2002 રમખાણ : 17 વર્ષ બાદ જાહેર થયેલા નાણાવટી-મહેતાપંચના રિપોર્ટમાં મોદીને ક્લીનચિટ

2002 ગુજરાત

ઇમેજ સ્રોત, Getty Images

ગુજરાતમાં વર્ષ 2002માં થયેલાં હુલ્લડોની તપાસ માટે રચાયેલા નાણાવટી-મહેતાપંચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ક્લીનચિટ આપી દીધી છે.

એ વખતે ગુજરાતના મુખ્ય મંત્રી રહેલા નરેન્દ્ર મોદી ઉપરાંત એમના મંત્રીઓને પણ આ રિપોર્ટમાં ક્લીનચિટ આપવામાં આવી છે.

બુધવારે ગુજરાત વિધાનસભામાં નાણાવટી-મહેતાપંચનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. રિપોર્ટ પાંચ વર્ષ પહેલાં એ વખતનાં મુખ્ય મંત્રી આનંદીબહેન પટેલને સોંપવામાં આવ્યો હતો. જોકે, છેક હવે તેને વિધાનસભામાં રજૂ કરાયો છે.

વર્ષ 2014માં સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ જી. ટી નાણાવટી અને ગુજરાત હાઈકોર્ટના પૂર્વ ન્યાયાધીશ અક્ષય મહેતાએ રાજ્ય સરકારને પોતાનો અંતિમ રિપોર્ટ સોંપી દીધો હતો.

ભાજપે આ મામલે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું કે નરેન્દ્ર મોદીને બદનામ કરવા માટે કૉંગ્રેસ અને કેટલાંક બિનસરકારી સગંઠનોનું 'કાવતરું' તપાસપંચના આ રિપોર્ટમાં ઉજાગર થઈ ગયું છે.

બદલો X કન્ટેન્ટ, 1
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 1

ગુજરાત કૉંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ આ મામલે સુપ્રીમ કોર્ટ અને પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજયેપીએ કરેલી ટિપ્પણીનો ઉલ્લેખ કરીને ક્લીનચિટ પર સવાલ ઉઠાવ્યા છે.

બદલો X કન્ટેન્ટ, 2
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 2

નોંધનીય છે કે ગોધરામાં ટ્રેનમાં લગાવાયેલી આગ અને બાદમાં ગુજરાતમાં ફાટી નીકળેલાં તોફાનોની તપાસ માટે રચાયેલા આ પંચના રિપોર્ટનો પ્રથમ ભાગ વર્ષ 2009માં 25મી સપ્ટેમ્બરે વિધાનસભામાં રજૂ કરાયો હતો.

તપાસપંચે પોતાનો અંતિમ રિપોર્ટ વર્ષ 2014માં 18મી નવેમ્બરે એ વખતનાં મુખ્ય મંત્રી આનંદીબહેન પટેલને સોંપ્યો હતો.

રાજ્ય સરકારે ચાલુ વર્ષના સપ્ટેમ્બર માસમાં ગુજરાત હાઈકોર્ટમાં જણાવ્યું હતું કે વિધાનસભાના આગામી સત્ર દરમિયાન રિપોર્ટ રજૂ કરી કરી દેવાશે.

પૂર્વ આઈપીએસ અધિકારી આર.બી. શ્રીકુમારે હાઈકોર્ટમાં આ મામલે જાહેરહિતની અરજી દાખલ કરી હતી. જેમાં તેમણે રિપોર્ટને જાહેર કરવા માટે કોર્ટ સરકારને નિર્દેશ આપે એવી દાદ માગી હતી.

જોકે, આ રિપોર્ટમાં શ્રીકુમાર ઉપરાંત, સંજીવ ભટ્ટ અને રાહુલ શર્મા જેવા પોલીસ અધિકારીઓની ભૂમિકા નકારાત્મક રહી હોવાની ટિપ્પણી કરી છે.

પૂર્વ આઈપીએસ અધિકારી આર. બી. શ્રીકુમારે જણાવ્યું આ રિપોર્ટ અંગે વાત કરતાં જણાવ્યું કે નાણાવટી-મહેતાપંચ અને વિશેષ તપાસસમિતિ એ બન્નેએ 'મોદી સરકારના ડિફેન્સ લૉયર' તરીકે કામ કર્યું છે.

તેમણે કહ્યું, "પોલીસ હુલ્લડ અટકાવવામાં નિષ્ફળ નીવડી હતી અને છતાં તેમને ક્લિનચીટ આપવી એ ન્યાયતંત્ર માટે કલંક છે."

તેમણે મોદીને અપાયેલી ક્લીનચીટને પક્ષપાતપૂર્ણ ગણાવી છે.

line

ગુજરાતની છાપ ખરડવાનો પ્રયાસ

બદલો Facebook કન્ટેન્ટ

આ કન્ટેન્ટ ઉપલબ્ધ નથી

Facebook પર વધુ મેળવોબહારની વેબસાઇટ્સની સામગ્રી માટે બીબીસી જવાબદાર નથી.

Facebook કન્ટેન્ટ પૂર્ણ

2002માં જે ટ્રેન સળગાવવામાં આવી પૂર્વ આયોજિત કાવતરું હતું પણ એ બાદ રાજ્યભરમાં જે તોફાનો ફાટી નીકળ્યાં એ પૂર્વ આયોજિત કાવતરું નહોતું એવું નાણાવટી-મહેતાપંચનો રિપોર્ટ જણાવે છે.

9 વૉલ્યુમ અને અઢી હજાર પાનાંમાં ફેલાયેલા આ રિપોર્ટમાં નરેન્દ્ર મોદીને ક્લીનચિટ મળી હોવાનું રાજ્યકક્ષાના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પત્રકારોને જણાવ્યું હતું.

જાડેજાએ પત્રકારોને કહ્યું કે ત્રણ પોલીસ અધિકારીઓ આર. બી. શ્રીકુમાર, સંજીવ ભટ્ટ અને રાહુલ શર્માની ભૂમિકા નકારાત્મક રહી હતી. આ સિવાય અશોક ભટ્ટ તથા ભરત બારોટ જેવા ભાજપના નેતાઓએ ઉશ્કેરણી ન કરી હોવાનું રિપોર્ટમાં બહાર આવ્યું છે.

જાડેજાએ એવું પણ કહ્યું કે તોફાનો બાદ ગુજરાતની છબી ખરડવાનો પ્રયાસ કરાયો હતો એ રિપોર્ટ બાદ સ્પષ્ટ થઈ ગયું છે. મોદી પર એક આરોપ એવો પણ હતો કે ગોધરામાં ટ્રેનમાં આગ લાગી એ બાદ તેમણે શહેરની ખાનગી મુલાકાત લીધી હતી. જોકે, રિપોર્ટને ટાંકીને જાડેજાએ આ વાત પાયાવિહોણી પુરવાર થઈ હોવાનું જણાવ્યું હતું.

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

આ પહેલાં ગુજરાતના પૂર્વ ડીજીપી શ્રીકુમારે ગોધરાની ઘટના બાદ રાજ્યમાં ફાટી નીકળેલાં તોફાનો મામલે રાજ્ય સરકારની 'નિષ્ક્રિયતા' સામે આંગળી ચીંધી હતી.

સરકારે ગોધરામાં ટ્રેનમાં લાગેલી આગની તપાસ કરવા માટે વર્ષ 2002માં એક વ્યક્તિનું તપાસપંચ રચ્યું હતું. આગની આ ઘટનામાં 59 મુસાફરોનાં મૃત્યુ થયાં હતાં અને તેને પગલે રાજ્યમાં સાંપ્રદાયિક તોફાનો ફાટી નીકળ્યાં હતાં.

જોકે, સરકારે હાઈકોર્ટના પૂર્વ વકીલ જસ્ટિસ કે. જી. શાહના સભ્યપદ સાથે પંચની પુનર્રચના કરી હતી અને સુપ્રીમ કોર્ટના પૂર્વ જસ્ટિસ જી. ટી. નાણાવટીને તેમના ચૅરમૅન બનાવાયા હતા.

જસ્ટિસ શાહના મૃત્યુ બાદ હાઈકોર્ટના પૂર્વ જસ્ટિસ એ. કે. મહેતાએ એમનું સ્થાન લીધું હતુ.

line

જાહેરહિતની અરજી શા માટે કરાઈ હતી?

ગુજરાત હાઈકોર્ટ

ઇમેજ સ્રોત, KALPIT BHACHECH

ગુજરાતના પૂર્વ ડીજીપી આર. બી. શ્રીકુમારે આ મામલે હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી દાખલ કરી હતી.

જેના જવાબમાં સરકારે કહ્યું હતું કે વર્ષ 2002ના ગુજરાત-રમખાણો મામલે કરાયેલી તપાસ અંગેનો નાણાવટી-મહેતાપંચનો અહેવાલ ગુજરાત સરકાર વિધાનસભાના આગામી સત્ર દરમિયાન રજૂ કરશે.

જોકે, પિટિશનર આર. બી. શ્રીકુમાર રિપોર્ટ તાત્કાલિક રજૂ કરવાના મતના હતા.

આર. બી. શ્રીકુમારે આ વર્ષે જુલાઈ મહિનામાં ગુજરાત હાઈકોર્ટમાં PIL (પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન) કરીને નાણાવટી કમિશનનો રિપોર્ટ જાહેર કરવાની માગણી કરી હતી.

પિટિશનનો જવાબ આપતા ગુજરાત રાજ્યના સૉલિસિટર જનરલ કમલ ત્રિવેદીએ ગુજરાત હાઈકોર્ટમાં કહ્યું હતું કે ગુજરાત સરકારે આ વિશે નિર્ણય લઈ લીધો છે.

તેઓ આર. બી. શ્રીકુમારે હાઈકોર્ટમાં દાખલ કરેલી પિટિશન સામે સરકાર તરફથી રજૂઆતો કરી રહ્યા હતા.

નાણાવટી-મહેતાપંચના રિપોર્ટનો પહેલો ભાગ 25 સપ્ટેમ્બર 2009ના રોજ વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યો હતો.

જ્યારે રિપોર્ટનો બીજો ભાગ વર્ષ 2014માં રાજ્યનાં મુખ્ય મંત્રી આનંદીબહેન પટેલને સુપ્રત કરવામાં આવ્યો હતો.

જોકે, આ વિશે વાત કરતાં એ વખતે શ્રીકુમારે બીબીસી ગુજરાતીને જણાવ્યું હતું કે Commission Of Inquiry Act-1952 પ્રમાણે કોઈ પણ કમિશનનો રિપોર્ટ સરકારમાં રજૂ થાય તેના 6 મહિનાની અંદર તે રિપોર્ટને વિધાનસભામાં ઍક્શન ટેકન રિપોર્ટની સાથે રજૂ કરવાનો હોય છે.

તેમણે કહ્યું હતું કે વર્ષ 2014માં રિપોર્ટ રજૂ થયા બાદ એક વર્ષ સુધી જ્યારે રિપોર્ટ જાહેર ન થયો ત્યારે તેમણે વર્ષ 2015માં તે સમયનાં મુખ્ય મંત્રી આનંદીબહેન પટેલને પત્ર લખ્યો હતો, પરંતુ કોઈ જવાબ મળ્યો નહોતો.

line

રિપોર્ટમાં શું હતું?

ગોધરા રેલવે સ્ટેશન

ઇમેજ સ્રોત, DAXESH SHAH

ઇમેજ કૅપ્શન, ગોધરાના આ રેલવે સ્ટેશન પર સાબરમતી એક્સ્પ્રેસના એસ-6 ડબાને આગ લગાડવામાં આવી હતી, જેમાં 59 મુસાફરોનાં મોત થયા હતા

શ્રીકુમારે પોતાની પિટિશનમાં જણાવ્યું હતું, "સામાન્ય રીતે કમિશનને જાહેરહિતમાં કામ કરવાનું હોય છે અને કમિશન પર ચોક્કસ જવાબદારીઓ પણ હોય છે."

"આ સ્થિતિમાં જો કમિશનનો અહેવાલ લોકો સુધી ન પહોંચાડવામાં આવે તો તે આખું કાર્ય નિષ્ફળ જાય. આ પિટિશન કરતા પહેલાં આવું જ કંઈક મારા મનમાં આવ્યું હતું."

નાણાવટી કમિશને ગોધરા અને ત્યાર બાદનાં કોમી તોફાનોની તપાસ કરી હતી, કમિશને પોતાની તપાસ બે તબક્કામાં કરી હતી.

પ્રથમ તબક્કામાં કમિશને ગોધરામાં ટ્રેન પર થયેલા હુમલાની તપાસ કરી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે તે એક પૂર્વ આયોજિત હુમલો હતો. જ્યારે રિપોર્ટના બીજા ભાગમાં કમિશને ગોધરા પછીનાં તોફાનોની તપાસ કરી હતી.

રિપોર્ટના બીજા ભાગ અંગે મીડિયા અહેવાલોમાં લખવામાં આવ્યું હતું કે રિપોર્ટમાં નરેન્દ્ર મોદીને ક્લીનચિટ આપવામાં આવી હતી.

એવું પણ કહેવામાં આવ્યું હતું કે તોફાનપીડિતોને યોગ્ય સમયે અને આંતરરાષ્ટ્રીય હ્યુમન રાઇટ્સનાં સ્ટાન્ડર્ડ પ્રમાણે યોગ્ય મદદ રાજ્ય સરકાર દ્વારા પહોંચાડવામાં આવી હતી.

નાણાવટી કમિશનને કુલ 24 ઍક્સટેન્શન મળ્યાં હતાં અને 12 વર્ષ સુધી તપાસ ચાલુ રહી હતી.

કમિશનની કામ કરવાની પદ્ધતિ અને તેના રિપોર્ટને લઈને ઘણા લોકોએ નારાજગી વ્યક્ત કરી હતી.

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો