ વિમાનોએ "તાઇવાનના ઍરસ્પેસની ઉપર ઉડ્ડયનો કર્યાં અને એની મિસાઇલો તાઇવાનને પાર કરીને જાપાનના સમુદ્રી ક્ષેત્રમાં જઈને પડી."
દેખીતું છે કે, તાઇવાને પણ પોતાની સૈન્યશક્તિનું પ્રદર્શન કરવામાં વાર ન કરી.
ચોક્કસ, યુક્રેનમાં ચાલી રહેલા સંકટ પછી આખી દુનિયાની નજર તાઇવાન પર સ્થિર થઈ છે. ચીન તાઇવાનને પોતાનાથી છૂટો પડેલો એક એવો પ્રાંત માને છે જેનો દેશની મુખ્ય ભૂમિમાં વિલય થવો નક્કી છે.
પરંતુ બીજી તરફ તાઇવાન પોતાને એક સ્વતંત્ર દેશ તરીકે રજૂ કરે છે, જ્યાં લોકતાંત્રિક શાસનવ્યવસ્થા છે. જોકે, તાઇવાને હજી સુધી પોતાને સ્વતંત્ર રાષ્ટ્ર ઘોષિત નથી કર્યું.
ભારત માટે તક?
આ તરફ ભારત આ સમગ્ર ઘટનાક્રમ પર ખૂબ જ ગંભીરતાથી નજર રાખી રહ્યું છે.
ચીનની અચાનક જ વધી ગયેલી સૈન્ય હલચલ વિશે ભારતીય વિદેશમંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહેલું, "ઘણા અન્ય દેશોની જેમ ભારત પણ તાજેતરના ઘટનાક્રમોથી ચિંતિત છે. આપણે સંયમ જાળવી રાખવા અને સ્ટેટસને બદલવા માટે એકતરફી ઍક્શનથી બચવા, તણાવ ઘટાડવા અને ક્ષેત્રમાં શાંતિના પ્રયાસોની વિનંતી કરીએ છીએ."
પરંતુ ખરો પ્રશ્ન એ છે કે, શું ભારત માટે આ એક સોનેરી તક હોઈ શકે છે, દુનિયાના એક મોટા ટ્રેડ પાવર સાથે જોડાવાની?
પોતાની 'વન ચાઇન પૉલિસી'ના લીધે ભારતે તાઇવાન સાથેના ડિપ્લૉમેટિક સંબંધો ખૂબ જ દબાયેલા સૂરના અને અનઔપચારિક રાખ્યા છે.
પરંતુ છેલ્લાં કેટલાંક અઠવાડિયાંના ઘટનાક્રમોને જોતાં એ સ્પષ્ટ છે કે તાઇવાનની પણ એશિયામાં એક નવા, સશક્ત સહયોગીની ઇચ્છા છે. ખાસ કરીને એટલા માટે કે ચીન સાથેના એના સંબંધ છેલ્લા ઘણા દાયકામાં સૌથી વધારે ઓછા થઈ ગયા છે.
રાજધાની તાઇપેમાં ઇન્ડિયા કલ્ચરલ સેન્ટરના સંસ્થાપક જેફરી વૂ અનુસાર, "1970 પછીથી તાઇવાનની અર્થવ્યવસ્થાનો ગ્રાફ ઊંચો હતો. ટેકનૉલૉજીના ક્ષેત્રમાં તાઇવાન ચિપસેટથી માંડીને બધું જ બનાવી રહ્યું હતું અને ત્યારે ભારત સરકારે પણ અહીં પોતાનું થાણું સ્થાપ્યું. સત્તાવાર દૂતાવાસ તો ના બનાવ્યો પરંતુ આજે પણ કામ એ જ થાય છે. હવે અહીં ભારતીય વિદ્યાર્થીઓ આવે છે, આદાનપ્રદાન વધી રહ્યું છે. એકબીજાને વધારે સમજી રહ્યા છીએ."
આંકડા શું દર્શાવે છે?
પરંતુ, આંકડાની વાત થાય તો લાગે છે કે અંતર ઘણું છે. જો તાઇવાન અને ભારત વચ્ચે 7 અબજ ડૉલરનો વાર્ષિક વેપાર છે તો ચીન અને તાઇવાન વચ્ચે 125 અબજ કરતાં વધારેનો.
તાઇવાનની 2.25 કરોડની વસ્તીમાં ભારતીય મૂળના કુલ 5 હજાર લોકો રહે છે, જેમાંના અડધા વિદ્યાર્થીઓ છે. સ્પષ્ટ છે કે કરવા માટે ઘણું બધું છે!
ઇન્દોરમાં જન્મેલાં પ્રિયા લાલવાની 38 વર્ષ પહેલાં તાઇવાન આવેલાં અને અહીં જ વસી ગયાં છે.
એમણે જણાવ્યું કે, "તાઇવાનની શક્તિ હાર્ડવેર છે અને ભારતની સૉફ્ટવેર. અમને લાગતું હતું કે આ વસ્તુઓમાં સહયોગ ખૂબ વધશે, પરંતુ એટલો ના થયો. "
"તાઇવાનની કંપનીઓએ ભારતમાં રોકાણ કરવાના પ્રયાસ કર્યા છે પરંતુ ઘણી હતાશ થઈને પાછી ફરી છે. સાંસ્કૃતિક ભિન્નતા, ભાષા કે વધારે પડતાં વહીવટી નિયમનો - આના કારણે મુશ્કેલીઓ પડે છે, કેમ કે એમને ટેવ છે ચીન જવાની, ત્યાર બાદ કંપનીઓએ વિયેતનામમાં બિઝનેસ શરૂ કરી દીધો. ભારત એમને આકર્ષે તો છે, પરંતુ એમને બીક લાગે છે."
બીજી એક વાસ્તવિકતા એ પણ છે કે તાઇવાનમાં દક્ષિણ એશિયાઈ મૂળના લોકો ઓછા દેખાય છે; ખાસ કરીને ભારતીય. ભાષા અને ખાન-પાનના પડકારો ઉપરાંત ભારતીય વ્યાવસાયિકોએ પણ છેલ્લા દોઢ દાયકાથી ચીન બાજુનું વલણ જ રાખ્યું હતું.
જોકે, હવે તાઇવાન એક વિકલ્પ તરીકે પોતાની છાપ અંકિત કરવા માગે છે.
લોકો શું માને છે?
પાયાના સ્તરની વાત કરીએ તો તાઇવાનમાં ભારતના ચાહકોની સંખ્યા થોડીક વધી પણ છે. શહેરની મધ્યમાં સ્થિત એક કમર્શિયલ વિસ્તાર 'શિમેન'માં અમારી મુલાકાત યુવાનો સાથે થઈ.
આશ્ચર્યજનક વાત તો એ હતી કે લગભગ બધાને ખબર હતી કે ભારત અને ચીન વચ્ચે મધુર સંબંધ નથી રહ્યા.
બાયૉ-ટેકનૉલૉજીમાં સ્નાતકનો અભ્યાસ કરતા યાઓ લી પિંગે કહ્યું, "પહેલાંની સરખામણીએ તાઇવાનમાં આજકાલ વધારે ભારતીયો દેખાવા લાગ્યા છે. હવે અમને ભારતીય રેસ્ટોરાં પણ જોવા મળે છે. અને મજાની વાત એ છે કે એમાં તાઇવાનના લોકો પણ ખાતાં જોવા મળી આવે છે. બંને દેશની પોતપોતાની ખાસિયતો છે, જેના આધારે સંબંધો વધારે સારા થવા જોઈએ."
એમ તો યાઓ લી પિંગના મિત્ર રાયનને લાગે છે, "કેમ કે હાલના સમયે તાઇવાન અને ચીન વચ્ચે સમસ્યાઓ વધી છે તો પ્રાથમિકતા એને નિવારવાને હોવી જોઈએ. જ્યાં સુધી ભારતનો સવાલ છે, તો તાઇવાનના લોકો એમની સાથે સારા સંબંધોની આશા રાખે છે. પરંતુ ભવિષ્યમાં."
તાઇપેમાં લગભગ 2500 ભારતીય વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ પણ છે જેઓ ઉચ્ચ શિક્ષણના હેતુથી અહીં આવ્યાં છે.
પંજાબનાં વતની ઋતિકા પીએચ.ડી. કરવા આવ્યાં છે અને એમના અનુસાર, "આપણને બધાને ખબર છે કે તાઇવાનની મુખ્ય શક્તિ સેમિ-કંડક્ટર્સ છે. તો બધાંને એમાં લાભ છે, ઇન્ડિયા ચોક્કસ સપોર્ટ કરશે તાઇવાનને."
ઘણા લોકો તાઇવાનને ટેકનૉલૉજી એવા નામે પણ ઓળખે છે. થર્મલ ઇમેઝિંગ હોય, ચિપ મૅન્યુફૅક્ચરિંગ હોય, ડિવાઇસિસમાં નવી ટેકનૉલૉજીની શોધ હોય, તાઇવાનનો કોઈ વિકલ્પ નથી.
આ જ એ જગ્યા છે જ્યાં ભારત માટે એક ખૂબ મોટી તક હોઈ શકે છે અને ચીન કરતાં સસ્તાં ઇલેક્ટ્રોનિક્સ માટે ભારતની નિર્ભરતાનો વિકલ્પ તાઇવાન બની શકે છે.
તાઇપેના તાઇવાન-એશિયા ઍક્સ્ચેન્જ ફાઉન્ડેશનમાં રિસર્ચ ફેલો સના હાશમીએ કહ્યું, "મને લાગે છે એક રીતે વરદાન છે ઇન્ડિયા માટે. અને એક વેક-અપ કૉલ છે તાઇવાનના એ વ્યાવસાયિકો માટે જેઓ ચીનમાં છે, કે એમણે ચીનમાંથી બહાર નીકળીને અન્ય દેશો તરફ દૃષ્ટિ કરવી જોઈએ. ભારત એટલું મોટું માર્કેટ છે તાઇવાન માટે. ભવિષ્યમાં ભારતમાં તાઇવાનનો બિઝનેસ અને ઇન્વેસ્ટમેન્ટ વધારે જોવા મળશે."
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો