અફઘાનિસ્તાનમાં તાલિબાનોને માન્યતા આપવા પાકિસ્તાન ઉતાવળું બન્યું છે?

ઇમરાન ખાન તથા અશરફ ગનીની મુલાકાતનો ફાઇલ ફોટોગ્રાફ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઇમરાન ખાન તથા અશરફ ગનીની મુલાકાતનો ફાઇલ ફોટોગ્રાફ
    • લેેખક, સચીન ગોગોઈ
    • પદ, બીબીસી મૉનિટરિંગ

અફઘાનિસ્તાનમાં પ્રવર્તમાન સ્થિતિની વચ્ચે પાકિસ્તાન વહેલામાં વહેલી તકે તાલિબાનને માન્યતા આપવાના પ્રયાસ કરી રહ્યું છે.

હાલના દિવસોમાં પાકિસ્તાનની સરકારે જાહેરમાં જે કોઈ નિવેદન આપ્યા છે અને જેને મુખ્યપ્રવાહના મીડિયામાં અગ્રતાથી સ્થાન આપવામાં આવ્યું છે તેનાથી આ વાતના અણસાર મળે છે.

પાકિસ્તાનના ટોચના નેતાઓના નિવેદનોથી એવું લાગી રહ્યું છે કે તેઓ ઇચ્છે છે કે ઓછામાં ઓછી ખાનાખરાબીની વચ્ચે વહેલામાં વહેલી તકે તાલિબાનને સત્તાનું હસ્તાંતરણ કરી દેવામાં આવે.

તેમણે અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગનીને 'અવરોધ' જણાવીને તેમની ટીકા કરી છે. સાથે જ તેઓ અમેરિકાની પણ ટીકા કરી રહ્યા છે, તેમનું કહેવું છે કે તેના કારણે જ અફઘાનિસ્તાનમાં અચાનક જ અવ્યવસ્થાની સ્થિતિ ઊભી થઈ છે.

પાકિસ્તાનની સરકાર તથા ત્યાંનું મીડિયા ભારતની પણ ભારે ટીકા કરી રહ્યું છે. તેમનો આરોપ છે કે અશરફ ગનીની સરકારને ટેકો આપીને અફઘાનિસ્તાનની સુરક્ષા સ્થિતિને ભારત વધુ જટિલ બનાવી રહ્યું છે.

આ બધાની વચ્ચે પાકિસ્તાનમાં નિષ્ણાતોનું એક જૂથ સરકારનું ધ્યાન એ વાત પર દોરી રહ્યું છે કે જો પાડોશમાં તાલિબાનના શાસનની સ્થાપના થઈ તો દેશ ઉપર કેવા પ્રકારના સંકટ ઊભા થશે.

line

અફઘાનિસ્તાન રાષ્ટ્રપતિની સરખામણીમાં તાલિબાનને મહત્ત્વ કેમ?

અફઘાન સૈનિક

ઇમેજ સ્રોત, HOSHANG HASHIMI

ઇમેજ કૅપ્શન, એક ઇન્ટરવ્યૂ દરમિયાન વડા પ્રધાન ઇમરાન ખાને કહ્યું હતું, "તાલિબાન કોઈ સૈન્યસંગઠન નથી, પરંતુ સામાન્ય નાગરિકો છે."

વડા પ્રધાન ઇમરાન ખાન સહિત દેશના ટોચના નેતાઓના નિવેદનોથી એવા અણસાર મળી રહ્યા છે કે તેઓ વહેલામાં વહેલી તકે અફઘાનિસ્તાનને તાલિબાનના નિયંત્રણ હેઠળ અથવા તો અફઘાનિસ્તાનની સરકારમાં તેની ભૂમિકા જોવા ઇચ્છે છે, જેથી કરીને લાંબા સમયની અરાજકતાને નિવારી શકાય.

અમેરિકન મીડિયા પીબીએસને જુલાઈ મહિનામાં આપેલા એક ઇન્ટરવ્યૂ દરમિયાન વડા પ્રધાન ઇમરાન ખાને કહ્યું હતું, "તાલિબાન કોઈ સૈન્યસંગઠન નથી, પરંતુ સામાન્ય નાગરિકો છે."

ઇમરાન ખાને એ વાતને ભારપૂર્વક કહી હતી કે પાડોશી દેશમાં 'લાંબાગાળાના ગૃહયુદ્ધ'ને કારણે સૌથી વધુ ખરાબ સ્થિતિ ઊભી થઈ શકે છે, જેના કારણે પાકિસ્તાનમાં શરણાર્થીઓ તથા સુરક્ષાને લગતી સમસ્યાઓ ઊભી થશે.

તાલિબાન

ઇમેજ સ્રોત, HOSHANG HASHIMI

ઇમેજ કૅપ્શન, પાકિસ્તાનનો આરોપ છે કે 'જ્યારે અમેરિકાના અમુક હજાર સૈનિકો જ અફઘાનિસ્તાનમાં રહ્યા હોય તો પછી તાલિબાન કેમ કોઈની વાત સાંભળે?'

આમ તો પાકિસ્તાન વારંવાર કહેતું રહ્યું છે કે અફઘાનિસ્તાનમાં તેને કોઈ 'રસ' નથી અને તા. નવમી ઑગસ્ટે યોજાયેલી પત્રકારપરિષદ દરમિયાન પાકિસ્તાનના વિદેશમંત્રી શાહ મહમૂદ કુરૈશીએ આ વાતનું પુનરાવર્તન કર્યું હતું.

પરંતુ તેમના સત્તાવાર નિવેદનો પરથી એવું લાગી રહ્યું છે કે તેઓ અફઘાનિસ્તાનના ચૂંટાયેલા રાષ્ટ્રપતિની સરખામણીમાં તાલિબાનને વધારે મહત્ત્વ આપે છે.

કુરૈશીએ કહ્યું હતું, "અફઘાનિસ્તાના નેતૃત્વને લાંબા ગૃહયુદ્ધ તથા ખાનાખરાબીથી અટકાવવા માટે સ્થિતિ જોઈને કામ કરવું જોઈએ" , પરંતુ તેમણે તાલિબાનની જવાબદારીઓ વિશે ખાસ વાત કરી ન હતી.

ઉઝબેકિસ્તાનના તાશ્કંદ ખાતે જુલાઈ મહિનામાં આયોજિત 'સેન્ટ્રલ ઍન્ડ સાઉથ એશિયા સમિટ'માં વડા પ્રધાન ઇમરાન ખાને કહ્યું હતું, "જ્યારે (અમેરિકનદળોના) પરત ફરવાની તારીખ આપી દેવામાં આવી છે, ત્યારે તાલિબાન સમજૂતી કેમ કરે? બાકી અમુક હજાર અમેરિકન સૈનિકો જ અફઘાનિસ્તાનમાં રહ્યા હોય તો તાલિબાન અમારી વાત કેમ સાંભળે, વિશેષ કરીને ત્યારે જ્યારે તાલિબાનને લાગી રહ્યું છે કે તેને જીત મળી રહી છે."

line

તાલિબાનનો ઉદય, ભારતનો અસ્ત

તાલિબાન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પાકિસ્તાનનો આરોપ રહ્યો છે કે ભારત તેની વિરુદ્ધ અફઘાનિસ્તાનના ઉગ્રવાદી જૂથોને ટેકો આપે છે.

પાકિસ્તાનની સૈન્ય તથા અસૈન્ય સંસ્થાઓ દ્વારા વારંવાર એવો આરોપ મૂકવામાં આવે છે કે ભારત દ્વારા અફઘાનિસ્તાનમાં રહેલા પાકિસ્તાનવિરોધી ઉગ્રપંથી જૂથોને સમર્થન આપવામાં આવે છે જે અફઘાનિસ્તાનની ધરતી ઉપર સક્રિય છે.

પશ્તો ભાષાના દૈનિક 'પખતૂન પોસ્ટ'માં તા. દસમી ઑગસ્ટે પ્રકાશિત રિપૉર્ટ મુજબ, પાકિસ્તાનના માહિતી અને પ્રસારણ મંત્રી ચૌધરી ફવાદ હુસૈને આરોપ મૂક્યો હતો કે ભારત લાંબા સમયથી અફઘાનિસ્તાનની ધરતીનો ઉપયોગ પાકિસ્તાન વિરુદ્ધ ઉગ્રવાદી પ્રવૃત્તિઓ માટે કરે છે.

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

આવી જ રીતે પાકિસ્તાનની સેનાના ઇન્ટર-સર્વિસેઝ પબ્લિક રિલેશન (આઈએસપીઆર)ના મહાનિદેક મેજર જનરલ બાબર ઇફ્તિખારે ગત મહિને જુલાઈ મહિનામાં કહ્યું હતું કે પાકિસ્તાનમાં તાજેતરમાં ઘટેલી હિંસાની ઘટનાઓમાં અફઘાનિસ્તાનસ્થિત ભારતસમર્થિત ઉગ્રવાદી નેટવર્કોનો હાથ છે.

આવી જ રીતે સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનના સ્થાયી પ્રતિનિધિ, રાજદૂત મુનીર અકરમે તા. આઠમી ઑગસ્ટે પીટીવી ન્યૂઝ ચેનલ પર વાત કરતા આરોપ મૂક્યો હતો કે "ભારત નથી ઇચ્છતું કે અફઘાનિસ્તાનમાં શાંતિની સ્થાપના થાય અને ભારત ખેલ બગાડવાની ભૂમિકા ભજવી રહ્યું છે."

અકરમે ઉમેર્યું હતું, "ભારતને આશંકા છે કે જો તાલિબાન સત્તા ઉપર આવશે તો અફઘાનિસ્તાન પરથી તેનો પ્રભાવ ઓસરી જશે."

પાકિસ્તાનમાં મોટાભાગનાં મીડિયાગૃહો એ વાતની જોરશોરથી ચર્ચા કરી રહ્યાં છે કે અફઘાનિસ્તાનમાં તાલિબાનનું પ્રભુત્વ વધવાથી ભારત 'બૅકફૂટ પર' આવી રહ્યું છે.

line

અફઘાન દળોને ભારતે મદદ કરી?

તાલિબાન

ઇમેજ સ્રોત, EPA

ઇમેજ કૅપ્શન, અફઘાનિસ્તાન તથા ભારતનો આરોપ છે કે પાકિસ્તાન દ્વારા તાલિબાનને મદદ કરવામાં આવે છે

અફઘાનિસ્તાન તથા ભારતનો આરોપ છે કે પાકિસ્તાન દ્વારા તાલિબાનને મદદ કરવામાં આવે છે.

બીજી તરફ પાકિસ્તાનની સરકાર તથા મીડિયા આરોપ મૂકે છે કે અફઘાનિસ્તાનમાં અશાંતિ પ્રવર્તમાન રહે તે માટે ભારત કાવતરાં રચતું રહે છે.

ચાલુ વર્ષે પાકિસ્તાનનાં મુખ્ય મીડિયાગૃહોએ આરોપ મૂક્યો હતો કે યુદ્ઘગ્રસ્ત દેશમાંથી પોતાના રાજદૂતોને બહાર કાઢવા માટે ભારતીય વિમાને અફઘાન સુરક્ષાબળોને હથિયાર પહોંચાડ્યા હતા.

પાકિસ્તાનના ઉર્દૂ અખબાર 'નવા-એ-વક્ત'એ પોતાના રિપૉર્ટમાં કહ્યું કે ભારતીય સેનાના વિશેષ વિમાન 'પોતાના રાજદૂતોને બહાર કાઢવાના બહાને કાબૂલ તથા કંધાર પહોંચ્યા. તેમણે અશરફ ગની સરકારને મોટાપાયે હથિયાર તથા દારૂગોળો પહોંચાડ્યાં.'

આ અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો કે ભારત દ્વારા એક તરફ તાલિબાન સાથે વાતચીત હાથ ધરવામાં આવી છે, જ્યારે બીજી તરફ સરકારી સૈન્યને હથિયાર પહોંચાડીને 'ડબલ ગેઇમ' રમવામાં આવી રહી છે.

અફઘાનિસ્તાન મુદ્દે ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલી અંટસનો પડઘો સંયુક્ત રાષ્ટ્રમાં પણ સાંભળવા મળ્યો. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષાપરિષદના અધ્યક્ષસ્થાનેથી અફઘાનિસ્તાનની સ્થિતિ માટે બોલાવવામાં આવેલી બેઠકની ચર્ચામાં પાકિસ્તાનને સામેલ નહીં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

પાકિસ્તાનના વિદેશ મંત્રી કુરૈશીએ આરોપ મૂક્યો કે અફઘાનિસ્તાનસંબંધિત ચર્ચામાં પાકિસ્તાનને સામેલ નહીં કરીને 'ભારત જવાબદારીપૂર્વક વર્તવામાં નિષ્ફળ' રહ્યું છે.

આ માટે પાકિસ્તાની મીડિયાએ પણ ભારતની ટીકા કરી હતી. વિખ્યાત પત્રકાર અને ઍન્કર આયશા એહતેશામે 'નિયો ટીવી' પર કહ્યું, 'પાકિસ્તાન પ્રત્યે ભારતના વલણને કારણે સંયુક્ત રાષ્ટ્ર તથા સુરક્ષાપરિષદની વિશ્વસનીયતા ઉપર સવાલ ઊભા થયા છે.'

line

પાકિસ્તાન માટે પડકારરૂપ તાલિબાન

તાલિબાન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પાકિસ્તાનની સરકાર તથા મીડિયા આરોપ મૂકે છે કે અફઘાનિસ્તાનમાં અશાંતિ પ્રવર્તમાન રહે તે માટે ભારત કાવતરાં રચતું રહે છે.

પાકિસ્તાન મીડિયાના એક જૂથને અફઘાનિસ્તાનમાં તાલિબાનના શાસનમાં ભલે 'મૅરિટ' દેખાતું હોય પરંતુ મીડિયાના અન્ય એક જૂથ તથા વિશ્લેષકો એવું પણ માને છે કે અફઘાનિસ્તાનમાં ગૃહયુદ્ધ તથા તાલિબાનના હાથમાં શાસનની ધૂરા આવવાને કારણે પાકિસ્તાનને માટે મુશ્કેલ સ્થિતિ ઊભી થશે.

પાકિસ્તાનના રાજકીય વિશ્લેષક અયાઝ અમીરે 'દુનિયા ટીવી'ના એક ટૉક શૉ દરમિયાન ચેતવણી ઉચ્ચારતા કહ્યું, 'તાલિબાનનો વિજય દીવાલ ઉપર સ્પષ્ટપણે લખેલી વાત જેવો છે.' તેમણે કહ્યું કે જ્યારે કાબુલ ઉપર તાલિબાનનો કબજો થશે, ત્યારે ઉગ્રવાદ તરફ ઝુકાવ ધરાવતા કેટલાક તત્વો છે જેમણે પાકિસ્તાન કે અફઘાનિસ્તાનમાં તાલીમ પણ લીધેલી છે તેમનું મનોબળ વધશે.

પાકિસ્તાનના અન્ય એક અગ્રણી અખબાર 'ઉર્દૂ ડેઇલી એક્સપ્રેસ'એ તેના સંપાદકીય લેખમાં ચેતવણી ઉચ્ચારતા લખ્યું કે અફગાનિસ્તાનના મુખ્ય શહેરોમાં તાલિબાનની વધતી તાકતને કારણે, 'મોટી સંખ્યામાં શરણાર્થી' પાકિસ્તાનમાં દાખલ થશે.

સાથે જ લખ્યું કે 'સમાજના એક વર્ગમાં સારા તાલિબાન તથા ખરાબ તાલિબાન એવા બે ભાગ પ્રવર્તે છે, જેને દૂર કરવાની જરૂર છે.'

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો