અપરિણીત વ્યક્તિના શરીરની ગંધ કેમ જુદી પડતી હોય છે?
- લેેખક, વિલિયમ પાર્ક
- પદ, બીબીસી ફ્યુચર
આપણા શરીરની ગંધમાં ઘણી માનસિક અને જૈવિક બાબતો સંગ્રહાયેલી હોય છે, પણ કોઈક કારણસર આપણે તેની અવગણના કરીએ છીએ.
ફ્રાન્સના રાજા લૂઈ 14મા સુગંધની બાબતમાં બહુ ચોખલિયા હતા. તેમના મહેલના દરેક રૂમ અને ફર્નિચરમાં સુગંધિત ફૂલો સજાવીને રખાતાં હતાં અને ફુવારાના પાણીમાં પણ અત્તર ઉમેરવામાં આવતું હતું.

ઇમેજ સ્રોત, Michal Bialozej
મુલાકાતીઓ આવે તેમના પર પ્રથમ અત્તર છાંટવામાં આવતું હતું. આજે આપણને થાય કે સ્વચ્છતાના ભાગરૂપે તેઓ આવું કરતા હશે અથવા પછી અમુક ખુશબો તેમને બહુ પસંદ પડતી હશે. વાત જે પણ હોય, લૂઈ ગંધનું મહત્ત્વ સમજતા હતા.
આપણા શરીરમાંથી કેવી વાસ આવે છે તેના આધારે આરોગ્યનો પણ અંદાજ આવી જાય છે. કૉલેરા હોય ત્યારે મીઠી ગંધ આવતી હોય છે, જ્યારે ભારે ડાયાબિટીસ હોય તો સડેલા સફરજન જેવી.
ઑસ્ટ્રેલિયાની મેક્વાયર યુનિવર્સિટીના ગંધની માનસિકતા વિશેના નિષ્ણાત મેહમત મહમૂત કહે છે, "તેના પરથી આપણી પાણીખીણીની જાણકારી પણ મળી જાય છે. કેટલાક અભ્યાસોમાં વિપરીત પણ જોવા મળ્યું છે, પરંતુ મારા જૂથના અભ્યાસમાં ખ્યાલ આવ્યો છે કે તમે વધારે માંસાહાર કરતા હો તો તમારા શરીરમાંથી વધારે ખુશબો આવે છે."

શરીર અને ગંધ
મહિલાના ઋતુચક્રના ફાલિક્યુર ફેઝ દરમિયાન સ્ત્રીની ગંધ પુરુષોને વધારે આકર્ષક લાગે છે, કેમ કે તે વખતે સ્ત્રીઓ સૌથી વધુ ફળદ્રુપ સ્થિતિમાં હોય છે.
માસિક દરમિયાન તેનાથી ઊલટું સ્ત્રીની ગંધ પુરુષને ના ગમે તેવી હોય છે. પ્રાચીન સમયમાં પ્રજોત્પત્તિ માટે કઈ સ્ત્રી વધારે સાનુકૂળ છે તે માટે કદાચ આ બાબત ઉપયોગી નીવડતી હશે, એમ આ અભ્યાસના લેખક જણાવે છે.
પુરુષમાં ટેસ્ટોસ્ટેરોનનું પ્રમાણ વધારે હોય ત્યારે તેની ગંધ પણ આકર્ષક બનતી હોય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ખાણીપીણી અને સ્વાસ્થ્ય પ્રમાણે શરીરની ગંધમાં ફેર પડી શકે છે, પણ મૂળભૂત રીતે આપણા જિન્સ પ્રમાણે શરીરની સુગંધ નક્કી થતી હોય છે.
શરીરની ગંધ બહુ ચોક્કસ હોય છે અને આપણે ધ્રાણેન્દ્રિય પણ એટલી સતેજ હોય છે કે જુદા જુદા લોકોના ટીશર્ટનો ઢગલો કર્યો હોય તેમાંથી ટ્વીન્સના ટીશર્ટને તેના પરસેવાની ગંધથી અલગ તારવી શકાતા હોય છે.
જોડિયાની ગંધ એટલી સમાન હોય છે કે આ પ્રયોગમાં ટ્વિનમાંથી એકના જ ડુપ્લિકેટ ટીશર્ટ મૂકવામાં આવ્યા તેને પણ બે ટ્વીન્સનાં ટીશર્ટ તરીકે પારખી લેવામાં આવ્યા હતા.
પોલૅન્ડની રૉક્લો યુનિવર્સિટીના માનસશાસ્ત્રી અને ધ્રાણેન્દ્રિયની બાબતોનાં નિષ્ણાત એગ્નિએસ્કા સોરોકોવ્સ્કા કહે છે, "આ અગત્યનું છે, કેમ કે તેના પરથી ખ્યાલ આવે છે કે આપણા જિન્સની ગંધ પર અસર કેવી રીતે પડે છે. કદાચ આપણે તેના આધારે શરીરની ગંધથી વ્યક્તિની જિનેટિક માહિતી પણ મેળવી શકીશું."

ગંધનું વિજ્ઞાન

ઇમેજ સ્રોત, Michal Bialozej
આપણે એવી કૉસ્મેટિક વસ્તુઓ પસંદ કરીએ છીએ જે આપણા જિનેટિકની પસંદ પ્રમાણેની હોય છે.
સોરોકોવ્સ્કા અને તેમના સાથીઓએ દર્શાવ્યું છે કે વ્યક્તિ કેવી સુગંધ પસંદ કરે છે તેના આધારે વ્યક્તિત્વ પણ નક્કી થઈ શકે. કદાચ રાજા લૂઈ પણ મહેમાનોને કેવી સુગંધ પસંદ પડે છે તેના આધારે મૂલ્યાંકન કરી લેતા હશે.
આપણા શરીરની ગંધ દર્શાવે છે ઘણા ગુણધર્મો, પણ તે ઉપયોગી ખરું?
એક અભ્યાસમાં સ્ત્રીઓને જુદા જુદા પુરુષોએ પહેરેલી ટીશર્ટ આપવામાં આવી અને તેમને પૂછવામાં આવ્યું કે આમાંથી કોની ગંધ તમને ગમે તેવી છે. સ્ત્રીઓએ પોતાની પસંદ દર્શાવી તે હ્મુમન લ્યૂકોસાઇટ ઍન્ટિજન (HLA) તરીકે ઓળખાતી ભિન્ન પસંદ પ્રમાણેની હતી.
HLA એટલે એવું પ્રોટીનનું ગ્રૂપ જે એ રોગપ્રતિકારક શક્તિને એ નક્કી કરવામાં મદદ કરે છે કે કયા કોષ આપણા છે અને કયા પારકા - પારકા સેલ હોય તે જોખમી ચેપ હોઈ શકે. HLA નક્કી કરનારા જિન્સના કોડને MHC કહેવામાં આવે છે, તેના આધારે જ અન્ય કેટલાક પ્રોટીનના કોડ નક્કી કરવામાં આવે છે, જે આપણી રોગપ્રતિકારક શક્તિને ઉપયોગી છે. તેનો અભ્યાસ કરીને વિજ્ઞાનીઓ એ નક્કી કરી શકે છે કે આપણી પ્રતિકારક શક્તિ કેટલી સુરક્ષા આપી શકે છે.
તમે જેમને મળો તેમના HLA પ્રોફાઇલ તમારાથી જુદા હોઈ શકે છે, પરંતુ કેટલાક લોકો, જેમ કે આપણાં સગાંઓ, તેની પ્રોફાઇલ તમારી જેવી હોઈ શકે છે.
જિનેટિક્સની રીતે જુદા જ પ્રકારના HLA પ્રોફાઇલ ધરાવતી વ્યક્તિ સાથેના સંબંધથી સંતાન થાય તે ઉપયોગી થાય છે.
સોરોકોવ્સ્કા કહે છે, "જો તમારા જીવનસાથી જિનેટિક્સની રીતે જુદા પ્રકારની શરીરની ગંધ ધરાવતા હોય તો તમારા સંતાનોમાં ચેપ સામે વધારે સારી પ્રતિકારકશક્તિ હશે."
પોતાની તદ્દન જુદા પ્રકારની HLA પ્રોફાઇલ ધરાવતા પુરુષોએ પહેરેલી ટીશર્ટને મહિલાઓએ સૌથી વધારે પસંદગીના ગણાવ્યા હતા, જ્યારે સરખી પ્રોફાઇલ હોય તેને સૌથી ઓછા.
તેનો અર્થ એ થયો કે સ્ત્રીઓ સૌથી સારી પ્રતિકારકશક્તિ ઉત્પન્ન કરે તેવી ગંધ ધરાવતા પુરુષને સરળતાથી પારખી શકી હતી. જોકે આવી પસંદગી અજાગૃત મનથી થઈ રહી હતી, કેમ કે સ્ત્રીઓ જાણતી નહોતી કે પોતે કઈ પ્રક્રિયા કરી રહી છે.
પોતાનાથી અલગ જ પ્રકારની HLA પ્રોફાઇલ હોય તેની ગંધને શરીર કઈ રીતે સુગંધિત ગણે છે તેની પ્રક્રિયા આપણે જાણતા નથી એમ તેઓ કહે છે.
"એવું માનવામાં આવે છે કે HLA દ્વારા આપણી ત્વચામાં એવા પદાર્થ પેદા કરવામાં આવે છે જેને કેટલાક બૅક્ટેરિયા પચાવી જાય છે અને આ બૅક્ટેરિયાને કારણે જ ત્વચાની ગંધ પેદા થાય છે."

જીવનસાથીની પસંદગીમાં ગંધની ભૂમિકા શું?
શું મનુષ્ય શરીરની ગંધમાં રહેલી આ જિનેટિક માહિતીનો ઉપયોગ કરીને પોતાના માટે સાથી પસંદ કરે છે? એવું જણાતું નથી.
3700 જેટલાં દંપતીનો સર્વે કરવામાં આવ્યો, તેમાંથી ખ્યાલ આવ્યો હતો કે અલગ પ્રકારના HLA પ્રોફાઇલ સાથેની વ્યક્તિ પસંદ પડી જવાની શક્યતા એક પ્રકારની તક જ રહેતી હતી.
આપણને અમુક સુગંધ ગમતી હોય છે અને તેનું કારણ જિનેટિક હોય છે, પણ લગ્ન માટે જીવનસાથી પસંદ કરતી વખતે આપણે ગંધને આધારે નિર્ણય લેતા નથી.
સોરોકોવ્સ્કા કહે છે, "પસંદગી કરવામાં HLAની ભૂમિકા રહેતી નથી, પણ તેની અસર જાતીય સંબંધો પર પડે છે."
જર્મનીની ડ્રેસ્ડન યુનિવર્સિટીનાં ઇલોના ક્રોય સાથે મળીને કરેલા એક અભ્યાસમાં મહમૂતે જણાવ્યું છે કે જેમની ધ્રાણેન્દ્રીય ઓછી સતેજ હોય તે લોકો સંબંધની બાબતમાં પાછા પડતા હોય છે.
પતિ અને પત્નીમાં HLA પ્રોફાઇલમાં બહુ જ ફેર હોય - જે અનાયાસે શક્ય બન્યું હોય તેમાં - જાતીય આનંદ સૌથી વધારે હોય છે અને તેમને સંતાનો પેદા કરવાની તીવ્ર ઇચ્છા હોય છે.
આવી સ્થિતિ સ્ત્રીઓમાં વધારે જોવા મળે છે. સરખા પ્રકારની HLA પ્રોફાઇલ સાથેના પુરુષો સાથે સંબંધ બાંધવાનો થાય ત્યારે સ્ત્રીઓને તેમાં સૌથી વધારે અસંતોષ રહી જાય છે અને તેને સંતાન માટેની ઇચ્છા જાગતી નથી.
જોકે આ પ્રકારના વધારે વ્યાપક પુરાવા એકઠા કરવામાં આવે તો તેમાં કદાચ આખરી નિર્ણય લઈ શકાય તેવું તારણ નીકળશે નહીં.
સ્ત્રીઓ આ રીતે ગંધને પારખે છે તેને વિજ્ઞાનીઓ યોગ્ય સમજે છે. કુદરતી પ્રક્રિયા પ્રમાણે સ્ત્રીએ નરને પસંદ કરવાનો હોય છે, કેમ કે સંતાનને ઉછેરવાની સૌથી મોટી જવાબદારી તેના પર હોય છે. તેથી જિનેટિક્સની રીતે નબળો નર પસંદ કરીને માદાએ જ ગુમાવવાનું હોય છે.
માદાએ સાવધાનીથી પસંદગી કરવાની હોય છે એટલે તે નરના ગુણોને પારખવા કોશિશ કરતી હોય છે. તેથી જ નર વધારે રંગો ધારણ કરે છે, નાચે છે, ગીતો ગાય છે અને ભેટ આપે છે - તે રીતે પોતાને જિનેટિક ગુણધર્મો સાથે બતાવવા કોશિશ કરે છે.
શરીરની ગંધ અને જિન્સ વચ્ચેની આ કડીને કરાણે ટીશર્ટ આધારિત તત્કાલ ડેટિંગ અને "પુરુષ ગંધ"ની સર્વિસ આપવાનું ચલણ પણ નીકળ્યું છે.
જોકે ગંધને આધારે જ સારો સાથી મળી જાય તેવા પુરાવા સ્પષ્ટ નથી. અમુક બાબત ગમે છે એવું આપણે કહેતા હોઈએ છીએ, પણ તેવી પસંદગીના આધારે જ નિર્ણયો લેવા હોઈએ તેવું બનતું નથી. શા માટે નથી લેતા?
એક કારણ કદાચ એ છે કે વાસ્તવિક જીવનમાં ઘણી સંકુલતા હોય છે અને માત્ર ગંધના આધારે નિર્ણય કરવો મુશ્કેલ હોય છે. આપણી બીજી ઇન્દ્રિયોની અસર પણ ધ્રાણેન્દ્રિય પર પડતી હોય છે.
માત્ર ગંધના આધારે વ્યક્તિની માનસિકતાનો અંદાજ આવે ખરો, પણ તે વ્યક્તિના ગંધના નમૂના સાથે માત્ર તસવીર બતાવવામાં આવે ત્યારે નિર્ણય કરવો મુશ્કેલ બની જાય છે, એમ સોરોકોવ્સ્કા કહે છે. "માત્ર ચહેરાના આધારે સ્વભાવ નક્કી નથી કરી શકાતો," જ્યારે ગંધથી વધારે ચોક્કસ ખ્યાલ આવે છે, પણ ચહેરાના ભાવથી સમજવું સહેલું હોય છે એટલે આપણે સહેલી રીત પસંદ કરી લેતા હોઈએ છીએ.

ગંધથી શરીરની ફળદ્રુપતાનો અંદાજ

ઇમેજ સ્રોત, Michal Bialozej
અન્ય એક અભ્યાસમાં પરિણીત સ્ત્રીઓ તેમના પતિની પહેરેલ ટીશર્ટ લાવી હતી, જ્યારે અપરિણીત સ્ત્રીઓ ગમતા મિત્રોના ટીશર્ટ લાવી હતી. તેની સાથે અન્ય પુરુષોના ટીશર્ટ્સનો પણ ઢગલો કરી દેવાયો.
તે પછી પસંદગી કરવામાં આવી. મહમૂત કહે છે, "શું સ્ત્રીઓએ પોતાને ગમતી ગંધની ટીશર્ટ પસંદ કરી? ના, એવું જરૂરી નહોતું." પોતાના જીવનસાથીની ટીશર્ટને જ સ્ત્રીએ સૌથી વધારે પસંદ કરી એવું પણ નહોતું થયું.
મહમૂતના અન્ય એક અભ્યાસમાં એવું જોવા મળ્યું હતું કે પરિણીત પુરુષ કરતાં અન્ય પુરુષોની ગંધ વધારે તીવ્ર જણાઈ હતી.
તેઓ કહે છે, "કદાચ વધારે ટેસ્ટોસ્ટેરોન અને તીવ્ર ગંધ વચ્ચે કંઈક સંબંધ હશે. આપણે જાણીએ છીએ કે ઉંમર વધવા સાથે ટેસ્ટોસ્ટેરોન ઘટે છે અને પરિણીત પુરુષ 40નો થાય ત્યારે તેને કારણે પણ આવું થતું હશે. સંબંધોમાં હોય અને સંતાનો પણ હોય તેવા પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોન ઓછું થઈ ગયું હોય છે."
આ રીતે આપણે જાણીએ છીએ કે આપણા શરીરની ગંધ દ્વારા આપણે આપણી ફળદ્રુપતાનો અંદાજ આપીએ છીએ. આપણે તેને પારખી પણ શકીએ છીએ, પણ તેના આધારે કંઈ આપણે નિર્ણય કરતા નથી. શું આપણે એમ કરવું જોઈએ?
"તમે સારા જિન્સ સાથેના જીવનસાથીને ઇચ્છતા હો તો તમારે તેના શરીરની સુગંધ પર ધ્યાન આપવું જોઈએ," એમ સોરોકોવ્સ્કા કહે છે.
"જોકે મોટા ભાગના લોકો માટે ગંધ બહુ મહત્ત્વની નથી હોતી અને તે રીતે મોટા ભાગના લોકો પસંદગી કરતા નથી."
મહમૂત સહમત થતાં કહે છે: "ગંધનું મહત્ત્વ થોડું ઘટી ગયું છે. આપણે હજારો વર્ષોથી આપણા શરીરની ગંધને છુપાવવાનું શીખી ગયા છીએ."

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ













