દિલ્હી રમખાણ મામલે ફેસબુકને જે સમન્સ કાઢ્યો તે યોગ્ય - સુપ્રીમ કોર્ટ TOP NEWS

સુપ્રીમ કોર્ટે દિલ્હી વિધાનસભાની શાંતિ અને સૌહાર્દ સમિતિ દ્વારા ફેસબુકને મોકલવામાં આવેલા સમન્સને યોગ્ય ઠરાવ્યો છે અને કહ્યું કે દિલ્હી રમખાણો મામલે જો દિલ્હી વિધાનસભાની સમિતિ ફેસબુકને સવાલ-જવાબ કરવા માગે છે તો તેને શું કામ રોકવી જોઈએ.

ગુરુવારે ન્યાયમૂર્તિ સંજય કિશન કૌલની અધ્યક્ષતાવાળી પીઠે આ વિશે કરેલી કેટલીક ટિપ્પણીઓ અંગ્રેજી અખબાર ધ હિંદુમાં પ્રથમ પાને પ્રકાશિત કરાઈ છે.

ન્યાયાલયે કહ્યું કે લોકતાંત્રિક સરકારનો પાયો ચૂંટણીપ્રક્રિયા છે અને સોશિયલ મીડિયાના કારણે થતી હેરફેરથી તેને ખતરો છે.

ન્યાયાલયે કહ્યું કે ડિજિટલ મંચ કેટલીક વાર અનિયંત્રિત હોય છે અને તેના પોતાના પણ પડકારો હોય છે.

અખબારના રિપોર્ટ અનુસાર ટોચની અદાલતે કહ્યું કે સમગ્ર વિશ્વમાં લોકતાંત્રિક દેશ તેના દુષ્પ્રભાવનો સામનો કરી રહ્યો છે અને તે ચિંતિત પણ છે.

ખંડપીઠે કહ્યું કે દિલ્હી વિધાનસભા અને તેની સમિતિઓ પાસે વિશેષાધિકાર છે કે તેઓ આ મંચના સભ્યો અને બહારના લોકોને હાજર થવા બોલાવી શકે.

કોર્ટે તેનાં 188 પાનાંના નિર્ણયમાં આ ટિપ્પણી કરી છે. અદાલતે ફેસબુક ઇન્ડિયાના ઉપાધ્યક્ષ અને મૅનેજિંગ ડાયરેક્ટર અજિત મોહન તથા અન્ય તરફથી દાખલ પિટિશન ફગાવીને આ ટિપ્પણી કરી. તેમની પિટિશનમાં તેમણે દિલ્હી વિધાનસભાની શાંતિ અને સૌહાર્દ સમિતિ દ્વારા મોકલેલા સમન્સને પડકાર્યો હતો.

ગુજરાતનાં 8 મહાનગરોમાં જ રાત્રી કર્ફ્યુ અમલમાં રહેશે

મુખ્ય મંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના દૈનિક કેસમાં થઈ રહેલા ઘટાડા અને સ્થિતિની સમીક્ષા કરીને કેટલાક મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે.

મુખ્ય મંત્રીની અધ્યક્ષતાની આ કોર કમિટીમાં લેવાયેલા નિર્ણયો મુજબ રાજ્યમાં હવે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ અને ગાંધીનગર એમ આઠ મહાનગરોમાં જ રાત્રી કર્ફ્યુનો અમલ કરાશે.

આ રાત્રી કર્ફ્યુ 10 જુલાઈ રાત્રે 10 કલાકથી 20 જુલાઈ સવારે 6 કલાક સુધીના સમય દરમિયાન દરરોજ રાત્રે 10થી સવારે 6 સુધી રહેશે.

એવો પણ નિર્ણય કરાયો છે કે રાત્રી કર્ફ્યુ અમલમાં છે તે શહેરોમાં તમામ દુકાનો, વાણિજ્યક સંસ્થાઓ, લારી-ગલ્લાઓ, શૉપિંગ કૉમ્પ્લેક્સ, માર્કેટિગ યાર્ડ, અઠવાડિક ગુજરી/બજાર/હાટ, હેર કટિગ સલૂન, બ્યુટી-પાર્લર તેમજ અન્ય વ્યાપારિક ગતિવિધિ રાત્રિના 9.00 કલાક સુધી ખુલ્લી રાખી શકાશે.

તમામ માલિકો, સંચાલકો, કર્મચારીઓ તેમજ કામગીરી સાથે સંકળાયેલી તમામ વ્યક્તિઓએ 31 જુલાઈ સુધીમાં વૅક્સિનનો પ્રથમ ડોઝ લેવાનો રહેશે નહીં તો આવા વાણિજ્યિક એકમો ચાલુ રાખી શકાશે નહીં.

પેરિસમાં ભારતની 20 સંપત્તિ જપ્ત કરવાનો ફ્રાન્સની કોર્ટનો આદેશ

ભારત પાસેથી 1.72 અબજ ડૉલરની વસૂલાત માટે લંડનમાં લિસ્ટેડ કેઇર્ન એનર્જીએ અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, કૅનેડા, સિંગાપોર, મોરેશિયસ અને નેધરલૅન્ડ્સમાં ભારત સરકારની સંપત્તિ જપ્ત કરવા કામગીરી હાથ ધરી છે.

કરની વસૂલાતના એક કેસમાં આંતરરાષ્ટ્રીય પંચના આદેશને પગલે આ નિર્ણય લેવાયો છે.

'બિઝનેસ સ્ટાન્ડર્ડ'ના રિપોર્ટ અનુસાર કંપનીએ પેરિસમાં ભારતની ઊંચા મૂલ્યની 20 સંપત્તિ જપ્ત કરવા ફ્રેન્ચ કોર્ટ પાસેથી આદેશ મેળવ્યો છે.

ફ્રાન્સમાં ભારત સરકારની અંદાજે બે કરોડ યુરો (રૂ.177.22 કરોડ)ના મૂલ્યની ફ્લેટ્સ સહિતની સંપત્તિ જપ્ત કરવા કોર્ટે આદેશ આપ્યો છે.

જોકે, તેને આવો કોઈ આદેશ મળ્યો નહીં હોવાનું ભારત સરકારે કહ્યું હતું.

કેરળમાં કોરોનાના કેસમાં સતત વધારો યથાવત

કેરળમાં કોરોનાના કેસમાં સતત વધારો થયો છે. છેલ્લા બે દિવસથી અહીં કેસમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે.

છેલ્લે બે મહિનામાં દેશમાં કોરોનાના નોંધાતા કેસની સરેરાશ કરતાં પણ કેરળમાં કેસ વધુ નોંધાતા હોવાનું ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલમાં જણાવાયું છે.

કેરળમાં દરરોજ 11 હજારથી 13 હજાર વચ્ચે કેસ આવી રહ્યા છે. બીજી તરફ આ જ સમયગાળામાં દેશમાં નોંધાતા પ્રતિદિન કુલ કેસ અડધા થઈ ગયા પણ કેરળમાં કેસ વધી રહ્યા છે.

કેરળ સિવાયનાં મોટાં ભાગનાં રાજ્યોમાં કેસ ઘટી રહ્યા છે. પરંતુ કેરળના કેસના લીધે દેશના કુલ કેસનો આંકડો વધારે છે. ત્રીજા ભાગના કેસ કેરળના છે.

કેરળમાં અત્યાર સુધીમાં 30 લાખ લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે, જે તેની 3.5 કરોડની વસ્તીને જોતા ઘણા વધુ છે.

બધા અમેરિકન સૈનિકો 31 ઑગસ્ટ સુધી અફઘાનિસ્તાન છોડી દેશે

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને અફઘાનિસ્તાનમાંથી અમેરિકાના સૈનિકોની વાપસી અંગેના પોતાના નિર્ણયનો બચાવ કરતા કહ્યું કે અફઘાનિસ્તાનમાં અમેરિકન અભિયાન 31 ઑગસ્ટ સુધી સમાપ્ત થઈ જશે.

જે ગતિથી અમેરિકાના સૈનિકો અફઘાનિસ્તાનમાંથી પાછી આવી રહ્યા છે તેનો પણ જો બાઇડને બચાવ કર્યો છે. તેમણે કહ્યું કે આ પગલાંએ લોકોના જીવ બચાવ્યા છે.

રાષ્ટ્રપતિ જો બાઇડનનું આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે તાલિબાન અફઘાનિસ્તાનના ઘણા વિસ્તારોમાં સફળતા હાંસલ કરી રહ્યું છે.

11 સપ્ટેમ્બર, 2001ના ચરમપંથી હુમલા બાદ અમેરિકન સેનાએ લગભગ 20 વર્ષ સુધી અફઘાનિસ્તાનમાં લડાઈ લડી છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો