World Health Day 2022 : ઍલોપીસિયા, વાળ ખરવાની એ બીમારી જેના કારણે વિલ સ્મિથનાં પત્ની જેડા પિંકેટ ચર્ચામાં આવ્યાં
- લેેખક, શાલિનીકુમારી
- પદ, બીબીસી
સર્વશ્રેષ્ઠ અભિનેતાનો ઑસ્કર અવૉર્ડ જીતનાર વિલ સ્મિથનાં પત્ની જેડા પિંકેટની એક બીમારી બે દિવસથી ચર્ચાઈ રહી છે. કારણ, ઑસ્કર ઍવૉર્ડ સમારોહમાં કૉમેડિયન ક્રિસ રૉકે વિલનાં પત્નીના માથાના વાળની મજાક ઉડાવી અને પછી વિલ સ્મિથે ક્રિસને થપ્પડ મારી.

ઇમેજ સ્રોત, Axelle/Bauer-Griffin
રૉકે જેડા પિંકેટના માથાની સરખામણી ફિલ્મ 'જી.આઇ.જેન'ની ઍક્ટ્રેસ ડેમી મૂરની સાથે કરી હતી જેમણે એ ફિલ્મ માટે પોતાના માથાનું મુંડન કરાવ્યું હતું.
એવું માનવામાં આવે છે કે ક્રિસ રૉકે આ સરખામણી જેડા પિંકેટના ટૂંકા વાળના સંદર્ભે કરી હતી. એમણે કહેલું કે, "આઈ લવ યૂ જેડ. હું જી.આઇ.જેન-2 જોવા ખૂબ જ ઉત્સુક છું."
'ધ મૅટ્રિક્સ ફ્રૅન્ચાઇઝી' અને 'ગોથમ' જેવી ફિલ્મો માટે ખ્યાતિપ્રાપ્ત અમેરિકન અભિનેત્રી જેડા પિંકેટે પહેલાં પણ ઘણા ઇન્ટરવ્યૂમાં પોતાના વાળની સ્થિતિ વિશે વાત કરી હતી અને કહેલું કે વાળ ખરવાની ગંભીર સમસ્યાના કારણે એમણે માથે મુંડન કરાવવું પડ્યું હતું.

જેડા પિંકેટને ઍલોપીસિયા છે

ઇમેજ સ્રોત, Lionel Hahn
જેડાએ પોતાની ફેસબુક સીરીઝ રેડ ટેબલ ટૉકના મે 2018ના એપિસોડમાં જણાવેલું કે એમને ઍલોપીસિયા છે, જેને ગુજરાતીમાં ઊંદરી કહેવાય છે, તે માથાની ત્વચાનો એક રોગ છે જેમાં વાળ ખરી જાય છે.
એમણે એ વીડિયોમાં કહેલું કે, "એ વિશે વાત કરવી ખૂબ મુશ્કેલ છે."
"મને એમ પૂછવામાં આવતું હતું કે હું માથે કપડું કેમ બાંધું છું. એવું એટલા માટે કે મારા વાળ ખરે છે. એવું પહેલી વાર જ્યારે મારી સાથે બન્યું ત્યારે મને ખૂબ બીક લાગી હતી. એક દિવસ હું નહાતી હતી અને મુઠ્ઠી ભરાય એટલા બધા વાળ ખરીને મારા હાથમાં આવી ગયા હતા. હું એવું વિચારવા લાગી કે શું મને ટાલ પડી રહી છે?"
"એ મારા જીવનની એવી પળોમાંની એક હતી, જ્યારે બીકથી હું થથરતી હતી. તેથી મેં મારા વાળ કાપી નાખ્યા અને હું એને કાપતી રહું છું. મારા વાળ મારા માટે ખૂબ મહત્ત્વના હતા."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"મારા માટે વાળ રાખવા કે ન રાખવાનો વિકલ્પ ખૂબ અગત્યનો હતો પરંતુ એક દિવસ મારી પાસે એ વિકલ્પ જ ન રહ્યો."
એમણે ડિસેમ્બર 2021માં પોતાના ઇન્સ્ટાગ્રામ ઍકાઉન્ટ પર વીડિયો મૂકીને પણ જણાવેલું કે તેઓ ઍલોપીસિયા સામે ઝૂઝી રહ્યાં છે.

ઍલોપીસિયા શું છે?

બ્રિટનની નૅશનલ હૅલ્થ સર્વિસ (એનએચએસ) અનુસાર, ઍલોપીસિયા (ઊંદરી) એક ઇન્ફ્લેમેટરી બીમારી છે, જેમાં વાળ ખરવા લાગે છે. ક્યારેક ક્યારેક નખ પર પણ એની અસર પડે છે. મોટા ભાગના કેસમાં ઘણા બધા વાળ એકસાથે ખરી જાય છે અને ખરતા વાળનો ગુચ્છો પણ જોવા મળે છે. એની શરૂઆત કોઈ પણ ઉંમરે થઈ શકે છે અને કોઈને પણ થઈ શકે છે.
દિલ્હીમાં 11 વર્ષથી ડર્મેટૉલૉજિસ્ટ તરીકે કામ કરતાં ડૉક્ટર સોનાલી ચૌધરીએ ઍલોપીસિયાને સમજાવતાં કહ્યું કે, "ઍલોપીસિયા ટાલ પડવાની એક મેડિકલ ટર્મ છે જેમાં ધીમે ધીમે આપણા વાળ ખરવા શરૂ થઈ જાય છે. પુરુષો અને મહિલાઓને જુદા જુદા પ્રકારના ઍલોપીસિયા થઈ શકે છે. એના જુદા જુદા સ્તરો પણ હોય છે."
એમણે જણાવ્યું કે આ સ્થિતિની શરૂઆતમાં વાળ પાતળા થવા લાગે છે અને જ્યારે તે પાતળા થઈ જાય છે, ત્યારે તે મૂળમાંથી ઊખડી જાય છે અને એ જગ્યાએ ટાલ પડે છે.
ડૉક્ટર સોનાલીએ કહ્યું કે, "ઍલોપીસિયાને આપણે ઑટો ઇમ્યુન ડિસઑર્ડર ન કહી શકીએ કેમ કે ઍલોપીસિયા જુદા જુદા પ્રકારના હોય છે."
એમણે જણાવ્યું કે ઍલોપીસિયા આનુવંશિક કારણો અને અપૂરતા પોષણને લીધે પણ થાય છે.
ડૉક્ટર સોનાલી ચૌધરીએ જણાવ્યું કે, "કેટલાક કિસ્સામાં આ ત્યારે થાય છે, જ્યારે તમારી રોગપ્રતિકારકશક્તિ તમારી વિરુદ્ધ કામ કરવા લાગે છે. પરંતુ એવું દરેક કિસ્સામાં નથી થતું."

ઍલોપીસિયાના પ્રકાર કેટલા છે
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
ડૉક્ટર સોનાલીએ જણાવ્યું કે ઍલોપીસિયાના અલગ અલગ પ્રકાર અને સ્ટેજ હોય છે.
એમણે જણાવ્યું કે, "એનો એક પ્રકાર ઍલોપીસિયા ટોટેલિસ હોય છે, જેમાં તમારી ભ્રમર (નેણ) પણ જતી રહે છે અને ઍલોપીસિયા યુનિવર્સલમાં આખા શરીર પરથી વાળ ખરી જાય છે."
એ ઉપરાંત ઍલોપીસિયા ઍરિયાટા પણ છે જે વાળ ખરવાનો સૌથી સામાન્ય પ્રકાર છે. એના કારણે ટાલ પડી જાય છે.
ડૉક્ટર સોનાલીએ ઍલોપીસિયાના બીજા પણ કેટલાક પ્રકાર જણાવ્યા. એમણે કહ્યું, "મહિલાઓને નૉન સ્કારિંગ ઍલોપીસિયા થાય છે. એ આનુવંશિક કારણોને લીધે થાય છે. એ આપણા વાળની વચમાં શરૂ થાય છે. જ્યાંથી આપણે આપણો સેંથો (પાંથી) પાડીએ છીએ ત્યાંથી વાળ પાતળા થવા લાગે છે અને પછી ધીરે ધીરે ખરી જાય છે."
"પુરુષોને ઍન્ડ્રોજેનેટિક ઍલોપીસિયા થાય છે, જેમાં મોટા ભાગના પુરુષોને સ્કૅલ્પ (માથા પરની ત્વચા) પર અસર થાય છે. એમાં પણ પાંચ સ્ટેજ હોય છે. વાળની પાંથી પાછળ જતી રહે છે અને માથાના આગળના ભાગથી વાળ ખરી જાય છે."
એમણે કહ્યું કે મોટા ભાગે માથાના આગળના ભાગના વાળ શરીરમાં રહેલા હૉર્મોનની વધઘટના કારણે ખરી જાય છે.

ઍલોપીસિયાનો ઇલાજ શો છે?

ઇમેજ સ્રોત, Getty Images
ડૉક્ટર સોનાલીએ બીબીસીને જણાવ્યું કે આની સારવાર માટે તેઓ પહેલાં એ જુએ છે કે શરીરના પોષણની શી સ્થિતિ છે.
એમણે કહ્યું, "કેટલીક એવી વસ્તુઓ છે, જેના કારણે વાળ ખૂબ ખરવા લાગે છે. જેમ કે, આયર્ન કે બી12ની ઊણપ. અમે ડી3, થાઇરૉઇડ પ્રોફાઇલ, પીસીઓએસ વગેરેનું પરીક્ષણ પણ કરીએ છીએ. જેથી આંતરિક સમસ્યાની સારવાર પહેલાં કરી શકાય."
"જો અમને એનાથી કશું નિદાન ન મળે તો પછી અમે સ્કૅલ્પ (માથા પરની ત્વચા)નું પરીક્ષણ કરીએ છીએ. અમે એ જોઈએ છીએ કે શું ત્યાં કશું સંક્રમણ છે?"
એમણે જણાવ્યું કે, ત્યાર પછી જ તેઓ ઑટો ઇમ્યુન કન્ડિશન વિશે વિચારે છે. એમણે કહ્યું કે, "એમાં હૉર્મોન સાથે સંકળાયેલી સમસ્યાઓ હોય છે. એને સરખી કરવી થોડી મુશ્કેલ હોય છે."

ઍલોપીસિયાનાં લક્ષણો શું છે?

ઇમેજ સ્રોત, Ganna Gavenko
ડૉક્ટર સોનાલીએ જણાવ્યું કે લોકોએ એ ધ્યાન રાખવું જોઈએ કે એમના વાળ પાતળા ક્યારથી થવા લાગ્યા છે.
પુરુષોને થતી આ બીમારી વિશે તેમણે જણાવ્યું કે, "એ જોવું જોઈએ કે, શું તમારું માથું મોટું થતું જાય છે અને શું તમારા વાળની પાંથી પાછળ લંબાતી જાય છે અને શું માથાની સાઇડમાં ટાલ દેખાય છે?"
"મહિલાઓએ એ જોવું જોઈએ કે શું એમને પોતાનો સેંથો પહોળો થતો દેખાય છે? શું એમને પોતાની સ્કૅલ્પ હવે દૂરથી દેખાવા લાગી છે?"
એમણે કહ્યું કે યુવા મહિલાઓએ પોતાના વાળનું થોડું વધારે ધ્યાન રાખવું જોઈએ.
એમણે જણાવ્યું કે, "શું એમને ખૂબ વધારે ઍક્ને (મોં પર થતા ખીલ અથવા ફોડલીઓ) કે ચહેરા કે શરીર પર ખૂબ વધારે વાળ ઊગે છે? આ કેટલાંક લક્ષણો છે જે દર્શાવે છે કે તમારા શરીરમાં હૉર્મોનના સ્તરમાં કશો ફેરફાર થયો છે."

ઍલોપીસિયા ઍરિયાટાની માનસિક અસર
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
NHSએ ઍલોપીસિયા ઍરિયાટા અંગે પ્રસિદ્ધ કરેલી ગાઇડલાઇનમાં કહેલું કે કેટલાક કેસમાં આ ડિસઑર્ડરના લીધે માનસિક તણાવ પણ થઈ શકે છે. એમાં કહેવાયું છે કે આ ડિસઑર્ડરની ચર્ચા કરવાથી, એનો ઇલાજ અને ઇલાજ માટેના સંભવિત સમયની જાણકારીથી કેટલાક દરદીઓને તણાવ થઈ શકે છે.
કેટલાક કેસમાં શરૂઆતની સફળતા પછી પણ રિલૅપ્સ થઈ શકે છે જે દરદીઓ માટે નિરાશાનું કારણ બની જાય છે. ગાઇડલાઇન્સમાં એમ કહેવાયું છે કે બાળકોના કિસ્સામાં આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.
જોકે કેટલાક દરદી એવા પણ છે જેઓ એ વાતે ખુશ હતા કે કમ સે કમ એમણે કોશિશ તો કરી, પરિણામ ભલે ગમે તે આવે.
ડૉક્ટર સોનાલીએ જણાવ્યું કે, તમારા શરીર પર ઍલોપીસિયાની વધારે અસર નથી થતી. તમે બધાં કામ કરી શકો છો અને તમને આરામની પણ જરૂર નથી પડતી. પરંતુ એનાથી લોકોને માનસિક તણાવ ચોક્કસ થાય છે.
એમણે કહ્યું કે, "આજકાલ લોકો પોતાના વાળ પર વધારે ધ્યાન આપે છે. ખાસ કરીને યુવાઓ, કેમ કે એમને સુંદર દેખાવું પસંદ છે."
એમણે જણાવ્યું કે એમની પાસે કેટલાક એવા દરદીઓ પણ આવે છે જેઓ એમને કહે છે કે લગ્ન થઈ જાય બસ, ત્યાં સુધી એમના વાળ બચાવી લેવાય અને લગ્ન પછી એમને સારવારની જરૂર નહીં હોય.
ડૉક્ટર સોનાલીએ કહ્યું કે, "અહીં હું પણ એવી કોશિશ કરું છું કે મારા દરદીઓ અહીંયાં અંદરોઅંદર વાતો કરે જેથી એમની નિરાશા થોડી ઓછી થઈ જાય, એક સપોર્ટ ગ્રૂપની જેમ."

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













