You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઇમરાન ખાન : 'ગધેડો હંમેશાં ગધેડો જ રહે છે, પટ્ટા દોરવાથી ઝિબ્રા નથી બની જતો' ઇમરાન ખાને પોતાના વિશે આવું કેમ કહ્યું?
પાકિસ્તાનના પૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાન સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલ થઈ રહ્યા છે. કારણ છે તેમનું એ નિવેદન જેમાં તેમણે પોતાની સરખામણી ગધેડા સાથે કરી હતી.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી ક્લિપમાં ઇમરાન ખાનને એવું કહેતા સાંભળી શકાય છે કે, "જો ગધેડા પર પટ્ટા દોરી દેવામાં આવે તો તે ઝિબ્રા નથી બની જતો. ગધેડો હંમેશા ગધેડો જ રહે છે."
વાસ્તવમાં, વીડિયોમાં ઇમરાન ખાન પોતાના જીવનના એ દિવસોની વાત કરી રહ્યા છે જ્યારે તે બ્રિટનમાં હતા અને ત્યાંના સમાજમાં ભળી શક્યા નહોતા.
આ ક્લિપ તાજેતરના પાકિસ્તાની પૉડકાસ્ટ શોનો ભાગ છે, જેમાં ઇમરાન ખાનને અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા.
શો દરમિયાન પૉડકાસ્ટ હોસ્ટ જુનૈદ અકરમ ઇમરાન ખાનને કહી રહ્યા છે કે ક્વેટામાં એક બાળક તેનો એક વીડિયો જોઈને એટલો પ્રભાવિત થઈ ગયો હતો કે આજે તે રોજર ફૅડરરનો ફિઝિશિયન બની ગયો છે. તે બાળક કહે છે કે પાકિસ્તાનમાં તેની પાસે કંઈ જ નહોતું. તે દેશમાં પાછા આવીને કંઈક કરવા માંગે છે, પણ તે ક્યાં જાય?
જુનૈદ વિદેશમાં પાકિસ્તાનીઓની વધતી સંખ્યા પર કટાક્ષ કરતા કહે છે કે કદાચ પાકિસ્તાને એવી નીતિ બનાવી છે કે વધુને વધુ લોકોને વિદેશ મોકલવામાં આવે અને તેઓ ત્યાંથી પૈસા મોકલે, જેથી દેશ ચાલી શકે.
આ અંગે પાકિસ્તાનના પૂર્વ પીએમ ઇમરાન ખાન કહે છે, "આપણી શ્રેષ્ઠ પ્રતિભા વિદેશી પાકિસ્તાનીઓ સાથે ચાલી ગઈ છે, તેમાં કોઈ શંકા નથી."
"અહીં સિસ્ટમ તેમને રોકે છે, તેથી તેઓ બહાર નીકળી જાય છે. પરંતુ એક વાત યાદ રાખો, બહાર કોઈ પાકિસ્તાની ગમે તેટલા સફળ કેમ ન હોય, અંતે તેને કદાચ તમારા દેશમાં જે સન્માન કે પદ મળે છે તે નહી મળે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વાયરલ વીડિયોમાં ઇમરાન ખાન કહે છે, "હું તે સમાજનો હિસ્સો હતો. મારું ભારે સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. અંગ્રેજો પોતાના સમાજમાં બહુ ઓછા લોકોને આ રીતે સ્વીકારે છે, પરંતુ મેં તેને ક્યારેય મારું ઘર નથી માન્યું."
"કારણ કે હું પાકિસ્તાની હતો. હું કંઈ પણ કરી લઉં, હું અંગ્રેજ ન બની શકું. જો તમે ગધેડા પર પટ્ટા દોરી દેવામાં આવે તો તે ઝિબ્રા નથી બની જતો. ગધેડો ગધેડો જ રહે છે."
ઇન્ટરનેટ પર ટ્રોલ થયા ઇમરાન ખાન
પાકિસ્તાની યૂઝર્સ ઇમરાન ખાનના આ નિવેદનને ઇન્ટરનેટ પર ખૂબ શેર કરી રહ્યા છે. ભારતમાં પણ આ વીડિયોને ખૂબ શેર કરવામાં આવી રહ્યો છે.
આ વીડિયોને શેર કરતા પાકિસ્તાની પત્રકાર હસન ઝૈદીએ લખ્યું, "કોઈ ટિપ્પણી નહીં."
જિયો ન્યૂઝના પત્રકાર મુર્તઝા અલી શાહે પણ આ વીડિયો ટ્વીટ કર્યો હતો અને લખ્યું હતું કે, "ઝિબ્રા હોવાનો ઢોંગ કરતા ગધેડા ક્યારેય ઝિબ્રા બની શકતા નથીઃ ઇમરાન ખાન."
જિયો ન્યૂઝના ઉર્દૂ પત્રકાર અબ્દુલ કય્યૂમ સિદ્દીકીએ આ વીડિયો સાથે લખ્યું છે કે, "પટ્ટા દોરવાથી ગધેડો ઝિબ્રા નથી બની જતો. ગધેડો ગધેડો જ રહે છે - પૂર્વ પીએમ."
સોશિયલ મીડિયા પર ઍક્ટિવ રહેતાં પાકિસ્તાની પત્રકાર નાઇલા ઇનાયત લખે છે, "ગધેડો, ગધેડો જ રહે છે."
શું કહે છે ઇમરાન ખાન?
સંપૂર્ણ પૉડકાસ્ટ શો જોયા પછી, તે સ્પષ્ટ થઈ જાય છે કે ઇમરાન ખાન વાસ્તવમાં ઓવરસીઝ પાકિસ્તાની એટલે કે વિદેશમાં સ્થાયી થયેલા પાકિસ્તાનીઓ વિશે વાત કરી રહ્યા છે અને પાકિસ્તાનની પ્રતિભા કેવી રીતે બહાર આવી રહી છે.
આ પૉડકાસ્ટ શો એક કલાક અને 35 મિનિટનો છે. આ શો દરમિયાન પણ ઇમરાન ખાને અમેરિકા પર તેમની સરકારને તોડી પાડવાનો આરોપ લગાવ્યો હતો.
નેશનલ ઍસેમ્બલીમાં અવિશ્વાસ પ્રસ્તાવ હાર્યા બાદ 10 એપ્રિલે ઇમરાન ખાનની સરકાર પડી ગઈ હતી. આ પછી વિપક્ષી ગઠબંધનના નેતા શાહબાઝ શરીફ પાકિસ્તાનના વડાપ્રધાન બન્યા હતા.
ક્રિકેટરમાંથી રાજનેતા બનેલા ઇમરાન ખાન પોતાની રેલીઓ અને અન્ય સંબોધનોમાં સતત દાવો કરી રહ્યા છે કે અમેરિકાના ષડયંત્ર બાદ પાકિસ્તાનમાં તેમની સરકાર ગઈ છે.
જોકે ઇમરાન ખાન આ દાવાની પુષ્ટિ કરવા માટે હજુ સુધી કોઈ નક્કર પુરાવા આપી શક્યા નથી.
સરકારના પતન પહેલા ઇમરાન ખાને વહેલી ચૂંટણીની માંગ કરી હતી. જોકે પાકિસ્તાનના ચૂંટણીપંચે કહ્યું છે કે પાકિસ્તાનમાં મે 2023 પહેલાં સામાન્ય ચૂંટણીઓ થઈ શકશે નહીં.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો