You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બે ફૂટની ગાય, જેને જોવા માટે પહોંચ્યા 15 હજાર લોકો
બાંગ્લાદેશમાં આજકાલ રાનીની ચર્ચા કોઈ મોટી હસ્તી માફક થઈ રહી છે. લોકો રાનીને જોવા અને તેની સાથે ફોટો પડાવવા માટે જુદી-જુદી જગ્યાએથી પહોંચી રહ્યા છે.
રાની એક 'ભુટ્ટી ગાય' એટલે કે ભૂટાની નસલની ગાય છે, જેની ઉંમર લગભગ બે વર્ષ છે. રાનીની ઊંચાઈ માત્ર 51 સેન્ટિમિટર છે અને તેનું વજન 28 કિલોગ્રામ છે.
રાનીને બાંગ્લાદેશના પાટનગર ઢાકાની નજીક સ્થિત ચારીગ્રામના એક ફાર્મ-હાઉસમાં રખાઈ છે. સ્થાનિક મીડિયા અનુસાર, બાંગ્લાદેશમાં કોરોના મહામારી સાથે સંબંધિત પ્રતિબંધ લાગુ હોવા છતાં 15 હજાર કરતાં વધુ લોકો રાનીને જોવા અહીં પહોંચ્યા છે.
આ ફાર્મના મૅનેજર હસન હોલાદારે રાનીનું નામ ગિનીઝ બુક ઑફ વર્લ્ડ રેકર્ડ માટે મોકલ્યું છે. તેમનું કહેવું છે કે રાની વિશ્વની સૌથી નાની ગાય છે.
રાનીને મળવા પહોંચેલાં એક મહિલા દર્શક, રીના બેગમે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે મેં પોતાના જીવનમાં આવી વસ્તુ ક્યારેય નથી જોઈ.
હસન હોલાદાર રાનીને ગત વર્ષે બાંગ્લાદેશના જ નૌગાવ જિલ્લાના એક ફાર્મથી લઈ આવ્યા હતા.
તેઓ જણાવે છે કે, "રાનીને ચાલવામાં થોડી પરેશાની થાય છે, તેથી ફાર્મમાં તેને અન્ય ગાયોથી અલગ રાખવામાં આવે છે. અમને એ વાતનો ડર હોય છે કે ક્યાંક મોટી ગાયો તેને ઈજા ન પહોંચાડી દે."
"તે વધુ ખાતી પણ નથી, તે થોડું ભૂસું જ ખાય છે અને થોડા ચારામાં તેનું પેટ ભરાઈ જાય છે. તેને જ્યારે ફેરવવા લઈ જઈએ છીએ તો તે ખુશ હોય છે અને જો કોઈ તેને બંને હાથથી ખોળામાં ઊંચકી લે તો તે ખૂબ જ વધુ ખુશ થઈ જાય છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અત્યાર સુધી 'વિશ્વની સૌથી નાની ગાય'નું ટાઇટલ મનિકયમ નામની એક ભારતીય ગાય પાસે છે જેની ઊંચાઈ 61.1 સેન્ટિમિટર હોવાનું કહેવાય છે.
રાનીના નામે થશે 'વિશ્વની સૌથી નાની ગાય'નો ખિતાબ?
હસન હોલાદારે બીબીસીને જણાવ્યું કે ગિનીઝ બુક ઑફ વર્લ્ડ રેકર્ડની એક ટીમ આ વર્ષે જ રાનીને જોવા માટે પહોંચશે અને તે નક્કી કરશે કે 'વિશ્વની સૌથી નાની ગાય'નું ટાઇટલ રાનીને આપી શકાશે કે નહીં.
ઇસ્લામિક પર્વ ઈદ આડે હવે અમુક જ અઠવાડિયાં બાકી હોવાના કારણે એવી આશંકા વ્યક્ત કરાઈ રહી છે કે રાનીને કુરબાની માટે વેચી તો નહીં દેવામાં આવે ને!
જોકે, હસન હોલાદારનું કહેવું છે કે હાલ તેમની આવી કોઈ યોજના નથી.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છે