રશિયા-યુક્રેનના સીમાવિવાદ વકરતાં જો બાઇડન અને વ્લાદિમીર પુતિન વચ્ચે વાતચીત

પાછલા ઘણા દિવસોથી એવી આશંકા વ્યક્ત કરાઈ રહી હતી કે રશિયા યુક્રેન પર વધુ એક હુમલો કરવાની તૈયારીમાં છે.

આ મુદ્દો વધુ ચગતો જોઈ હવે અમેરિકાએ પણ તેમાં ઝંપલાવ્યું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે મંગળવારે વીડિયો કૉલ પર વાતચીત થઈ.

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને વીડિયો કૉલ પર વાતચીત કરી હતી

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને વીડિયો કૉલ પર વાતચીત કરી હતી

રશિયાએ સરહદ પર હજારો સૈનિકો તહેનાત કર્યા છે પરંતુ યુક્રેન પર હુમલાના ઉદ્દેશથી રશિયા ઇનકાર કર્યો છે.

રશિયા ગૅરન્ટી માગી રહ્યું છે કે યુક્રેનને નેટોમાં સામેલ નહીં કરાય પરંતુ પશ્ચિમી દેશોનું કહેવું છે કે યુક્રેનની સંપ્રભુતા અને સાર્વભૌમિકતાનું સન્માન થવું જોઈએ.

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે વીડિયો કૉલ પર વાતચીત થઈ તે પહેલાં પશ્ચિમી દેશોએ રશિયાને યુક્રેન સાથે તણાવ ઘટાડવાની વિનંતી કરી.

યુક્રેન પર રશિયાના આક્રમણના ભય અંગે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડનની યુકે, ફ્રાન્સ, જર્મની અને ઇટાલીના નેતાઓ સાથે સહમતી થઈ છે કે પરિસ્થિતિને "થાળે પાડવા માટે બધાં જરૂરી પગલાં લેવામાં આવશે.

યુક્રેનથી લગભગ 300 કિલોમિટર દૂર રશિયન સેનાનો બંદોબસ્ત જોઈ શકાયો છે

ઇમેજ સ્રોત, MAXAR VIA REUTERS

ઇમેજ કૅપ્શન, યુક્રેનથી લગભગ 300 કિલોમિટર દૂર રશિયન સેનાનો બંદોબસ્ત જોઈ શકાયો છે

જોકે રશિયાએ યુક્રેન પર હુમલાની કોઈ પણ યોજનાથી ઇનકાર કર્યો છે પરંતુ રશિયાએ યુક્રેનની પૂર્વી સરહદની પાસે હજારો સૈનિક તહેનાત કર્યા છે અને યુક્રેનનું કહેવું છે કે રશિયાએ તેની સરહદની અંદર ફ્રન્ટલાઇન પર ટૅન્કો તહેનાત કરી છે.

બ્રિટન, ફ્રાન્સ, ઇટાલી અને જર્મનીના નેતાઓ સાથે વીડિયો કૉલના કલાકો પહેલાં તેવું લાગી રહ્યું હતું કે અમેરિકા જવાબમાં કોઈ સૈન્ય કાર્યવાહી નહીં કરે, પરંતુ કડક આર્થિક પગલાં લેવા અંગે વિચારી શકે છે.

હવે જ્યારે આ મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે ત્યારે આપણે તેની પૂર્વભૂમિકા સમજવું જરૂરી બની જાય છે કે આખરે રશિયા અને યુક્રેન વચ્ચે એવું તો શું ઘર્ષણ છે કે બંને દેશો વચ્ચે અવારનવાર સીમાવિવાદ સર્જાતા રહે છે. અને યુક્રેન પર વધુ એક મિલિટરી હુમલાની તૈયારી બતાવવા પાછળ પુતિનનો ઉદ્દેશ શું છે?

line

શું માને છે નિષ્ણાતો?

પુતિન

ઇમેજ સ્રોત, Mikhail Svetlov

ઇમેજ કૅપ્શન, રશિયા યુક્રેન પર હુમલો કરી શકે છે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી હતી

બીબીસી મૉસ્કોના સંવાદદાતા સારાહ રેઇન્સફોર્ડના એક અહેવાલ અનુસાર નિષ્ણાતોને અને વિશ્લેષકોને રશિયા યુક્રેન પર પ્રત્યક્ષ હુમલો કેમ કરે તે પાછળનું વાજબી કારણ દેખાતું નથી.

પરંતુ તેઓ એટલું જરૂર માને છે કે રશિયા આવું કરીને એક સિગ્નલ મોકલવા માગે છે કે તેઓ કોઈ પણ ભોગે "રેડ લાઇન"ને ડિફેન્ડ કરવા માગે છે. અને સૌથી મોટું કારણ તો એ છે કે તેઓ નથી ઇચ્છતા કે યુક્રેન નાટો (નૉર્થ એટલાન્ટિક ટ્રીટી ઑર્ગેનાઇઝેશન)નો સભ્ય બને.

આર. પૉલિટિકનાં તતિયાના સ્તાનોવાયાએ બીબીસીને જણાવ્યું હતું કે, "પુતિન માટે આ ઘણું મહત્ત્વપૂર્ણ છે. તેઓ વિચારે છે કે પશ્ચિમના દેશોએ યુક્રેનને નાટોનો સભ્ય બનવા અંગે ઘણી આશાઓ દેખાડી છે."

"તેઓ કહે છે કે તાલીમ અને હથિયારો એ આખલા સામે લાલ કપડું ધરવા સમાન છે. કારણ કે પુતિન એવું વિચારે છે કે જો તેઓ હાલ કોઈ ઍક્શન નહીં લે તો થોડાક સમયમાં યુક્રેનમાં નાટો બેઝ હશે. તેઓ તેના પર પૂર્ણવિરામ મૂકવા માગે છે."

ઉપરાંત રશિયા તાજેતરમાં જ તેના સમર્થનવાળાં જૂથો પર પૂર્વ યુક્રેનમાં તુર્કીના ડ્રોનનો ઉપયોગ કરાયો તેને લઈને ગુસ્સામાં છે. આ સિવાય યુ. એસ.ના ન્યૂક્લિયર કૅપેબલ બૉમ્બરની ક્રાઇમિયા નજીકની લડાઈએ આગમાં ઘી રેડવાનું કામ કર્યું.

આ ઉપરાંત રશિયામાં એ વાતને લઈને પણ ચર્ચા છે કે બંને દેશો વચ્ચેના સાત વર્ષના ઘર્ષણના વિરામ માટે ઘડાયેલ મિંસ્ક કરારના સ્થાને યુક્રેન માટે લાભદાયક સ્થિતિ પેદા કરે તેવો કોઈ કરાર થઈ શકે છે.

line

'પુતિન જે સિગ્નલ મોકલવા માગે છે'

રશિયા યુક્રેન દ્વારા બેરેક્ટર ડ્રોનના ઉપયોગના કારણે ગુસ્સે ભરાયું છે

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, રશિયા યુક્રેન દ્વારા બેરેક્ટર ડ્રોનના ઉપયોગના કારણે ગુસ્સે ભરાયું છે

અહેવાલ પ્રમાણે રશિયા જાણે છે કે એપ્રિલ માસમાં જેમ મિલિટરી ગોઠવવાના તેના નિર્ણયની અસર થઈ હતી તેમ આ વખત પણ થશે. તેથી તેઓ તેને રિપીટ કરવા માગે છે.

રશિયાના રાજદ્વારીઓને બે અઠવાડિયાં પહેલાં પુતિને કહ્યું હતું કે, "હાલમાં જ આપણા દ્વારા અપાયેલી ચેતવણીઓ નોટિસ કરવામાં આવી છે અને તેનાં પરિણામો પણ જોવા મળ્યાં છે."

તેમણે એવું પણ કહ્યું કે રશિયાની પશ્ચિમ દેશો નોંધ લે તેના માટે તણાવ જળવાઈ રહેવું જરૂરી છે.

મૉસ્કોના થિંકટૅંક RIACના વડા આંદ્રે કોર્તુનોવે બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું કે, "જો યુક્રેનની આસપાસ થઈ રહેલી મિલિટરીની ચળવળ દેખીતી જ હોય અને તેના અંગે કોઈ શંકા ન હોય તો આ પ્રત્યક્ષ મિલિટરી ઍક્શન જેવું લાગતું નથી. આ બધું પુતિન જે સિગ્નલ મોકલવા માગે છે તેના માટે થઈ રહ્યું છે."

આ સિગ્નલમાં કંઈક એવો સંદેશ છે કે જો યુક્રેન ફરીથી ડોનબાસનું નિયંત્રણ પોતાના હાથમાં લેવા માગતું હોય તો તેવો કોઈ પ્રયત્ન ન કરે.

પશ્ચિમ માટે આ સંકેત એવો છે કે તેઓ નાટોના ઇન્ફ્રાસ્ટ્રક્ચર થકી યુક્રેનમાં પ્રવેશવાની કાર્યવાહી ન કરે.

કોર્તુનોવ કહે છે કે, "મૉસ્કો માટે આ ખરેખર એક ચિંતાનો વિષય છે."

line

શું છે રશિયાનો પ્લાન?

રશિયા અને યુક્રેન વચ્ચે લાંબા સમયથી સીમાવિવાદ ચાલી રહ્યો છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, રશિયા અને યુક્રેન વચ્ચે લાંબા સમયથી સીમાવિવાદ ચાલી રહ્યો છે

પહેલાં તો યુક્રેન પોતે રશિયાની ઘૂસણખોરી અંગે અમેરિકાની ચિંતા અંગે વધુ ધ્યાન નહોતું આપી રહ્યું. જોકે બાદમાં તેમણે પણ અમેરિકાના રાગમાં ગાવાનું શરૂ કરી દીધું હતું.

યુક્રેનના મિલિટરી ઇન્ટેલિજન્સના વડા, કિરિલો બુદાનોવ અનુસાર રશિયાના 90 હજાર જેટલા સૈનિકો યુક્રેનની આસપાસ તહેનાત છે.

તેઓ માને છે કે આ સૈન્ય અનેક દિશાઓથી આવતાં વર્ષની શરૂઆત સુધીમાં હુમલો થાય તેવી શક્યતા છે.

થોડા દિવસો અગાઉ યુક્રેનના રાષ્ટ્રપતિએ એ સ્પષ્ટ કરી દીધું હતું કે તેઓ ડોનબાસ પર હુમલાની કોઈ યોજના પર કામ નથી કરી રહ્યા.

રશિયા એ સિગ્નલ મોકલવા માગે છે કે જો તેમને મજબૂર કરવામાં આવશે તો તેઓ જરૂર લડત આપશે.

પરંતુ કોર્તુનોવ કહે છે કે, "પરંતુ મને યુક્રેન વિરુદ્ધ પ્રત્યક્ષ હુમલાથી શું હાંસલ થશે એ નથી સમજાતું."

મૉસ્કોના એક પોડકાસ્ટમાં સિક્યૉરિટી નિષ્ણાત માર્ક ગેલોટીનું નિષ્કર્ષ હતું કે, "મારી આશંકા છે કે આ કામચલાઉ યોજના છે."

તેઓ કહે છે કે, "ક્રેમલિન દરેક પ્રકારની તકોનું સર્જન કરી રહ્યું છે." પરંતુ તે અંગે કોઈ પ્રકારનો નિર્ણય હજુ લેવાયો નથી.

તેમને એ પણ આશંકા છે કે મૉસ્કો કદાચ સીધી લડાઈ નહીં આરંભે, જેથી દેશ પર વધુ ને વધુ નિયંત્રણો લાદવામાં આવે અને પશ્ચિમના દેશો સાથેના તેમના સંબંધોમાં તિરાડ પડે.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો