IPEF: જો બાઇડને કર્યું આઈપીઈએફનું એલાન, ભારતને શું ફાયદો?

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને સોમવારે જાપાનની રાજધાની ટૉક્યોમાં ઇન્ડો-પેસિફિક ઇકૉનૉમિક ફ્રેમવર્ક યાને કે આઈપીઈએફ ગઠબંધનનું એલાન કર્યું છે. આમાં ભારત સમેત 13 દેશોને સામેલ કરવામાં આવ્યાં છે.

બાઇડને પહેલીવાર ઑક્ટોબર 2021માં આઈપીઈએફનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે "અમેરિકા પોતાના સહયોગી દેશો સાથે ઇન્ડો-પેસિફિક ઇકૉનૉમિક ફ્રેમવર્ક ઊભું કરવાનો પ્રયાસ કરશે. આના થકી અમે વેપારી સરળતા, ડિજિટલ અને ટેકનૉલૉજીમાં ધારા-ધોરણ, સપ્લાય ચેઇનની મજબૂતી, કાર્બન ઉત્સર્જનમાં કાપ અને સ્વચ્છ ઊર્જા સંબંધિત કારોબારમાં સહિયારાં લક્ષ્યોને હાંસલ કરવાની કોશિશ કરીશું. આમાં માળખાગત સુવિધા, શ્રણ અને કાયદા જેવાં મુદ્દાઓ પણ સામેલ રહેશે."

બાઇડનની આ જાહેરાત ક્વૉડ સંમેલનની બેઠકની સમાંતર આવી છે અને ચીન ક્વૉડનો સીધો વિરોધ કરે છે. ભારત, અમેરિકા, જાપાન અને ઑસ્ટ્રેલિયા ક્વૉડનાં સભ્ય દેશો છે અને તેની બેઠક પર ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ કહ્યું છે કે ઈન્ડો-પેસિફિક રણનીતિ લાગુ કરવાની અમેરિકાની વધતી કોશિશો આખરે નિષ્ફળ જશે.

આઈપીઈએફને ઇન્ડો-પેસિફિક યાને કે હિંદ પ્રશાંત ક્ષેત્રમાં ફરીથી ભરોસો સંપાદિત કરવાની અમેરિકાની કોશિશ તરીકે પણ જોવામાં આવે છે. 2017માં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાને ટ્રાન્સ પેસિફિક પાર્ટનરશિપ યાને કે ટીપીપીથી અલગ કરી દીધું હતું. એ પછી આ વિસ્તારમાં ચીનના વધી રહેલા પ્રભાવથી અસંતુલનની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી.

આ વિસ્તારમાં ચીનની અસર સામે અમેરિકાની મજબૂત આર્થિક અને કારોબારી નીતિની જરૂર છે એમ માનવામાં આવે છે.

જેમાંથી ટ્રમ્પે અમેરિકાને અલગ કરી લીધું હતું તે ટ્રાન્સ પેસિફિક પાર્ટનરશિપ-ટીપીપીમાં ચીન પણ સભ્ય છે અને એણે ક્રોમ્પ્રિહેન્સિવ ઍન્ડ પ્રોગ્રેસિવ એગ્રીમૅન્ટ ઑન ટ્રાન્સ પેસિફિક પાર્ટનરશિપ યાને કે સીપીટીપીપીનું સભ્યપદ પણ માગેલું છે.

ચીન રિજનલ ક્રોમ્પ્રિહેન્સિવ ઇકૉનૉમિક પાર્ટનરશિપ યાને આરસીઈપીનું સભ્ય પણ છે. જ્યારે ભારત અને અમેરિકા બેઉ તેમાં સભ્યો નથી. ભારતે ખુદને આ ટ્રેડ બ્લૉકથી અલગ કરી લીધું હતું.

CPTPP અને RCEPથી કેટલું અલગ છે IPEF?

એશિયાના બે કારોબારી બ્લૉક CPTPP અને RCEP કરતાં IPEFમાં ટેરિફનો દર ઓછો રહેશે એમ કહેવામાં આવી રહ્યું છે. આ ફ્રેમવર્ક હેઠળ અમેરિકા સપ્લાય ચેઇનની મજબૂતી અને ડિજિટલ ઇકૉનૉમી પર રણનૈતિક સહયોગ ઇચ્છે છે.

વાસ્તવમાં IPEF એક એવી વ્યવસ્થા છે જેની હેઠળ અમેરિકા સભ્ય દેશો સાથે કારોબાર તો ઇચ્છે છે પણ તે મુક્ત વેપારની નકારાત્મક બાબતોથી પોતાને બચાવવા પણ માગે છે. મુક્ત વેપારની નકારાત્મક અસરનું એક ઉદાહરણ અમેરિકામાં નોકરીઓમાં કાપ સાથે સંબંધિત છે.

2021માં ચીન વિશ્વ વેપાર સંગઠન-WTOમાં સામેલ થયું એ પછી અમેરિકાના મૈન્યુફેક્ચરિંગ ક્ષેત્રની નોકરીઓ મોટો કાપ આવ્યો છે કારણ કે મોટા ભાગની અમેરિકાની કંપનીઓએ ચીનમાં મૈન્યુફેકચરિંગ પ્લાન્ટ લગાવવાનું શરૂ કરી દીધું. આ ક્ષેત્રમાં વધેલી બેરોજગારીને કારણે અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પોના ઉદયને બળ મળ્યું હતું.

ટ્રમ્પ જેંનાથી અમેરિકામાં નોકરીઓ મામલે અસર થતી હોય એવી પાર્ટનરશિપની સામે હતા અને એટલે 2017માં સત્તામાં આવતાંની સાથે જ એમણે ટ્રાન્સ-પેસિફિક પાર્ટનરશિપ યાને ટીપીપીમાંથી અમેરિકાને અલગ કરી દીધું હતું.

IPEFમાં શું છે

IPEFમાં પરંપરાગત મુક્ત વેપાર સંધિથી અલગ રસ્તો અપનાવવા આવશે કારણ કે આવી સમજૂતીમાં ઘણો સમય લાગતો હોય છે અને આ માટે સભ્ય દેશોએ સંધિઓ પર સહી કરવી પણ જરૂરી હોય છે.

IPEFમાં દેશો - અમેરિકા, ઑસ્ટ્રેલિયા, બ્રુનેઈ, ભારત, ઇન્ડોનેશિયા, જાપાન, દક્ષિણ કોરિયા, મલેશિયા, ન્યૂઝીલૅન્ડ ફિલિપિન્સ, સિંગાપોર, થાઇલૅન્ડ અને વિયતનામ સામેલ છે.

જાપાનના નિક્કેઈ એશિયાના પત્રકાર કેંતારો લવામ્ટોએ સોશિયલ મીડિયા પર લખ્યું છે કે આમાં સામેલ 13 પૈકી 11 દેશો RCEPમાં સભ્ય છે તો 7 દેશો CPTPPમાં સભ્ય છે. આ 13 દેશોની વિશ્વની જીડીપીમાં 40 ટકા ભાગીદારી છે.

CPTPPમાં 11 દેશો સામેલ છે જેમાં ઑસ્ટ્રેલિયા, બ્રુનેઈ, કૅનેડા, ચિલી, મલેશિયા, મૅક્સિકો, ન્યૂઝીલૅન્ડ, પેરુ, સિંગાપોર અને વિયતનામનો સમાવેશ થાય છે.

RCEPમાં આસિયાનના 10 દેશો - બ્રુનેઈ, કંબોડિયા, ઇન્ડોનેશિયા, લાઓ પીડીઆ, મલેશિયા, મ્યાંમાર, ફિલિપિન્સ, સિંગાપોર, થાઇલૅન્ડ અને વિયતનામ સામેલ છે. આ ઉપરાંત તેમાં ચીન, જાપાન, દક્ષિણ કોરિયા, ઑસ્ટ્રેલિયા અને ન્યૂઝીલૅન્ડ પણ સામેલ છે.

IPEFથી ભારતને કેટલો ફાયદો?

IPEF થકી અમેરિકા પૂર્વ એશિયા અને દક્ષિણ-પૂર્વ એશિયાના દેશો સાથે નવેસરથી વેપારી સમજૂતી ચાહે છે અને અમેરિકાએ ભારતને પણ એમાં સામેલ કર્યું છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ IPEFનું સમર્થન કર્યું છે અને કહ્યું છે કે ભારત સભ્ય દેશો સાથે મળીને કામ કરશે. અન્ય સભ્ય દેશોએ પણ હાલ તો સકારાત્મક વલણ દાખવ્યું છે પણ સવાલ એ છે શું આ ગઠબંધ તેના હેતુમાં સફળ થશે ખરું?

નિષ્ણાતોનું માનવું છે કે ઇન્ડો-પેસિફિક ક્ષેત્રનાં તમામ દેશોને એકસમાન ફાયદો નહીં થાય. આમાં વેપારને લઈને એવાં નિયમો હશે જે માનવા પડશે પણ સાથે બજારની ઉપલબ્ધતાને લઈને કોઈ ગૅરંટી નહીં હોય.

જાપાન, થાઈલૅન્ડ, ઑસ્ટ્રેલિયા, ન્યૂઝીલૅન્ડે આનું સ્વાગત કર્યું છે પણ દક્ષિણ કોરિયા, ફિલિપિન્સ, સિંગાપોરે સર્તક પ્રતિક્રિયા આપી છે.

સીએનબીસી અનુસાર ન તો આ કોઈ મુક્ત વેપાર સંધિ છે કે ન તો કોઈ સુરક્ષા સમજૂતી. અહેવાલ અનુસાર અમેરિકા કોઈ પણ પ્રકારની મુક્ત વેપાર સંધિ નથી ઇચ્છતું પણ એશિયામાં પોતાની આર્થિક ભૂમિકાનો વિસ્તાર કરવા માગે છે અને આ ફ્રેમવર્કને ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં અમેરિકાનો આર્થિક દબદબો વધારવા માટે જ ડિઝાઇન કરવામાં આવ્યું છે.

કિંગ્સ કૉલેજ, લંડનમાં આંતરરાષ્ટ્રીય સંબંધોના પ્રોફેસર હર્ષ પંતે બીબીસી સંવાદદાતા અંજુમ શર્માને કહ્યું કે, ચીનનો પડકાર સ્પષ્ટ છે પણ તેનો સામનો કરવા માટે શું કરવું જેને લઈને હજી પણ વિવાદ છે.

તેઓ કહે છે "ગત બે વર્ષોમાં અમેરિકા અને અન્ય દેશો વચ્ચેના યુદ્ધ સંબધિત સંબંધોમાં થોડી ગંભીરતા આવી છે પણ જો આર્થિક મામલાઓની વાત કરવામાં આવે તો ઇન્ડો પેસિફિક ક્ષેત્રમાં ચીનને એક રીતે એકલું છોડી દેવામાં આવ્યું છે."

"જો અહીંના દેશોને આર્થિક વિકલ્પ નહીં આપવામાં આવે તેઓ ચીનને અનુસરવાનું બંધ નહીં કરે. ડોનાલ્ડ ટ્રમ્પે અહીં હથિયાર હેઠાં મૂકી દીધાં હતા પણ હવે કદાચ બાઇડન તંત્ર અહીં આર્થિક બાબતોમાં કેન્દ્રીય ખેલાડી બનવા માગે છે અને આ ફ્રેમવર્ક એની જ કોશિશ છે."

ભારતે હાલ ભલે સમર્થન આપ્યું છે પણ આગળ અમેરિકાના વેપારી હિતો સાથે તેનો ટકરાવ થઈ શકે છે. ભારત આઈપીઈએફમાં સામેલ થયું તે અગાઉ ભારતીય સલાહકારો આને લઈને આશંકા વ્યક્ત કરી ચૂક્યા છે.

ઇન્ડિયન એક્સપ્રેસ અનુસાર ભારતીય વિદેશ મંત્રાલયની થિન્ક ટૅન્ક રિસર્ચ ઍન્ડ ઇન્ફર્મેશન સિસ્ટમ ફૉર ડેવલપિંગ કન્ટ્રીઝના પ્રબ્રીર ડેએ તાજેતરમાં પ્રકાશિત એક પેપર જેસિફરિંગ દ આઈપીઈએફમાં આનો ઉલ્લેખ કર્યો હતો. એમણે લખ્યું હતું કે "ભારતને ઉચ્ચ અમેરિકન વેપાર માનાંકથી પરેશાની થઈ શકે છે અને ભારત એ જોખમથી બચવું પડશે."

એમણે લખ્યું હતું કે "પ્રસ્તાવિત IPEFમાં કેટલીક બાબતો એવી છે જે ભારત માટે અનુકૂળ નથી લાગી રહી. IPEF ડિજિટલ ગર્વનન્સની વાત કરવામાં આવી પણ તેની ફૉર્મુલામાં એવા અનેક મુદ્દાઓ છે જે ભારત સરકારની નીતિઓ સાથે સીધી રીતે ટકરાય છે. ડેટા લોકલાઇઝેશન અને ક્રોસ-બૉર્ડર ડેટા ફ્લો મામલે ભારત અને અમેરિકાની કંપનીઓ વચ્ચે ઘર્ષણ થતું રહ્યું છે."

આ અઠવાડિયે ફાઇનાન્સિયલ ટાઇમ્સે પોતાના એક અહેવાલમાં કહ્યું હતું કે ઇન્ડો-પેસિફિકમાં ચીનનો વધતો પ્રભાવ ખાળવા માટે અહીંના દેશો અમેરિકા પાસેથી એક કારગર આર્થિક રણનીતિની આશા રાખી રહ્યાં હતા. વિશ્લેષકોનું માનવું છે અમેરિકાની નીતિને કારણે જ ચીનને આસપાસનાં દેશો પર આર્થિક પ્રભુત્વ સ્થાપિત કરવાનો મોકો મળી રહ્યો હતો.

અહેવાલ અનુસાર આઈપીઈએફને લઈને અનેક દેશોમાં અવઢવનું એક કારણે એ પણ હતું કે આમાં અમેરિકાના બજાર સુધીની પહોંચને લઈને કંઈ જ નથી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો