અફઘાનિસ્તાનમાં શું થઈ રહ્યું છે અને એ માટે કોણ જવાબદાર?

વિસ્થાપિતો

ઇમેજ સ્રોત, AFP

ઇમેજ કૅપ્શન, અફઘાનિસ્તાનમાં તાલિબાનનું વર્ચસ્વ વધ્યું ત્યારથી લાખો લોકો વિસ્થાપિત થયા છે.
    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

અફઘાનિસ્તાનમાંથી અમેરિકાના નેતૃત્વમાં નાટો સેનાનું નિર્ગમન થાય, તે પહેલાં તેની અસર દેખાવા લાગી છે. તાલીબાનોએ અનેક પ્રાંતોની રાજધાનીઓ પર કબજો કરી લીધો છે.

ભારતનું વિદેશ મંત્રાલય, ગુપ્તચર એજન્સીઓ તથા સુરક્ષાબળો પાડોશી દેશમાં પ્રવર્તમાન સ્થિતિ પર નજર રાખી રહ્યાં છે. ભારતને આશંકા છે કે તાલિબાનના પ્રભુત્વ હેઠળના અફઘાનિસ્તાનમાં પાકિસ્તાનની દખલ વધી જશે અને ભારતમાં આતંકવાદી પ્રવૃત્તિઓને વેગ મળશે.

2001માં 9/11ની ઉગ્રવાદી ઘટના પછી અલ-કાયદાની કમર તોડવા માટે અમેરિકાએ અફઘાનિસ્તાનમાં હુમલો કર્યો અને શાસન પરથી તાલિબાનોને હાંકી કાઢ્યા. ત્યારથી અત્યાર સુધીમાં પહેલી વખત એવું બની રહ્યું છે કે તાલિબાનોના કબજા હેઠળ કોઈ પ્રાંતની રાજધાની હોય.

આંતરિક સંઘર્ષને કારણે સૈનિકોની સાથે-સાથે નાગરિકોનાં મૃત્યુ થયાં છે, જ્યારે લાખો લોકો બેઘર થઈ ગયા છે. તાલિબાનો તથા અમેરિકાની વચ્ચે થયેલી સમજૂતી પ્રમાણે અમેરિકાની સેના 20 વર્ષ બાદ દેશ છોડશે.

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને કહ્યું છે કે અફઘાનિસ્તાનમાંથી અમેરિકન સૈનિકોને પાછળ ખસેડવાના નિર્ણયનો તેમને કોઈ અફસોસ નથી.

line

ભારતનું EXIT બટન

તાલિબાન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને કહ્યું છે કે અફઘાનિસ્તાનથી અમેરિકાની સેના પાછી બોલાવવાનો કોઈ અફસોસ નથી.

ભારતે મઝાર-એ-શરીફમાંથી કૉન્સ્યુલેટના સ્ટાફને પરત લાવવાની કામગીરી હાથ ધરી છે. ગયા મહિને કંદહાર ખાતેથી પણ કૉન્સ્યુલેટને ખાલી કરી દીધી હતી. સાથે-સાથે કાબુલ ખાતે ભારતીય દૂતાવાસની સુરક્ષા વધારી દેવામાં આવી છે.

ભારતે તેના નાગરિકોને ચેતવણી આપી છે કે ઉડાણો ચાલુ છે ત્યાં સ્વદેશ પરત ફરી જવું. જેના આધારે એવું માનવામાં આવે છે કે આગામી સમયમાં ત્યાંનો હવાઈવ્યવહાર ખોરવાઈ જશે.

કોઈપણ દેશમાં યુદ્ધ કે ગૃહયુદ્ધની સ્થિતિ વકરવાની હોય, ત્યારે હવાઈવ્યવહાર સૌપ્રથમ ખોરવાતો હોય છે અને આ પ્રકારની ચેતવણી આપવામાં આવતી હોય છે.

અફઘાનિસ્તાનમાં શાંતિ પ્રસ્થાપિત થાય અને લોકશાહીતત્ત્વોને બળ મળે તે માટે ભારતે ત્યાં અબજો ડૉલરના વિકાસકાર્યો હાથ ધર્યાં છે. જેમાં ડૅમ, સામૂહિક વિકાસકેન્દ્રો જેવી ઇમારતોનો સમાવેશ થાય છે. એટલે સુધી કે અફઘાનિસ્તાનની નવનિર્મિત સંસદ ઇમારત ભારતે બનાવી આપી છે.

line

તાકતવર તાલિબાનો

અફઘાનિસ્તાન

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, તાલિબાને અફઘાનિસ્તાનના અનેક પ્રાંતોની રાજધાની પર કબજો કરી લીધો છે.

એક અનુમાન પ્રમાણે, હાલમાં અફઘાનિસ્તાનમાં લગભગ 85 હજાર પૂર્ણકાલીન તાલિબાનો અફઘાન સૈન્ય સામે લડી રહ્યા છે. તે 2001 પછીની સર્વોચ્ચ સંખ્યા છે.

અફઘાનિસ્તાનમાં પ્રવાહી સ્થિતિ પ્રવર્તી રહી છે. સરકાર અચાનક જ લાચાર બની ગઈ છે અને તેની સુરક્ષા કરવાની જવાબદારી અફઘાન સૈનિકો ઉપર આવી પડી છે.

અગાઉ તેમનું પ્રભુત્વ છેવાડાના, ઓછી વસતીવાળા કબીલાના વિસ્તારો પૂરતું મર્યાદિત થઈ ગયું હતું, પરંતુ તાજેતરનાં અઠવાડિયાઓમાં તાલિબાનો પુનઃગઠિત થયા અને ઝડપભેર આગેકૂચ કરી રહ્યા છે. બીબીસી તથા અન્યોના આકલન પ્રમાણે, ઑગસ્ટ મહિનાની શરૂઆતમાં લગભગ અડધા અફઘાનિસ્તાન પર તાલિબાનોનો કબજો હતો.

તાલિબાને અફઘાન સેના, નાગરિકો તથા ચુનંદા લોકોને નિશાન બનાવવાની વ્યૂહરચના અપનાવી છે. ડ્રગ્સના વેપાર માટે કુખ્યાત વિસ્તારો પર તાલિબાનોનો કબજો થઈ ગયો છે. જેના કારણે તેની આવક વધશે અને ડ્રગ્સની તસ્કરીમાંથી થતી આવકનો ઉપયોગ તે યુદ્ધમાં કરશે જેથી તે વધુ શક્તિશાળી બનશે.

તાલિબાનનું કહેવું છે કે રાષ્ટ્રીય શાંતિમંત્રણામાં તેઓ ભાગ લેશે પરંતુ અમુક લોકોને આશંકા છે કે આગામી સમયમાં ભયાનક ગૃહયુદ્ધનો આરંભ થઈ શકે છે.

ફેબ્રુઆરી-2020માં કતાર ખાતે આયોજિત અમેરિકા અને તાલિબાનો વચ્ચેના કરારમાં અફઘાનિસ્તાનની સરકારની કોઈ ભૂમિકા ન હતી.

line

અફઘાનિસ્તાનમાં અમેરિકા

વીડિયો કૅપ્શન, અફઘાનિસ્તાનમાં ત્રણ મહત્ત્વના શહેરોના કબજા માટે તાલિબાન અને અફઘાન દળો વચ્ચે ભીષણ લડાઈ

જ્યૉર્જ બુશ, બરાક ઓબામા અને ડોનાલ્ડ ટ્રમ્પ બાદ જો બાઇડન ચોથા રાષ્ટ્રપતિ છે કે જેમની પર અફઘાનિસ્તાનનું કોકડું ઉકેલવાની જવાબદારી આવી પડી છે. બાઇડને અમેરિકાની સેનાના નિર્ગમન માટે તા. 11 સપ્ટેમ્બર 2021ની તારીખ પ્રતીકાત્મક રીતે નક્કી કરી છે.

ચાલુ યુદ્ધમાં અફઘાનિસ્તાનની સરકારને એકલી મૂકવા બદલ દેશ તથા આંતરરાષ્ટ્રીય મંચ પર જો બાઇડનની ટીકા થઈ રહી છે. જોકે બાઇડનનું કહેવું છે કે તેમને પોતાના નિર્ણયનો કોઈ અફસોસ નથી.

2001માં 9/11ના ન્યૂ યૉર્ક અને વૉશિંગ્ટનના હુમલા પછી અમેરિકાએ હુમલા કર્યા હતા. અધિકારીઓને લાગતું હતું કે ઇસ્લામિક આતંકવાદી જૂથ અલ-કાયદા તથા તેનો નેતા ઓસામા બિન લાદેનને જવાબદાર ઠેરવ્યો હતો.

બિન લાદેન અફઘાનિસ્તાનમાં હતો અને તેને તાલિબાનનું સંરક્ષણ મળેલું હતું. વર્ષ 1996થી અફઘાનિસ્તાનમાં ઇસ્લામિક તાલિબાનોનો કબજો હતો. તેમણે બિન લાદેનને અમેરિકાને સોંપવાનનો ઇન્કાર કરી દીધો, એટલે અમેરિકાએ સૈન્ય દખલ કરી. ટૂંક સમયમાં જ તાલિબાન સરકારનું પતન થયું.

2004માં અફઘાનિસ્તાનની સરકારે શાસનની ધૂરા સંભાળી. અમેરિકાના નેતૃત્વમાં નાટો રાષ્ટ્રોની સેનાએ તંબુ તાણ્યા, પરંતુ તાલિબાનો દ્વારા આત્મઘાતી હુમલા ચાલુ રહ્યા.

line

કોણ છે તાલિબાનો ?

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

પશ્તો ભાષામાં વિદ્યાર્થીઓને તાલિબાન કહેવાય છે. નેવુંના દાયકાની શરૂઆતમાં જ્યારે સોવિયત સંઘ અફઘાનિસ્તાનમાંથી પોતાના સૈનિકો પાછા બોલાવી રહ્યું હતું, ત્યારે એ સમયમાં તાબિલાન એક સમૂહ તરીકે ઊભર્યું.

1989માં સોવિયેટ સંઘોએ અફઘાનિસ્તાન છોડ્યું, જેના કારણે દક્ષિણ-પશ્ચિમ અફઘાનિસ્તાન તથા પાકિસ્તાન સાથે સરહદી વિસ્તારોમાં ગૃહયુદ્ધ ફાટી નીકળ્યું હતું.

માનવામાં આવે છે કે પશ્તો આંદોલન પહેલાં ધાર્મિક મદરેસાઓમાં ઊભર્યું અને તેના માટે સાઉદી અરેબિયાએ ફંડ આપ્યું. આ આંદોલનમાં સુન્ની ઇસ્લામની કટ્ટર માન્યતાઓનો પ્રચાર કરાતો હતો.

જલદી તાલિબાનો અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે પશ્તુન વિસ્તારોમાં શાંતિ અને સુરક્ષાની સ્થાપનાની સાથેસાથે શરિયા કાયદાના કટ્ટરપંથી સંસ્કરણને લાગુ કરવાનો વાયદો કરવા લાગ્યા હતા.

દક્ષિણ પશ્ચિમ અફઘાનિસ્તાનમાં તાલિબાનનો પ્રભાવ ઝડપથી વધ્યો.

સપ્ટેમ્બર, 1995માં તેમણે ઈરાનની સીમા પાસેના હેરાત પ્રાંત પર કબજો કરી લીધો હતો. તેના બરાબર એક વર્ષ બાદ તાલિબાને અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ પર કબજો કરી લીધો હતો.

તેમણે એ સમયે અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ રહેલા બુરહાનુદ્દીન રબ્બાનીને સત્તા પરથી હઠાવી દીધા. રબ્બાની સૈનિકોના અતિક્રમણનો વિરોધ કરનારા અફઘાન મુજાહિદ્દીનના સંસ્થાપક સભ્યોમાંથી એક હતા.

તાલિબાન

ઇમેજ સ્રોત, HOSHANG HASHIMI

ઇમેજ કૅપ્શન, ભ્રષ્ટાચાર પર અંકુશ, અરાજકતાની સ્થિતિમાં સુધારો, રસ્તાઓનું નિર્માણ અને નિયંત્રણવાળા વિસ્તારોમાં તમામ ધંધાકીય સુવિધા આપવી- આ તમામ કામો થતાં શરૂઆતમાં તાલિબાની ઘણા લોકપ્રિય પણ થયા

વર્ષ 1998 આવતાંઆવતાં અંદાજે 90 ટકા અફઘાનિસ્તાન પર તાલિબાનીઓનું નિયંત્રણ થઈ ગયું હતું.

સોવિયત સૈનિકોના ગયા બાદ અફઘાનિસ્તાનના સામાન્ય લોકો મુજાહિદ્દીનના અત્યાચારો અને આંતરિક સંઘર્ષથી કંટાળી ગયા હતા, આથી તેમણે તાલિબાનીઓનું સ્વાગત કર્યું હતું.

ભ્રષ્ટાચાર પર અંકુશ, અરાજકતાની સ્થિતિમાં સુધારો, રસ્તાઓનું નિર્માણ અને નિયંત્રણવાળા વિસ્તારોમાં તમામ ધંધાકીય સુવિધા આપવી- આ તમામ કામો થતાં શરૂઆતમાં તાલિબાની ઘણા લોકપ્રિય પણ થયા.

પરંતુ આ દરમિયાન તાલિબાને ઇસ્લામિક સજા આપવાની રીત લાગુ કરી, જેમાં હત્યા અને વ્યાભિચારના દોષીઓને જાહેરમાં ફાંસી આપવી અને ચોરીના મામલામાં દોષીઓના હાથ કાપી નાખવા જેવી સજાઓ સામેલ હતી.

line

માનવતાએ ચૂકવી કિંમત?

તાલિબાન

ઇમેજ સ્રોત, ALVARO YBARRA ZAVALA/GETTYIMAGES

ઇમેજ કૅપ્શન, તાલિબાન જો અફઘાનિસ્તાનની સત્તા આંચકી લે તો ફરી કટ્ટર ઇસ્લામી શાસનનો ભય છે

અફઘાનિસ્તાનના ગૃહયુદ્ધમાં અફઘાન સૈન્ય, નાગરિકો, તાલિબાનો, અમેરિકન સૈન્ય, નાટો સૈનિક વગેરે સામેલ છે, જેના કારણે કેટલા લોકોનાં મૃત્યુ થયાં છે, તે અંગેનો નક્કર આંક આપવો મુશ્કેલ છે.

line

હવે શું?

તાલિબાન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ભારત સહિત આંતરરાષ્ટ્રીય સમુદાયને આશંકા છે કે કદાચ તે અમેરિકાના હિતોને નુકસાન પહોંચાડવા માગતા ત્રાસવાદી જૂથોને પ્રોત્સાહન ન આપે તો પણ પાકિસ્તાનના પ્રભાવ હેઠળ ભારતવિરોધી તત્વોને ચોક્કસપણે સ્થાન આપી શકે છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને આશા વ્યક્ત કરી છે કે ઉગ્રવાદીઓ કાબુલમાં કેન્દ્રીય અફઘાન સરકારને ઉથલાવી નહીં શકે પરંતુ જૂન મહિનામાં અમેરિકાની ગુપ્તચર સંસ્થા દ્વારા હાથ ધરવામાં આવેલા આકલન પ્રમાણે, પશ્ચિમી સેનાના નિર્ગમનના છ મહિનામાં અફઘાન સરકારનું પતન થઈ શકે છે.

'કબજા હેઠળના વિસ્તાર'ના તાલિબાનોના દાવાને અફઘાન સરકારે પડકાર્યો છે. અમુક મહત્ત્વપૂર્ણ શહેરોમાં બંને પક્ષો વચ્ચે ભારે હિંસા પ્રવર્તી રહી છે.

અમેરિકા કાબુલ ખાતેના દૂતાવાસની સુરક્ષા માટે 650થી એક હજાર સૈનિકોને રાખવા ધારે છે, પરંતુ તાલિબાનોનું કહેવું છે કે જે કોઈ સૈનિક દેશમાં વધશે, તેમને ટાર્ગેટ કરવામાં આવી શકે છે.

ભારત સહિત આંતરરાષ્ટ્રીય સમુદાયને આશંકા છે કે કદાચ તે અમેરિકાના હિતોને નુકસાન પહોંચાડવા માગતા ત્રાસવાદી જૂથોને પ્રોત્સાહન ન આપે તો પણ પાકિસ્તાનના પ્રભાવ હેઠળ ભારતવિરોધી તત્ત્વોને ચોક્કસપણે સ્થાન આપી શકે છે.

તાલિબાનોનું કહેવું છે કે તેઓ માત્ર "ઇસ્લામિક શાસન" પ્રસ્થાપિત કરવા માગે છે અને કોઈ પણ દેશની સુરક્ષા માટે જોખમી તત્ત્વોને આશરો નહીં આપે, જોકે તેનું પાલન કરશે કે કેમ તે સવાલ છે. તાલિબાનો તથા અલ-કાયદાને અલગ કરીને ન જોવા જોઈએ, એમ કેટલાક નિષ્ણાતો માને છે

સાથે જ એ પણ યાદ રાખવું પડે કે તાલિબાન કોઈ એક સંગઠન નથી. અમુક નેતા પશ્ચિમી દેશોને નારાજ કરવા નથી માગતા, તો બીજા કેટલાક કટ્ટરવાદીઓ માટે અલ-કાયદા સાથે છેડો ફાડવો સહેલો નહીં હોય.

ઇસ્લામિક સ્ટેટ જૂથની પ્રાદેશિક ISKP (ખોરસાન પ્રાંત) અફઘાનિસ્તાનમાં અસ્તિત્વ ધરાવે છે, જેનો તાલિબાન વિરોધ કરે છે. અલકાયદા તથા નાટો રાષ્ટ્રો તેનું જોખમ ઘટ્યું હોવાનું માને છે. તેમની સંખ્યા વધુમાં વધુ બે હજારની આસપાસ હોવાનું મનાય છે, પરંતુ તેઓ કિર્ગિસ્તાન, કઝાખસ્તાન તથા તઝાકિસ્તાનના અમુક વિસ્તારોમાં પગપેસારો કરવાનો પ્રયાસ કરી શકે છે.

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો