રશિયાના કઝાન શહેરની શાળામાં ગોળીબાર, સાત બાળકો અને બે શિક્ષકોનાં મૃત્યુ

રશિયાના કઝાન શહેરની એક સ્કૂલમાં ગોળીબારમાં સાત બાળકો અને બે શિક્ષકો મૃત્યુ પામ્યાં છે. આ ઘટનામાં કમ સે કમ 21 જેટલાં બાળકો ઘાયલ થયાં છે.

આ તમામ બાળકો 8 ગ્રેડમાં અભ્યાસ કરતાં હતાં અને એ રીતે એમની વય 15ની આસપાસ છે.

ગોળીબારથી બચવા માટે કેટલાંક બાળકોએ બારીમાંથી જમ્પ લગાવ્યો હતો. રશિયન ટીવીનું કહેવું છે બીજા માળની બારીમાંથી જમ્પ કરનારાં બે બાળકોનું મૃત્યુ થયું છે.

અધિકારીઓ મુજબ બે લોકોએ સ્કૂલમાં અંધાધૂધ ગોળીઓ વરસાવી. આ ઘટનામાં એક 19 વર્ષીય યુવકની ધરપકડ કરવામાં આવી છે.

કઝાન શહેર પૂર્વ મૉસ્કોથી 820 કિલોમીટર દૂર છે.

ઇમારતમાં એક વિસ્ફોટ પણ થયો હતો. હુમલો કરનાર બે લોકો પૈકી એક હુમલાખોર ચોથા માળે માર્યો ગયો.

કઝાનમાં શાળામાં હુમલા બાદ રશિયાના રાષ્ટ્રપતિ પુતિને કહ્યું છે કે તેઓ દેશના ગન કંટ્રોલ લૌની સમીક્ષા કરશે.

કઝાન શહેર મુસ્લિમ ગણરાજ્ય તાતારસ્તાનની રાજધાની છે.

કઝાનની શાળા નંબર 175ની બહાર મોટી સંખ્યામાં સુરક્ષાદળો અને ઇમર્જન્સી વાહનો જમા થયાં છે.

સોશિયલ મીડિયા પર શૅર કરવામાં આવેલી તસવીરોમાં સ્કૂલની બારીમાંથી બાળકો કૂદતાં દેખાય છે અને ઘાયલોને બહાર કાઢવામાં આવી રહ્યાં છે.

તાતારસ્તાનના રાષ્ટ્રપતિ રુસ્તમ મિલિખાનોફે પત્રકારોને સ્કૂલની બહારથી કહ્યું કે, આ એક આપદા છે અને 12 બાળકો અને 4 કિશોરોનો હૉસ્પિટલમાં ઇલાજ ચાલી રહ્યો છે.

એમણે કહ્યું, આતંકવાદીની ધરપકડ કરી લેવાઈ છે. તે 19 વર્ષનો છે અને એક નોંધાયેલા હથિયારનો માલિક છે.

સોશિયલ મીડિયા પરના એક વીડિયોમાં ઇમારતની બહાર એક કિશોરને જમીન પાડીને પકડી લેવામાં આવ્યો હોય એમ દેખાય છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો