બ્રિટનના PM બોરિસ જોન્સને જીત્યો અવિશ્વાસનો મત પણ પક્ષમાં વિદ્રોહ વધ્યો

બ્રિટનના વડા પ્રધાન બોરિસ જોન્સને તેમની કન્ઝર્વેટિવ પક્ષની અંદર લવાયેલો અવિશ્વાસનો પ્રસ્તાવ જીતી લીધો છે. જોન્સનના કન્ઝર્વેટિવ પક્ષમાં જ કેટલાય સાંસદોએ પત્ર લખીને કહ્યું હતું કે તેઓ પક્ષમાં જોન્સનનું નેતૃત્વ નથી ઇચ્છી રહ્યા.

પીએમ જોન્સને 59 ટકા મત જીત્યા, જેનો અર્થ એવો થાય છે કે હવે આગામી એક વર્ષ માટે પક્ષમાંથી તેમને કોઈ પડકારી નહીં શકે.

બોરિસ જોન્સન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, યુકેના વડા પ્રધાન બોરિસ જોન્સન

કન્ઝર્વેટિવ પાર્ટીના 211 સાંસદોએ પીએમ જોન્સન ના પક્ષમાં મત નાખ્યા, જ્યારે 148એ તેમના વિરુદ્ધમાં મતદાન કર્યું.

અવિશ્વાસ પ્રસ્તાવનાં પરિણામો પરથી સ્પષ્ટ છે કે જોન્સન બ્રિટનના વડા પ્રધાન બની રહેશે. જોકે, ટીકાકારોનું કહેવું છે કે જોન્સન વિરુદ્ધ વધી રહેલો વિદ્રોહ એમની પકડ ઢીલી થઈ હોવા તરફ નિર્દેશ કરે છે.

નોંધનીય છે કે કોવિડ-19 મહામારી જ્યારે સમગ્ર વિશ્વ સહિત યુકેમાં પણ કેર બનીને તૂટી પડી હતી તે સમયે સામાન્ય જનતાને નિયંત્રણોનું પાલન કરવા હાકલ કરનાર યુકેની સરકારના ટોચના અધિકારી અને નેતાઓ પાર્ટીમાં સામેલ થયા હતા. જેમાં વડા પ્રધાન બોરિસ જોન્સને પણ ભાગ લીધો હતો.

આ મામલે સિનિયર સિવિલ અધિકારીના રિપોર્ટના કારણે બોરિસ જોન્સનની ઘણી ટીકા થઈ હતી. આ સમગ્ર મામલાને વિશ્વનું મીડિયા પાર્ટી ગેટ સ્કૅન્ડલ તરીકે ઓળખાવે છે.

પાર્ટી ગેટ સ્કૅન્ડલમાં સિનિયર સનદી અધિકારી મિસ ગ્રેના રિપોર્ટ બાદ બોરિસ જોન્સનના રાજકીય ભવિષ્ય અંગે અટકળોની શરૂઆત થઈ હતી.

આ રિપોર્ટનું વચગાળાનું વર્ઝન આ વર્ષે જાન્યુઆરી માસમાં રજૂ કરાયું હતું. તે સમયથી જ તેમના પક્ષના ઘણા સાંસદો જોન્સનના રાજીનામાની માગ કરવા લાગ્યા હતા. પરંતુ આ સંપૂર્ણ રિપોર્ટ રજૂ કરાતાં ફરી એક વાર મજબૂતીથી આ માગ ઊઠવા લાગી છે.

આ સિવાય પાર્ટીના નેતાઓમાં કરના દરોમાં વધારો અને જીવન જીવવાના ખર્ચમાં થયેલા વધારાને નિયંત્રિત કરવા માટે સરકારનાં મર્યાદિત પગલાંથી પણ નારાજગી છે.

તેમનાં પુરોગામી વડાં પ્રધાન થેરેસા મે વર્ષ 2018માં વિશ્વાસમત જીતી ગયાં હતાં. તેમ છતાં છ માસમાં જ તેમણે બ્રેક્ઝિટ ડીલ પાસ ન કરાવી શકતાં તેમણે રાજીનામું આપી દીધું હતું.

line

શું હતું પાર્ટી ગેટ સ્કૅન્ડલ?

2020માં લૉકડાઉનના સમયે વડા પ્રધાન આવાસમાં પાર્ટીમાં હાજરી આપવા બાબતે માફી પણ માગી ચૂક્યા છે

ઇમેજ સ્રોત, PA Media

ઇમેજ કૅપ્શન, 2020માં લૉકડાઉનના સમયે વડા પ્રધાન આવાસમાં પાર્ટીમાં હાજરી આપવા બાબતે માફી પણ માગી ચૂક્યા છે
  • બ્રિટનમાં લાદવામાં આવેલા કોરોના સમયગાળાના પ્રથમ લૉકડાઉન વખતે એટલે કે મે, 2020માં ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે બ્રિટિશ વડા પ્રધાન બોરિસ જૉન્સને 'બ્રિંગ યોર ઑન બૂઝ' પાર્ટીમાં હાજરી આપવા બાબતે સિનિયર સનદી અધિકારી સ્યૂ ગ્રેની તપાસનો રિપોર્ટ જારી કરાયો હતો.
  • આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, "એ સમયે સરકારના ઉચ્ચતમ સ્તરે કામ કરી રહેલા લોકો પાસેથી અપેક્ષા રખાતા ઊંચા માપદંડોની જ નહીં પરંતુ એ સમયે બ્રિટિશરો પાસેથી અપેક્ષિત માપદંડોને જોતાં પણ આ એક ગંભીર નિષ્ફળતા છે."
  • મીડિયા અહેવાલો અનુસાર કોરોના મહામારી દરમિયાન વડા પ્રધાનના સત્તાવાર ડાઉનિંગ સ્ટ્રીટ નિવાસસ્થાને તથા અન્ય સરકારી જગ્યાઓમાં 17થી વધારે મેળાવડા અને પાર્ટીઓ થઈ હોવાના આક્ષેપો તેમની સામે થયા હતા.
  • આ સમગ્ર સમયગાળા દરમિયાન યુકેમાં વિવિધ સ્તરના પ્રતિબંધો લાગેલા હતા, હળવામળવા, ભેગા થવા કે પાર્ટી કરવા પર પ્રતિબંધો હતા.

નાગરિકોને બંધ રૂમમાં પણ ભેગા થવાની મનાઈ હતી અને બહાર ખુલ્લામાં પણ ઘણા પ્રતિબંધો મુકાયેલા હતા. આ રીતે નાગરિકો પર પ્રતિબંધો હતા, પરંતુ વડા પ્રધાન પાર્ટીઓ કરી રહ્યા હતા તેવા આક્ષેપો છે.

નોંધનીય છે કે મે, 2020માં લૉકડાઉનના સમયે વડા પ્રધાન આવાસમાં પાર્ટીમાં હાજરી આપવા બાબતે માફી પણ માગી ચૂક્યા છે.

તેમણે એ સમયે કહ્યું હતું કે, "આ પાર્ટી ટેકનિકલી નિયમ મુજબ હતી પરંતુ તેમણે સામાન્ય જનતા તેને કેવી રીતે જોશે તે બાબતનું ધ્યાન રાખવું જોઈતું હતું."

મે 2020માં ડાઉનિંગ સ્ટ્રીટ ગાર્ડનમાં એકબીજાથી અંતર રાખીને રહી શકાય તે રીતે 100 જેટલા લોકોને ડ્રિન્ક્સ માટે આમંત્રણ અપાયું હતું.

એ મેળાવડાના સાક્ષી રહેલા લોકોએ બીબીસીને જણાવ્યું કે જૉન્સન અને કેરિ સિમોન્ડ્સ કે જેમની સાથે ત્યારે તેમની સગાઈ થઈ હતી, તેમના સહિત 30 જેટલા લોકો હાજર રહ્યા હતા.

વડા પ્રધાને એવું કબૂલ્યું છે કે પોતે ત્યાં 25 મિનિટ સુધી હાજર રહ્યા હતા, પણ એમ માનીને હાજર થયા હતા કે આ કામગીરીના ભાગરૂપ છે.

અખબારી અહેવાલો અનુસાર વડા પ્રધાનનો જન્મદિન એકાદ મહિના બાદ યોજાયો હતો અને તેના માટે ડાઉનિંગ સ્ટ્રીટના કૅબિનેટ રૂમમાં કેક પણ કાપવામાં આવી હતી.

નિવાસસ્થાનમાં રહીને કામ કરનારા સ્ટાફનું કહેવું હતું કે જન્મદિનની ઉજવણી "10 મિનિટથી ઓછા સમય" માટે ચાલી હતી.

ડિસેમ્બર 2020માં લંડનમાં કડક પ્રતિબંધો અમલી બનાવાયા હતા, ત્યારે પણ ઘણી પાર્ટીઓ યોજાઈ હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. તેમાં કન્ઝર્વેટિવ પાર્ટીના મુખ્યમથકે પણ બેઠકો થઈ હતી, જે 'ગેરકાયદે એકત્ર થવાની ઘટનાઓ' ગણાવાઈ હતી.

આ ઉપરાંત ડાઉનિંગ સ્ટ્રીટના સ્ટાફે 16 એપ્રિલ 2021ના રોજ પણ બે મિટિંગો કરી હતી તેમ કહેવાય છે. ક્વીન એલિઝાબેથ દ્વિતીયના પતિ પ્રિન્સ ફિલિપની અંતિમવિધિની આગલી રાત્રે મિટિંગો થયાનું કહેવાય છે.

અંતિમવિધિ વખતે રોગચાળાને લગતા પ્રતિબંધો લાગુ હતા તેને ધ્યાનમાં રાખીને ક્વીન એલિઝાબેથ સૌથી દૂર એકલાં બેઠાં હતાં.

લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો