'એક સમય એવો આવશે કે અમારામાંથી કોઈ નહીં બચે', એમેઝોનનાં જંગલોમાં લુપ્ત થવાને આરે ઊભેલી જનજાતિ
- લેેખક, ફર્નાન્ડો દુઆર્તે
- પદ, બીબીસી ન્યૂઝ
"મને તેમની ચિંતા છે. તેમની હત્યા કરવામાં આવી રહી છે અને એક સમય એવો આવશે જ્યારે અમારામાંથી કોઈ બચશે નહીં."
જ્યારે રીતા પિરીપકુરા કૅમેરા સામે આ વાત કહી રહ્યાં હતાં ત્યારે તેમાં સૌથી વિશેષ ધ્યાનાકર્ષક તેમનો અવાજ હતો.

ઇમેજ સ્રોત, BRUNO JORGE
તેમના અવાજમાં છોડી દેવાયાનો ભાવ સ્પષ્ટ જણાતો હતો.
સપ્ટેમ્બરના એક રેકર્ડ કરેલા ઇન્ટરવ્યૂમાં વૃદ્ધ મહિલા તેમના ભાઈ બૈતા અને તેમના ભત્રીજા તામાંદુઆ વિશે વાત કરી રહ્યાં હતાં.
તમે અત્યાર સુધી જે ત્રણ અલગઅલગ નામો સાંભળ્યાં કે વાંચ્યાં છે તે સ્થાનિક જનજાતિ પિરીપકુરાના છેલ્લા ત્રણ જીવિત સભ્યોનાં છે. પિરીપકુરા એ મધ્ય બ્રાઝિલની એક આદિજાતિ છે.
નિષ્ણાતોનું કહેવું છે કે ગેરકાયદેસર રીતે જંગલનો નાશ અને પશુપાલનને કારણે આ જનજાતિ "લુપ્ત થવા"ના આરે છે.
રીતા બહારના લોકો સાથે નિયમિત સંપર્કમાં રહે છે, જ્યારે બૈતા અને તામાંદુઆ એમેઝોનનાં જંગલોમાં એકલા ભટકતા દિવસો પસાર કરે છે. રીતાને ડર છે કે ભાઈ-ભત્રીજાનું આમ ભટકવું તેમના માટે ખતરનાક સાબિત થઈ શકે છે.

લડાઈમાં હાર

ઇમેજ સ્રોત, BRUNO JORGE
બ્રાઝિલના કૃષિઉદ્યોગ માટે માટો ગ્રોસોમાં સ્થિત પિરીપકુરા રિઝર્વ કાયદેસર રીતે સુરક્ષિત છે. તેમ છતાં તેઓ પોતાના પ્રદેશ પર અતિક્રમણ કરતા લાકડાં કાપનારા અને ખેડૂતો સામેની લડાઈ હારી ગયા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પિરીપકુરા છેલ્લી એક પેઢીથી બહારના લોકોની ઘૂસણખોરીનો સામનો કરી રહ્યા છે પણ તાજેતરમાં વિનાશની ગતિ ઘણી વધી ગઈ છે.
નવેમ્બરની શરૂઆતમાં પ્રકાશિત થયેલા અહેવાલમાં પુરાવા તરીકે ગેરકાયદેસર જંગલને કાપવાના ફોટો રજૂ કરવામાં આવ્યા હતા.
બિનસરકારી સંગઠનોના એક નેટવર્કે દાવો કર્યો હતો કે માત્ર ઑગસ્ટ 2020 અને જુલાઈ 2021 વચ્ચે પિરીપકુરા રિઝર્વ વિસ્તારમાં જંગલના લગભગ 24 ચોરસ કિલોમીટર વિસ્તારનો સફાયો કરી દેવામાં આવ્યો હતો.
જો તમને 24 ચોરસ કિલોમીટરના ક્ષેત્રફળનો અંદાજ કાઢવો મુશ્કેલ લાગતો હોય તો એમ સમજો કે આ વિસ્તાર ફૂટબૉલના 3000 કરતાં વધુ મેદાન જેટલો થાય.
જોકે બ્રાઝિલમાં અન્ય ઘણી જાતિઓ લાકડાં કાપનારા સામે, ખેડૂતો સામે અને ખાણમાં કામ કરતા લોકો સામે લડી રહી છે પણ પિરીપકુરા આદિજાતિ પર તો લુપ્ત થવાનો ખતરો મંડાયો છે.
આદિજાતિના અધિકારો માટે કામ કરતી લંડનસ્થિત બિનસરકારી સંસ્થા સર્વાઇવલ ઇન્ટરનેશનલનાં પ્રચારક સારાહ શેનકરે બીબીસીને કહ્યું, "પિરીપકુરા જાતિ લુપ્ત થવાની આરે છે અને શેષ રહેલાની આવનારા દિવસોમાં હત્યા થઈ શકે છે."
સારા શેનકર કહે છે, "આક્રમણકારો ધીરે ધીરે બૈતા અને તામાંદુઆની નજીક આવી રહ્યા છે."
બહારના લોકો હજુ પણ રિઝર્વથી દૂર છે એવું કહી શકાય તેમ નથી. અલબત્ત, તેઓ ખૂબ જ ઝડપથી રિઝર્વ પર અતિક્રમણ કરી રહ્યા છે.
બ્રાઝિલની આદિજાતિ બાબતો પરની સરકારી એજન્સી ફનાઈના ભૂતપૂર્વ સંયોજક લિયોનાર્ડો લેનિનના જણાવ્યા અનુસાર, રિઝર્વ પર બહારના લોકો બહુ ઝડપથી કબજો કરી રહ્યા છે.
ઑબ્ઝર્વેટરી ઑફ ઇન્ડિજિનસ હ્યુમન રાઇટ્સના જનરલ સેક્રેટરીનું કહેવું છે કે પિરીપકુરા રિપોર્ટ તૈયાર કરનારી એક એનજીઓએ લખ્યું હતું કે જ્યાં બૈતા અને તામાંદુઆ છેલ્લે જોવામાં આવ્યા હતા તે સ્થળથી પાંચ કિલોમીટર પહેલાં સુધી જંગલ કપાવાના પુરાવા છે.
પાંચ કિલોમીટર પહેલાં સુધી સાંભળીને સલામતીનો અહેસાસ થઈ શકે છે, પરંતુ 2430 ચોરસ કિલોમીટરના રિઝર્વની દૃષ્ટિએ તે બહુ સલામત અંતર ગણી શકાય નહીં.
લિઓનાર્ડો લેનિન કહે છે, "તેમના માથે જોખમ છે એ વાતમાં સહેજ પણ શંકા નથી."

વેરવિખેર થઈ ગયેલી આદિજાતિઓની દુર્દશા

ઇમેજ સ્રોત, HELSON FRANCA - OPAN
આદિજાતિઓનો અભ્યાસ કરતાં નિષ્ણાતો અને વિશેષજ્ઞો પિરીપકુરા જેવી આદિજાતિને એક વેરવિખેર આદિજાતિ તરીકે વ્યાખ્યાયિત કરે છે.
એવી આદિજાતિ જેની સાથે કોઈ સંપર્ક નથી. એવી આદિજાતિ અથવા નાના જાતિ સમૂહ કે જેઓ તેમની આસપાસ રહેતા લોકો સાથે અથવા બહારની દુનિયામાં કોઈની સાથે નિયમિત સંપર્ક ધરાવતાં નથી.
એક અંદાજ મુજબ, વિશ્વભરમાં આવાં 100થી વધુ જાતિસમૂહ છે અને તેમાંથી અડધાથી વધુ એમેઝોનના વિસ્તારમાં છે.
આ રીતે વેરવિખેર થઈને રહેવું ક્યારેક સંઘર્ષને આમંત્રણ આપનારું સાબિત થાય છે.
1970ના દાયકામાં મોટી સંખ્યામાં આ જનજાતિના સભ્યો માર્યા ગયા હતા.
આક્રમણકારોએ તેમને નિર્દયતાથી મારી નાખ્યા. ઘણા લોકો તો સામાન્ય બીમારીને કારણે મૃત્યુ પામ્યાં હતાં, કારણ કે આ લોકોએ પહેલાં આવા કોઈ વાઇરસના હુમલાનો સામનો કર્યો ન હતો.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
એટલે જ્યારે તેમને પણ શરદી જેવી સામાન્ય સમસ્યા થઈ, ત્યારે તે તેમની રોગપ્રતિકારક શક્તિ માટે ખતરનાક સાબિત થઈ અને તેઓ તેની સામે લડી ન શક્યા.
રીતા યાદ કરીને કહે છે કે તે પોતે એક નરસંહારમાંથી બચ્યાં હતાં, જેમાં તેમના પોતાના નવ પરિવારજનોએ જીવ ગુમાવ્યા હતા.
રીતા કહે છે, "આક્રમણકારીઓએ તેમને મારી નાખ્યા અને અમારે સ્થળ છોડીને ભાગવું પડ્યું."
લિઓનાર્ડો લેનિન કહે છે કે પિરીપકુરાના સેંકડો લોકો આક્રમણકારો સાથેના સંઘર્ષમાં મૃત્યુ પામ્યાં હતાં અને આ સંઘર્ષોએ તેમનાં જીવન અને જીવનશૈલીને ભારે ગંભીર અસર કરી હતી.
લિઓનાર્ડોનું કહેવું છે કે "તેમની બોલીમાં ખેતી અને તેના વિવિધ તબક્કાઓને લગતા શબ્દો છે, જે સ્પષ્ટ કરે છે કે તેમનો સમાજ અગાઉ કૃષિપ્રધાન હતો. પરંતુ 1970ના દાયકાથી તેઓ ભટકતા શિકારી બની ગયા છે. ભટકતું જીવન જીવવું એ તેમની જીવિત રહેવાની વ્યૂહરચના બની ગઈ છે."
જ્યારે 1984માં પિરીપકુરા અને ફનાઈ વચ્ચે સંપર્ક થયો ત્યારે તેમને કહેવામાં આવ્યું હતું કે આખા રિઝર્વ જંગલમાં માત્ર 15-20 લોકો જ બચ્યા છે.
એમાંય 1990ના દાયકાથી માત્ર બે બૈતા અને તમાંદુઆ જ જોવા મળ્યા છે.
આદિજાતિના નિષ્ણાત ફેબ્રિસિયો અમોરિમે જણાવ્યું હતું કે બૈતા અને તામાંદુઆનો છેલ્લે સંપર્ક કરવામાં આવ્યો હતો, ત્યારે તેઓએ કહ્યું હતું કે તેમના કેટલાક અન્ય સંબંધીઓ છે જેઓ જંગલમાં વિચરણ કરી રહ્યા છે.
તેમનું કહેવું છે કે પરંતુ વર્ષોથી અમારી પાસે તે સંબંધીઓ વિશે કોઈ માહિતી નથી. એનો અર્થ એ નથી કે અમે એમ માની લઈએ કે તેઓ મૃત્યુ પામ્યાં છે પરંતુ તેમ છતાં તેમના વિશે કોઈ માહિતી ન હોવી સારી નિશાની તો નથી જ.

રાષ્ટ્રપતિ બોલસોનારો સામે આરોપો

ઇમેજ સ્રોત, ROGERIO DE ASSIS - ISA
સ્થાનિક આદિજાતિઓના અધિકારો માટે કામ કરતાં મોટા ભાગના કાર્યકરો પિરીપકુરા રિઝર્વના વિનાશ માટે બ્રાઝિલના રાષ્ટ્રપતિ જાયર બોલસોનારોને દોષી ઠેરવે છે.
તેઓ આક્ષેપ કરે છે કે બોલસોનારો પ્રમુખ બન્યા તે સમયથી જંગલો કપાવાનું પ્રમાણ વધ્યું છે.
વર્ષ 2019માં પ્રમુખ બનતાં પહેલાં જ બોલસોનારોએ એમેઝોનના વધુને વધુ વ્યાપારી શોષણ માટે પોતાનું સમર્થન જાહેર કર્યું હતું.
1998માં પણ બોલસોનારોએ સમાચારપત્ર કોરેઇયો બ્રાઝિલિયન્સને કહ્યું હતું કે તે "શરમજનક" છે કે બ્રાઝિલની સેના "સ્થાનિક આદિજાતિઓને ભગાડવામાં અમેરિકન સૈનિકો જેટલી સારી નથી."
રાષ્ટ્રપતિની દલીલ છે કે સ્થાનિક આદિજાતિઓ (જે દેશની 21.30 કરોડ વસતિમાંથી 10.1 લાખથી થોડી વધારે છે) પાસે એવા વિસ્તારો પર અધિકારો ન હોવા જોઈએ જે દેશના કુલ જમીન વિસ્તારના 13% હિસ્સો ધરાવે છે.
બોલસોનારો 1988 બાદના બ્રાઝિલના પ્રથમ રાષ્ટ્રપતિ છે જેમણે સ્થાનિક આદિજાતિઓ માટે જમીનની ફાળવણી પર એક પણ હુકમનામા પર હસ્તાક્ષર કર્યા નથી.
માનવાધિકાર સમૂહો આક્ષેપ કરે છે કે બોલસોનારોએ સત્તા સંભાળી ત્યારથી સ્થાનિક જાતિઓ સાથે સંઘર્ષ વધ્યો છે.

કાયદાકીય બાબતો

ઇમેજ સ્રોત, RICARDO STUCKERT
પિરીપકુરા રિઝર્વ હાલમાં લૅન્ડ કન્ઝર્વેશન ઑર્ડર તરીકે ઓળખાતા કાયદા દ્વારા સુરક્ષિત છે. આ અંતર્ગત એવા આદિવાસી વિસ્તારો આવે છે જ્યાં કોઈ સત્તાવાર સીમાંકન થયું નથી.
આ કાનૂની આદેશ સમયાંતરે જારી કરવો જરૂરી છે પણ તાજેતરમાં જ્યારે તેને સપ્ટેમ્બર મહિનામાં ફરીથી જારી કરવામાં આવ્યો ત્યારે તેને માત્ર છ મહિના માટે લંબાવવામાં આવ્યો. જ્યારે અગાઉનાં વર્ષોમાં આ સમયગાળો 18 મહિનાથી ત્રણ વર્ષ સુધીનો હતો.
અમોરિમ માને છે કે આટલા ટૂંકા ગાળા માટે તેને રીન્યૂ કરવાથી ખોટો સંદેશો જાય છે.
ડિસેમ્બર 2020માં બનેલી એક ઘટનાએ આ રિઝર્વને લઈને ચિંતામાં વધારો કરી દીધો છે.
બ્રાઝિલની જિયોલૉજિકલ સર્વિસે ભૂગર્ભ ખનીજ સંસાધનોનાં સંભવિત સ્થાનોના નકશા બહાર પાડ્યા છે. જે નકશા બહાર પાડવામાં આવ્યા છે તેમાં પ્રથમ સેટ ખાસ કરીને માટો ગ્રોસોના ઉત્તરીય પ્રદેશનો છે. આ વિસ્તારમાં જ તો પિરીપકુરા વિસ્તાર આવેલો છે.

ઇમેજ સ્રોત, OPAN
ફનાઈએ બીબીસીને જણાવ્યું કે તેઓ પિરીપકુરાને પ્રાદેશિક સુરક્ષા, ખાદ્યસુરક્ષા અને આરોગ્યસેવાઓ જેવી તમામ બાબતોમાં મદદ કરી રહ્યા છે. આ સાથે જ આ વિસ્તારમાં અતિક્રમણનો સામનો કરવા માટે ઝુંબેશ પણ ચલાવવામાં આવી રહી છે, પરંતુ રીતાને આ બધા પ્રયત્નો પૂરતા નથી લાગતા.
રીતા હાલ કરીપુના રિઝર્વની એક જનજાતિના સભ્ય સાથે લગ્ન બાદ ત્યાં જ રહે છે. તે ક્યારેક ક્યારેક ફનાઈને મદદ કરવા માટો ગ્રોસો જાય છે પણ કોરોના મહામારીની શરૂઆત થઈ ત્યારથી તેઓ ત્યાં નથી ગયાં.
તેમને ડર છે કે તેઓ ટૂંક સમયમાં જ તેમની આદિજાતિની એકમાત્ર જીવિત સભ્ય બની જશે.
રીતા કહે છે, "જ્યારે પણ હું ત્યાં જાઉં છું, ત્યારે પહેલાં કરતાં વધુ વૃક્ષો કપાયેલાં જોઉં છું. ત્યાં મોટી સંખ્યામાં બહારના લોકો આવી ગયા છે."


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













