'પિરિયડ્સને કારણે મળી હાર, કાશ હું પુરુષ હોત,' હાર બાદ ચીનનાં ખેલાડીએ કહ્યું

હાલમાં ચાલી રહેલી ફ્રૅન્ચ ઓપનની ક્વૉર્ટર ફાઇનલ ખૂબ રસપ્રદ રીતે પૂરી થઈ. પોલૅન્ડનાં ઈગા શિવયોન્ટેકે ચાઇનીઝ ખેલાડી ક્વિનવૅન ઝૅન્ગને હરાવીને આગળ પહોંચ્યાં છે.

ઈગા શિવયોન્ટેક હાલમાં વિશ્વના પ્રથમ નંબરનાં ખેલાડી છે. જ્યારે ક્વિનવૅન ઝૅન્ગ હાલમાં 74માં ક્રમાંકે છે.

આ મૅચની શરૂઆત ખૂબ સારી રહી. પહેલા સેટમાં ક્વિનવૅને ઈગાને પાંચ-સાતથી હરાવ્યાં હતાં. જોકે, ત્યાર બાદ ક્વિનવૅનની તબિયત નાદુરસ્ત થતાં તેમણે મૅડિકલ ટાઇમઆઉટ માગ્યો હતો.

આ ટાઇમઆઉટ બાદનાં બે સેટ તેઓ હારી ગયાં હતાં. મૅચ હાર્યા બાદ તેમણે પિરિયડ્સના દુખાવાને કારણે તેઓ આ મૅચ હાર્યાં હોવાનું જણાવ્યું હતું.

મૅચ હાર્યાં બાદ શું કહ્યું?

પહેલો સેટ જીત્યા બાદ ક્વિનવૅન ઝૅન્ગ 6-0 અને 6-2થી બાકીના બંને સેટ તેઓ હારી ગયાં હતાં.

ધ ટૅલિગ્રાફના અહેવાલ પ્રમાણે મૅચ હાર્યાં બાદ પોતાનાં પિરિયડ્સના દુખાવાને લઈને તેમણે કહ્યું, "આ છોકરીઓની વાત છે. પહેલો દિવસ હંમેશાં કપરો હોય છે અને મને હંમેશાં પહેલા દિવસે સૌથી વધારે દુખાવો થાય છે."

તેમણે વધુમાં કહ્યું, "કાશ હું ટૅનિસ કોર્ટમાં પુરુષ હોત તો મારે આ તકલીફો સહન ન કરવી પડતી."

"પહેલા સેટમાં મને દુખાવો ન હતો. જેથી હું મારી રમત પર ધ્યાન આપી શકી. બીજો સેટ શરૂ થયો ત્યારથી અનહદ દુખાવો શરૂ થયો. જેના કારણે રમત પર ધ્યાન ન રહ્યું. હું મારા પ્રદર્શનથી નાખુશ છું."

કોણ છે વિશ્વના પહેલા નંબરનાં ખેલાડી?

ઑક્ટોબર 2020માં ન્ચુ ઑપનની ફાઇનલ મૅચમાં પૌલૅન્ડના ઈગા શિવયોન્ટેકે અમેરિકાના સોફિયાને હરાવીને ઇતિહાસ સર્જયો હતો.

તેમણે સોફિયાને સીધા સેટોમાં મહાત આપીને મૅચમાં જીત મેળવી છે. આ જીતથી ઈગાએ ઇતિહાસ રચી દીધો હતો.

તે સમયે 19 વર્ષીય ઈગા શિવયોન્ટેકની આ પ્રથમ ગ્રૅન્ડ સ્લેમ જીત છે. ફ્રેન્ચ ઓપનમાં જીત બાદ તેઓ ટેનિસ જગતનાં નવા સ્ટાર બની ગયાં હતાં.

સોફિયાએ તેની પહેલાં ઑસ્ટ્રેલિયન ઓપન પોતાના નામે કરેલો છે અને ફ્રેન્ચ ઓપનમાં તેઓ ચોથા ક્રમાંકે હતાં.

ઈગા શિવયોન્ટેકને ફ્રેન્ચ ઓપનમાં કોઈ ક્રમાંક આપવામાં આવ્યો ન હતો, પરંતુ સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન પોતાની રમતથી બધાને પ્રભાવિત કર્યા હતા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો