You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મહિલાના સૂટનું ગળું મોટું કરવાની પાકિસ્તાનના દરજીની વણમાગી પુરુષવાદી સલાહ બની ચર્ચાનો મુદ્દો - સોશિયલ
- લેેખક, સના આસિફ ડાર
- પદ, બીબીસી ઉર્દૂ, ઇસ્લામાબાદ
"બહેન આ ખૂબ મોટું થઈ જશે… હું કહી રહ્યો છું ને, આ સારું નહીં લાગે… બહેન આ ઉંમરે સ્લીવલેસ સૂટ… થોડી સ્લીવ લાંબી કરાવી લો બહેન"
આ પ્રકારના વાક્યો પાકિસ્તાનના સોશિયલ મીડિયા પર ત્યારે વાઇરલ થવા લાગ્યા, જ્યારે એક મહિલાએ એક ફોટ શૅર કરીને પ્રશ્ન કર્યો કે તેઓ પોતાના સૂટનું ગળું મોટું બનાવડાવા માગે છે, પરંતુ તેઓ પોતાનાં માતાને આ વાત માટે કેવી રીતે રાજી કરે એ તેમને નથી ખબર.
એ સમયે મહિલાને પોતાના પ્રશ્નનો જવાબ તો ન મળ્યો, પરંતુ એક અન્ય મહિલા યુઝરે જવાબમાં લખ્યું, "અમ્મી શું, અમારા તો દરજી પણ આ પ્રકારના ગળા માટે નથી માનતા."
હિના નામનાં એક યુઝરના આ એક વાક્યથી એવું લાગ્યું કે તેમણે ટ્વિટર પર મોજૂદ મહિલાઓની દુખાતી નસ પર હાથ મૂકી દીધો હતો.
ત્યાર બાદ એક પછી એક મહિલા યુઝરો પોતપોતાના દરજીઓ પાસેથી મળનારી 'નૈતિકતાથી ભરપૂર' સલાહ, મશવરા અને આદેશોની વાત કરવા લાગ્યાં.
એક મહિલાએ લખ્યું કે તેમના દરજી પાછળની બાજુથી તો સૂટનું ગળું ખુલ્લું રાખી દે છે. પરંતુ આગળથી બિલકુલ નહીં.
અન્ય એક યુઝરે મજાકીયા અંદાજમાં પોતાના દરજીની નકલ કરતાં લખ્યું કે - "બહેન આ બહું મોટું થઈ જશે, હું જણાવી રહ્યો છું બહેન આ ઠીક નહીં લાગે."
આશા નામનાં એક યુઝરે લખ્યું - "મા કરતાં વધારે ચિંતિત તો દરજી હોય છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એક યુઝરે લખ્યું કે જ્યારે મેં મારા દરજીને નાનું કમીઝ બનાવવાનું કીધું ત્યારે તેમણે કહ્યું કે, "બેટા, તમે સૈયદ છો, તમે આવી ડિઝાઇન ન બનાવશો, હું નહીં બનાવું."
રહીમા નામનાં એક યુઝરે લખ્યું, "મેં મારા દરજીને કૅપરી ટ્રાઉઝર (ઢીંચણથી ઉપર) બનાવવા માટે કહ્યું, તો તેમણે કહ્યું, ના, આટલું નાનું સારું નહીં લાગે."
અન્ય એક યુઝરે લખ્યું, "અમારો દરજી સ્લીવલેસ સૂટ તો શું, શૉર્ટ સ્લીવ્સ માટે પણ નથી માનતો."
એક યુઝરે લખ્યું, "એક મિત્રની બહેન લેંઘા સાથે ચોળી બનાવવા માગતી હતી, પરંતુ દરજીએ કહ્યું કે મારી દાઢીની શરમ કરો."
'મહિલા દરજી પણ આપે છે વણમાગી સલાહ'
આ શોરબકોરમાં કેટલાંક મહિલાઓએ એવું પણ કહ્યું કે માત્ર પુરુષ દરજી જ નહીં પરંતુ મહિલા દરજી પણ આવી જ 'અમૂલ્ય સલાહ' આપે છે.
માહિરા નામનાં એક યુઝરે પોતાની આ લાચારી અભિવ્યક્ત કરતાં લખ્યું, "પુરુષ દરજી તો જવા દો, અમે તો મહીલા દરજીને પણ કંઈ નથી કહી શકતાં."
એક યુઝરે લખ્યું કે જ્યારે તેમણે પોતાનાં મહિલા દરજીને ખુલ્લું ગળું બનાવવા માટે કહ્યું, તો તેમણે મારા શરીરની મજાક ઉડાવી અને કહ્યું કે તમારા પર તે સારી ફિટિંગ નહીં આવે.
એક અન્ય મહિલાએ બૉડી શેમિંગનો ઉલ્લેખ કરતાં લખ્યું, કે "મારી એક સખી અત્યંત પાતળી છે અને તેનો દરજી હંમશાં તેની માને કહે છે કે તે તેના માટે આખો સૂટ શું કામ ખરીદે છે, માત્ર એક પીસ (કાપડનું કપાયેલો ટુકડો) લઈ લો."
અમુક પુરુષોએ પણ આપ્યો મહિલાઓનો સાથ
પરંતુ સમગ્ર વાતચીતમાં, કેટલાક પુરુષ દરજી પણ રસ્તા પર ચાલતાં મહિલાઓને 'પોતાના હિસાબથી' પોતાની મફતની સલાહ આપતા દેખાયા.
ઍડ્વોકેટ અબ્બાસી નામના એક યુઝરે લખ્યું, "એ વાતનું જરૂર ધ્યાન રાખજો કે જો દરજીએ આવું ગળું બનાવી પણ દીધું, તો તેને પોતાના ઘરની ચાર દીવલામાં પોતાના પતિ સામે જ પહેરજો."
અબ્દુલ્લા નામના એક યુઝરે લખ્યું છે, "આના પરથી એ વાતની ખબર પડે છે કે પોતાનાં મહિલા ગ્રાહકોને પોતાનાં બહેન માને છે. નહીંતર તેઓ રાજીખુશી બનાવી આપત."
પરંતુ કેટલાક પુરુષ યુઝર એવા પણ હતા જેમણે મહિલાઓનો સાથ આપ્યો.
શહઝાદ રબ્બાનીએ લખ્યું કે પોતાના દરજીને જણાવો કે આ વિશ્વ સ્વતંત્ર છે.
તેમજ હૈદર નામના એક યુઝરે લખ્યું - 'પોતાના દરજીને કહો કે તેઓ દરજી રહે, પતિ ન બને.'
પરંતુ આ ચર્ચાને વિસ્તારપૂર્વક વાંચવામાં આવે તો ખબર પડશે કે દરજીના આ 'જુલમ'ના શિકાર માત્ર મહિલાઓ જ નથી. પરંતુ પુરુષોનેય ક્યારેક ક્યારેક આ પ્રકારના 'અન્યાય'નો સામનો કરવો પડે છે.
આદિલ ખાને લખ્યું છે, "મારો દરજી, તો મારો પાયજામો પણ નાનો સીવી દે છે જેથી તે એડીથી નીચે ન જાય."
ફારૂક અફરીદીએ લખ્યું છે, "જો અમે દરજીને પાટલૂન ટાઇટ કરવા જણાવીએ છીએ તો, તેઓ કહે છે, ભાઈ હું આવું નહીં કરી શકું, આ બહુ વધારે છે."
પુરુષોને મળનારી સલાહ વિશે તો હું કશું નથી કહી શકતી, પરંતુ ટ્વિટર પર આ ચર્ચામાં હું ઘણી બધી મહિલાઓ સાથે સંમત જરૂર છું, કારણ કે મારા દરજીએ પણ મને કંઈક આવી જ સલાહ આપી હતી, પરંતુ જ્યારે મને તક અને બીજા સારા દરજી મળ્યા મેં તરત જ તેમને બદલી નાખ્યા.
તેથી મહિલાઓને મારી એ જ સલાહ છે કે ક્યારે આશા ન મૂકશો અને પોતાની પસંદના દરજીની 'તલાશ' કરતાં રહો.
અને હા, સૌથી મહત્ત્વપૂર્ણ વાત… હંમેશાં એ જ પહેરો જે તમને પસંદ હોય અને જે તમને તમારા પર સારું લાગે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો