You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઈરાનમાં ઇબ્રાહિમ રઈસી રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા બાદ ઇઝરાયલની ચિંતા કેમ વધી ગઈ?
ઇઝરાયલે કહ્યું છે કે આંતરરાષ્ટ્રીય સમુદાયે ઈરાનના નવા રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રઈસીની ચૂંટણી પર ભારે ચિંતા વ્યક્ત કરવી જોઈએ.
ઇઝરાયલના વિદેશમંત્રાલયના પ્રવક્તા લિયૉર હાઇયાતે કહ્યું છે કે રઈસી ઈરાનના અત્યાર સુધીના સૌથી કટ્ટરપંથી રાષ્ટ્રપતિ છે.
નવા નેતા ઈરાનની પરમાણુ-હિલચાલને વધારશે એવી પણ તેમણે ચેતવણી આપી છે.
ઇબ્રાહિમ રઈસીને શનિવારે ઈરાનમાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં વિજેતા જાહેર કરવામાં આવ્યા છે.
કેટલાય લોકોનું માનવું છે કે ઈરાની ચૂંટણીની દોટ જ એ રીતે ડિઝાઇન કરવામાં આવી હતી કે રઈસીને સરસાઈ પ્રાપ્ત થાય.
રઈસી ઑગસ્ટમાં ઈરાનના રાષ્ટ્રપતિનું પદ સંભાળશે.
તેઓ ઈરાનના ટોચના ન્યાયાધીશ છે અને ભારે રૂઢીવાદી વિચારો ધરાવે છે. તેઓ રાજકીય કેદીઓને મૃત્યુદંડ આપવાના નિર્ણયો સાથે સંકળાયેલા રહ્યા છે અને અમેરિકાએ તેમના પર પ્રતિબંધો લાદ્યા છે.
ઈરાનના સરકારી મીડિયામાં પ્રસારિત એક નિવેદનમાં રઈસીએ કહ્યું છે, "હું એક પ્રામાણિક, મહેનતુ, ક્રાંતિકારી અને ભ્રષ્ટાચારવિરોધી સરકાર બનાવીશ."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ટ્વિટર પર તેમની ટીકા કરતા હાઇયાતે કહ્યું છે કે તેઓ એક કટ્ટરપંથી વ્યક્તિ છે, જે ઈરાનના સૈન્ય પરમાણુ કાર્યક્રમને ભારે ઝડપથી આગળ વધરાવા પ્રતિબદ્ધ છે.
ઇબ્રાહિમ રઈસી બનશે આઠમા રાષ્ટ્રપતિ
ઈરાનમાં થયેલી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મૌલવી ઇબ્રાહીમ રઈસીને વિજેતા જાહેર કરી દેવાયા છે.
નોંધનીય છે કે ઈરાનમાં યોજાયેલી રાષ્ટ્રપતિપદ માટેની ચૂંટણીમાં ઇબ્રાહીમ રઈસી અબ્દુલ નસીર હિમ્મતી, મોહસેન રઝઈ અને ગાઝીઝાદેહ હાશેમી વિરુદ્ધ 50 ટકા કરતાં વધુ મત મેળવી જીત હાંસલ કરી છે.
ઈરાનની ન્યાયપાલિકાના પ્રમુખ રહેલા રઈસી દેશના 13મા રાષ્ટ્રપતિ હશે. ઈરાનમાં શુક્રવારે 18 જૂનના રોજ મતદાન થયું હતું.
રઈસી ઑગસ્ટ માસના મધ્ય ભાગમાં રાષ્ટ્રપતિનો પદભાર સંભાળે તેવું કહેવાઈ રહ્યું છે.
બીબીસી ફારસી સેવા પ્રમાણે તેઓ ઈરાનના આઠમા રાષ્ટ્રપતિ બનશે.
14 ડિસેમ્બર 1960ના રોજ ઉત્તર પૂર્વ ઈરાનના મશહદમાં જન્મેલા હોજ્જત અલ-ઇસ્લામ સૈય્યદ રઈસીને કટ્ટરપંથી વિચારધારાવાળા નેતા માનવામાં આવે છે.
રઈસી ઈરાનની સૌથી સમૃદ્ધ સામાજિક સંસ્થા અને મશહાદ શહરમાં મોજૂદ આઠમા શિયા ઇમામ રેઝાની પવિત્ર દરગાહ અસ્તાન-એ-કોદ્સના સંરક્ષક પણ રહી ચુક્યા છે.
બીબીસી મૉનિટરિંગ અનુસાર રઈસી હંમેશાં કાળી પાઘડી ધારણ કરે છે જે એ વાતનું પ્રતીક છે કે તેઓ સૈયદ એટલે કે શિયા મુસ્લિમ પયગંબર મહમદના વંશજ છે.
બીબીસી મૉનિટરિંગે વૉશિંગટન પોસ્ટમાં છપાયેલા એક સમાચાર અનુસાર જણાવ્યું છે કે રઈસીને અયાતુલ્લાહ અલી ખમેનેઈના સંભવિત ઉત્તરાધિકારી સ્વરૂપે જોવામાં આવી રહ્યા છે.
અયાતુલ્લાહ અલી ખામેનેઈ 82 વર્ષના થઈ ગયા છે અને તેમના ઉત્તરાધિકારી શોધવા એ હાલ સૌથી મોટી પ્રાથમિકતા છે.
વિશ્વમાંથી કેવી પ્રતિક્રિયા મળી?
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ઇબ્રાહિમ રઈસીને શુભેચ્છા પાઠવી છે. બન્ને રાષ્ટ્રો વચ્ચે પારંપરિક રીતે સારા સંબંધો છે. પુતિનની શુભેચ્છામાં પણ આ સંબંધોની જ વાત કરવામાં આવી છે.
સીરિયા, ઇરાક, તુર્કી અને સંયુક્ત આરબ અમીરાતના નેતાઓએ પણ રઈસીને અભિનંદન પાઠવ્યાં છે.
ગાઝામાં શાસન કરી રહેલા પેલેસ્ટાઇનિયન કટ્ટરવાદી સમૂહ હમાસના એક પ્રવક્તાએ પણ ઈરાનની સંપન્નતાની દુઆ કરી છે અને રઈસીને શુભેચ્છા સંદેશ મોકલ્યો છે.
જોકે, આ દરમિયાન માનવાધિકાર-સંગઠનોનું કહેવું છે કે રઈસીએ જે અત્યાચાર કર્યા છે, એની તપાસ થવી જોઈએ.
'હ્યુમન રાઇટ્સ વૉચ' સાથે સંકળાયેલા માઇકલ પૅજે કહ્યું, 'ઈરાનની રૂઢીવાદી ન્યાયપાલિકાના પ્રમુખ તરીકે રઈસીની દેખરેખ હેઠળ ઈરાનના વર્તમાન સમયમાં સૌથી ઘૃણાસ્પદ ગુના થયા છે. એમને ઊંચા પદ પર નિયુક્ત કરવાને બદલે તપાસ થવી જોઈએ અને જવાબદારી નક્કી થવી જોઈએ.''
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો