અફઘાનિસ્તાન : તાલિબાની ખોફમાં જીવતી એ આંખો જે આશાઓ ગુમાવી રહી છે - એક ભારતીય મહિલા પત્રકારની જુબાની

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, યોગિતા લિમયે
- પદ, બીબીસી સંવાદદાતા, અફઘાનિસ્તાનથી
હું જ્યારે પણ અફઘાનિસ્તાન ગઈ છું, ત્યારે બહુ ઉમકળાથી મારું સ્વાગત થયું છે. લોકોને ખબર પડે કે હું ભારતીય છું એટલે મારી સાથે ઉમળકાથી વાતો કરે. દિલ્હીની મુલાકાત લીધેલી ત્યારે કેટલી મજા આવેલી વગેરે જણાવે.
દિલ્હીના સરોજિનીનગર અને લાજપતનગરમાંથી ખરીદીનો આનંદ યાદ કરે. મારી સાથે હિન્દી અને ઉર્દૂમાં પણ વાત કરવાની કોશિશ કરે. લોકો હિન્દી ફિલ્મોના પોતાના મનગમતા સ્ટારની પણ વાતો કરે.
હાલમાં જ હું ત્યાં ગઈ ત્યારે એક પુરુષે મને કહ્યું, 'ભારત અફઘાનિસ્તાનનો સાચો દોસ્ત છે'. અફઘાનિસ્તાન સિવાયની બીજી ટીમ સામે ભારતની ક્રિકેટ ટીમ રમતી હોય ત્યારે અફઘાન ક્રિકેટપ્રેમીઓ ભારતીય ટીમને વધાવી લેતા મેં જોયા છે.
તેની સામી બાજુએ એવી સ્થિતિ પણ છે કે ચરમપંથી જૂથો તરફથી કેવો ખતરો છે તેની ચેતવણી પણ ભારતીય નાગરિકોને આપવામાં આવે છે. અફઘાન હૉસ્પિટલોમાં કામ કરતા ડૉક્ટરોની ઇરાદાપૂર્વક હત્યા થયાનું પણ ભૂતકાળમાં બન્યું છે.
હાલમાં જ ભારતીય પત્રકાર દાનિશ સિદ્દીકીની પણ તાલિબાન ઉદ્દામવાદીઓએ હત્યા કરી છે. સિદ્દીકી અફઘાન સેના સાથે હતા તો પણ હત્યા થઈ તેના પરથી ખ્યાલ આવે છે અફઘાનિસ્તાનમાં પત્રકારો માટે પણ સ્થિતિ કેટલી ખતરનાક થઈ ગઈ છે.
સિદ્દીકી પ્રશંસાને પાત્ર સાથી હતા અને તેમણે હંમેશાં હિંમતથી પોતાની કામગીરી બજાવી હતી. તેમની હત્યા થઈ તેના બે અઠવાડિયાં પહેલાં જ અમે એક જ ફ્લાઇટમાંથી દિલ્હીથી કાબુલ પહોંચ્યાં હતાં.

અમે મારી બૅગ આવવાની રાહ જોતાં હતાં ત્યારે દાનિશ સિદ્દીકીએ પોતાના અફઘાન પ્રેમ વિશે વાતો કરી હતી. પાર્કિંગ લૉટ તરફ જતાં અમે આગામી દિવસોમાં કેવી રીતે અફઘાનિસ્તાનમાં કામગીરી કરવાની છે તેની વાતો કરી અને પોતપોતાના રસ્તે જતી વખતે એકબીજાને 'સંભાળીને રહેજો' એવું પણ કહ્યું હતું.
અમે દેશના જુદા-જુદા વિસ્તારમાં હતાં પણ એકબીજાના અહેવાલો જોતાં રહેતાં હતાં. તેઓ દક્ષિણમાં કંદહારમાં હતા, જ્યારે હું ઉત્તરમાં કુંદુઝ શહેરમાં હતી, જેને તાલિબાને ઘેરી લીધું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સિદ્દીકીની હત્યાના સમાચાર સાંભળીને દિલ બેસી ગયું હતું. વાત માન્યામાં જ આવતી નહોતી. આઘાતમાંથી હું બહાર નીકળી ત્યારે સમજાયું કે અમારા આ હિંમતવાન સાથીને ત્યારે જ સાચી શ્રદ્ધાંજલિ અપાયેલી ગણાશે કે તેમની જેમ અમે પણ ફરજ બજાવતા રહીએ. સાવધાની રાખીને, સતત કામ કરતા રહેવું અને અફઘાન લોકોની વ્યથા-કથા દુનિયા સુધી પહોંચાડવી એ જ કામ છે. કારણ કે, દાયકાથી આ પ્રજા હિંસાના ઓછાયામાં રહેતી આવી છે, પણ આ વખતે બહુ મોટા સંકટમાં તેને મૂકી દેવામાં આવી છે.

બૉમ્બ ધડાકા અને ગોળીબાર સામાન્ય વાત

ઇમેજ સ્રોત, AFP
વિદેશી દળો દેશમાંથી બહાર જવા લાગ્યાં, તે સાથે જ તાલિબાને ઝડપથી પ્રદેશો પર કબજો જમાવવાનું શરૂ કરી દીધું અને અત્યારે લગભગ અડધો દેશ તેના કબજામાં છે.
થોડાં અઠવાડિયાં પહેલાં સુધી હું કુંદુઝ શહેરમાં હતી તેના પર પણ હવે તાલિબાનનો કબજો થઈ ગયો છે. ઍરપૉર્ટ સિવાયના સમગ્ર નગરમાં તાલિબાન ઘૂસી ગયું છે.
અમે ત્યાં હતા ત્યારે પણ રોજ બૉમ્બમારો અને ગોળીબાર, દિવસે અને રાત્રે કલાકો સુધી ચાલતી રહેતી સંભળાતો હતો. ધડાકા થાય ત્યારે અમે ચોંકી જઈએ, પણ જોયું કે લોકો માટે હવે આ રોજની વાત થઈ ગઈ એટલે જાણે કંઈ પરવા ના હોય તેમ રહેતા હતા.
હિંસાથી બચવા માટે 35,000થી વધુ લોકોએ કુંદુઝમાં આશરો લીધો છે. ખુલ્લા મેદાનમાં, વાંસ ખોડીને તેના પર કાપડ લગાવીને બનાવેલી કાચી ઝૂંપડીઓમાં લોકો રહે છે.
45 ડિગ્રી તાપમાનમાં બસ આટલો જ આશરો. ખાવાનું પણ પૂરતું મળતું નથી અને થોડી ઘણી ડંકીઓ છે તેમાંથી હજારો લોકોએ પાણી ભરવું પડે છે.

મારા જીવનમાં મેં જોયેલી આ સૌથી કપરી સ્થિતિ છે.
મેં અગાઉ ગ્રીસ અને બાંગ્લાદેશમાં પણ રાહત છાવણીઓની મુલાકાતો લીધેલી છે, પરંતુ ત્યાં તમને સેવાભાવી સંસ્થાઓ કામ કરતી જોવા મળે. ભોજન, દવાઓ જેવી સુવિધાઓ આવી સંસ્થાઓ પૂરી પાડતી હોય છે.
હું ચાર દિવસ કુંદુઝમાં હતી ત્યારે માત્ર એક વાર ભોજનસામગ્રી વહેંચાતી જોઈ હતી.
સંયુક્ત રાષ્ટ્રસંઘ અને સેવ ધ ચિલ્ડ્રન અને MSF જેવી એનજીઓ કુંદુઝમાં કામ કરી રહ્યાં છે, પરંતુ જરૂરિયાત સાથે તેમની મદદ બહુ ઓછી છે.
સંયુક્ત રાષ્ટ્રસંઘનું કહેવું છે કે અફઘાનિસ્તાનના 1.8 કરોડો લોકોને તાકીદે માનવીય સહાય આપવા માટે જરૂરી ભંડોળમાંથી તેને માત્ર 40 ટકા જેટલું જ ભંડોળ મળ્યું છે.

પીડાની એક નહીં અનેક કહાણીઓ

હું કુંદુઝની છાવણીમાં પહોંચી કે લોકો મને ઘેરી વળ્યા હતા. તેમાં ઘણી બધી મહિલાઓ હતી. મારો હાથ પકડીને એક મહિલા કહેવા લાગ્યાં કે તેમના પતિ અને ત્રણ બાળકો માર્યાં ગયાં છે. બીજાંએ મારા હાથમાં એક ફાટેલું કાગળિયું પકડાવી દીધું, જે તેમના માર્યા ગયેલા પુત્રનું ઓળખપત્ર હતું.
બેનાફશા નામનાં એ મહિલાએ મને કહ્યું કે તેમની ઉંમર 77 વર્ષની થઈ ગઈ છે. તેમના ચહેરાની કરચલી જોઈને લાગતું હતું કે સતત રડવાથી તેમની ચામડી ભીની અને ચીકણી થઈ ગઈ છે.
મેં તેમની સાથે વાતચીત કરી તો જાણવા મળ્યું કે તેમના ત્રણેય પુત્રો લડાઈમાં માર્યા ગયા છે. 'હું પણ મરી ગઈ હોત તો સારું હતું. આવી પીડા સહન થતી નથી,' એમ બેનાફશાએ કહ્યું.
આવી ન કહેવાયેલી પીડાઓની અનેક કથાઓ મને સાંભળવા મળી. હિંસા અને તાલિબાન તથા અફઘાન સેના વચ્ચેની લડાઈમાં અનેક પરિવારનો ભોગ લેવાઈ ગયો છે.

ઇમેજ સ્રોત, Anadolu Agency
એક જ શહેરની એક જ છાણવીમાં તમને એટલા બધા લોકોના મરવાના સમાચાર મળે છે કે તેનો હિસાબ કરવો મુશ્કેલ બની જાય છે.
અને છેલ્લા થોડા દિવસોથી તો હવે શહેરની અંદર પણ અથડામણો થવા લાગી હતી.
મને હવે અત્યારે એ પણ ખબર નથી કે હું જે લોકોને મળી હતી તેમનું શું થયું હશે.
તાલિબાને કબજે કરી લીધેલા જિલ્લાઓમાં માનવાધિકાર ભંગના અને મહિલાઓના અધિકારો છીનવાઈ ગયાના અનેક અહેવાલો મળ્યા છે.
મને સાંભળવા મળ્યું છે કે પુરુષ સાથી વિના કોઈ સ્ત્રીને ઘરની બહાર ન નીકળવા માટે આદેશો આપી દેવાયા છે. 15 વર્ષથી મોટી ઉંમરની છોકરીઓનાં લગ્ન પરાણે તાલિબાન લડવૈયાઓ સાથે કરી દેવામાં આવી રહ્યાં હોવાનું કહેવાય છે.
તાલિબાને આ આક્ષેપોને નકારી કાઢ્યા છે. તાલિબાન એવું કહેતું આવ્યું છે કે તેઓ મહિલાઓના શિક્ષણની વિરુદ્ધમાં નથી અને સ્ત્રીઓના અધિકારોની પણ રક્ષા કરશે.

કથની અને કરણીમાં ફેર

ઇમેજ સ્રોત, Anadolu Agency
જોકે ઘણા લોકો કહે છે કે તાલિબાન વિશ્વને શું જણાવી રહ્યું છે અને શું કરી રહ્યું છે તે બંને વચ્ચે બહુ મોટો ફરક છે.
'તાલિબાન ફરીથી સત્તા કબજે કરશે તો અફઘાન મહિલાઓનું આવી બનશે', એમ અફઘાનિસ્તાનનાં મહિલા સાંસદ ફરઝાના કોચાઈ કહે છે.
હું કાબુલમાં તેમના નિવાસસ્થાને તેમને મળી હતી. મૂળ અફઘાનિસ્તાનના કબીલાનાં ફરઝાના 29 વર્ષની નાની ઉંમરે ચૂંટણી જીતીને સંસદમાં સભ્ય બન્યાં હતાં.
કોઈ રાજકીય કડી વિના તેમને આવી સફળતા મળી હતી. તેમની સફળતાની કહાણી એ માત્ર તેમની પોતાની નહીં પણ અફઘાનિસ્તાનમાં લોકશાહી અને મહિલા અધિકારોની પણ સફળતાની કહાણી હતી.
આજે પણ અફઘાનિસ્તાનનો સમાજ પુરુષપ્રધાન અને રૂઢિચુસ્ત છે. જોકે અગાઉ સ્થિતિ આનાથીય કપરી હતી.
તાલિબાનનું શાસન હતું ત્યારે મહિલાઓને શાળાએ જવાની કે નોકરી કરવાની પરવાનગી ન હતી. ઘરના પુરુષ સભ્ય વિના મહિલાઓને ઘરની બહાર જવાની પણ મનાઈ હતી.
આજે હવે સરકારમાં, ન્યાયતંત્રમાં, પોલીસમાં અને મીડિયામાં પણ મહિલાઓને સારું સ્થાન મળ્યું છે.
ભારત કરતાંય અફઘાનિસ્તાનની સંસદમાં મહિલાઓની સંખ્યા વધારે છે.

ઇમેજ સ્રોત, Anadolu Agency
અફઘાનની ગ્રીન ટી અને પરંપરાગત શેકેલી બદામનો નાસ્તો કરતાં-કરતાં મેં ફરઝાનાને પૂછ્યું કે વિદેશી દળો અફઘાનિસ્તાનમાંથી બહાર જઈ રહ્યાં છે ત્યારે કેવું લાગી રહ્યું છે. બેજવાબદાર રીતે વિદેશી દળો જવા લાગ્યાં છે એમ તેમનું કહેવું હતું.
તેઓ કહે છે, '20 વર્ષ પછી અચાનક તેમણે તાલિબાન સાથે કરાર કરી લીધો અને કહ્યું કે જાઓ તમારે કરવું હોય તે કરો. આંતરરાષ્ટ્રીય સમુદાયની આ નિષ્ફળતા છે.'
તેઓ કહે છે 'આગામી દિવસો અંધકારમય હશે, માત્ર મહિલાઓ માટે નહીં બધા માટે, કેમ કે કોઈનો અવાજ નહીં હોય, કોઈ સ્વતંત્રતા નહીં હોય, જીવવા જેવું અહીં કંઈ નહીં હોય.'
તાલિબાનને સત્તા પરથી હઠાવી દેવાયા ત્યારે ફરઝાના અને તેમનાં જેવી અનેક મહિલાઓને બાળકો હતાં. તેમનાં માટે હવે મોકળાશ ગુમાવવી એ અત્યાર સુધીના જીવનને વિસરી જવા બરાબર છે.
કાબુલ જેવાં કેટલાંક શહેરોમાં હજી પ્રમાણમાં શાંતિ અને સુરક્ષા છે ત્યાં જીવન રાબેતા મુજબ ચાલતું જોઈ શકાય છે. બજારોમાં લોકો ફરતાં જોઈ શકાય, પણ આગામી દિવસોના ભણકારા સંભળાઈ રહ્યા હોય તેવું લાગે છે. દુનિયાએ તરછોડી દીધા હોય એવી નિરાશા લોકોના ચહેરાઓ પર જોવા મળી રહી છે.



આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો.












