સિએરા લિયોન : આ રીતે થયો ઑઇલ-ટૅન્કરમાં ભીષણ ધડાકો, 90 લોકોનાં મૃત્યુ

પશ્ચિમ આફ્રિકાના દેશ સિએરા લિયોનની રાજધાની ફ્રીટાઉનમાં એક ભીષણ વિસ્ફોટ થયો, જેમાં 90થી વધુ લોકોનાં મૃત્યુ અંગે અહેવાલ છે.

આ ઘટનામાં ડઝનબંધ લોકોને ઈજા થઈ હોવાનું અહેવાલો આધારે જાણવા મળે છે. શહેરના વ્યસ્ત ગણાતા રસ્તા પર ઑઇલ ટૅન્કર અને ગાડી અથડાઈ જતાં ધડાકો થયો હતો.

સ્થાનિક મીડિયામાં જારી કરાયેલી તસવીરો અને વીડિયોમાં ટૅન્કરની આસપાસ મૃતદેહો અને ઈજાગ્રસ્તો નજરે પડે છે.

શહેરના મેયર યવોની અકી-સાયવેરે આ ફુટેજને 'ભયાનક' ગણાવ્યા છે પણ તેમણે એવું પણ કહ્યું છે કે વિસ્ફોટથી થયેલા નુકસાન અંગે સ્થિતિ હજી સુધી સ્પષ્ટ થઈ નથી.

સરકારી શબગૃહના મૅનેજરે સમાચાર સંસ્થા રૉયટર્સને જણાવ્યું છે કે હજી સુધી 91 મૃતદેહ પહોંચ્યા છે.

વિસ્ફોટ વખતે લોકો ગાડીમાં ફસાયા

રિપોર્ટ છે કે શુક્રવારે ગ્રીનવિચ મીન ટાઇમ પ્રમાણે રાત્રે દસ વાગ્યે શહેરના વેલિંગ્ટનમાં એક વ્યસ્ત સુપરમાર્કેટની બહાર રસ્તા પર આ ધડાકો થયો હતો.

વિસ્ફોટ થયો ત્યારે અનેક લોકો પોતાની ગાડીઓમાં ફસાઈ ગયા હતા અને પછી એમના મૃતદેહો મળ્યા હતા.

સિએરા લિયોનની નેશનલ ડિઝાસ્ટર મૅનેજમૅન્ટ એજન્સીના પ્રમુખ બુરેહ સેસેયે સ્થાનિક મીડિયાને જણાવ્યું છે કે આ ઘટના હૃદયવિદારક છે.

આપદાઓ વેઠી રહેલું ફ્રીટાઉન

ફ્રીટાઉનની દસ લાખની વસતી છે, તાજેતરમાં આ શહેરે અનેક ગંભીર આપત્તિ વેઠી છે.

આ વર્ષે જ માર્ચ મહિનામાં શહેરના ઝૂંપડપટ્ટીવાળા એક વિસ્તારમાં આગ લાગવાના કારણે 80થી વધુ લોકોનાં મૃત્યુ થયાં હતાં. એ ઘટનાને પગલે પાંચ હજારથી વધુ લોકો વિસ્થાપિત થયા હતા.

વર્ષ 2017માં ભારે વરસાદને પગલે એક હજારથી વધારે લોકોનાં મૃત્યુ થયાં હતાં.

એ વખતે આખા શહેરમાં કાદવ થઈ ગયો હતો અને ત્રણ હજાર લોકો આશરા વિનાના થઈ ગયા હતા.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો