કૅનેડામાં ભયાનક પૂર : હજારો ગુજરાતીઓ વસે છે એવો પ્રાંત જ્યાં ઇમર્જન્સી લાદવાની નોબત આવી

કૅનેડાની પશ્ચિમે આવેલો પ્રાંત બ્રિટિશ કોલંબિયા પ્રચંડ તોફાનને પગલે સંપર્કવિહોણો બન્યો છે, જેને જોતાં અહીં ઇમર્જન્સી જાહેર કરાઈ છે.

રવિવારે રાત્રે ત્રાટકેલા તોફાનને પગલે હજારો લોકો ફસાયા છે, જેમને બચાવવા કૅનેડાનાં સૈન્યદળોને તહેનાત કરવામાં આવ્યાં છે.

વૉશિંગ્ટન ડીસીની મુલાકાતે ગયેલા કૅનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ સહાયતાની જાહેરાત કરતા કહ્યું કે સૈન્યદળો પુનર્નિર્માણની કામગીરીમાં પણ મદદ કરશે.

બ્રિટિશ કોલંબિયામાં ત્રાટકેલા તોફાનમાં એક મહિલાનું મૃત્યુ થયું છે અને બે લોકો લાપતા છે.

કૅનેડા

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, બ્રિટિશ કોલંબિયામાં વિનાશક પૂરને પગલે રાહતકાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે.

બ્રિટિશ કોલંબિયામાં મહિનામાં સરેરાશ જેટલો વરસાદ પડે છે, તેટલો 24 કલાકમાં જ પડ્યો હતો. સ્થાનિક અધિકારીઓ અનુસાર આ કુદરતી હોનારત પાછળ ક્લાઇમેટ ચેન્જ જવાબદાર છે.

જોકે તોફાન પાછળ ક્લાઇમેટ ચેન્જની અસર કેટલી જવાબદાર છે.

ઔદ્યોગિકકાળની શરૂઆત થઈ ત્યારથી વૈશ્વિક તાપમાનમાં લગભગ 1.2 ડિગ્રી સેલ્સિયસની વૃદ્ધિ થઈ છે અને જો દેશોની સરકારો ઉત્સર્જન પર કાપ મૂકવા માટે યોગ્ય પગલાં નહીં લે, તો તાપમાન વધતું જશે.

line

'આપણે તાત્કાલિક પગલાં લેવાની જરૂર છે'

બ્રિટિશ કોલંબિયામાં પૂરની પરિસ્થિતિ

ઇમેજ સ્રોત, DON MACKINNON

ઇમેજ કૅપ્શન, બ્રિટિશ કોલંબિયામાં પૂરના પગલે મુખ્ય માર્ગો પાણીમાં ડૂબી ગયા છે

બ્રિટિશ કોલંબિયાના પ્રીમિયર જૉન હૉર્ગન કહે છે કે ઇમર્જન્સી લાગુ થતા લોકો પૂરથી પ્રભાવિત વિસ્તારોમાં નહીં જઈ શકે અને પ્રભાવિત લોકો સુધી જરૂરી વસ્તુઓ પહોંચાડી શકાશે.

તેમણે કહ્યું કે, "કોઈ એવું નથી કે જે આનાથી પ્રભાવિત નથી થયું અથવા નહીં થાય. માનવસર્જિત ક્લાઇમેટ ચેન્જને કારણે આવી ઘટનાઓ વારંવાર થવા પામે છે. "

હૉર્ગને કહ્યું કે, "બ્રિટિશ કોલંબિયામાં થયેલી ઘટનાઓનાં પગલે પૃથ્વી પર રહેતા સાત અબજ લોકોએ ભેગા થઈને એ સમજવું જોઈએ કે ભવિષ્યમાં આવી ઘટનાઓથી બચવા માટે આપણે તરત પગલાં લેવાની જરૂર છે. "

યુનિવર્સિટી ઑફ કોલંબિયાનાં એટમૉસ્ફિયરિક વૈજ્ઞાનિક રેચલ વ્હાઇટે બીબીસીને જણાવ્યું કે પ્રચંડ તોફાનને કારણે ભયંકર વિનાશ થવા પાછળ માનવીય પરિબળો હોઈ શકે છે.

તેમણે કહ્યું, "જળવાયુનું તાપમાન વધતા ભારે વરસાદની આવી ઘટનાઓ વધુ ગંભીર બનતી જશે."

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

પ્રોફેસર વ્હાઇટ કહે છે કે, "ઝાડ કાપવાના કારણે અને જંગલમાં આગ લાગતાં ઊંડાં મૂળ ધરાવતાં જૂનાં વૃક્ષોની સંખ્યા ઘટી છે, જેથી વરસાદ પડતા ભૂસ્ખલનની ઘટનાઓ પણ વધી રહી છે."

"પૂરથી પ્રભાવિત વિસ્તારોમાં માનવવિકાસ અને પાણી શોષી ન શકે તેવા પેટ્રોલિયમથી બનતા ડામરના વધતા વપરાશને કારણે પણ પૂરનો ખતરો વધે છે."

હાલમાં જ જળવાયુ પરિવર્તન પર ગ્લાસગો ખાતે COP26 સંમેલનમાં દુનિયાભરના નેતાઓ સામેલ થયા હતા.

બ્રિટિશ કોલંબિયામાં જ ઉનાળામાં રેકોર્ડ ગરમી પડતા હીટ વેવ અને જંગલમાં લાગેલી આગને કારણે 500થી વધારે લોકોનાં મૃત્યુ થયાં હતાં. લિટૉન નામનું આખેઆખું ગામ જંગલની આગને કારણે નષ્ટ થઈ ગયું હતું.

line

'ખતરો હજી ટળ્યો નથી'

બ્રિટિશ કોલંબિયામાં પૂરની પરિસ્થિતિ

ઇમેજ સ્રોત, DON MACKINNON

ઇમેજ કૅપ્શન, અધિકારીઓએ બ્રિટિશ કોલંબિયામાં આવેલા વિનાશક પૂર માટે ક્લાઇમેટ ચેન્જને જવાબદાર ઠેરવ્યું છે

બ્રિટિશ કોલંબિયામાં વરસાદ હળવો થઈ ગયો છે અને પવનની ગતિ પણ ઘટી છે. જોકે કેટલાક લોકો હજી પણ પૂરમાં ફસાયેલા છે, આ અઠવાડિયામાં વધારે વરસાદની આગાહી છે અને અધિકારીઓએ મૃતાંક વધવાની આશંકા વ્યક્ત કરી છે.

બુધવારે હેલિકૉપ્ટર્સની મદદથી હવામાંથી ભોજનસામગ્રી ફસાયેલા લોકો માટે ફેકવામાં આવી હતી. અહીં પહાડો પર લોકો ફસાયેલા છે, ભૂસ્ખલનને કારણે રસ્તાઓ તૂટી ગયા છે અને પૂરને કારણે મુખ્ય હાઇવે ડૂબી ગયો છે.

સમાચાર એજન્સી રૉયટર્સ મુજબ ટુલામીન શહેરમાં હજુ પણ 400 લોકો ફસાયેલા છે.

વીડિયો કૅપ્શન, કૅનેડામાં વિનાશક વાવાઝોડું, હજારોને સલામત સ્થળે ખસેડાયા, ઓછામાં ઓછી 1 વ્યક્તિનું મૃત્યુ

ખેડૂતો સામે પણ પ્રચંડ પૂરને કારણે મુશ્કેલીઓ ઊભી થઈ છે અને પૂરમાં હજારો પશુઓનાં મૃત્યુ થયાં છે.

ગ્રેસ બાપટિસ્ટ ચર્ચ પાસ્ટરે બીબીસીને જણાવ્યું કે રસ્તાઓ બંધ થતા હોપ શહેરમાં 1,500 જેટલા યાત્રીઓ ફસાયેલા છે.

ફ્રેઝર નદીનું જળસ્તર હવે ઘટવા લાગ્યું છે, પરંતુ તેમણે કહ્યું કે હજુ ખતરો ટળ્યો નથી.

પૂરપ્રભાવિત વિસ્તારોમાં રાહતકાર્ય શરૂ છે અને નુકસાનનું હવાઈ સર્વેક્ષણ કરાઈ રહ્યું છે.

line

ક્લાઇમેટ ચેન્જ કારણ?

ઉનાળા દરમિયાન બ્રિટિશ કોલંબિયામાં ભારે ગરમી પડી હતી જેમાં 500થી વધુ લોકોનાં મૃત્યુ થયા હતા. (બ્રિટિશ કોલંબિયામાં લાગેલી આગની ફાઇલ તસવીર)

ઇમેજ સ્રોત, COLE BURSTON

ઇમેજ કૅપ્શન, ઉનાળા દરમિયાન બ્રિટિશ કોલંબિયામાં ભારે ગરમી પડી હતી જેમાં 500થી વધુ લોકોનાં મૃત્યુ થયા હતા. (બ્રિટિશ કોલંબિયામાં લાગેલી આગની ફાઇલ તસવીર)

બ્રિટિશ કોલંબિયામાં મહિનાનો સરેરાશ વરસાદ 24 કલાકમાં પડી ગયો હતો, જેના કારણે સિઝનલ નદીઓમાં ભારે પાણી આવી ગયાં હતાં અને હજારો લોકોને તત્કાળ ઘર છોડવા જણાવવામાં આવ્યું હતું.

ઉનાળા દરમિયાન બ્રિટિશ કોલંબિયામાં ભારે ગરમી પડી હતી જેમાં 500થી વધુ લોકોનાં મૃત્યુ થયા હતા. જંગલની આગને કારણે આખું શહેર તબાહ થઈ ગયું હતું.

આ મહિનાની શરૂઆતમાં બ્રિટિશ કોલંબિયા વિસ્તારમાં ચક્રવાત જોવા મળ્યો હતો. પાંચ દાયકામાં પ્રથમ વખત આવી કુદરતી આપત્તિએ દેખા દીધી હતી.

line

વેનકુવરનું મહત્ત્વ

વેનકુવર બંદરની ફાઇલ તસવીર

ઇમેજ સ્રોત, DON MACKINNON

ઇમેજ કૅપ્શન, વેનકુવરએ કૅનેડાનું સૌથી મોટું બંદરીય શહેર છે. (વેનકુવર બંદરની ફાઇલ તસવીર)

વેનકુવરમાં પ્રવેશવાનો મુખ્ય રસ્તો અમેરિકા થઈને ફરી કૅનેડામાં પ્રવેશવાનો છે. જોકે હાલમાં અમેરિકામાંથી કૅનેડામાં ફરીથી પ્રવેશવા માટે નૅગેટિવ કોરોના રિપોર્ટની જરૂર રહે છે.

સ્ટેટિસ્ટિક્સ કૅનેડાની વેબસાઇટ અનુસાર સેન્સસ પ્રોફાઇલ 2016ના આંકડા મુજબ કૅનેડાના બ્રિટિશ કોલંબિયા-વેનકુવરમાં 6,095 જેટલા ગુજરાતી ભાષી લોકો રહે છે અને 23 હજારથી વધારે હિંદી ભાષી લોકો રહે છે.

આ સિવાય કૅનેડા સાથે જોડાયેલા અમેરિકાના વૉશિંગ્ટન રાજ્યના રસ્તાઓ ઉપર પણ પાણી ફરી વળ્યાં છે.

વેનકુવરએ કૅનેડાનું સૌથી મોટું બંદરીય શહેર છે. ન્યૂઝ એજન્સી રૉઇટર્સના રિપોર્ટ મુજબ શહેરમાંથી દરરોજ 44 કરોડ ડૉલરનો સામાન દેશભરમાં જમીન તથા રેલમાર્ગે જાય છે.

ભારે વરસાદ તથા ભૂસ્ખલનને કારણે રેલ-વ્યવહાર અટકાવી દેવામાં આવ્યો છે. જેના કારણે ઈંધણ, ખોરાક તથા જીવન-જરૂરિયાતના અન્ય સામાનની હેરફેર અટકી ગઈ છે.

સાવચેતીનાં પગલાંરૂપે ઈંધણનું વહન કરતી પાઇપલાઇનોમાં પુરવઠો અટકાવી દેવામાં આવ્યો છે.

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો