ટેલિગ્રામ : એ મહિલાઓ જેમની મંજૂરી વિના તેમની નગ્ન તસવીરો ટેલિગ્રામ ઍપ પર હજારો લોકોનાં ગ્રૂપ્સમાં મુકાઈ

    • લેેખક, ગ્લૉબલ ડિસઇન્ફર્મેશન ટીમ
    • પદ, બીબીસી વર્લ્ડ સર્વિસ

ચેતવણી: આ લેખમાં જાતીયતા સાથે જોડાયેલી બાબતોનું વર્ણન છે

સારાને ખ્યાલ આવી ગયો કે પોતાની ન્યૂડ તસવીર લીક થઈ ગઈ છે અને ટેલિગ્રામ ઍપ પર ફરતી થઈ ગઈ છે. તે સાથે જ તેમનું જીવન બદલાઈ ગયું.

તેમના ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પ્રોફાઇલ પણ એડ કરી દેવાયા હતા અને ફોન નંબર પણ જાહેર કરી દેવાયો હતો. અચાનક તેમના પર અજાણ્યા પુરુષોના ફોન આવવા લાગ્યા અને આવા વધારે ફોટો મોકલવાની માગણીઓ થવા લાગી.

ઇલસ્ટ્રેશન

ઇમેજ સ્રોત, KLAWE RZECZY

સારા કહે છે, "તે લોકો એવી રીતે વાત કરતા હતા કે જાણે હું વેશ્યા છું, કેમ કે મેં મારી અંગત પળોની તસવીરો મૂકી દીધી છે. એટલે કે સ્ત્રી તરીકે મારું કોઈ જ મૂલ્ય નથી."

સારાએ (નામ સાચું નથી) પોતાની તસવીર માત્ર એક જ વ્યક્તિને મોકલી હતી, પરંતુ તે ટેલિગ્રામના એક ગ્રૂપમાં પહોંચી ગઈ, જેના 18,000 ફૉલોઅર્સ હતા.

સારા ક્યૂબાના હવાના શહેરમાં રહે છે અને આ ગ્રૂપના ઘણા બધા સભ્યો તેના પડોશમાં રહેતા હતા.

સારા હવે ફફડતાં રહે છે કે શેરીમાં કોઈ અજાણ્યું તેને મળી જશે તો? તેણે પણ કદાચ નગ્ન તસવીર જોઈ લીધી હશે તો?

તેઓ કહે છે, "મને બહાર જવાની ઈચ્છા જ થતી નથી. હું મારા મિત્રોને પણ મળવા માગતી નથી. મારી હાલત બહુ ખરાબ થઈ ગઈ છે."

સારા એક માત્ર એવી યુવતી નથી. અમે ટેલિગ્રામ પર મહિનાઓ સુધી તપાસ કરી તેના પરથી ખ્યાલ આવ્યો છે કે આ ઍપ પર એવા મોટા ગ્રુપ અને ચેનલ છે, જેના પર સ્ત્રીઓની નગ્ન તસવીરો મૂકાઈ છે.

લગભગ 20 દેશોની યુવતીઓની તસવીરો છે. લીક થઈ ગયેલી, ચોરાયેલી કે ખાનગીમાં પાડી લેવાયેલી ન્યૂડ તસવીરો અહીં ફરતી થઈ જાય છે. આ સમસ્યા માટે પ્લૅટફૉર્મના સંચાલકો કોઈ પગલાં લઈ રહ્યા હોય તેવું જણાતું નથી.

line

'મારે વતન છોડી ભાગવું પડ્યું'

વીડિયો કૅપ્શન, ટેલિગ્રામ ઍપ, જ્યાં મહિલાઓની પરવાનગી વગર તેમની ન્યૂડ તસવીરો શૅર કરાય છે

નિગાર મૂળ અઝરબૈઝાનનાં છે, પણ પોતાનું વતન છોડીને તેમને નીકળી જવું પડ્યું હતું. 2021માં તેમના પતિ સાથેના સમાગમનો વીડિયો તેમના પરિવારને મોકલાયો હતો અને તે પછી તેને ટેલિગ્રામ ગ્રૂપમાં શૅર કરી દેવાયો હતો.

તેઓ કહે છે, "મારાં મમ્મી રડવા લાગ્યાં હતાં અને મને કહે કે મને કોઈએ વીડિયો મોકલ્યો છે. હું તો બરબાદ થઈ ગઈ છું, સાવ બરબાદ થઈ ગઈ છું."

નિગારનો વીડિયો 40,000 સભ્યો ધરાવતા એક ગ્રૂપમાં શૅર કરવામાં આવ્યો હતો. વીડિયોમાં રહેલો પુરુષ હવે નિગારનો ભૂતપૂર્વ પતિ થઈ ગયો છે. તેનો ચહેરો બ્લર કરી દેવાયો છે, પણ નિગારનો ચહેરો દેખાય છે.

નિગારને લાગે છે કે તેના પૂર્વ પતિએ જ ખાનગીમાં સેક્સનો વીડિયો ઉતારી લીધો હતો.

તે કદાચ તેમના ભાઈને બ્લૅકમેઇલ કરવા માગતો હતો, કેમ કે તેમનો ભાઈ અઝરબૈઝાના પ્રમુખનો અગ્રણી ટીકાકાર હતો.

તેમના જણાવ્યા અનુસાર તેમની માતાને ધમકી આપવામાં આવી હતી કે તેનો દીકરો આ ચળવળ બંધ નહીં કરી દે તો વીડિયો જાહેર કરી દેવામાં આવશે.

નિગાર મૂળ અઝરબૈઝાનની છે, પણ પોતાનું વતન છોડીને તેમને નીકળી જવું પડ્યું હતું.
ઇમેજ કૅપ્શન, નિગાર મૂળ અઝરબૈઝાનની છે, પણ પોતાનું વતન છોડીને તેમને નીકળી જવું પડ્યું હતું.

નિગાર કહે છે, "તમે કોઈ કલંક હો એ રીતે લોકો તમને જુએ છે. તમે પરણેલા હો તોય કોને પરવા હોય છે?"

નિગારે કહ્યું કે તેમણે પૂર્વ પતિ સામે આ વીડિયો અંગે સવાલ ઉઠાવ્યો હતો, પણ તેમણે આ વીડિયો બનાવ્યાનો ઇનકાર કર્યો. અમે તેમની પાસેથી તેમની વાત જાણવા કોશિશ કરી હતી, પણ તેમણે જવાબ આપ્યો નહોતો.

નિગારને આજેય પોતાની જિંદગીને આગળ વધારવામાં મુશ્કેલી નડી રહી છે. તે કહે છે: "હું આમાંથી બેઠી થઈ શકું તેમ નથી. મારે અઠવાડિયામાં બે વાર થેરપિસ્ટને મળવું પડે છે. મારી સ્થિતિમાં કોઈ સુધારો થતો નથી. તે લોકો કહે છે કે શું હું આ ભૂલી શકીશ અને હું કહું છું કે ના."

નિગાર અને સારા બંનેની તસવીરો અમે ટેલિગ્રામને મોકલી હતી, પરંતુ તેના સંચાલકો તરફથી કોઈ પ્રતિસાદ મળ્યો નથી. આમાં કંઈ નવાઈની વાત પણ નથી.

line

ટેલિગ્રામના પ્રાઇવસીના દાવા સામે સવાલ

સારા
ઇમેજ કૅપ્શન, સારાએ એક વ્યક્તિ સાથે પોતાની તસવીરો શૅર કરી હતી પરંતુ આ તસવીરો ટેલિગ્રામ પર 18 હજાર ફૉલોઅર્સવાળા એક ગ્રૂપમાં શૅર કરવામાં આવી હતી

બીબીસી 18 જેટલી ટેલિગ્રામ ચેનલ્સ અને 24 જેટલા ગ્રૂપો પર નજર રાખી રહ્યું છે. રશિયાથી માંડીને બ્રાઝિલ અને કેન્યાથી માંડીને મલેશિયામાં આ ગ્રૂપ્સ ચાલે છે. આ બધા ગ્રૂપ્સમાં લગભગ 2 લાખ જેટલા સબસ્ક્રાઇબર્સ છે.

આવી નગ્ન તસવીરો સાથે ઘરના સરનામાં અને માતાપિતાના ફોન નંબર પણ મૂકી દેવામાં આવ્યા છે.

અમે જોયું કે ગ્રૂપના એડમિનિસ્ટ્રેટર જ સભ્યોને કહેતા હોય છે કે તમારાં ભૂતપૂર્વ-સાથીની, તમારાં સહકર્મચારીઓની, સાથે ભણતી વિદ્યાર્થિનીઓની અંગત પળોની તસવીરો મોકલો. એવું પણ કહેવાતું હોય છે કે ઑટોમેટેડ અકાઉન્ટમાં અશ્લીલ વસ્તુઓ મોકલો જેથી કોણે મોકલી છે તે ખબર ના પડે અને તેને પ્રગટ કરી શકાય.

ટેલિગ્રામ કહે છે કે તેના વિશ્વભરમાં હવે 200 કરોડથી વધારે યૂઝર્સ છે - ટ્વિટર કરતાંય વધારે છે. ખાનગીપણાની ખાતરીને કારણે આ યૂઝર્સ આકર્ષાયા હતા એમ તે કહે છે.

જાન્યુઆરી 2021માં વૉટ્સએપે પોતાની પ્રાઇવસીની શરતો બદલી તે પછી લાખો લોકો ટેલિગ્રામ પર જતા રહ્યા હતા.

ટેલિગ્રામ ખાસ કરીને મીડિયા પર પ્રતિબંધ હોય ત્યાં લોકશાહી માટે ચળવળ ચલાવનારા જૂથોમાં લોકપ્રિય બન્યું છે. પોતાનું નામ કે ફોન નંબર આપ્યા વિના જ યૂઝર્સ અહીં પોસ્ટ મૂકી શકે છે. સાથે જ પોતાની ઓળખ છતી કર્યા વિના 2 લાખ સુધીના સભ્યો સાથેનું ગ્રૂપ અથવા ચેનલ બનાવી શકે છે, જેને અમર્યાદિત સંખ્યામાં લોકો જોઈ શકે છે.

ટેલિગ્રામ ભલે પ્રાઇવસી અંગેનો દાવો કરે, પરંતુ તેમાં માત્ર "સિક્રેટ ચૅટ" વિકલ્પ રાખવામાં આવ્યો હોય ત્યારે જ એક છેડેથી બીજા છેડે સુધી મૅસેજને એન્ક્રિપ્ટ કરવામાં આવે છે. એટલે કે એવા સંજોગોમાં માત્ર બે વ્યક્તિ જ મૅસેજ જોઈ શકે. એન્ક્રિપ્ટનું ઑપ્શન સિગ્નલ અને વૉટ્સઅપમાં ડિફૉલ્ટ તરીકે છે.

આ પ્લૅટફૉર્મ પર એવા લોકો પણ આકર્ષાય છે, જેમને બહુ નિયંત્રણો પસંદ નથી. અથવા તો અન્ય પ્લૅટફૉર્મ પર પ્રતિબંધ મૂકાઈ ગયો હોય તેવા લોકો પણ અહીં આવી જાય છે.

line
જાહેર અને ખાનગી બંને ગ્રુપોમાં તથા ચેનલ્સમાં કોઈ જગ્યાએ પોર્નોગ્રાફી જણાય તો તેની ફરિયાદ કરવા માટેની વ્યવસ્થા એપમાં જ આપવામાં આવી છે.
ઇમેજ કૅપ્શન, જાહેર અને ખાનગી બંને ગ્રુપોમાં તથા ચેનલ્સમાં કોઈ જગ્યાએ પોર્નોગ્રાફી જણાય તો તેની ફરિયાદ કરવા માટેની વ્યવસ્થા એપમાં જ આપવામાં આવી છે.

ડિજિટલ રાઇટ્સની સંસ્થા ઍક્સેસ નાઉના કાનૂની બાબતોના પ્રતિનિધિ નતાલિયા ક્રેપિવા કહે છે, "ટેલિગ્રામ અને તેના માલિક એવું કહે છે કે તે લોકો યૂઝર્સને સેન્સર કરવા માગતા નથી."

જોકે અમારા સંશોધનમાં ખ્યાલ આવ્યો છે કે આ રીતે મોકળાશ આપવાની વાતને કારણે ટેલિગ્રામ એવું માધ્યમ બની ગયું છે, જ્યાં લોકો અંગત પળોની તસવીરો મૂકી દે છે.

આવી અંગત પળોની તસવીરો જે તે વ્યક્તિની મંજૂરી વિના મૂકી દેવાઈ હોય ત્યારે તેને રોકવા માટેની કોઈ નીતિ ટેલિગ્રામમાં નથી.

જોકે તેની શરતોમાં એવું જણાવાયું છે ખરું કે કોઈ યૂઝર્સ "જાહેર જનતા માટેની ટેલિગ્રામ ચેનલ્સ, બૉટ્સ વગેરે હોય તેના પર ગેરકાયદે પોર્નોગ્રાફિક કન્ટેન્ટ મૂકી શકશે નહીં".

જાહેર અને ખાનગી બંને ગ્રૂપોમાં તથા ચેનલ્સમાં કોઈ જગ્યાએ પોર્નોગ્રાફી જણાય તો તેની ફરિયાદ કરવા માટેની વ્યવસ્થા ઍૅપમાં જ આપવામાં આવી છે.

આ વ્યવસ્થા કેટલી અસરકારક રીતે કામ કરે છે તેનું પરીક્ષણ કરવા માટે અમે 100 જેટલી પોર્નોગ્રાફિક તસવીરો શોધીને તેની વિરુદ્ધ ફરિયાદ કરી હતી.

ઍૅપમાં આવેલા ફીચરમાં તેની ફરિયાદ કરી હતી. એક મહિના પછી તેમાંથી 96 તસવીરો હવે જોઈ શકાતી નહોતી. બાકીની ચારનું શું થયું તેનો અમને ખ્યાલ નથી, કેમ કે તે એવા ગ્રૂપમાં છે જ્યાં હવે અમને ઍૅક્સેસ નથી.

ચિંતાજનક બાબત એ છે કે અમે આ ગ્રૂપ્સની તપાસ કરી રહ્યા હતા ત્યારે રશિયામાંથી એક ઍકાઉન્ટમાંથી અમને ઑફર થઈ હતી કે ચાઇલ્ડ ઍબ્યૂઝના વીડિયો તમને વેચી શકીએ છીએ. એક કૉફીની કિંમત કરતાંય ઓછી કિંમતે તે લોકો બાળશોષણની વસ્તુઓ વેચવા તૈયાર હતા.

અમે આ બાબતની જાણ ટેલિગ્રામને અને મેટ્રોપૉલિટન પોલીસને કરી હતી, પરંતુ બે મહિના પછીય તે પોસ્ટ અને ચેનલ હજીય એમ જ છે. અમે ટેલિગ્રામની મીડિયા ટીમનો સંપર્ક કર્યો તે પછી જ એ ઍકાઉન્ટ બંધ કરાયું હતું.

મોકળાશની નીતિ રાખનારું ટેલિગ્રામ અમુક બાબતમાં પગલાં લેતું નથી.

line

ટેલિગ્રામ તરફથી શું કાર્યવાહી થઈ છે?

પ્રદર્શન

ઇમેજ સ્રોત, Getty Images

અમને જેવા વીડિયો વેચવાની ઑફર મળી હતી તેના વીડિયો પછી ઍપલ કંપનીએ પોતાના પ્લે સ્ટોરમાંથી ટેલિગ્રામને હઠાવી દીધું હતું.

તે પછી જ ટેલિગ્રામે ચાઇલ્ડ ઍબ્યૂઝની તસવીરો માટે વધારે સક્રિયતા બતાવવાની કોશિશ કરી હતી. આ પ્લૅટફૉર્મ પર મોટા પ્રમાણમાં ઇસ્લામિક સ્ટેટનું મટિરિયલ ઊભું થઈ ગયું હતું.

તે બધાને હઠાવવા માટે યુરોપિયન યુનિયનની ક્રાઇમ એજન્સી યુરોપોલે ટેલિગ્રામ સમક્ષ માગણી કરી હતી અને આ બાબતમાં 2019માં ટેલિગ્રામે સહયોગ આપ્યો હતો.

ઑક્સફર્ડ ઇન્ટરનેટ ઇન્સ્ટિટ્યૂટના સંશોધક ડૉ. અલિયાસ્કન્દર હેરાસિમેન્કા કહે છે, "અમે જાણીએ છીએ કે ટેલિગ્રામ ત્રાસવાદને લગતું સાહિત્ય અને અમુક પ્રકારનું ઉશ્કેરણી જનક રાજકીય સાહિત્ય હટાવી શકે છે અને હટાવવાનું કામ કરી પણ રહી છે."

જોકે અંગત પળોની તસવીરો હઠાવવાની બાબતમાં તેની કોઈ અગ્રતા હોય તેવું લાગતું નથી.

અમે નામ જાહેર નહીં કરવાની શરતે ટેલિગ્રામના પાંચ કન્ટેન્ટ મૉડરેટર સાથે વાતચીત કરી હતી. તેમણે કહ્યું કે ઑટોમેટેડ સિસ્ટમથી તેમને યૂઝર્સની ફરિયાદો મળતી હોય છે. તે પછી તેમાંથી તે લોકો કોને "સ્પૅમ" ગણવી અને કોને "સ્પૅમ ન ગણવી" તે નક્કી કરતા હોય છે.

તે લોકો કહે છે કે સામે ચાલીને તે લોકો અંગત પળોની તસવીરોને સર્ચ કરતાં નથી.

અમારી જાણકારી પ્રમાણે, ટેલિગ્રામમાં આપોઆપ આવી ઇમેજનો ખ્યાલ આવે તે પ્રકારની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો પણ ઉપયોગ થઈ રહ્યો નથી. આ પ્રકારે કોઈ પગલાં લેવાની પ્લૅટફૉર્મની ઉદાસિનતાને કારણે ઘણી મહિલાઓએ જાતે પગલાં લેવાં પડ્યાં છે.

રિપોર્ટ
ઇમેજ કૅપ્શન, જોકે અંગત પળોની તસવીરો હઠાવવાની બાબતમાં તેની કોઈ અગ્રતા હોય તેવું લાગતું નથી.

જોઆન્નાએ જોયું કે પોતે 13 વર્ષનાં હતાં તે વખતની તેમની નગ્ન તસવીર મલેશિયાના એક બદનામ ટેલિગ્રામ ગ્રૂપમાં આવી ગઈ હતી.

જોઆન્ના ફેક ટેલિગ્રામ પ્રોફાઇલ બનાવીને ગ્રૂપમાં જોડાઈ ગયાં હતાં. તે પછી ગ્રૂપમાં નામ જાહેર કર્યાં વિના તે ન્યૂડ તસવીરો શોધતાં રહ્યાં અને તેની ફરિયાદ કરતાં રહ્યાં. પોતાને જે જાણવા મળે તેની માહિતી તેઓ સખીઓને પણ મોકલતાં હતાં.

આ બાબત મીડિયામાં ચગી અને ભારે ટીકા થઈ તે પછી આખરે મલેશિયાનું આ ગ્રૂપ બંધ કરી દેવાયું હતું. જોકે અમારી તપાસમાં ખ્યાલ આવ્યો કે બે ડુપ્લિકેટ ગ્રૂપ્સમાં આવી જ તસવીરો જોવા મળી રહી છે.

જોઆન્ના કહે છે, "તમે ક્યારેક બહુ હતાશ થઈ જાવ, કેમ કે આ ગ્રૂપ્સને બંધ કરાવવા બહુ જ મહેનત કરવી પડી હતી. આમ છતાં નવાં નવાં ગ્રૂપ આવતા રહે છે. એટલે મને ખરેખર સમજાતું નથી કે આનો અંત આવશે કે નહીં."

જોઆન્ના
ઇમેજ કૅપ્શન, જોઆન્નાએ જોયું કે પોતે 13 વર્ષનાં હતાં તે વખતની તેમની નગ્ન તસવીર મલેશિયાના એક બદનામ ટેલિગ્રામ ગ્રૂપમાં આવી ગઈ હતી.

આ વિષયમાં અમારી સાથે વાતચીતનો ટેલિગ્રામે ઇન્કાર કર્યો, પરંતુ એક નિવેદનમાં અમને જણાવ્યું કે તે જાહેર જનતા માટેનું સાહિત્ય હોય તેને સામેથી ચકાસતું રહે છે અને યૂઝરના રિપોર્ટ્સને આધારે નિયમોનો ભંગ કરતી સામગ્રી વિશે તપાસ કરે છે.

કોઈની અંગત પળોની તસવીરો તેની મંજૂરી વિના મૂકી દેવામાં આવે તે તેના નિયમોની વિરુદ્ધ છે કે કેમ અને તેને હઠાવી દેવામાં આવે છે કે કેમ તે વિશે ટેલિગ્રામે જવાબ આપ્યો નહોતો.

ટેલિગ્રામની કેટલીક જાહેર જનતા માટેની ચેનલ પર જાહેરખબરો દેખાવા લાગી છે, તેનાથી ખ્યાલ આવે છે કે ટેલિગ્રામના સ્થાપક પાવેલ ડુરોવ આ પ્લૅટફૉર્મ પર કમાણી કરવા માગે છે.

તે સંજોગોમાં ટેલિગ્રામ પર દબાણ વધી શકે છે તેના ઉદારવાદી સ્થાપકે વૉટ્સઅપ જેવા માધ્યમોની જેમ નિયમો લાવવા પડશે. વૉટ્સઅપે અંગત પળોની તસવીરો મૂકવા વિરુદ્ધની નીતિ અમલમાં મૂકી છે.

નવી બજારમાં પ્રવેશવા સાથે અને આવક મેળવવા સાથે કંપની આગળ વધે ત્યારે કાળજી રાખવાની બાબતમાં તે કેટલી સજાગ બને છે તે જોવાનું રહે છે.

આ પ્લૅટફૉર્મ પર જેમની તસવીરો મૂકાઈ છે અને જેમના જીવન બરબાદ થઈ ગયા છે તેવી મહિલાઓ માટે તો આ પગલાં કંઈ વહેલા લેવાયેલા સાબિત થવાના નથી.

ફૂટર
line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો