પાકિસ્તાનના એ ચાર ચહેરા, જેમના કારણે ઇમરાન ખાનની સરકાર પડી ગઈ

અનેક દિવસો સુધી ચાલેલી રાજકીય ગડમથલ બાદ આખરે મોડી રાત્રે પાકિસ્તાનમાં ઇમરાન ખાનની સરકાર પડી ગઈ અને હવે ઇમરાન ખાન પાકિસ્તાનના વડા પ્રધાન નથી. ઇમરાન ખાનની સરકારનો ફેંસલો તો ત્યારે જ થઈ ગયો હતો, જ્યારે વિપક્ષની સાથોસાથ તેમના સાથી પક્ષના નેતાઓ પણ વિરોધી મોરચામાં સામેલ થઈ ગયા હતા.

ઇમરાન ખાનની સરકાર પડી ગઈ એ બાદ હવે એ નેતાઓની ચર્ચા થઈ રહી છે, જેઓ પાકિસ્તાનમાં ઇમરાન ખાનની સરકારના પતન માટે નિમિત્ત બન્યા છે.

આ ચહેરા છે પાકિસ્તાનના રાજકારણમાં વ્યાપક પ્રભાવ ધરાવતા શાહબાઝ શરીફ, મૌલાના ફઝલુર રહેમાન, બિલાવલ ભુટ્ટો અને મરિયમ નવાઝ શરીફ.

શાહબાઝ શરીફ

ઇમરાન ખાનની સરકાર પડી ગઈ, એ બાદ નવા વડા પ્રધાન માટે શાહબાઝ શરીફને સૌથી પ્રબળ દાવેદાર માનવામાં આવે છે.

શાહબાઝ શરીફ પાકિસ્તાનના પૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફના નાના ભાઈ છે. આ સિવાય તેઓ પાકિસ્તાનની પીપલ્સ પાર્ટી-નવાઝનાં ઉપાધ્યક્ષ મરિયમ શરીફના કાકા થાય છે.

જુલાઈ-2017માં પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે 2016ના પનામા પૅપર્સ વિશે સુનાવણી કરતી વખતે નવાઝને ભ્રષ્ટાચાર તથા તેની આવકથી વિદેશમાં સંપત્તિ ખરીદવાના દોષિત ઠેરવ્યા હતા અને તેમને ગેરલાયક ઠેરવ્યા હતા.

નવાઝ તથા તેમનાં પુત્રી અને જમાઈની સામે પણ નેશનલ ઍકાઉન્ટિબ્લિટી બ્યૂરો દ્વારા કેસ ચલાવવામાં આવ્યો હતો.

નવાઝને 10 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી, પરંતુ તેમનાં પત્ની કુલસુમની સારવાર માટે લંડન ગયા હતા અને ત્યાંથી પરત ફર્યા ન હતા, જ્યારે મરિયમે જેલવાસ ભોગવ્યો હતો. તેમને આઠ વર્ષની સજા જાહેર કરવામાં આવી હતી, જ્યારે તેમના પતિને એક વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી.

એ પછી 2018ની ચૂંટણી માટે નવાઝે તેમના ભાઈ શાહબાઝને વડા પ્રધાનપદના ઉમદેવાર જાહેર કર્યા હતા, પરંતુ તેમની પાર્ટી હારી ગઈ હતી, પરંતુ શાહબાઝ સંસદમાં વિપક્ષના નેતા બન્યા અને ઇમરાન સરકારને ઘેરતા રહ્યા હતા.

મરિયમ નવાઝ શરીફ

મરિયમ ત્રણ વખત પાકિસ્તાનના વડા પ્રધાન રહી ચૂકેલા પાકિસ્તાનના દિગ્ગજ નેતા નવાઝ શરીફનાં પુત્રી છે.

તેઓ પાછલાં કેટલાંક વર્ષોથી પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાનની સરકાર અને પાકિસ્તાનની સેનાનાં ટીકાકાર રહ્યાં છે.

તેમણે પાકિસ્તાન સરકારના ઘણા વિવાદાસ્પદ નિર્ણયોને લઈને જાહેર રેલીઓ મારફતે તેનો વિરોધ પ્રકટ કરવામાં આગળ પડતી ભૂમિકા ભજવી છે.

તેમના પિતાને જુલાઈ 2017માં ગેરલાયક જાહેર કરાયા હતા. તેઓ ભ્રષ્ટાચારના આરોપસર પાકિસ્તાનની જેલમાં સાત વર્ષની કેદની સજા કરાઈ હતી. જોકે ઑક્ટોબર 2019માં તેમને સ્વાસ્થ્ય કારણસર જામીન મળ્યા હતા.

હાલ નવાઝ શરીફના ભાઈ તેમના પક્ષ પાકિસ્તાની મુસ્લિમ લીગ (નવાઝ)ની આગેવાની સંભાળી રહ્યા છે. તેમજ મરયમ પક્ષનાં ઉપપ્રમુખ છે.

તાજેતરમાં જ મરિયમ સામે પણ ભ્રષ્ટાચારના આરોપ થયા હતા, જે બાદ તેમની ધરપકડ પણ કરાઈ હતી. જોકે, તેમના પાર્ટીના સભ્યોએ આ ધરપકડને રાજકારણ પ્રેરિત ગણાવી હતી.

બિલાવલ ભુટ્ટો ઝરદારી

બિલાવલ ભુટ્ટો એ પાકિસ્તાનનાં ભૂતપૂર્વ વડાં પ્રધાન બેનઝીર ભુટ્ટો અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીના પુત્ર છે. તેમજ તેઓ પાકિસ્તાન પીપલ્સ પાર્ટના ચૅરમૅન પણ છે.

તેઓ પણ પાકિસ્તાનના હાલના વડા પ્રધાન ઇમરાન ખાનના ટીકાકાર છે. પાકિસ્તાનના વડા પ્રધાનની ટીકા કરવાની કોઈ તક તેઓ જતી કરતા નથી.

તેમનાં માતા બેનઝીર ભુટ્ટો આધુનિક ઇતિહાસમાં મુસ્લિમ દેશો પૈકી કોઈ એકમાં વડાં પ્રધાન બનનારાં પ્રથમ મહિલા બન્યાં હતાં.

તેઓ 1988-90 અને 1993-96 સુધી પાકિસ્તાનનાં વડાં પ્રધાન રહ્યાં હતાં. તેમના પક્ષ પાકિસ્તાના પીપલ્સ પાર્ટીના હાલ કુલ 56 સભ્યો છે.

મૌલાના ફઝલુર રહેમાન

પાકિસ્તાન સરકાર સામે વિપક્ષના સંઘર્ષમાં એક મોટું નામ મૌલાના ફઝલુર રહેમાનનું પણ છે. તેઓ જમિયત-એ-ઉલેમા-એ-ઇસ્લામ-ફઝ્લના વડા છે.

તેમણે તાજેતરમાં જ પાકિસ્તાન સરકાર સામે યોજાયેલ વિરોધ માર્ચમાં પાકિસ્તાન ડેમૉક્રેટિક મૂવમૅન્ટ અને અન્ય વિરોધી પક્ષો સાથે જોડાયા હતા. જેમાં તેમણે પાકિસ્તાનના વડા પ્રધાનની આકરી ટીકા કરી હતી.

આ દરમિયાન તેમણે વડા પ્રધાન ઇમરાન ખાનનું નામ એક્ઝિટ કંટ્રોલ લિસ્ટમાં મૂકવાની પણ માગ કરી હતી.

તેઓ પાકિસ્તાનમાં તાલિબાનના સમર્થક નેતા છે. તેમની સંસ્થા જમિયત-ઉલેમા-એ-ઇસ્લામ એ પાકિસ્તાનની સૌથી વધુ અસરકારક અને સંસાધનસંપન્ન સંસ્થાઓ પૈકી એક છે. તેમજ તેઓ "પવિત્ર, ઇસ્લામિક રાજ્ય" માટે કામ કરી રહ્યા હોવાનો દાવો કરે છે.

તેમણે પાકિસ્તાનના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જનરલ મુશર્રફને સત્તા પરથી હઠાવવામાં પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો