એ હુમલો જેનાથી આખું રશિયા ખળભળી ઊઠ્યું, પિતા માટે રખાયેલા વિસ્ફોટે પુત્રીનો ભોગ લીધો?


- રશિયામાં થયેલા એક કારવિસ્ફોટમાં દાર્શનિક ઍલેક્ઝાન્ડર દુગીનનાં પુત્રી દરયા દુગીનાનું મૃત્યુ થયું
- આ વિસ્ફોટ ઍલેક્ઝાન્ડર દુગીનને નિશાન બનાવીને કરાયો હોવાનું માનવામાં આવે છે
- રાષ્ટ્રપતિ પુતિન પર ઍલેક્ઝાન્ડર દુગીનના વિચારોનો ભારે પ્રભાવ હોવાનું માનવામાં આવે છે

આ એક એવો હુમલો છે, જેણે રશિયામાં કેટલાય સવાલો સર્જી દીધા છે. દરયા દુગીના રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનું 'ભેજું' ગણાતા દાર્શનિક ઍલેક્ઝાન્ડર દુગીનાનાં પુત્રી હતાં.
રશિયન તપાસસમિતિ અનુસાર દરયા દુગીના પોતાની કારમાં ઘરે જઈ રહ્યાં હતાં ત્યારે તેમનું મૃત્યુ થઈ ગયું. એમની કારમાં કથિત રીતે વિસ્ફોટ થયો હતો.
રશિયન અધિકારીઓનું કહેવું છે કે શનિવારની રાતે મૉસ્કોની નજીક થયેલો આ હુમલો સંભવિત રીતે દરયા દુગિનાના પિતા ઍલેક્ઝાન્ડરને નિશાન બનાવવા માટે કરવામાં આવ્યો હતો.
વિસ્ફોટકો ઍલેક્ઝાન્ડર દુગીનાની કારમાં લગાવાયા હતા. તેમણે મૉસ્કોની બહાર એક કાર્યક્રમમાં ભાગ લીધા બાદ છેલ્લી ઘડીએ પોતાની કાર પુત્રી દરયા દુગીના સાથે બદલાવી હતી.
દુગીના અને તેમનાં પુત્રી ઝખારોવો ઍસ્ટેટમાં યોજાયેલા એક કાર્યક્રમમાં મુખ્ય અતિથિ હતાં. વિચારક દુગીનાએ ત્યાં ભાષણ આપ્યું હતું.
તપાસ કરનારા અધિકારીઓએ જણાવ્યું કે જે પાર્કિંગ ઍરિયામાં કારને પાર્ક કરવામાં આવી હતી ત્યાંના સિક્યૉરિટી કૅમેરા કામ નહોતા કરી રહ્યા.
બોલ્શિએ વ્યાઝેમી ગામની નજીક થયેલા આ વિસ્ફોટમાં દરયા દુગીનાનું મૃત્યુ ઘટનાસ્થળે જ થઈ ગયું.
ઇમર્જન્સી સેવા જ્યારે ઘટનાસ્થળે પહોંચી ત્યારે દુગીનાની કાર સળગી રહી હતી. ટેલિગ્રામ પર પોસ્ટ કરાયેલી તસવીરોમાં દાર્શનિક દુગીના ભારે આઘાત અને દુઃખમાં જોવા મળી રહ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

અત્યાર સુધી શું જાણવા મળ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
રશિયન અધિકારીઓને હજુ સુધી આ વિસ્ફોટ અંગે કોઈ ઠોસ જાણકારી નથી મળી.
તપાસકર્તાઓએ પુષ્ટિ કરી છે કે દુગીના કાર ચલાવી રહ્યાં હતાં અને બોલ્શિએ વ્યાઝેમીની નજીક જ તેમનું મૃત્યુ થઈ ગયું હતું.
તપાસઅધિકારીઓએ જણાવ્યું છે કે વિસ્ફોટકો કારની નીચે લગાવાયા હતા અને વિસ્ફોટ બાદ કારમાં આગ લાગી ગઈ હતી. ફોરેન્સિક અને વિસ્ફોટના વિશેષજ્ઞો મામલાની તપાસ કરી રહ્યા છે.
રશિયન વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા મારિયા ઝખારોવાએ એક ટેલિગ્રામ પોસ્ટમાં કહ્યું છે કે આ હુમલા પાછળ યુક્રેનનો હાથ હોવાની વાત જાણવા મળે તો આને 'સ્ટેટ ટેરરીઝમ' માનવામાં આવશે.
દુગીનના સમર્થકો આ હુમલા પાછળ યુક્રેનીયનોનો હાથ હોવાનો દાવો કરી રહ્યા છે, જોકે, આ માટે તેમણે કોઈ પ્રમાણ નથી આપ્યાં.
બીજી તરફ ઉદાર વિરોધપક્ષ આ હુમલા બાબત રશિયાની સ્પેશિયલ સર્વિસ તરફ ઇશારો કર્યો છે. અલબત્ત, તેમણે પણ કોઈ પ્રમાણ નથી આપ્યાં.
રશિયન વિશ્લેષકોએ દુગીનાની કારમાં વિસ્ફોટ બાદ પ્રથમ સવાલ એ કર્યો કે શું આ ઘટનામાં તેમના પિતા ઍલેક્ઝાન્ડર નિશાના પર હતા?
યુક્રેનના અધિકારીઓએ આ હુમલામાં સામેલ હોવાના આરોપોનું ખંડન કર્યું છે. તેમનું કહેવું છે કે રશિયાની અંદર રાજકીય દુશ્મનાવટને લીધે આ ઘટના ઘટી છે.
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીના સલાહકાર મિખાઇલો પોડોલીએકે કહ્યું છે, "આ ઘટના સાથે યુક્રેનનો કોઈ સંબંધ નથી, કારણ કે ગુનેગાર દેશ રશિયન સંઘ છે, અમે નથી."
ક્રાઇમિયન પ્રાયદ્વીપ અને યુક્રેનની નજીકના રશિયન વિસ્તારોમાં તાજેતરમાં થયેલા હુમલાઓએ રશિયાના અધિકારીઓની ચિંતા વધારી દીધી છે. રશિયાએ વર્ષ 2014માં ક્રાઇમિયાને પોતાની સાથે ભેળવી લીધું હતું.
રશિયામાં ચલાવાઈ રહેલા પ્રૉપેગૅન્ડા અનુસાર વારંવાર એવું કહેવાઈ રહ્યું છે કે વ્લાદિમીર પુતિન 1990ના અશાંત દાયકા બાદ દેશમાં સુરક્ષા અને સ્થિરતા લાવ્યા છે. એ વખતે કારવિસ્ફોટ અને રાજકીય હત્યાઓ સામાન્ય વાત ગણાતી હતી.
જોકે, રાજધાની મૉસ્કોની નજીક દુગીનાની કાર પર થયેલો વિસ્ફોટ એ પ્રૉપેગૅન્ડાને ખોટો સાબિત કરે છે.

બીબીસી સંવાદદાતા વિલ વરનૉલનું વિશ્લેષણ

ઇમેજ સ્રોત, EPA
રશિયામાં ઍલેક્ઝાન્ડર દુગીના પાસે કોઈ સરકારી પદ નથી પણ તેઓ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની નજીક ગણવામાં આવે છે અને તેમને 'પુતિનના રાસ્પુતિન' માનવામાં આવે છે.
આપને જણાવી દઈએ કે ગ્રિગોરી રાસ્પુતિન રશિયન સામ્રાજ્યના છેલ્લા ઝાર નિકોલસ દ્વિતીયના વિશ્વાસુ હતા અને ઝારના નિર્ણયોમાં તેમની નિર્ણાયક ભૂમિકા રહેતી. નિકોલસ દ્વિતીયનાં પત્ની ઍલેક્ઝાન્ડ્રા પર પણ રાસ્પુતિનનો ભારે પ્રભાવ હતો.
દુગીના રશિયાનાં એક પ્રખ્યાત પત્રકાર પણ હતાં જે યુક્રેન પર રશિયાના હુમલાઓનું જાહેરમાં સમર્થન કરતાં હતાં.
આ વર્ષની શરૂઆતમાં અમેરિકા અને બ્રિટને તેમના પર પ્રતિબંધ લગાવી દીધો હતો. 29 વર્ષનાં દુગીના પર રશિયન હુમલા અંગે ઇન્ટરનેટ પર ખોટી માહિતી ફેલાવવાનો આરોપ હતો.
મે, 2022માં આપેલા એક ઇન્ટરવ્યૂમાં દુગીનાએ રશિયા-યુક્રેનના યુદ્ધને'સંસ્કૃતિઓનો સંઘર્ષ' ગણાવ્યું હતું અને એ વાત પર ગર્વ લીધો હતો કે તેમના અને તેમના પિતા પર પ્રતિબંધ લગાવી દેવાયો છે.
ક્રાઇમિયાના રશિયામાં વિલય અંગે ઍલેક્ઝાન્ડર દુગીનની કથિત ભૂમિકાને સ્વીકારતાં અમેરિકાએ વર્ષ 2015માં તેમના પર પ્રતિબંધ લગાવી દીધો હતો.
વ્લાદિમીર પુતિનના વિચારોને પ્રભાવિત કરવામાં દુગીનના લેખોનું મહત્ત્વનું યોગદાન હોવાનું માનવામાં આવે છે. આ સાથે જ ક્રેમલિનમાં જે લોકો ઉગ્ર રાષ્ટ્રવાદના સમર્થકો ગણાય છે, એમની પાછળ પણ દુગીનની મહત્ત્વની વૈચારિક ભૂમિકા હોવાનું કહેવાય છે.
ગત કેટલાંય વર્ષોથી ઍલેક્ઝાન્ડર દુગીના રશિયન સરકારને વૈશ્વિક મંચો પર આક્રમક વલણ અપનાવવાની સલાહ આપે છે. તેમણે યુક્રેનમાં રશિયાની સૈન્યકાર્યવાહીનું પણ સમર્થન કર્યું હતું.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













