You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બોરિસ જોનસનની ભારત મુલાકાત રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે મહત્ત્વની કેમ છે?
બ્રિટનના વડા પ્રધાન બોરિસ જોનસન આ અઠવાડિયે ભારતની મુલાકાતે છે. વડા પ્રધાન બન્યા પછી બોરિસ જોનસન પહેલી વાર ભારત આવી રહ્યા છે અને તેમની ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેની આ મુલાકાત મહત્ત્વપૂર્ણ છે.
ઉલ્લેખનીય છે કે બોરિસ જોનસનની અગાઉની ભારતની મુલાકાતો કોરોના સંકટને કારણે રદ થઈ હતી.
ન્યૂઝ એજન્સી પીટીઆઈ અનુસાર, બોરિસ જોનસન ગુજરાતની મુલાકાત લેનારા પ્રથમ બ્રિટિશ પીએમ બનવા જઈ રહ્યા છે અને તેની શરુઆત અમદાવાદથી થશે.
બોરિસ જોનસનની ભારત મુલાકાત દરમિયાન સંરક્ષણ અને કારોબારને લઈને ખાસ વાતચીત થઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે વર્તમાન સમયમાં રશિયા-યુક્રેન યુદ્ધ મામલે ભારતના વલણની પશ્ચિમી દેશોમાં ટીકા થઈ રહી છે ત્યારે આ મુલાકાત મહત્ત્વની બની જાય છે. રશિયા પર પશ્ચિમી દેશોએ અનેક પ્રતિબંધો લાદ્યાં છે અને અમેરિકા તથા પશ્ચિમી ભારત હથિયારો મામલે રશિયા પરની નિર્ભરતા ઓછી કરે તેમ ઇચ્છે છે.
ઉલ્લેખનીય છે કે ગત મહિને બ્રિટનનાં વિદેશમંત્રી લિજ ટ્રુસે ભારતની મુલાકાત લીધી હતી.
ભારત પ્રવાસ અગાઉ બોરિસ જોનસને કહ્યું કે, "દુનિયાની શાંતિ અને સમૃદ્ધિ પર તાનાશાહી સરકારોનો ખતરો તોળાઈ રહ્યો છે અને એટલે જ એ જરૂરી છે કે દુનિયાનાં લોકશાહીમાં માનનારા દેશો એકમેક સાથે દોસ્તી જાળવી રાખે એ જરૂરી છે."
એમણે કહ્યું કે, "ભારત એક મહત્ત્વની આર્થિક શક્તિ છે અને દુનિયાની સૌથી મોટી લોકશાહી છે અને આ અનિશ્ચિત સમયમા તે બ્રિટનનું મહત્ત્વનું રણનૈતિક સાથીદાર પણ છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે કહ્યું કે, "મારી ભારત મુલાકાત ભારત અને બ્રિટન બેઉ દેશો માટે મહત્ત્વના વિષયો સાથે સંબંધિત છે. આ નોકરીઓ ઊભી કરવાથી લઈને આર્થિક પ્રગતિ, ઊર્જા સુરક્ષા અને સંરક્ષણ બાબતો સાથે સંકળાયેલી છે."
ગુજરાતની મુલાકાત
અમદાવાદમાં, બ્રિટિશ પીએમ અગ્રણી ઉદ્યોગપતિઓ સાથે મુલાકાત કરશે.
ડાઉનિંગ સ્ટ્રીટના નિવેદનમાં જણાવ્યું હતું કે બ્રિટિશ પીએમ ગુજરાતમાં મુખ્ય ઉદ્યોગોમાં મોટા રોકાણની જાહેરાત કરે તેવી પણ આશા રાખવામાં આવી રહી છે.
જેમાં ઘરઆંગણે નોકરીઓ અને વિકાસને વેગ મળશે, તેમજ અત્યાધુનિક વિજ્ઞાન, આરોગ્ય અને ટેકનૉલૉજી પર નવા સહયોગની જાહેરાત કરવામાં આવે તેવી ધારણા છે.
ઉલ્લેખનીય છે કે ભારતનું પાંચમું સૌથી મોટું રાજ્ય ગુજરાત, યુકેમાં લગભગ અડધી બ્રિટિશ-ભારતીય ડાયસ્પોરા વસતિનું ઘર છે.
ગુજરાત બાદ બોરિસ જોનસન 22 એપ્રિલે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે દિલ્હીમાં મુલાકાત કરશે. જ્યાં બંને દેશો સંરક્ષણ, રાજદ્વારી અને આર્થિક ભાગીદારી પર ધ્યાન કેન્દ્રિત કરાશે. ડાઉનિંગ સ્ટ્રીટ અનુસાર તેઓ તેમના ભારતીય સમકક્ષ નરેન્દ્ર મોદી સાથે ઉંડાણપૂર્વકની ચર્ચા કરશે.
વ્યૂહાત્મક ભાગીદારી
બંને પક્ષોના અધિકારીઓના જણાવ્યા અનુસાર, જોનસન આ વર્ષની શરૂઆતમાં શરૂ થયેલી મુક્ત વ્યાપાર સમજૂતી (એફટીએ) વાટાઘાટોને આગળ વધારશે.
બ્રિટિશ હાઇકમિશન પ્રમાણે, એક અંદાજ મુંજબ 2035 સુધીમાં ભારત-બ્રિટનનો વેપાર વધીને 28 અબજ પાઉન્ડ સુધીનો થવાની ધારણા છે.
યુકેના અધિકૃત અંદાજ મુંજબ, ભારતીય કંપનીઓએ યુકેમાં 95,000 રોજગારનું સર્જન કર્યું છે. ભવિષ્યની મુક્ત વ્યાપાર ડીલથી તેમાં વેગ આવે એવી સંભાવના છે.
ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર મોદી અને જોનસન છેલ્લે ગત વર્ષે નવેમ્બરમાં ગ્લાસગોમાં કોપ26 ક્લાયમેટ સમિટમાં મળ્યા હતા. કોરોના મહામારીને કારણે બ્રિટિશ પીએમની ભારત મુલાકાત બે વાર રદ્દ થઈ હતી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો