માસ્ટરશેફ ઑસ્ટ્રેલિયા: ભારતીય ભોજન વિદેશમાં કઈ રીતે ધૂમ મચાવી રહ્યું છે?

    • લેેખક, ઝોયા મતીન
    • પદ, બીબીસી ન્યૂઝ, દિલ્હી
  • માસ્ટરશેફ ઑસ્ટ્રેલિયાના શોમા વર્ષોથી શેફ પરંપરાગત ભારતીય રસોઈ રજૂ કરીને નિર્ણાયકોને પ્રભાવિત કરી રહ્યા છે
  • દુનિયાના દરેક ખૂણે ભારતીય ભોજનને લોકો જાણે છે
  • સંદીપ પંડિતે અલગ-અલગ વ્યંજનોને મિક્સ કરીને એકદમ નવીન પ્રકારનું ભોજન પીરસ્યું અને તેમનો લૉબસ્ટર મસાલો ઘણો પ્રસિદ્ધિ પામ્યો
  • સિઝન 13માં ભાગ લેનાર દીપિંદર છિબ્બરે તડકાવાલી લસ્સી અને કડાઈ પનીરથી નિર્ણાયકોને પ્રભાવિત કર્યાં હતાં
  • ગગન આનંદની શૈલીમાં આધુનિકતાનો પ્રભાવ અને લયબદ્ધ સૌંદર્ય પણ જોવા મળે છે
  • દુનિયાભરના ફૂડ લવર્સ તેમની રેસ્ટોરાંમાં જાય છે. 2019માં, તેમની રેસ્ટોરાં વિશ્વની 50 શ્રેષ્ઠ રેસ્ટોરાંમાં ચોથા ક્રમે હતી

માસ્ટરશેફ ઑસ્ટ્રેલિયાની 14મી સિઝનમાં પણ ગત સિઝનની જેમ ભારતીય ભોજન ધૂમ મચાવતું જોવા મળ્યું હતું.

બે અઠવાડિયા પહેલાં પુરા થયેલા લોકપ્રિય ટીવી શોની રનર અપ સારા ટોડે ભારતીય ભોજનને આકર્ષક રીતે રજુ કર્યું હતું. તેમાં ગોવાનું તીખું અને મસાલેદાર પોર્ક વિંદાલૂ પણ સામેલ હતું.

ટીવી શો માસ્ટરશેફ ઑસ્ટ્રેલિયા ભારતમાં પણ ભારે લોકપ્રિય છે. આ ટીવી સ્પર્ધામાં ભારતીય મૂળના રસોઈયાઓની ભાગીદારી અને તેમનું ભારતીય જોડાણ શોને વધુ લોકપ્રિય બનાવી રહ્યું છે.

શોની લોકપ્રિયતાનો અંદાજ એ હકીકત પરથી પણ લગાવી શકાય છે કે તે માસ્ટરશેફ ઑસ્ટ્રેલિયાના ભારતીય સંસ્કરણ માસ્ટરશેફ ઇન્ડિયા કરતાં પણ ભારતમાં ઘણો વધારે જોવાઈ રહ્યો છે.

આ શોમા વર્ષોથી શેફ પરંપરાગત ભારતીય રસોઈ રજૂ કરીને નિર્ણાયકોને પ્રભાવિત કરી રહ્યા છે, કેટલીકવાર પરંપરાગત ભારતીય ભોજનમાં આધુનિક પશ્ચિમી શૈલીનો વઘાર ઉમેરીને કંઈક નવું પણ રજૂ કરે છે.

ભારતીય વઘારનો સ્વાદ

માસ્ટરશેફ ઑસ્ટ્રેલિયા 2013ની પાંચમી સિઝનમાં ચોથા સ્થાને રહેલા ઋષિ દેસાઈએ પાલક પનીર બનાવીને નિર્ણાયકોને પ્રભાવિત કર્યા હતા. ત્યારથી, દરેક સિઝનમાં ભારતીય પાકકળાનો રંગ અચૂક જોવા મળે છે.

દુનિયાના દરેક ખૂણે ભારતીય ભોજનને લોકો જાણે છે. પરંતુ આ ટીવી શોમાં ભાગ લેનારા કેટલાક શેફે ભારતીય ભોજનની વિવિધતા અને વ્યંજનની શ્રેણીને ખૂબ જ સારી રીતે રજૂ કરી છે.

સિઝન 11માં ભાગ લેનાર શેફ સંદીપ પંડિત જણાવે છે કે, "માસ્ટરશેફ ઑસ્ટ્રેલિયાએ દુનિયાને બતાવી દીધું છે કે ભારતીય ભોજનમાં માત્ર બટર ચિકન અને નાન જ નહીં પરંતુ અનેક પ્રકારની રસોઈ છે અને તે બધાના સ્વાદનો પરિચય કરાવ્યો છે."

સંદીપ પંડિતે પોતાના વ્યંજનો બનાવવા માટે આખા ભારતમાંથી અલગ-અલગ વ્યંજનોનો આઇડિયા અપનાવ્યો અને તે બધાને મિક્સ કરીને એકદમ નવીન પ્રકારનું ભોજન પીરસ્યું અને તેમનો લૉબસ્ટર મસાલો ઘણો પ્રસિદ્ધિ પામ્યો.

તેમણે કહ્યું, "હું જાણતો જ હતો કે જો હું દરેક રાઉન્ડમાં એક ભારતીય રસોઈ બનાવીશ તો પણ હું બધી રસોઈ નહીં બતાવી શકું."

માસ્ટરશેફ એવો શો બની ગયો છે જે ટીવી સ્ક્રીન પર ભોજનના સ્વાદિષ્ટ વ્યંજનોને શ્રેષ્ઠ રીતે બતાવે છે, એટલું જ નહીં, સહભાગીઓને રસોઈના અનુભવને શ્રેષ્ઠ રીતે રજૂ કરવા માટે પ્રોત્સાહિત કરે છે.

આમાંથી એવો પણ પ્રશ્ન ઉદ્દભવી શકે કે ભારતીય ભોજન ઇટાલિયન અને ફ્રેન્ચ ભોજનની સામે ક્યાં ઊભું છે? અથવા જેને લોકો ક્યારેક દેશી ભોજન કહે છે તે તેના વિશિષ્ટ સ્વાદને કારણે અલગ પડે છે?

ભારતીય રસોઈની ગણતરી સ્ટાઇલિશ રસોઈમાં થાય છે

સંદીપ પંડિત કહે છે, "જુઓ નાના વાસણમાં સ્ટાઇલિશ રીતે રજૂ કરવામાં આવતું ભોજન હોય કે વિશ્વભરના ચુનંદા અને રાજવી લોકોનાં રસોડા અને ડાઇનિંગ ટેબલ પર પિરસવામાં આવતું હોય, ભારતીય ભોજન દરેક પ્રસંગ માટે યોગ્ય છે."

સિઝન 13માં ભાગ લેનાર દીપિંદર છિબ્બર જ્યારે પહેલીવાર ભારતીય ભોજન રજૂ કરી રહ્યાં હતાં ત્યારે તેઓ ખૂબ જ નર્વસ હતાં. તડકાવાલી લસ્સી અને કડાઈ પનીરથી નિર્ણાયકોને પ્રભાવિત કરનાર 30 વર્ષીય દીપિંદર કહે છે, "ગભરાવાનું કારણ એ હતું કે આપણે આપણા ઘરે બનતી રસોઈને ઓછી આંકીએ છીએ, વાસ્તવમાં તેનો સ્વાદ શાનદાર અને બધાથી અલગ હોય છે. નિર્ણાયકોને મારુ ઘરેલું ભારતીય ભોજન પસંદ આવ્યું હતું."

દીપિંદર છિબ્બરનાં મતે, આપણે પોતે જ ભારતીય ભોજન પર મર્યાદાઓ લાદીએ છીએ. તેમણે કહ્યું, "ભારતીય ભોજનના સ્વાદ સાથે ઘણા પ્રયોગો કરી શકાય છે."

ભારતીય ભોજન વિશ્વભરમાં સ્થાપિત થઈ રહ્યું છે, તેમાં હવે કોઈ શંકાને સ્થાન નથી.

એક સમય એવો હતો કે જ્યારે તમામ ભારતીય રસોઈ પર કઢીને નામે પૂર્ણવિરામ મુકાઈ જતું હતું. કઢી ખૂબ જ મસાલેદાર અને સુગંધિત રસોઈ ગણાતી પણ તેમાં કોઈ પણ પ્રકારની કલાત્મકતાની અપેક્ષા નહોતી.

પરંતુ વર્ષોથી, ભારતીય રસોઈયાઓએ પારંપરિક રસોઈ અને તકનીકો શોધી કાઢી છે અને તેને અનન્ય રસોઈમાં ફેરવી નાખી છે.

ગગન આનંદની ગણતરી ભારતના સૌથી પ્રખ્યાત શેફમાં થાય છે. તેઓ માને છે કે ભારતીય ભોજન ઉત્તમ ખોરાક ન હોઈ શકે એ ખોટી માન્યતા છે.

તેણે તેની લાક્ષણિક શૈલીમાં કહ્યું, "આપણે એવુ કહેવું પણ ન જોઈએ કારણ કે મેં સાબિત કર્યું છે કે ભારતીય ભોજન ઉત્તમ ભોજનનો પર્યાય બની શકે છે."

ગગન આનંદની શૈલીમાં આધુનિકતાનો પ્રભાવ અને લયબદ્ધ સૌંદર્ય પણ જોવા મળે છે, જોકે જ્યાં ગગન મોટા થયા હતા તે કોલકાતાની સંસ્કૃતિ તેના મૂળમાં વણાયેલી છે. આને કારણે, બૅંગકોકમાં તેમની રેસ્ટોરાં મિશ્ર ભોજન માટેના સ્થળ તરીકે જાણીતી બની રહી છે. તેણે પોતાની જાતને લિજેન્ડ શેફ તરીકે સ્થાપિત કરી છે. તેમને ફૂડ ગૉડ અર્થાત કે 'ભોજન દેવતા' પણ કહેવામાં આવે છે.

દુનિયાભરના ફૂડ લવર્સ તેમની રેસ્ટોરાંમાં જાય છે. 2019માં, તેમની રેસ્ટોરાં વિશ્વની 50 શ્રેષ્ઠ રેસ્ટોરાંમાં ચોથા ક્રમે હતી. અહીં આવનારા લોકોને એવી મિશ્ર રસોઈનો સ્વાદ ચાખવા મળે છે, જેને સહેલાઈથી અલગ કરવી શક્ય નથી. તેમની એક રસોઈને દહીં-ધમાકા કહેવામાં આવે છે, જેમાં દહીંના મોટા ફોદા પર જિલેટીનનું આવરણ હોય છે જે તમારા મોંમાં પ્રવેશતાની સાથે જ ફાટી જાય છે અને મિશ્રિત સ્વાદ મોંમાં ઓગળવા લાગે છે.

સર્જનાત્મકતાનો અવકાશ કેટલો?

જોકે ગગન આનંદ કબૂલે છે કે તેમના જેવા કેટલાક શેફ ભારતીય ભોજનને સંપૂર્ણ ન્યાય આપી શકતા નથી. તે આ માટે ભારતીય ખાણીપીણી ઉદ્યોગના પાવરફૂલ લોકોમાં સર્જનાત્મકતાના અભાવને જવાબદાર માને છે. જો કે, તેઓ એ પણ ઉમેરે છે કે જે શેફ કંઈક નવું કરવાનો પ્રયાસ કરે છે તેમણે ધંધામાં ટકી રહેવું ઘણું અઘરું થઈ પડે છે.

ગગન આનંદ કહે છે, "જો કોઈ શેફ કલાત્મક ઝોક સાથે આવે તો પણ તેમણે આ મૂડીવાદી વ્યવસ્થામાં પોતાનુ સ્થાન બનાવવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે."

ગગન આનંદના મતે આ આખી રીતભાતને બદલવાની જરૂર છે. તેમણે કહ્યું, "તેનો અર્થ એ નથી કે યુરોપિયન વસ્ત્રોમાં સજ્જ થઈને ભારતીય ભોજન પીરસવું, પરંતુ આપણે આપણા સમૃદ્ધ વારસા અને સંસ્કૃતિને આપણી ફૂડ પ્લેટ્સ પર રજૂ કરવી પડશે."

ગગનના જણાવ્યા અનુસાર, ભારતીય શેફને લાગે છે કે તેમની રાંધણકળા સૂક્ષ્મ તફાવતો જાણતી નથી, જ્યારે વાસ્તવિકતા એ છે કે ભારતીય ભોજનમાં આખું વિશ્વ સમાયેલું છે.

તેમણે કહ્યું, "આપણને ભારતીયોને ભોજનમાં યથાસંભવ દરેક પ્રયોગો કરીને તેનો વ્યાપ વધારવાનું ગમે છે. એટલે જ આપણે આપણી રસોઈમાં મરચાં, ટામેટાં, ઘી, ચોકલેટ, ચા વગેરેનો સમાવેશ કર્યો છે અને આપણી પાસે મસાલા પણ છે. મસાલામાં આદુ, હળદર, એલચી અને વઘાર માટેના મસાલાનો દુનિયાભરની રાંધણકળાઓમાં ઉપયોગ સ્વયં જ એક કેસ સ્ટડી છે."

ભારત રસોઈમાં વપરાતા ઘણા મસાલાઓનું જન્મદાતા છે. સાથે જ ભારતીયો કોઈપણ સંસ્કૃતિની રસોઈને પોતાની આગવી રીતે બનાવી શકે છે, ઉદાહરણ તરીકે ભારતીયોએ ચાઈનીઝ ભોજન સાથે આવું કર્યું છે. તમે લક્ઝુરિયસ રેસ્ટોરાંથી લઈને રસ્તા પરના સ્ટોલ સુધી ચાઇનીઝ ભોજનમાં ભારતીય કઢી બનાવવામાં ઉપયોગમાં લેવાતી વસ્તુઓનો ઉપયોગ જોઈ શકો છો.

સંદીપ પંડિત સમજાવે છે, "ભારતીય પાકશાસ્ત્રની વાસ્તવિક વિશેષતા એ છે કે પહેલેથી ઉપલબ્ધ કોઈ રસોઈને અવિશ્વસનીય રૂપે નવેસરથી બનાવવી."

દીપિંદર છિબ્બર નિર્દેશ કરે છે કે માસ્ટરશેફ જેવા સ્પર્ધાત્મક ટીવી શોમાં ભારતીય ભોજન પીરસવું હંમેશા સરળ નથી હોતું.

તેમણે કહ્યું, "કેટલાક પ્રસંગોએ હું ભારતીય રસોઈ પીરસી શકી ન હતી. ઉદાહરણ તરીકે, ઇટાલિયન ટીમ ચૅલેન્જ દરમિયાન, મને પાસ્તા સાથે સર્વ કરવા માટે વાનગીને થોડી મીઠી બનાવવી પડી હતી."

માનસિકતા બદલવી પડશે

નિર્ણાયકોએ એ પણ જોવાનો પ્રયાસ કર્યો કે સ્પર્ધકો તેમના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળે છે કે નહીં. છિબ્બર કહે છે, "ભારતીય ભોજન મારો કમ્ફર્ટ ઝોન હતો."

13મી સિઝનના વિજેતા જસ્ટિન નારાયણ પણ ઘણી વખત યાદ કરે છે કે તેઓ થોડા નર્વસ હતા. ફિજી અને ભારતીય વારસો ધરાવતા શેફ જસ્ટિન નારાયણ કહે છે, "ભારતીય ભોજનની મારા જીવન ભારે અસર રહી છે અને તે મારા પરિવારનો પણ ઇતિહાસ રહ્યો છે, તેથી માસ્ટરશેફ જેવા પ્લેટફોર્મ પર તેને પ્રદર્શિત કરવું ભારે ગૌરવની વાત છે."

તેમને જે પ્રકારની પ્રતિક્રિયાઓ મળી તે પણ ઉત્સાહપ્રેરક હતી. તેમણે કહ્યું, "વધુને વધુ લોકો મૌલિક સ્વાદની રસોઈ ખાવા માંગે છે." તેઓ માને છે કે માસ્ટરશેફે ભારતીય ભોજનને વિશ્વની શ્રેષ્ઠ રસોઈની સમકક્ષ લાવી દીધું છે.

આનંદ પણ આ દલીલ સાથે સહમત છે. પરંતુ તેઓ એમ પણ કહે છે કે કોઈ માત્ર ટીવી શો માટે શેફ નથી બનતું. તેમણે કહ્યું, "વિજેતાઓએ પણ શેફ બનવા ભારે મહેનત કરવી પડે છે."

તેમનું માનવું છે કે ખરી સમસ્યા એ છે કે દેશમાં એન્જિનિયર અને ડૉક્ટર બનાવવાની સ્પર્ધા ચાલી રહી છે અને અન્ય માર્ગ પસંદ કરનારાઓને નકારી કાઢવામાં આવે છે. તેઓ કહે છે, "ભારતીય રસોઈની દુનિયામાં વાસ્તવિક ક્રાંતિ ત્યારે જ થશે જ્યારે આ માનસિકતા બદલાશે."

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો