ઓલિગાર્કઃ પુતિનના અબજપતિ મિત્રો, રશિયાના રાજકારણમાં જેમનું 'રાજ' ચાલે છે

    • લેેખક, બીબીસી
    • પદ, .

રશિયા, યુક્રેન અને પશ્ચિમી દેશો વચ્ચે સંઘર્ષ વધ્યા પછી ઓલિગાર્કની ફરીથી ચર્ચા થવા લાગી છે, જેઓ રશિયાના અતિ ધનવાન અને પહોંચ ધરાવતા લોકો છે.

પશ્ચિમી દેશોના મીડિયામાં ઘણી વાર એવા લોકોને પુતિનના 'ક્રોનીઝ' અર્થાત્ જીગરી દોસ્ત કહેવામાં આવે છે. યુક્રેન પર હુમલા પછી પશ્ચિમી દેશોએ લાદેલા પ્રતિબંધોનો એક ટાર્ગેટ આ ઓલિગાર્ક પણ છે.

કોણ છે આ ઓલિગાર્ક?

ઓલિગાર્ક શબ્દનો ઇતિહાસ ખૂબ લાંબો છે. જોકે આજના સમયમાં એનો એક ખાસ અર્થ થઈ ગયો છે.

પારંપરિક પરિભાષા કે માન્યતા અનુસાર, ઓલિગાર્ક એવા લોકો છે જેઓ ઉચ્ચ સમાજ (કુલીન વર્ગ)ના વર્ચસ્વવાળા તંત્રના સદસ્ય કે સમર્થક હોય છે. મતલબ કે, એક એવી રાજકીય વ્યવસ્થાનો ભાગ હોય છે.

મોટા ભાગે આ શબ્દનો ઉપયોગ રશિયાના ખૂબ જ પૈસાદાર લોકોના એક સમૂહ માટે કરવામાં આવે છે. 1991માં સોવિયત સંઘના વિઘટન પછી ત્યાં (રશિયામાં) ઓલિગાર્ક ઝડપીથી ઊભરી આવ્યા છે.

ઓલિગાર્ક શબ્દ ગ્રીક શબ્દ ઓલિગોઈમાંથી બન્યો છે, જેનો અર્થ 'થોડું' થાય છે. તો આર્કિન શબ્દનો અર્થ 'શાસન કરવું' થાય છે.

ઓલિગાર્ક આ રીતે રાજાશાહી (કોઈ એક વ્યક્તિનું શાસન અર્થાત્ મોનોસ) કે પ્રજાસત્તાક (લોકોનું શાસન કે ડેમોસ) કરતાં જુદા હોય છે.

એ જોતાં એક ઓલિગાર્કનો ધર્મ, સગાં, સન્માન, આર્થિક દરજ્જો અને ભાષા જે પણ હોય તે એ જ ધર્મ, ભાષા-ભાષક સમૂહના અન્ય લોકો કરતાં જુદાં હોય છે અને તેઓ શાસન કરનારા જૂથનો ભાગ હોય છે.

આવા લોકો પોતાનાં હિતોને ધ્યાનમાં રાખીને શાસન કરે છે અને ઘણી વાર એમનાં સાધન શંકાસ્પદ હોય છે.

મોટા ઓલિગાર્ક

હમણાંથી ઘણી વાર ઓલિગાર્કનો અર્થ અતિ ધનવાન વ્યક્તિ તરીકે કરવામાં આવે છે. એવા વ્યક્તિએ શાસનના સહયોગથી બિઝનેસ કરીને અપાર સંપત્તિ સર્જી હોય છે.

દુનિયામાં રશિયાના સૌથી જાણીતા ઓલિગાર્કમાંના એક બ્રિટનના રોમન અબ્રામોવિચ છે, જેઓ ચેલ્સી ફૂટબૉલ ક્લબના માલિક છે. અનુમાન છે કે એમની પાસે હાલના સમયે 14.3 અબજ ડૉલરની સંપત્તિ છે.

એમણે સોવિયત સંઘના પતન પછી રશિયાના જે સરકારી એકમો ખરીદ્યા હતા એને વેચીને સંપત્તિ સર્જી છે.

બ્રિટનના બીજા એક ઓલિગાર્ક એલેક્ઝાન્ડર લેબેદેવ છે. તેઓ કેજીબીના પૂર્વ અધિકારી અને બૅન્કર છે. એમના પુત્ર એવગેની લેબેદેવ લંડનમાંથી પ્રસિદ્ધ થતા મોટા અખબાર ઇવનિંગ સ્ટાન્ડર્ડના માલિક છે. એવગેની બ્રિટનના નાગરિક છે અને એમને હાઉસ ઑફ લૉર્ડ્સના સભ્ય પણ બનાવાયા છે.

એવું નથી કે આવા ઓલિગાર્ક માત્ર રશિયામાં જ છે, દુનિયાના બીજા દેશોમાં પણ કુલીન વર્ગ જોવા મળે છે.

યુક્રેનની દુર્દશા માટે જવાબદાર છે આ ઓલિગાર્ક

કિએવની એક સ્વતંત્ર સંસ્થા 'યુક્રેનિયન ઇન્સ્ટિટ્યૂટ ફૉર ધ ફ્યુચર' (યુઆઇએફ) માને છે કે ત્યાંનાં અર્થતંત્ર, સમાજ, ઉદ્યોગ અને રાજકારણની ડામાડોળ સ્થિતિ માટે ઓલિગાર્ક જ જવાબદાર છે.

પોતાના એક રિપૉર્ટમાં યુઆઇએફએ જણાવ્યું છે કે સોવિયત સંઘના પતન પછી લિયોનિદ કુચમા રાષ્ટ્રપતિ હતા તે દરમિયાન દેશના 'જૂના ઓલિગાર્ક'એ ઘણો વિકાસ કર્યો.

રિપૉર્ટમાં કહેવાયું છે કે, "યુક્રેનના ઓલિગાર્કે અધિકારીઓ સાથે મિલીભગત કરીને અ-પારદર્શી ખાનગીકરણ દ્વારા પોતાની મોટા ભાગની સંપત્તિની કમાણી કરી અને ત્યારથી પોતાના બિઝનેસને બચાવવા માટે રાજકારણ પર નિયંત્રણ રાખવું એમના માટે મહત્ત્વપૂર્ણ થઈ ગયું છે."

ઓલિગાર્કે કઈ રીતે વધારી પોતાની સંપત્તિ?

આ વિષયમાં યુક્રેનની સંસ્થા યુઆઈએફના કાર્યકારી નિર્દેશક વિક્ટર એન્ડ્રૂસિવે 2019માં વૉશિંગ્ટનમાંના એક કાર્યક્રમ દરમિયાન કહેલું કે ઓલિગાર્ક 'ખાસ વર્ગ'ના લોકો છે, જેઓ 'ખાસ રીતોથી વેપાર' કરે છે. એમની પાસે 'જીવવાની અને લોકોને પ્રભાવિત કરવાની ખાસ રીતો' પણ હોય છે.

એન્ડ્રૂસિવે કહેલું, "વાસ્તવમાં તેઓ બિઝનેસમૅન નથી. તેઓ અમીર બન્યા છે, પણ જે રીતે તેઓ અમીર બન્યા તે કોઈ મૂડીવાદી દેશના જેવી બાબત નથી હોતી. એમણે બિઝનેસ ઊભો નથી કર્યો, બલકે, દેશના સહારે બિઝનેસ પર કબજો કરી લીધો."

રશિયામાં આટલા ઓલિગાર્ક કઈ રીતે?

લોકો આજે રશિયાના ઓલિગાર્ક વિશે વાતો એટલા માટે કરે છે કેમ કે 1991માં સોવિયત સંઘના વિઘટન પછી જે કંઈ બન્યું તે એમના માટે મહત્ત્વનું હતું.

1991માં ક્રિસમસના દિવસે રાષ્ટ્રપતિ મિખાઇલ ગોર્બાચેવે સોવિયત સંઘના રાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપીને બોરિસ યેલ્તસિનને સત્તા સોંપી હતી.

જોકે, જ્યારે ત્યાં (રશિયામાં) કમ્યુનિસ્ટ શાસન હતું ત્યારે કોઈ ખાનગી સંપત્તિ નહોતી. પરંતુ ત્યાર બાદ રશિયાની મૂડીવાદી અર્થવ્યવસ્થા દરમિયાન દેશમાં મોટા પાયે ખાનગીકરણ થયું, ખાસ કરીને ઔદ્યોગિક, ઊર્જા અને નાણાક્ષેત્રમાં.

એનું પરિણામ એ આવ્યું કે 90ના દાયકામાં શરૂ થયેલા ખાનગીકરણ દરમિયાન ઘણા બધા લોકો એમ જ માલદાર બની ગયા.

એમાં, જેમના સંપર્કો સારા હતા તેઓ પોતાના સંપર્કોના આધારે રશિયન ઉદ્યોગનો મોટો હિસ્સો ખરીદી શકતા હતા. એવા લોકો ક્યારેક કાચા માલનો પુરવઠો ધરાવતા ખનિજ કે ગૅસ અને તેલ (ક્રૂડ) ઉદ્યોગમાં સક્રિય હતા, કેમ કે આ વસ્તુઓની દુનિયાભરમાં માગ હતી.

ત્યાર બાદ આ કામમાં મદદ કરનારા અધિકારીને એમણે પુરસ્કૃત કરીને એમને ડાયરેક્ટર જેવાં પદો પર બેસાડ્યા.

ઓલિગાર્ક પાસે મીડિયા, તેલના કૂવા, સ્ટીલની ફૅક્ટરી, એન્જિનિયરિંગ કંપનીઓ, વગેરે આવી ગયાં. ઘણી વાર તેઓ પોતાના બિઝનેસ માટે ખૂબ ઓછા કરની ચુકવણી કરતા હતા.

એવા જ લોકોએ બોરિસ યેલ્તસિનને પોતાનું સમર્થન જાહેર કર્યું હતું અને 1996ના એમના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં એમને નાણાકીય મદદ કરી હતી.

પુતિનના સમયમાં ઓલિગાર્ક

વ્લાદિમીર પુતિન જ્યારે બોરિસ યેલ્તસિનના ઉત્તરાધિકારી બન્યા ત્યારે એમણે ઓલિગાર્કોને નિયંત્રિત કરવાનું શરૂ કરી દીધું. જોકે, જે ઓલિગાર્ક એમની સાથે જોડાયેલા રહ્યા તેઓ સફળ થતા ગયા.

બૅન્કર બોરિસ બેરેઝોવ્સ્કી જેવા પહેલાંથી કેટલાક કુલીન લોકોએ એમની સાથે જોડાવાનો ઇનકાર કરી દીધો તો એમણે દેશ છોડીને ભાગી જવા મજબૂર થવું પડ્યું.

કોઈ જમાનામાં રશિયાના સૌથી અમીર વ્યક્તિ ગણાતા મિખાઇલ ખોદોરકોવ્સ્કી પણ હવે લંડનમાં રહે છે.

2019માં ફાઇનાન્શિયલ ટાઇમ્સે વ્લાદિમીર પુતિને આ બાબતમાં પૂછ્યું હતું ત્યારે તેમણે કહેલું કે, "હવે અમારા ત્યાં કોઈ ઓલિગાર્ક નથી."

જોકે, જે લોકો પુતિન સાથે નિકટનો સંબંધ ધરાવતા હતા તેઓ એમના શાસનમાં પોતાનું વ્યાપારિક સામ્રાજ્ય વિસ્તારવામાં સફળ રહ્યા.

એવા લોકોમાં, બોરિસ રોટેનબર્ગ છે. એ બંને બાળપણમાં એક જ જુડો ક્લબમાં રમતા હતા. બ્રિટનની સરકારે રોટેનબર્ગને પુતિન સાથે નિકટના અને અંગત સંબંધ ધરાવનારા એક મહત્ત્વના વેપારી ઠરાવ્યા છે. ફોર્બ્સ મૅગેઝિન અનુસાર, રોટેનબર્ગની કુલ સંપત્તિ અંદાજે 1.2 અબજ ડૉલર છે.

તેથી જ્યારે પુતિને પૂર્વ યુક્રેનના ડોનેત્સ્ક અને લુહાન્સ્કનાં બે અલગાવવાદી ક્ષેત્રોને 'પીપલ્સ રિપબ્લિક'નો દરજ્જો આપ્યો ત્યારે બોરિસ અને એમના ભાઈ અર્કાડી બંનેને બ્રિટનના પ્રતિબંધોનો સામનો કરવો પડ્યો હતો.

બ્રિટનની સાથે યુક્રેન, અમેરિકા, યુરોપીય સંઘ, ઑસ્ટ્રિલિયા અને જાપાને પણ રશિયાના ઓલિગાર્ક એટલે કે કુલીન વર્ગો પર પ્રતિબંધો મૂકી દીધા છે. યુક્રેન પર રશિયાના હુમલા પછી તો આ પ્રતિબંધો વધારે કડક જ થશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો