અલ-કાયદાના નેતા અલ-ઝવાહિરીનું અમેરિકાના ડ્રોન હુમલામાં કાબુલમાં મૃત્યુ

ઇમેજ સ્રોત, Rex Features
- લેેખક, રૉબર્ટ પ્લમર
- પદ, બીબીસી ન્યૂઝ
અમેરિકાએ અલ-કાયદાના નેતા અયમાન અલ-ઝવાહિરીને અફઘાનિસ્તાનમાં એક ડ્રોન હુમલામાં મારી નાખ્યો છે.
અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડને આની પુષ્ટિ કરી છે. રવિવારે અમેરિકાની સૅન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સી એટલે કે સીઆઈએએ અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં આતંકવાદવિરોધી ઑપરેશન ચલાવ્યું હતું. અલ-ઝવાહિરીનું મૃત્યુ આ અભિયાનમાં જ થયું હતું.
રાષ્ટ્રપતિ બાઇડને કહ્યું કે ઝવાહિરીના હાથ અમેરિકન નાગરિકોની હત્યા અને એમના વિરુદ્ધની હિંસાથી રંગાયેલા હતા. બાઇડને એવું પણ કહ્યું હવે લોકોને ન્યાય મળ્યો છે અને આ આતંકવાદી હવે નથી રહ્યો.
અધિકારીઓનું કહેવું છે કે ઝવાહિરી એક સુરક્ષિત ઘરની બાલ્કનીમાં હતો ત્યારે જ ડ્રોન થકી બે મિસાઇલો છોડવામાં આવી હતી.
અમેરિકન અધિકારીઓનું કહેવું છે કે ઝવાહિરીના પરિવારજનો પણ ઘરમાં હતા પણ કોઈને કોઈ નુકસાન પહોંચ્યું નથી.
રાષ્ટ્રપતિ બાઇડને કહ્યું કે તેમણે અલ-કાયદાના 71 વર્ષના નેતા વિરુદ્ધ નિર્ણાયક હુમલાની મંજૂરી આપી હતી. વર્ષ 2011માં ઓસામા બિન-લાદેનને માર્યા બાદ અલ-કાયદાની કમાન ઝવાહિરીએ સંભાળી હતી.

ઝવાહિરીને લગતી કેટલીક રસપ્રદ વાતો

- CIAએ કાબુલમાં 71 વર્ષીય અલ-કાયદા નેતા અયમાન અલ-ઝવાહિરીની હત્યા કરી
- અલ-ઝવાહિરી, એક ઇજિપ્શિયન ડૉક્ટર હતો જે પાછળથી ઇસ્લામિક ઉગ્રવાદમાં જોડાયો
- 1980ના દાયકામાં ઇસ્લામિક ઉગ્રવાદમાં સંડોવણી બદલ ઇજિપ્તમાં કેદ કરવામાં આવ્યો
- જેલમાંથી છૂટ્યા બાદ અફઘાનિસ્તાનમાં સ્થાયી થયો અને ઓસામા બિન લાદેન સાથે જોડાયો
- 2011માં ઓસામા બિન લાદેન માર્યા ગયા બાદ ઝવાહિરી અલ-કાયદાનું સુકાન સંભાળતો હતો

અમેરિકામાં 9/11 હુમલાનું ષડ્યંત્ર લાદેન અને ઝવાહિરીએ જ રચ્યું હતું. ઝવાહિરીને અમેરિકામાં મોસ્ટ વૉન્ટેડ આતંકવાદી માનવામાં આવતો હતો.
બાઇડને કહ્યું કે અલ-કાયદા નેતાના માર્યા ગયાથી 2001માં 9/11ના હુમલાના પીડિતોના પરિવારજનોને રાહત મળશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
રાષ્ટ્રપતિ બાઇડને કહ્યું કે ઝવાહિરી વર્ષ 2000માં ઍડનમાં યુએસએસ કોલે નૅવલ પર આત્મઘાતી હુમલા માટે પણ જવાબદાર હતો. એ હુમલામાં 17 નૌસૈનિકોનાં મૃત્યુ થયાં હતાં.
અમેરિકન રાષ્ટ્રપતિએ કહ્યું, "મહત્ત્વનું નથી કે કેટલો સમય લાગ્યો. એ પણ મહત્ત્વનું નથી કે તે ક્યાં સંતાઈને બેઠો છે. જો તમે અમારા નાગરિકો માટે ખતરારૂપ હશો તો અમેરિકા છોડશે નહીં. પોતાના રાષ્ટ્ર અને નાગરિકોની સુરક્ષામાં કોઈ બાંધછોડ નહીં કરાય."
તાલિબાને અમેરિકાના આ અભિયાનને આંતરરાષ્ટ્રીય નિયમો અને સિદ્ધાંતોનું ખુલ્લું ઉલ્લંઘન ગણાવ્યું છે. તાલિબાનના પ્રવક્તાએ કહ્યું, "છેલ્લાં 20 વર્ષમાં આવી કાર્યવાહી નિષ્ફળ અનુભવોને બેવડાવે છે. આ અમેરિકાનાં હિતોના વિરુદ્ધમાં છે."
ઝવાહિરી એક આઈ સર્જન હતો અને તેણે ઇજિપ્તમાં ઇસ્લામિક જેહાદી ગ્રૂપ બનાવવામાં મદદ કરી હતી. અમેરિકાએ મે 2011માં ઓસામા બિન લાદેનને માર્યો હતો અને ત્યાર બાદથી અલ-કાયદાનું સુકાન અલ-ઝવાહિરી પાસે હતું.
આ પહેલાં અલ-ઝવાહિરીને ઓસામા બિન લાદેનનો જમણો હાથ માનવામાં આવતો હતો. ઝવાહિરીની ઓળખ અલ-કાયદાના પ્રમુખ વિચારક તરીકેની પણ હતી.
અમેરિકામાં 9/11ના હુમલા પાછળ પણ અલ-ઝવાહિરીનો જ હાથ હોવાનું માનવામાં આવે છે.

બીબીસીના સુરક્ષા સંવાદદાતા ગૉર્ડન કોરેરાનું વિશ્લેષણ

ઇમેજ સ્રોત, AFP
ઇજિપ્તના ડૉક્ટર અલ-ઝવાહિરીએ 1980ના દાયકામાં ઇસ્લામિક ઉગ્રવાદમાં સામેલ થવાના લીધે જેલ પણ ભોગવી હતી.
જેલમાંથી છૂટ્યા બાદ એણે ઇજિપ્ત છોડી દીધું અને આંતરરાષ્ટ્રીય જેહાદી અભિયાનોમાં સામે થવાનું પસંદ કર્યું. આ પસંદગી એને અફઘાનિસ્તાન સુધી દોરી લાવી અને એમાં એને સાઉદી અરેબિયાના એક જેહાદી અમીર બિન લાદેનનો સાથ મળ્યો.
અલ-ઝવાહિરી અને લાદેને સાથે મળીને અમેરિકા વિરુદ્ધ યુદ્ધની જાહેરાત કરી હતી અને વર્ષ 2001માં 11 સપ્ટેમ્બરના હુમલાને અંજામ આપ્યો હતો. આ હુમલાના એક દાયકા બાદ લાદેનને મારવામાં અમેરિકાને સફળતા મળી હતી.
ઓસામા બાદ અલ-કાયદા સંપૂર્ણ રીતે અલ-ઝવાહિરીના કબજામાં હતું. જોકે, ઓસામાના માર્યા ગયા બાદ અલ-ઝવાહિરી પાસે કંઈ બચ્યું પણ નહોતું. એ ક્યારેક-ક્યારેક કોઈ નિવેદન જાહેર કરતો રહેતો.
અમેરિકા અલ-ઝવાહિરીના મૃત્યુને જીત તરીકે જોશે. ગયા વર્ષે જ અમેરિકાએ અફઘાનિસ્તાનમાંથી કોઈ નક્કર લક્ષ્ય હાંસલ કર્યા વગર પોતાનું સૈન્ય પાછું બોલાવી લીધું હતું, પરંતુ અલ-ઝવાહિરીની ક્ષમતા તુલનાત્મક રીતે કમજોર હતી અને હવે ઇસ્લામિક સ્ટેટ સામે અલ-કાયદા ઘણું નબળુ પણ પડી ગયું છે.
અલબત્ત અલ-કાયદામાં નવા નેતાનો ઉદય થશે. કાબુલમાં અલ-ઝવાહિરીની હત્યા અફઘાનિસ્તાનનું મહત્ત્વ પણ દર્શાવે છે.
તાલિબાનના આગમનથી ઇસ્લામિક જૂથોને ત્યાં આશ્રયસ્થાન પણ મળી શકે છે પરંતુ અમેરિકાએ એ પણ બતાવી દીધું છે કે તેઓ જમીન પર ન હોવા છતાં દૂરથી હુમલો કરી શકે છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













