You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ચીન-તાઇવાન તણાવ : રશિયા-યુક્રેન બાદ વિશ્વ પર વધુ એક યુદ્ધનો ખતરો મંડરાઈ રહ્યો છે?
- લેેખક, ટેસા વોંગ દ્વારા
- પદ, બીબીસી ન્યૂઝ, એશિયા ડિજિટલ રિપોર્ટર
અમેરિકન રાષ્ટ્રપતિએ તાઇવાન મુદ્દે ચીનને ચેતવણી આપ્યાના અઠવાડિયા પછી, બેઇજિંગે આકરા શબ્દોમાં તેનું ખંડન કરતાં કહ્યું છે કે તાઈવાનની સ્વતંત્રતાના "કોઈપણ પ્રયાસને નિશ્ચયપૂર્વક કચડી નાખવામાં આવશે".
રવિવારે, ચીનના સંરક્ષણમંત્રી જનરલ વેઇ ફેંગેએ યુએસ પર ટાપુની સ્વતંત્રતાને સમર્થન આપવાનો આરોપ મૂક્યો હતો અને કહ્યું હતું કે તે "તાઇવાન પરના તેના વચનનું ઉલ્લંઘન" કરી રહ્યું છે અને ચીનની બાબતોમાં 'દખલ' કરી રહ્યું છે.
તેમણે સિંગાપોરમાં યોજાયેલ એશિયન સુરક્ષા સમિટ 'શાંગરી-લા ડાયલૉગ'માં કહ્યું, "મને એ સ્પષ્ટ કરવા દો કે જો કોઈ તાઇવાનને ચીનથી અલગ કરવાની હિંમત કરે તો અમે લડી લઈશું. અમે કોઈ પણ કિંમતે લડીશું અને અમે છેક સુધી લડીશું. ચીન પાસે આ એકમાત્ર વિકલ્પ છે."
તેમની ટિપ્પણીઓ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન દ્વારા ચીનને આપેલા તાજેતરના સંદેશનો પ્રતિભાવ છે કે તે તાઇવાનની નજીક તેનાં યુદ્ધવિમાનો ઉડાવીને "ખતરા સાથે રમી" રહ્યું છે. જો હુમલો કરવામાં આવશે તો તે ટાપુ માટે લડી લેશે.
તાઇવાન પોતાને એક સાર્વભૌમ રાષ્ટ્ર માને છે અને તેના પર ચીન લાંબા સમયથી દાવો કરતું આવ્યું છે.
જોકે તાઇવાન અમેરિકાને તેના સૌથી મોટો સાથી ગણે છે અને વૉશિંગ્ટન પાસે એક કાયદો છે જે તેને ટાપુને પોતાનો બચાવ કરવામાં મદદ માટે જરૂરી છે.
ગણગણાટ વધ્યો છે કારણ કે ચીન તાઇવાનના હવાઈ સંરક્ષણક્ષેત્રમાં વધુને વધુ યુદ્ધ વિમાનો મોકલી રહ્યું છે, જ્યારે અમેરિકાએ તાઈવાનના જળમાર્ગે નૌકા અને જહાજો મોકલ્યાં છે.
સંક્ષિપ્તમાં : શું તાઇવાનને લઈને યુએસ-ચીન યુદ્ધ તરફ આગળ વધી રહ્યાં છે?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
- તાઇવાન અને ચીન વચ્ચે લાંબા સમયથી તણાવપૂર્ણ સંબંધ રહ્યા છે.
- તાઇવાન પોતાને સ્વાયત્ત માને છે ત્યારે ચીન 'વન ચાઇના' પૉલિસી હેઠળ તાઈવાનને પોતાનો ભાગ બતાવે છે.
- ચીનને પસંદ નથી કે અન્ય દેશો તાઇવાન સાથે સંબંધ રાખે અને અમેરિકા તથા તાઇવાનના નજીક આવવાથી ચીનને તકલીફ થતી હોય છે.
- એક મોટો ભય એ છે કે જો ચીન તાઇવાન પર આક્રમણ કરે તો યુદ્ધના મંડાણ થશે.
- મોટા ભાગના વિશ્લેષકો કહે છે કે હાલ પૂરતી તો એવી કોઈ સંભાવના નથી.
- ચીનની સતત ઇચ્છા એવી રહી છે કે તે તાઈવાનને "શાંતિપૂર્ણ રીતે પુનઃહસ્તગત" કરે.
સાવધાન, આગળ ખતરો છે
એક મોટો ભય એ છે કે જો ચીન તાઇવાન પર આક્રમણ કરે તો યુદ્ધના મંડાણ થશે. બેઇજિંગે ભૂતકાળમાં કહ્યું હતું કે તે જરૂર પડ્યે બળપૂર્વક તાઈવાન પર ફરીથી દાવો કરી શકે છે.
પરંતુ મોટા ભાગના વિશ્લેષકો કહે છે કે હાલ પૂરતી તો એવી કોઈ સંભાવના નથી.
ચીન પાસે આક્રમણમાં સફળ થવાની સૈન્યક્ષમતા છે કે કેમ તે અંગે ચર્ચા ચાલી રહી છે અને તાઇવાન તેના હવાઈ અને દરિયાઈ સંરક્ષણમાં નોંધપાત્ર વધારો કરી રહ્યું છે.
પરંતુ ઘણા લોકો એ વાતે સંમત થાય છે કે ચીન જાણે છે કે આવાં પગલાં ખૂબ ખર્ચાળ અને વિનાશક નીવડશે - માત્ર ચીન માટે જ નહીં, પણ વિશ્વ માટે પણ.
'ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાઉથઇસ્ટ એશિયન સ્ટડીઝ'ના સિનિયર ફેલો વિલિયમ ચુંગ કહે છે, "ઘણો ગણગણાટ થઈ રહ્યો છે, પરંતુ જો ચીન તાઇવાન પર આક્રમણ કરવા માગતું હોય તો ખાસ કરીને યુક્રેન કટોકટીની નજીક છે ત્યારે ચીને એ બાબતને ખૂબ જ ગંભીરતાથી ધ્યાનમાં લેવી જોઈએ કે
ચીનનું અર્થતંત્ર વૈશ્વિક અર્થવ્યવસ્થા પર રશિયાની તુલનામાં ઘણા વધુ પ્રમાણમાં આધાર રાખે છે."
ચીનની એવી સતત ઇચ્છા રહી છે કે તે તાઇવાનને "શાંતિપૂર્ણ રીતે પુનઃહસ્તગત" કરી લે. આ વાતનું જનરલ વેઇએ રવિવારે પુનરાવર્તન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે જો ઉશ્કેરવામાં આવશે તો જ તે સૈન્યકાર્યવાહી કરશે.
તાઇવાન ઔપચારિક રીતે સ્વતંત્રતાની ઘોષણા કરી શકે જે આ પરિસ્થિતિમાં એક ટ્રિગર તરીકે કામ કરી શકે છે.
પરંતુ આ બાબતને તાઇવાનના રાષ્ટ્રપતિએ સખત રીતે ટાળી છે, ભલે તેમણે એમ ભારપૂર્વક કહ્યું કે તેઓ પહેલેથી જ સાર્વભૌમ દેશ છે.
તાઇવાનના મોટાભાગના લોકો આ સ્થિતિને સમર્થન આપે છે, આ સ્થિતિને "સ્ટેટસ ક્વો- સ્થિતિ જાળવી રાખવા" તરીકે ઓળખવામાં આવે છે, જો કે તાઇવાનમાં એવું કહેનારાની સંખ્યા વધી રહી છે કે તેમણે સ્વતંત્રતા તરફ આગળ વધવું જોઈએ.
એ જ રીતે, અમેરિકા પણ એશિયામાં ખર્ચાળ લશ્કરી સંઘર્ષમાં ઢસડાવા માગતું નથી, તેણે વારંવાર સંકેત આપ્યો છે કે તે યુદ્ધ ઇચ્છતું નથી.
યુએસ ડિફેન્સ સેક્રેટરી લૉયડ ઑસ્ટિને પણ આ ડાયલૉગમાં હાજરી આપી હતી. તેમણે તેમના ભાષણમાં જણાવ્યું હતું કે યુએસ તાઇવાનની સ્વતંત્રતાનું સમર્થન કરતું નથી અને ન તો તે "નવું શીતયુદ્ધ" ઇચ્છે છે.
'એસ રાજરત્નમ સ્કૂલ ઑફ ઇન્ટરનેશનલ સ્ટડીઝ'ના રિસર્ચ ફેલો કૉલિન કોહે જણાવ્યું હતું કે, "બંને પક્ષો તાઇવાન તરફ તેમની બંદૂકોને તાકીને બેઠા છે. તેઓએ કડક દેખાવું પડે છે કે તેઓ પાછળ હઠવા કે આગળ વધવા માગતા નથી."
તેઓ ઉમેરે છે, "પરંતુ તે જ સમયે તેઓ એકદમ સંઘર્ષમાં ઊતરવા વિશે ખૂબ જ સચેત છે. તેઓ ડોળા ફાડીને એકબીજાને તાકી રહ્યા છે અને બંને પક્ષો જોખમને ખાળવાનો પ્રયાસ કરી રહ્યા છે."
હકીકત એ છે કે જનરલ વેઇ અને ઑસ્ટિન બંને શાંગરી-લા ડાયલૉગમાં સમાંતરે મળ્યા હતા તે એક સકારાત્મક સંકેત હતો.
કોહના કહેવા પ્રમાણે, બંને પક્ષો બતાવવા માગે છે કે "તેઓ હજી પણ બેસીને વાત કરવા તૈયાર છે, સર્વસંમતિ સધાઈ શકે છે અને અસંમત થવા માટે સંમત થાઓ."
તેમણે જણાવ્યું હતું કે, "આનાથી બે સૈન્ય સત્તાઓ વચ્ચે વધુ કાર્યકારી ચર્ચાઓ થવાની સંભાવના છે. જેનાથી જમીની સ્તરે એવી ખોટી ગણતરીઓની સંભાવના ઘટી શકે છે જે સંઘર્ષ તરફ દોરી જાય છે અને ડોનાલ્ડ ટ્રમ્પના શાસન દરમિયાન જેની ઉણપ હતી તે "સંવાદ"ને ફરી ચાલુ થઈ શકે છે."
તેમણે કહ્યું કે, "ચીન અને યુએસ બંને નજીકના ભવિષ્ય માટે પોતાના આગ્રહો ચાલુ રાખી શકે છે."
સિંગાપોરની નેશનલ યુનિવર્સિટીના ચીનના નિષ્ણાત ડૉ. ઇયાન ચોંગે જણાવ્યું હતું કે, "ચીન તાઇવાનનાં લશ્કરી દળોને હંફાવી દેવાં અને તેના ધીરજની પરીક્ષા લેવા માટે તેના "ગ્રે ઝોન યુદ્ધ"ને પણ આગળ વધારી શકે છે જેમાં વધુ યુદ્ધવિમાનો મોકલવા અથવા ડિસઇન્ફર્મેશન (ખોટી માહિતીના પ્રસારની) ઝુંબેશ જેવા પેંતરા સામેલ છે."
તાઇવાનમાં વર્ષના અંતે મહત્ત્વપૂર્ણ સ્થાનિક ચૂંટણીઓ યોજાઈ રહી છે અને તાઇવાને અગાઉ ચીન પર ચૂંટણીઓને જોતાં ડિસઇન્ફોર્મેશન (ખોટી માહિતીનો પ્રસાર) ઝુંબેશ ચલાવવાનો આરોપ મૂક્યો હતો.
ઓછામાં ઓછા અમેરિકા અને ચીન બંને માટે, હાલમાં "તેમની સ્થિતિ બદલવાની કોઈ રાજકીય ઇચ્છા નથી".
ખાસ કરીને નવેમ્બરમાં અમેરિકાની મધ્ય-સત્ર ચૂંટણીઓ અને એ બાદ ચીનની 20મી કૉમ્યુનિસ્ટ પાર્ટી કૉંગ્રેસ યોજાઈ રહી છે. જે માટે રાષ્ટ્રપતિ શી જિનપિંગ સત્તાને વધુ એકીકૃત કરે તેવું માનવામાં આવે છે.
ડૉ. ઇયાન ચોંગે કહ્યું, "ઊજળી બાજુ એ છે કે કોઈપણ પક્ષ આગળ વધવા તૈયાર નથી."
તેઓ ઉમેરે છે, "પરંતુ નૉન-ઍસ્કેલેશનનો અર્થ એ નથી કે અમે વધુ સારી સ્થિતિમાં પહોંચી જઈશું. તેથી હાલ તો અમે બધા થોડા સમય માટે આ સ્થિતિમાં અટવાયેલા છીએ."
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો