બાંગ્લાદેશમાં નરેન્દ્ર મોદીનો વિરોધ : 2002નાં ગુજરાતનાં રમખાણોને યાદ કેમ કરાયાં?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
ભારતના પડોશી દેશ બાંગ્લાદેશમાં 'મોદી ગો બેક'ના નારા સાથે ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો વિરોધ થઈ રહ્યો છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી 26 માર્ચે બાંગ્લાદેશના પ્રવાસે જઈ રહ્યા છે, કોરોના વાઇરસના સંક્રમણ બાદ આ પ્રથમ વિદેશપ્રવાસ હોવાથી આની પર સૌની નજર છે.
જોકે બાંગ્લાદેશના એક વર્ગ દ્વારા નરેન્દ્ર મોદીની મુલાકાત પહેલાં વિરોધ કરવામાં આવી રહ્યો છે, શુક્રવારે અને શનિવારે બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં પ્રદર્શનો પણ યોજવામાં આવ્યાં હતાં.
બાંગ્લાદેશના વિદેશમંત્રી અબ્દુલ મોમેને શનિવારે કહ્યું કે એક સમૂહ દ્વારા વિરોધ કરાઈ રહ્યો છે, એનાથી ચિંતિત થવાને કારણ નથી.
તેમણે કહ્યું, "કેટલાક લોકો ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ઢાકાની મુલાકાતના વિરુદ્ધ અભિયાન ચલાવી રહ્યા છે પણ ચિંતાની કોઈ વાત નથી. બાંગ્લાદેશ લોકશાહીમાં માનનારો દેશ છે, જ્યાં નાગરિકોને અભિવ્યક્તિની સ્વતંત્રતા છે."
ઍસોસિયેટ પ્રેસ તેમના અહેવાલમાં લખે છે કે બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં શુક્રવારે કેટલાક મુસ્લિમ સંગઠનો અને કર્મશીલ વિદ્યાર્થીઓએ નરેન્દ્ર મોદીના પ્રવાસનો વિરોધ કરવા પ્રદર્શનો યોજ્યાં હતાં.
આવાં જ કેટલાંક પ્રદર્શનો શનિવારે પણ યોજાયાં હોવાના મીડિયા અહેવાલો પ્રકાશિત થયા છે.

નરેન્દ્ર મોદીના વિરોધમાં ઢાકામાં પ્રદર્શનો

ઇમેજ સ્રોત, Getty Images
ઍસોસિયેટ પ્રેસ લખે છે કે શુક્રવારની નમાઝ પછી 500 જેટલા લોકોએ દેશની મુખ્ય ગણાતી બૈતુલ મોકર્રમ મસ્જિદ બહાર સુરક્ષાના કડક બંદોબસ્ત વચ્ચે પણ કૂચ કરી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એજન્સી એવું પણ નોંધે છે કે પ્રદર્શનકારીઓ કોઈ રાજકીય પક્ષ સાથે સંબંધ ધરાવે છે કે કેમ, એ અંગે તેમને કોઈ સ્પષ્ટતા કરી નથી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વિરોધમાં પ્રદર્શનકારીઓ દ્વારા સૂત્રોચ્ચાર પણ કરાયા હતા.
સમાચાર એજન્સી એએનઆઈ નોંધે છે કે બાંગ્લાદેશ છાત્ર લીગના પ્રમુખ અલ નહીન ખાન જોયે આક્ષેપ કર્યો છે કે આ પ્રદર્શનો પાછળે પાકિસ્તાનનો હાથ છે.
તેમણે આક્ષેપ કરતાં કહ્યું, "ઢાકાસ્થિત પાકિસ્તાની હાઈકમિશન ઇસ્લામિક સંગઠન હિફાઝત-એ-ઇસ્લામને ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ પ્રદર્શનો યોજવા ભંડોળ આપી રહ્યું છે."

ગુજરાતનાં 2002નાં રમખાણોની ચર્ચા કેમ?
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
ઍસોસિયેટ પ્રેસ નોંધે છે કે અન્ય એક પ્રદર્શન ઢાકા યુનિવર્સિટીના પરિસરમાં 200 જેટલા ડાબેરી વિચારધારા ધરાવતા વિદ્યાર્થીઓ દ્વારા યોજવામાં આવ્યું હતું.
એજન્સી લખે છે કે પ્રદર્શનકારી વિદ્યાર્થીઓએ નરેન્દ્ર મોદીને 'ગુજરાતના કસાઈ' ગણાવ્યા હતા અને 'ગો બેક મોદી', 'ગો બેક કિલર' જેવા નારા લગાવ્યા હતા.
એજન્સીના અહેવાલ પ્રમાણે 2002નાં ગુજરાતનાં રમખાણો માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને બાંગ્લાદેશના પ્રદર્શનકારીઓ 'કસાઈ' ગણાવી રહ્યા છે.
વર્ષ 2002માં ગોધરામાં ટ્રેનમાં આગ બાદમાં ગુજરાતમાં તોફાનો ફાટી નીકળ્યાં હતાં.
આ રમખાણોમાં સરકારની અને એ વખતના મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીની ભૂમિકા અંગે અનેક આક્ષેપો થયા છે.
જોકે તોફાનોની તપાસ માટે રચાયેલા નાણાવટી-મહેતાપંચે 2019માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ક્લીનચિટ આપી દીધી હતી.
સોશિયલ મીડિયામાં પણ 2002નાં રમખાણો અંગે ચર્ચા થઈ રહી છે અને નરેન્દ્ર મોદીનો વિરોધ કરાઈ રહ્યો છે.

નરેન્દ્ર મોદી બાંગ્લાદેશ કેમ જઈ રહ્યા છે?

ઇમેજ સ્રોત, PRAKASH SINGH/AFP VIA GETTY IMAGES
કોવિડ-19 મહામારી શરૂ થઈ એ પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિદેશયાત્રાએ ગયા નથી, એટલે બાંગ્લાદેશનો પ્રવાસ એ કોવિડ મહામારી પછીની મોદીની પ્રથમ વિદેશયાત્રા છે.
બાંગ્લાદેશમાં આ વર્ષે સ્વતંત્રતાના પચાર વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષ્યમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરાઈ રહ્યું છે.
જેમાંથી મુખ્ય આયોજન 'મુજીબ દિવસ' છે. બાંગ્લાદેશના નિર્માતા શેખ મુજીબ ઉર રહેમાનના સન્માનમાં આ આયોજન કરાઈ રહ્યું છે.
આ આયોજનમાં સામેલ થવા માટે જ વડા પ્રધાન નરેન્દ્ર મોદી બાંગ્લાદેશ જઈ રહ્યા છે. વડા પ્રધાન 25 અને 26 માર્ચ, એમ બે દિવસ બાંગ્લાદેશમાં હાજર રહેશે.
આ પહેલાં 26 જાન્યુઆરીએ ભારતના પ્રજાસત્તાકદિન નિમિત્તે નવી દિલ્હી ખાતે યોજાયેલી પરેડમાં પણ બાંગ્લાદેશની સેનાની એક ટુકડીએ ભાગ લીધો હતો.


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













