You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કોરોના લૉકડાઉન : ગુજરાતમાં રાત્રિ કર્ફ્યૂ હજી એક અઠવાડિયું રહેશે
ગુજરાતમાં કોરોનાનો કેર છેલ્લા અઠવાડિયાથી ઓછો થતો દેખાઈ રહ્યો ત્યારે મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ ગુજરાતમાં વધારાના મર્યાદિત નિયંત્રણો અઠવાડિયું લંબાવી દીધાં છે.
ગુજરાતના 8 મહાનગરો સહિત 36 શહેરોમાં રાત્રિના 8થી સવારના 6 વાગ્યા સુધી કોરોના કર્ફ્યૂ અને વધારાના મર્યાદિત નિયંત્રણો 12 મેથી 18 મે 2021 સુધી લાગુ રહેશે.
મુખ્ય મંત્રીના અધ્યક્ષપદે મળેલી કોર કમિટિની બેઠકમાં આ અંગે નિર્ણય લેવામાં આવ્યો છે.
આ નિયંત્રણો દરમિયાન તમામ આવશ્યક સેવાઓ ચાલુ રહેશે. અનાજ-કરિયાણાની દુકાન, શાકભાજી, ફળ-ફળાદિ, મેડિકલ સ્ટોર, મિલ્ક પાર્લર, બેકરી તથા ખાદ્યપદાર્થોની દુકાનો, ચશ્માની દુકાનો ખુલ્લી રહેશે.
36 શહેરોમાં તમામ ઉદ્યોગો, ઉત્પાદન એકમો, કારખાનાઓ અને બાંધકામ પ્રવૃત્તિઓ યથાવત ચાલુ રહેશે.
મુખ્ય મંત્રીએ આ જણાવ્યું કે, ગુજરાતમાં કોરોના કેસો વધ્યા નથી પરંતુ સમગ્ર દેશમાં કોરોના સંક્રમણની સ્થિતિને ધ્યાને લઈ ગુજરાત સરકારે રાજ્યના સૌ નાગરિકોને સલામત-સુરક્ષિત રાખવા રાત્રી કર્ફ્યૂ અને વધારાના મર્યાદિત નિયંત્રણો વધુ એક સપ્તાહ માટે યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે.
રાજ્ય સરકારે ડેરી, દૂધ-શાકભાજી, ફળો ઉત્પાદન, વિતરણ અને વેચાણ તથા તેની હોમ ડિલિવરી સેવાઓ ચાલુ રાખવાના આદેશો કર્યા છે. શાકભાજી માર્કેટ તથા ફ્રૂટ માર્કેટ ચાલુ રહેશે. કરિયાણું, બેકરી, બધા પ્રકારની ખાદ્ય સામગ્રીનું વેચાણ અને તેની ઓનલાઇન સેવાઓ, અનાજ તથા મસાલા દળવાની ઘંટી, ઘરગથ્થુ ટિફીન સેવાઓ અને હોટેલ/રેસ્ટોરન્ટની ટૅક અવે સેવાઓ ચાલુ રહેશે.
સરકારી, અર્ધસરકારી, બોર્ડ, કૉર્પોરેશન, બૅન્કો, નાણાકિય સંબંધિત સેવાઓ, કેશ ટ્રાન્ઝેક્શન સેવાઓ, બૅન્કોના ક્લિયરીંગ હાઉસ, એ.ટી.એમ/સી.ડી.એમ. રિપેરર્સ, સ્ટોક એક્સચેન્જ, સ્ટોક બ્રોકરો, વીમા કંપનીઓ તથા તમામ પ્રકારની ખાનગી ઑફિસોમાં કર્મચારીઓની હાજરીની સંખ્યા 50 ટકા રાખવાની રહેશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ શહેરોમાં ઇન્ટરનેટ, ટેલિફોન,મોબાઇલ સર્વિસ પ્રોવાઇડર, આઇ.ટી. અને તેને સંબંધિત સેવાઓ, પ્રિન્ટ અને ઇલેકટ્રોનિક મીડિયા, ન્યૂઝ પેપર ડિસ્ટ્રિબ્યુશન, પેટ્રોલ, ડીઝલ, એલ.પી.જી., સી.એન.જી., પી.એન.જી. સંબંધિત પમ્પ, ઑપરેશન ઑફ પ્રોડકશન યુનિટ, પોર્ટ ઓફ લોડિંગ, ટર્મિનલ ડેપો, પ્લાન્ટ્સ તથા તેને સંબંધિત ટ્રાન્સપોર્ટેશન, ડિસ્ટ્રિબ્યુશન અને રિપેરીંગ સેવાઓ, પોસ્ટ અને કુરિયર સર્વિસ, ખાનગી સિક્યૉરિટી સેવાઓ ચાલુ રહેશે.
આ 36 શહેરોમાં પશુ આહાર, ઘાસચારો તથા પશુઓની દવા તથા સારવાર સંબંધિત સેવાઓ, કૃષિ કામગીરી, પેસ્ટ કંટ્રોલ અને અન્ય આવશ્યક સેવાઓનું ઉત્પાદન, પરિવહન અને પુરવઠા વ્યવસ્થા, તમામ આવશ્યક ચીજ વસ્તુઓનું પરિવહન, સંગ્રહ અને વિતરણને લગતી તમામ સેવાઓ યથાવત રહેશે.
આંતરરાજ્ય, આંતરજિલ્લા અને આંતરશહેરની ટ્રાન્સપોર્ટ સેવાઓ તથા તેને સંલગ્ન ઇ-કૉમર્સ સેવાઓ પણ ચાલુ રહેશે.
રાજ્યમાં તમામ પ્રકારના ઉત્પાદન/ઔદ્યોગિક એકમો અને તેને રો-મટીરિયલ પૂરો પાડતા એકમો ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે, તેના સ્ટાફ માટેની વાહનવ્યવસ્થા ચાલુ રહેશે. જે દરમિયાન COVID-19 સંબંધીત માર્ગદર્શક સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. બાંધકામને લગતી પ્રવૃત્તિઓ ચાલુ રહેશે જે દરમિયાન COVID-19 સંબંધિત માર્ગદર્શક સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
સમગ્ર રાજ્યમાં શૈક્ષણિક સંસ્થા અને કોચિંગ સેન્ટરો (ઓનલાઇન શિક્ષણ સિવાય), સિનેમા થિયેટરો, ઓડિટોરિયમ, ઍસેમ્બલી હોલ, વૉટર પાર્ક, જાહેર બાગ-બગીચા, મનોરંજક સ્થળો, સલૂન, સ્પા, બ્યુટિ પાર્લર, જિમ, સ્વિમિંગ પુલ ઉપરાંત તમામ પ્રકારના મૉલ અને કર્મશિયલ કૉમ્પલેક્ષ બંધ રહેશે.
સમગ્ર રાજ્યમાં APMCમાં માત્ર શાકભાજી તથા ફળ-ફળાદિનું ખરીદ-વેચાણ ચાલુ રહેશે. જે દરમિયાન COVID-19 સંબંધીત માર્ગદર્શક સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
આ સમયગાળા દરમિયાન લગ્ન માટે ખુલ્લા અથવા બંધ સ્થળોએ મહત્તમ 50 (પચાસ) વ્યક્તિઓની મંજૂરી રહેશે. લગ્ન માટે DIGITAL GUJARAT PORTAL પર નોંધણીની જોગવાઈ યથાવત્ રહેશે.
અંતિમક્રિયા/દફનવિધિ માટે મહત્તમ 20 વ્યક્તિઓની મંજૂરી રહેશે.
તમામ પ્રકારના રાજકીય, સામાજિક, ધાર્મિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક, કાર્યક્રમો/મેળાવડાઓ સદંતર બંધ રહેશે.
પ્રેક્ષકોની ઉપસ્થિતિ વગર સ્પૉર્ટ્સ કૉમ્પ્લેક્ષ/સ્પોર્ટ્સ સ્ટેડિયમ/સંકુલમાં પ્રેક્ષકો વગર રમત-ગમત ચાલુ રાખી શકાશે.
તમામ ધાર્મિક સ્થાનો જાહેર જનતા માટે બંધ રહેશે. ધાર્મિક સ્થાનો ખાતેની દૈનિક પૂજા વિધિ ધાર્મિક સ્થાનોના સંચાલકો/પૂજારીએ દ્વારા જ કરવાની રહેશે.
પબ્લિક બસ ટ્રાન્સપોર્ટ મહત્તમ 50% પ્રવાસીઓની ક્ષમતાથી ચાલુ રહેશે.
BJP અધ્યક્ષ નડ્ડાનો સોનિયા ગાંધીને પત્ર, 'કોરોનામાં કૉંગ્રેસ નેતાઓના વલણને યાદ રખાશે'
ભાજપના અધ્યક્ષ જે. પી. નડ્ડાએ કોરોના મહામારીની સ્થિતિ સંદર્ભે કૉંગ્રેસની ટીકાનો જવાબ આપતાં કૉંગ્રેસ અને તેમના નેતાઓ પર આકરા પ્રહાર કર્યા છે.
નડ્ડાએ સોમવારે કૉંગ્રેસ કારોબારી સમિતિમાં મોદી સરકારની ટીકા કરી હતી, અને જવાબ આપતાં કૉંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને પત્ર લખ્યો છે.
તેમાં એમણે લખ્યું, "મહામારી દરમિયાન કૉંગ્રેસના વ્યવહારથી હું હેરાન નથી, પણ ચોંકી ગયો છું."
તેમણે કહ્યું, "રાહુલ ગાંધી સહિત કૉંગ્રેસના નેતાઓનો વ્યવહાર બે મોઢાંવાળો રહ્યો છે, જેને યાદ રાખવામાં આવશે."
પત્રમાં રસીકરણ અંગે થઈ રહેલી ટીકા અંગે તેમણે આરોપ લગાવ્યો છે કે કૉંગ્રેસે વૅક્સિન અંગે ભ્રમની સ્થિતિ પેદા કરવાની કોશિશ કરી છે.
નડ્ડા લખે છે, "તાજેતરના ઇતિહાસમાં ભારતમાં રસી અંગે કોઈ ખચકાટ નથી, પણ કૉંગ્રેસે એક એવી મહામારી દરમિયાન આ બધું કરવાની કોશિશ કરી જે સદીમાં એકાદ વખત આવે છે."
નડ્ડા લખે છે કે આવા સમયે જ્યારે આખું ભારત કોરોના સામે લડી રહ્યું છે, ત્યારે કૉંગ્રેસ લોકોમાં ભ્રમ ફેલાવવાનું અને ખોટો ડર ફેલાવવાનું બંધ કરવું જોઈએ.
ભારતમાં કોરોના મહામારીની બીજી લહેર દરમિયાન કેન્દ્ર સરકાર પર સતત આક્રમણ કરી રહેલી કૉંગ્રેસ પાર્ટીએ સોમવારે કારોબારી સમિતિની બેઠક પછી પ્રસ્તાવ પસાર કર્યો હતો.
જેમાં લખ્યું હતું, "કોરોનાથી જે પ્રકારે જાન-માલનું નુકસાન થઈ રહ્યું છે અને જે પ્રકારે આ સરકાર નિષ્ક્રિય છે અને મોદી સરકારે દેશને રામભરોસે છોડી દીધો છે; એની પર કૉંગ્રેસની કારોબારી સમિતિએ વ્યાપક પ્રસ્તાવ પસાર કર્યો છે."
બેઠકની શરૂઆતમાં જ પાર્ટીનાં અધ્યક્ષ સોનિયા ગાંધીએ કહ્યું, "કોવિડ 19ની બીજી લહેર મોદી સરકારની ઉદાસીનતા, અસંવેદનશીલતા અને અક્ષમતાનું સીધું પરિણામ છે."
મોદી સરકારે મહામારી માટે કામ કર્યું હોત તો વિદેશી મદદની જરૂર ન પડી હોત : રાહુલ ગાંધી
કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ફરી એક વાર દેશમાં સતત વધી રહેલા કોરોનાના સંક્રમણને લઈને મોદી સરકારને ઘેરી છે.
રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને મોદી સરકારની ટીકા કરી હતી. તેમણે લખ્યું હતું: વિદેશી આશરો મળ્યા પર કેન્દ્ર સરકાર વારંવાર ગર્વ અનુભવે એ નિરાશાજનક છે. જો મોદી સરકારે પોતાનું કામ યોગ્ય રીતે કર્યું હોત તો આવો સમય જ ન આવ્યો હોત.
તેમણે અન્ય એક ટ્વીટમાં મોદી સરકારને ઍપ-નિર્ભર ગણાવી હતી અને લખ્યું હતું કે, દુર્ભાગ્યે કોરોના એમને પણ થઈ રહ્યો છે જેમની પાસે ઇન્ટરનેટની સુવિધા નથી. એટલે કે ભારતની અડધી વસતી.
નહીં બચાવે 'અયોગ્ય સેતુ અને NoWin' જેવી ઍપ બલકે વૅક્સિનના બે જૅબ.
નોંધનીય છે પાછલા ઘણા સમયથી રાહુલ ગાંધી સોશિયલ મીડિયામાં અને જાહેરમાં મોદી સરકાર પર કોરોનાના મિસમૅનેજમૅન્ટને લઈને હુમલા કરી રહ્યા છે.
કોરોનાથી ગુજરાતમાં દોઢથી બે લાખ મૃત્યુ, રાજ્ય સરકાર માહિતી છુપાવે છે : કૉંગ્રેસ MLA નૌશાદ સોલંકી
ટાઇમ્સ ઑફ ઇન્ડિયા ડોટકૉમના એક અહેવાલ અનુસાર ગુજરાત કૉંગ્રેસે સોમવારે યોજેલી એક પત્રકારપરિષદમાં અત્યાર સુધી કોરોનાના કારણે રાજ્યમાં જીવ ગુમાવનાર તમામ વ્યક્તિઓ માટે ચાર-ચાર લાખ રૂપિયાનું વળતર આપવાની માગ સરકાર સામે કરી છે.
આ પત્રકારપરિષદમાં ગુજરાત કૉંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું હતું કે અત્યાર સુધી ગુજરાતમાં કોરનાના કારણે સરકારી આંકડા પ્રમાણે 8,394 મૃત્યુ થયાં છે.
આ તમામને ડિઝાસ્ટર મૅનેજમેન્ટ ઍક્ટની સૅક્શન 12 અંતર્ગત મૃત્યુના કિસ્સામાં વળતર ચૂકવવાની જોગવાઈ છે.
તેમણે કહ્યું હતું કે કોરોનાથી મૃત્યુ પામેલા મોટા ભાગના લોકો નિમ્ન-મધ્યમ વર્ગ અને મધ્યમ વર્ગના હોઈ આ જોગવાઈનું પાલન જરૂરી બની જાય છે.
આ સિવાય અમિત ચાવડા સાથે પત્રકારપરિષદમાં હાજર રહેલા કૉંગ્રેસના દસાડાના ધારાસભ્ય નૌશાદ સોલંકીએ જણાવ્યું હતું કે અત્યાર સુધી રાજ્યમાં દોઢથી બે લાખ લોકો કોરોનાના કારણે મૃત્યુ પામ્યા છે. પરંતુ સરકારી ચોપડે આ આંકડા નથી. સરકાર આંકડા છુપાવી રહી છે.
જોકે, અહીં નોંધનીય છે કે ગુજરાત સરકારના મંત્રીઓ વાંરવાર આ પ્રકારના આક્ષેપોને જાહેરમાં નકારતા આવ્યા છે.
જબલપુર VHPના પ્રમુખની એક લાખ નકલી રેમડેસિવિર ઇન્જેક્શન વેચવાના આરોપમાં ધરપકડ
ઇન્ડિયા ટુડે ડોટઇનના એક અહેવાલ અનુસાર જબલપુર પોલીસે વિશ્વ હિંદુ પરિષદ (VHP)ની નર્મદા વિભાગના પ્રમુખ અને અન્ય બે લોકોની રેમડેસિવિર ઇન્જેક્શન વેચવાના આરોપમાં ધરપકડ કરી છે.
તેમના પર જરૂરિયાતમંદ લોકોને એક લાખ નકલી રેમડેસિવિર વેચવાનો આરોપ છે.
જબલપુરના અધિક SP રોહિત કશવાણીએ આ અંગે કહ્યું હતું કે "સરબજીત સિંઘ મોખા, દેવેન્દર ચૌરસિયા અને સ્વપન જૈન નામના આરોપીઓની ભારતીય દંડ સંહિતાની કલમ 274, 275, 308 અને 420 અને ડિઝાસ્ટર મૅનેજમૅન્ટ તેમજ ડ્રગ્સ ઍન્ડ કૉસ્મેટિક્સ ઍક્ટ અંતર્ગત ધરપકડ કરાઈ છે."
જબલપુર VHPના પ્રમુખ સરબજીત સિંઘ મોખા શહેરમાં એક હૉસ્પિટલના માલિક પણ છે.
નોંધનીય છે કે ગુજરાત સહિત સમગ્ર ભારતમાં હાલ કોરોના માટે ગુણકારી મનાતી નકલી દવાઓના વેચાણના કિસ્સા સામે આવી રહ્યા છે. કમનસીબે ઘણા લોકો આવી છેતરપિંડીનો શિકાર બની પોતાના સ્વજનો ગુમાવવા મજબૂર બન્યા છે.
કોરોનાના ભારતીય વૅરિયન્ટ અંગે WHOની વૈશ્વિક સ્તરે ચેતવણી
વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)એ સોમવારે ભારતમાં મળી આવેલા વૅરિયન્ટને અત્યંત ચિંતાજક ગણાવ્યો છે.
WHOએ કહ્યું કે ભારતમાં ફેલાઈ રહેલો B.1.617 વૅરિયન્ટ વધુ ચેપી જણાઈ રહ્યો છે અને તે ચિંતાજનક બાબત છે.
WHOની કોવિડ-19 પ્રમુખ મારિયા વેન કેરખોવે કહ્યું કે એવી જાણકારીઓ છે જે જણાવે છે કે આ વૅરિયન્ટ વધુ ખતરનાક છે અને વૅક્સિન સામે પણ વધુ પ્રતિકાર કરે છે.
મારિયાએ આગળ કહ્યું છે કે "અમે તેને આધિકારિકપણે વૈશ્વિક સ્તરે ચિંતા ઊપજાવનાર વૅરિયન્ટ જાહેર કરીએ છીએ."
WHOએ કહ્યું છે કે B.1.617 વૅરિયન્ટની વંશાવલી વિશે ડિસેમ્બરના અંતમાં ભારતમાં પહેલી વખત ખબર પડી હતી, જ્યારે તેનું શરૂઆતનું સ્વરૂપ ઑક્ટોબર 2020માં દેખાયું હતું.
આ વૅરિયન્ટ ઘણા દેશોમાં ફેલાયો છે અને ઘણા દેશોએ ભારતથી આવનારી ફ્લાઇટો પર રોક લગાવી દીધી છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો