ભારત-ચીન સરહદ વિવાદઃ શું 'એલએસી' એ જ 'એલઓસી' બની ગઈ છે?

    • લેેખક, સલમાન રાવી
    • પદ, બીબીસી સંવાદદાતા

ભારત અને ચીનની સેના વચ્ચે ગયા વર્ષે ગલવાન ખીણમાં થયેલી હિંસક અથડામણ પછી એલએસી એટલે કે લાઇન ઑફ ઍક્ચુઅલ કન્ટ્રોલ પર તંગદિલી છવાયેલી છે.

આ તંગદિલીને કારણે વ્યૂહરચના સંબંધી બાબતોના નિષ્ણાતોનું માનવું છે ભારતે ચીન સાથેની સરહદે માળખાકીય સુવિધાઓ બહુ ઝડપથી વધારવાની જરૂર છે, ચીને જેટલી ઝડપે અહીં બાંધકામ કર્યું છે તેટલી ઝડપ કરવી જરૂરી છે.

જોકે કેટલાક નિષ્ણાતોનું માનવું છે કે ભારત સાથેની સરહદે ચીને કંઈ રાતોરાત બધું ઊભું કરી દીધું હોય તેવું નથી. છેલ્લા બે દાયકા દરમિયાન ધીમે-ધીમે તેણે અહીં માળખું ઊભું કરવાનું ચાલુ રાખ્યું હતું.

હાલમાં જ બ્લૂમબર્ગમાં પ્રગટ થયેલા એક અહેવાલ અનુસાર ભારતે પણ ચીન સાથેની સરહદે સૈનિકોની સંખ્યા ઘણી વધારે દીધી છે. અહેવાલ અનુસાર, "ભારતે ચીન સાથેની 'લાઇન ઑફ ઍક્ચુઅલ કન્ટ્રોલ' એટલે 'એલએસી' પર પચાસ હજારથી વધુ સૈનિકો ગોઠવી દીધા છે.''

બ્લૂમબર્ગને ઉત્તર વિભાગના ભૂતપૂર્વ લેફ્ટનન્ટ જનરલ ડી. એસ. હુડાને ટાંકીને જણાવ્યું છે કે બંને બાજુએ સેનાની જમાવટ થઈ છે તે ચિંતાનું કારણ છે.

તેમણે કહ્યું કે આવી સ્થિતિમાં સરહદની બંને બાજુ રહેલા સૈનિકો પોતાની તાકાત દેખાડવા કોશિશ કરશે અને કોઈક નાની ઘટના પણ સ્થિતિને કાબૂ બહાર કરી શકે છે.

દર 200 કિલોમિટરે હવાઈ પટ્ટી

વ્યૂહરચનાની બાબતોના જાણકાર વરિષ્ઠ પત્રકાર અભિજીત મિત્રા ઐયરે બીબીસીને જણાવ્યું કે, "ભલે મોડે-મોડે પણ ભારતે છેલ્લા બે વર્ષોમાં ચીન સાથેની સરહદે ઘણું કામ હાથ ધર્યું છે. જોકે ભારત અને ચીનની સરખામણી કરી શકાય તેમ નથી."

તેઓ કહે છે, "ચીને માત્ર 'એલએસી' સાથે જોડાયેલા પોતાના વિસ્તારોમાં સડકો બનાવી એટલું નહીં, પરંતુ સમગ્ર સરહદને હવાઈ પટ્ટીઓથી જોડી દેવાનું કામ કર્યું છે."

ઐયર ચીન અને ભારત વચ્ચેના સંબંધોનો સતત અભ્યાસ કરતા આવ્યા છે.

તેમણે કહ્યું કે ચીને સરહદી વિસ્તારોમાં દર 200 કિલોમિટરે હવાઈ પટ્ટીઓ બનાવી દીધી છે, જ્યાંથી વિમાન અને હેલિકૉપ્ટર ઉડાણ ભરી શકે.

તેઓ કહે છે, "આટલી ઊંચાઈએ સુવિધાઓ ઊભી કરવી તે સ્પષ્ટપણે ચીનની લશ્કરી તાકાતને મજબૂત કરે છે. માત્ર તિબેટના પહાડી વિસ્તારોમાં ચીને દર 250થી 300 કિલોમિટરમાં હવાઈ પટ્ટી બનાવી છે, જ્યારે અરૂણાચલ પ્રદેશ સાથેની એલએસી નજીક પોતાના કબજાના વિસ્તારમાં અમુક જગ્યાએ માત્ર 100થી 150 કિલોમિટર નજીક નજીક હવાઈ પટ્ટીઓ બનેલી છે."

ભારત સાથેની સરહદ પર ચીનના કેટલાક સૈનિકો હશે તેનો ચોક્કસ આંકડો નથી, પરંતુ ભારતની સેનાને એટલી જાણકારી મળેલી છે કે ચીને પોતાના સૈનિકોની હાજરી ઘણી વધારી દીધી છે.

ઐયર કહે છે, "દુર્ગમ પહાડીઓમાં લડાયક વિમાનો ગોઠવવા અને તેની સુરક્ષા માટે 'બૉમ્બપ્રૂફ બંકરો' બનાવવાનું કામ ચીને કર્યું છે. એટલે હુમલો થાય ત્યારે આ વિમાનોને બચાવી શકાય છે. આ ઉપરાંત રક્ષા એજન્સીઓને એવી માહિતી મળી છે કે ચીને 'એલએસી'ના વિસ્તારોમાં ઘણી જગ્યાએ સુરંગો પણ બનાવી દીધી છે, જેથી તે માર્ગે ટૅન્કો અને મિસાઇલની આવનજાવન થઈ શકે."

ચીનના સરકારી અખબાર ગ્લૉબલ ટાઇમ્સે ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા વૅન્ગ બેન્બિંગને ટાંકીને લખ્યું છે કે "ચીન અને ભારત વચ્ચે સ્થિતિ સામાન્ય છે અને બંને દેશો વચ્ચે સરહદ પર સ્થિતિને વધારે સામાન્ય કરવા માટે વાતચીત ચાલી રહી છે."

સંબંધોમાં સુધારાની આશા છે ખરી?

શાંધાઈ સ્થિત 'ઇન્સ્ટિટ્યૂટ ફૉર ઇન્ટરનેશનલ સ્ટડીઝ'ના ડિરેક્ટર ઝાઓ ગેન્ચેંગે ગ્લૉબલ ટાઇમ્સને જણાવ્યું કે બંને દેશો વચ્ચે કમાન્ડર કક્ષાએ 12મા તબક્કાની વાતચીત થવાની છે. તેના માટે સારી રીતે તૈયારી કરી લેવી જોઈએ જેથી સરહદનો વિવાદ ખતમ કરી શકાય અને પરસ્પરના સંબંધો સુધરી શકે.

તેમણે એમ પણ કહ્યું કે બંને દેશો વચ્ચે વાતચીતનો માર્ગ બંધ નથી થયો તે સારી બાબત છે અને બંને દેશોએ તેનો ફાયદો લેવો જોઈએ.

જોકે વ્યૂહરચનાની બાબતોના જાણકાર હર્ષ વી. પંત માને છે કે "વાતચીત હકીકતમાં ચીન તરફથી કરવામાં આવી રહેલી સૌથી મોટી જાળ છે."

પંતના જણાવ્યા અનુસાર 'હિન્દી-ચીની ભાઈ-ભાઈ'ના નારા સાથે જ ચીને 1962માં યુદ્ધ કર્યું હતું. તે પછી છેલ્લા પાંચ દાયકામાં ભારતને એમ લાગતું રહ્યું છે કે પાકિસ્તાન સાથેની સરહદ વધારે સંવેદનશીલ છે.

તેઓ કહે છે, "ભારત પોતાની લશ્કરી તાકાત પાકિસ્તાન તરફથી થનારા સંભવિત હુમલાને ધ્યાનમાં રાખીને વધારતું રહ્યું છે. બીજી બાજુ ચીને ભારત સાથે સારા સંબંધો જાળવી રાખવાની સાથે જ સરહદે પોતાની લશ્કરી તાકાત વધારી દીધી છે."

"છેલ્લા બે દાયકામાં ભારત રાજદ્વારી સંબંધોમાં સુધારા માટે કોશિશ કરતું રહ્યું, અને ચીને સરહદે પોતાનું કામકાજ ચાલુ રાખ્યું. ભારત માનતું રહ્યું કે ચીનથી કોઈ જોખમ નથી અને સંબંધો સારા છે. પરંતુ આ સૌથી મોટી ભૂલ હતી અને ચીન ભારતની સરહદમાં ઘૂસણખોરી કરતું રહ્યું."

ચીન પર કેવી રીતે દબાણ વધશે

જાણકારો કહે છે કે ચીને ભારત માટે જે ધારણાઓ અને રણનીતિ 1959માં બનાવી હતી તેનાં પગલે જ ચાલી રહ્યું છે. તેઓ માને છે કે કમાન્ડર સ્તરે વાતચીત ચાલતી રહે છે તે વાત સાચી, પરંતુ તેનાથી કોઈ ઉકેલ આવવાનો નથી. જોકે હવે એવી પણ ચર્ચા થવા લાગી છે કે સરહદ પર ભારત પોતાની લશ્કરી તાકાત વધારતું રહશે તો આ વ્યૂહની અસર પણ થશે.

હાલમાં જ કેન્દ્રના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને ભારતીય સેનાના વડા લદ્દાખના પ્રવાસે ગયા હતા અને ભારતની સેનાની સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું.

ઐયર કહે છે કે હવે છેક ભારતને ભાન થયું છે કે ચીનની સેનાને પહોંચી વળવા માટે ચીનની જેવી જ નીતિ અપનાવી પડે તેમ છે.

તેઓ કહે છે કે ભારતની સેનાએ આવી રીતો અજમાવવા માટે હંમેશા તૈયાર રહેવું પડશે. ચીન ભારતની હદમાં ઘૂસવાની કોશિશ કરે ત્યારે ભારતીય જવાનોએ પણ 'એલએસી' પાર કરીને નવા વિસ્તારોને પોતાના કબજામાં કરવા પડે.

ગ્લૉબલ ટાઇમ્સના જણાવ્યા અનુસાર આ વર્ષની શરૂઆતમાં ચીનની સેના એટલે કે પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ)એ 'શિનજિયાંગ મિલિટરી કમાન્ડ'ને 'ટાઇપ 15 કક્ષાની લાઇન ટૅન્ક, હૉવિત્ઝર, દૂર સુધી વાર કરી શકતા રૉકેટ લૉન્ચર અને ઍર ડિફેન્સ સિસ્ટમથી સજ્જ કરી છે. આ બધા સાધનો ભારત સાથેની સરહદે ગોઠવવાનું શરૂ કરી દીધું છે.

આ ગતિવિધિઓ જોઈને હર્ષ પંતનું કહેવું છે, "ભારતે હવે એલએસીને જ 'એલઓસી' એટલે કે પાકિસ્તાન સાથે છે તેવી રીતની સરહદ તરીકે જોવાનું શરૂ કરી દેવું જોઈએ."

"એ રીતે જ સેનાને ત્યાં તૈયાર રાખવી જોઈએ, કેમ કે 'એલએસી' જ હવે નવી 'એલઓસી' બની ગઈ છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો