પાકિસ્તાનમાં ઇમરાન ખાનને ફટકો, સુપ્રીમ કોર્ટે ડેપ્યુટી સ્પીકરના નિર્ણયને ગેરબંધારણીય ઠેરવ્યો, નેશનલ ઍસેમ્બ્લી બહાલ

પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે એક અત્યંત મહત્ત્વપૂર્ણ નિર્ણય આપતાં નેશનલ ઍસેમ્બ્લીના ડેપ્યુટી સ્પીકર કાસિમ સૂરીના નિર્ણયને ગેરબંધારણીય ઠેરવી દીધો છે.

સુપ્રીમ કોર્ટે નેશનલ ઍસેમ્બ્લીને પણ બહાલ કરી છે. સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય ઇમરાન ખાન સરકાર માટે એક મોટો ફટકો છે.

સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં એવું પણ કહ્યું કે, "વડા પ્રધાન, રાષ્ટ્રપતિને નેશનલ ઍસેમ્બ્લી ભંગ કરવાની સલાહ પણ ન આપી શકે."

સુપ્રીમ કોર્ટે સ્પીકરને ઍસેમ્બ્લીનું સત્ર બોલાવવાનો પણ આદેશ કર્યો છે.

આ પહેલાં ચીફ જસ્ટિસ ઉમર અતા બાંદિયાલે માન્યું કે "ડેપ્યુટી સ્પીકરના નિર્ણયમાં ખામી હતી. તેમણે આગળ કહ્યું કે, "એક વાત તો સ્પષ્ટ છે કે આદેશ યોગ્ય નથી. આગળનું પગલું શું હશે?" તેમણે કહ્યું કે આપણે રાષ્ટ્રહિતનું ધ્યાન રાખવાનું છે."

નિર્ણયને જોતાં સુપ્રીમ કોર્ટ બહાર સુરક્ષાકર્મી તહેનાત કરાયા છે. રાજકીય કાર્યકર્તાઓને અદાલતના પરિસરમાં જવાની પરવાનગી નથી.

અહેવાલો અનુસાર અવિશ્વાસ પ્રસ્તાવ પર શનિવારે વોટિંગ થશે.

પૂર્વ વડાં પ્રધાન બેનઝીર ભુટ્ટોના પુત્ર બિલાવલ ભુટ્ટોએ અદાલતના નિર્ણય પછી ટ્વીટ કરીને કહ્યું કે લોકશાહી સૌથી સારો પ્રતિશોધ છે. તેમણે લખ્યું, "લોકશાહી સૌથી સારો બદલો છે, ઝિયા ભુટ્ટો, જનતા, પાકિસ્તાન જિંદાબાદ."

બીજી તરફ નિર્ણય પર ટિપ્પણ કરતા વિપક્ષના નેતા મૌલાના ફઝલુર્રહેમાને કહ્યું કે, "આ જનતાનો વિજય છે, પીસાયેલી કોમની જીત છે. અદાલતે કોમની આશા પર ખરા ઊતરતાં સંતોષજનક નિર્ણય આપ્યો. કાલે અમે જૂમાની નમાજ દરમિયાન શુક્રાનાની નમાજ પઢીશું અને પાકિસ્તાનના ભલા માટે દુઆ કરીશું."

ત્રણ એપ્રિલ અવિશ્વાસ પ્રસ્તાવ ખારિજ કરાયો હતો

ત્રણ એપ્રિલના રોજ વિપક્ષના અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા અને વોટિંગ પહેલાં જ ડેપ્યુટી સ્પીકરે પ્રસ્તાવને ફગાવી દીધો હતો.

આ બાદ વડા પ્રધાન ઇમરાન ખાને રાષ્ટ્રપતિ આરિફ અલ્વી સાથે મુલાકાત કરીને નેશનલ ઍસેમ્બ્લી બંગ કરવાની સલાહ પણ આપી હતી.

રાષ્ટ્રપતિએ આ સલાહ પર અમલ કરતાં નેશલ ઍસેમ્બ્લી ભંગ કરી દીધી હતી. પાકિસ્તાનના સંવિધાન પ્રમાણે નેશનલ ઍસેમ્બ્લી ભંગ કરાયાના 90 દિવસની અંદર ચૂંટણી કરાવવાની હોય છે.

આ દરમિયાન પાકિસ્તાને સુપ્રીમ કોર્ટના ડેપ્યુટી સ્પીકરના નિર્ણય અંગે સ્વસંજ્ઞાન લઈને તે અંગે કાર્યવાહી શરૂ કરી હતી. પરંતુ પાછલા ઘણા દિવસોથી સુનાવણી ટળી રહી હતી.

પાકિસ્તાનની વિપક્ષી પાર્ટીઓ ડેપ્યુટી સ્પીકરના આ નિર્ણયને ગેરબંધારણીય ગણાવી રહી છે. જ્યારે ઇમરાન ખાન અને તેમના પક્ષના નેતાનું કહેવું છે કે વિપક્ષ તેમની સરકાર પાડવા માટેના વિદેશી ષડ્યંત્રનો ભાગ બની રહ્યો છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો