Aukus સંધિ : ફ્રાન્સે કહ્યું, અમેરિકા અને ઑસ્ટ્રેલિયા 'જૂઠા' છે
ફ્રાન્સના વિદેશમંત્રીએ ઑસ્ટ્રેલિયા અને અમેરિકા પર ઑક્સ સંધિને લઈ ખોટું બોલવાનો આરોપ મૂક્યો છે.
ઑસ્ટ્રેલિયા, અમેરિકા અને બ્રિટન વચ્ચે થયેલી સંધિથી ફ્રાન્સ નારાજ છે અને વિરોધરૂપે તેણે ઑસ્ટ્રેલિયા અને અમેરિકાથી પોતાના રાજદૂતોને પરત બોલાવી લીધા છે.

ઇમેજ સ્રોત, Reuters
ફ્રાન્સ 2 ટેલિવિઝનને આપેલી મુલાકાતમાં ફ્રાન્સના વિદેશમંત્રી જ્યાં ય્વેસ લે દ્રિયાંએ અમેરિકા અને ઑસ્ટ્રેલિયા પર 'કપટ કરવાનો, ભરોસો તોડવાનો અને અપમાનિત કરવાનો' આરોપ લગાવ્યો છે.
ઑક્સ સંધિ હેઠળ અમેરિકા ઑસ્ટ્રેલિયાને પરમાણુશક્તિથી સજ્જ સબમરીન તકનીક આપવા જઈ રહ્યું છે.
આ સંધિને કારણે ફ્રાન્સ અને ઑસ્ટ્રેલિયા વચ્ચેનો અબજો ડૉલરનો કરાર ખતમ થઈ ગયો છે.
'ગંભીર સંકટ'

ઇમેજ સ્રોત, Getty Images
ઑક્સ કરારમાં બ્રિટન પણ એક પાર્ટી છે અને તેને દક્ષિણ ચીન સાગરમાં ચીનના વધી રહેલા પ્રભુત્વને ખાળવાની કોશિશ તરીકે જોવામાં આવે છે.
આ અઠવાડિયે થયેલી આ સંધિની જાણકારી અમુક કલાકો પહેલાં જ ફ્રાન્સને આપવામાં આવી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
શનિવારે ફ્રાન્સે પોતાના રાજદૂતોને અમેરિકા અને ઑસ્ટ્રેલિયાથી પરત બોલાવી લીધા હતા અને ગંભીર સંકટ ઊભું થઈ રહ્યું હોવાનું કહ્યું હતું.
ફ્રાન્સના વિદેશમંત્રીએ કહ્યું હતું, "અમેરિકા અને ફ્રાન્સના સંબંધોના ઇતિહાસમાં આ પહેલી વાર થઈ રહ્યું છે કે અમે અમારા રાજદૂતોને પાછા બોલાવી રહ્યા છીએ. આ એક ગંભીર રાજનૈતિક કાર્યવાહી છે અને તે બેઉ દેશો વચ્ચેની પરિસ્થિતિની ગંભીરતાને દર્શાવે છે."
એમણે કહ્યું હતું કે રાજદૂતોને સ્થિતિની ફેરવિચારણા માટે બોલાવવામાં આવ્યા છે.
બ્રિટન ત્રીજો ધ્રુવ
જોકે, ફ્રાન્સે બ્રિટનથી રાજદૂતને પાછા નથી બોલાવ્યા. ફ્રાન્સે કહ્યું કે બ્રિટનથી રાજદૂત પાછા બોલાવવાની કોઈ યોજના નથી. જોકે, તેમણે બ્રિટન પર સતત તકવાદી પદ્ધતિ અપનાવવાનો આરોપ મૂક્યો.
ફ્રાન્સના વિદેશમંત્રીએ કહ્યું, આ સમગ્ર મામલામાં બ્રિટન ત્રીજો ધ્રુવ છે.

શું કહે છે વિશેષજ્ઞો?

ઇમેજ સ્રોત, Getty Images
વિદેશ મંત્રાલયના સંવાદદાતા બારબરા પ્લેટ અશર કહે છે કે ઑસ્ટ્રેલિયાના આ પગલા બાદ ફ્રાન્સને કંઈ નજરે ચડતું નથી, આ તેના માટે એક આર્થિક ઝટકો છે.
"પરંતુ ફ્રાન્સ અધિકારી એટલા માટે નારાજ છે કે તેમને આ કરાર અંગેની જાણ તેને સાર્વજનિક કર્યો તેના થોડા કલાકો પહેલાં જ કરાઈ હતી. તેમનું કહેવું છે કે બ્રિટન સમેત ત્રણ દેશોનો નવો સુરક્ષા કરાર તેમના માટે ચોંકાવનારો હતો."
"ફ્રાન્સ રાજદૂતોને પાછા બોલાવવાનો નિર્ણય અભૂતપૂર્વ છે. જેમ કે વ્હાઇટ હાઉસે પણ માન્યું છે કે આ દેશ અમેરિકાનો 'સૌથી જૂનો સહયોગી' છે. તેમનું કહેવું છે કે વૉશિંગ્ટન મતભેદોને ઉકેલવા માટે આગામી દિવસોમાં ફ્રાન્સ સાથે વાતચીત કરશે."
"આ રાષ્ટ્રપતિ બાઇડનને શરમમાં મૂકનારો છે, કેમ કે હાલમાં જ તેમણે વાયદો કર્યો હતો કે તે પોતાના સહયોગીઓ સાથે મળીને કામ કરશે."
સામે બ્રિટનના નવા નિમાયેલ વિદેશ સચિવ લિઝ ટ્રુસે ધ સંડે ડેલિગ્રાફમાં એક લેખ લખીને ઑક્સ સંધિનો બચાવ કર્યો છે. તેમણે કહ્યું, આ સંધિ દર્શાવે છે કે બ્રિટન પોતાનાં હિતોની રક્ષા કરવામાં કોઈ પણ કડક પગલું લેવા તૈયાર છે.

શું છે ઑક્સ સંધિ અને કેમ મહત્ત્વની?

ઇમેજ સ્રોત, OLEG KULESHOV/GETTYIMAGES
ઑસ્ટ્રેલિયા, યુનાઇટેડ કિંગડમ અને યુનાઇટેડ સ્ટેટ્સના પ્રારંભિક અક્ષરોને કારણે આ સમજૂતી AUKUS કહેવાય છે, જેનો ઉદ્દેશ ભારત-પ્રશાંત ક્ષેત્રમાં આ ત્રણ દેશોનાં હિતોની રક્ષા કરવાનો છે.
આ સમજૂતી અંતર્ગત અમેરિકાની ટેકનૉલૉજીથી ઑસ્ટ્રેલિયા પહેલી જ વાર પરમાણુ ક્ષમતાવાળી સબમરીન બનાવશે. નોંધવું જોઈએ કે, અમેરિકાએ અત્યાર સુધીમાં આ ટેકનૉલૉજી માત્ર બ્રિટન સાથે જ વહેંચી છે. બંને વચ્ચે 50 વર્ષ પહેલાં આવી સમજૂતી થયેલી છે.
અમેરિકન અધિકારીઓ એમ જણાવે છે કે, આ કરારનો ચીનને લક્ષ્ય બનાવવાનો હેતુ નથી, પરંતુ વિશેષજ્ઞો કહે છે કે AUKUS સમજૂતી આ ક્ષેત્રની રણનીતિ અને બીજી નીતિઓ માટે પરિવર્તનકારી છે.
ભારત-પ્રશાંત ક્ષેત્ર દુનિયાના સૌથી વધુ વસતિ ધરાવતા દેશ ભારત અને ચીનનું ઘર છે. એમાં ઇન્ડોનેશિયા જેવા દેશ પણ સમાવેશ પામે છે. આ આખા વિસ્તારમાં દુનિયાની અડધાથી પણ વધારે વસતિ નિવાસ કરે છે.
આ વિસ્તારમાંથી દુનિયાનો 30 ટકા વેપાર થાય છે. જોકે અમેરિકા સાર્વભૌમત્વના મુદ્દે ક્યારેય કશું બોલ્યું નથી પણ 'જળ-પરિવહનની સ્વતંત્રતા'ના બહાને તેણે એનું સૈન્ય અહીં ઉપસ્થિત રાખ્યું છે.
એવું પણ મનાય છે કે આ ક્ષેત્રમાં બહુમૂલ્ય ખનીજ તેલ અને ગૅસનો ભંડાર છે.
આ રીતે દુનિયાની અડધી વસ્તુઓનું ઉત્પાદન પણ આ વિસ્તારમાં, જ થાય છે અને અહીં જ દુનિયાની બીજી (ચીન) અને ત્રીજી (જાપાન) સૌથી મોટી અર્થવ્યવસ્થાઓ પણ સ્થિત છે. એના પછી ભારત પણ ઝડપી વિકાસ કરી રહ્યો છે અને દ. કોરિયા પણ છે જે વિશ્વની ટૉપ 10 અર્થવ્યવસ્થાઓમાં ગણના પામે છે.


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













