મ્યાનમારમાં સેનાના તખતાપલટાનો વિરોધ કરી રહેલાં એક મહિલા પ્રદર્શનકારીનું મૃત્યુ

મ્યાનમારમાં સેનાના તખતાપલટાની કાર્યવાહી સામે વિરોધ કરી રહેલાં 20 વર્ષીય મહિલા પ્રદર્શનકારી મ્યા થ્વે થ્વે ખાઇંગનું માથામાં ઈજા થવાના કારણે મૃત્યુ નીપજ્યું છે. આ સાથે જ તેઓ મ્યાનમારની સેના સામે ચાલી રહેલા વિરોધપ્રદર્શનમાં માર્યા જનારી પ્રથમ વ્યક્તિ બન્યાં છે.

નોંધનીય છે કે મ્યા પાછલા અઠવાડિયે પ્રદર્શનકારીઓ સામે કરાયેલી પોલીસકાર્યવાહીમાં ઘાયલ થયાં હતાં.

પ્રદર્શનકારીઓના એક જૂથે કહ્યું કે તેમને થયેલ ઈજા જીવિત ગોળાબારૂદથી થયેલ ઈજાને મળતી આવતી હતી.

નોંધનીય છે કે પાછલા અમુક દિવસોથી મ્યાનમારમાં સેના દ્વારા દેશની ચૂંટાયેલી સરકારના તખતાપલટાની કાર્યવાહી સામે અસંતોષ જોવા મળી રહ્યો છે. પ્રદર્શનકારીઓ સેનાની કાર્યવાહી સામે પોતાનો વિરોધ રજૂ કરવા માટે ઘણા દિવસોથી મ્યાનમારની સડકો પર પ્રદર્શન કરી રહ્યા છે.

આ મહિનાની શરૂઆતમાં એટલે કે એક ફેબ્રુઆરીના રોજ સોમવારે મ્યાનમારની સેનાએ દેશમાં તખતાપલટો કર્યો હતો. જેના બે દિવસ બાદ મ્યાનમારની પોલીસે મ્યાનમારનાં ચૂંટાયેલા નેતા આંગ સાન સૂ ચી સહિત તેમના પક્ષની અન્ય મોટી રાજકીય હસ્તીઓની પણ ધરપકડ કરી હતી.

પાટનગર નાય પાઇ તૉની એક હૉસ્પિટલે સ્થાનિક સમયાનુસાર મ્યાનું મૃત્યુ 11 વાગ્યે થયું હોવાનુ જણાવ્યું હતું. તેમના પરિવારે જાણકારી આપી હતી કે રવિવારે તેમના મૃતદેહના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

AFP ન્યૂઝ એજન્સી સાથે વાત કરતાં એક ડૉક્ટરે કહ્યું કે, “અમે ન્યાય ઝઝૂમીશું અને આગળ વધીશું.” તેમણે કહ્યું કે જ્યારેથી મ્યાને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં ત્યારથી હૉસ્પિટલના સ્ટાફ પર ઘણું દબાણ કરવામાં આવી રહ્યું હતું.

સ્થાનિક તંત્રે કહ્યું છે કે તેઓ આ મામલાની તપાસ કરશે.

તેમને ઈજાગ્રસ્ત થયા બાદ નવ ફેબ્રુઆરીથી હૉસ્પિટલમાં લાઇફ સપોર્ટ પર રાખવામાં આવ્યાં હતાં.

એક મેડિકલ ઑફિસરે મ્યાની પરિસ્થિતિ વિશે બીબીસી બર્મીસ સાથે વાત કરતાં કહ્યું હતું કે તેમના માથા પર ગંભીર ઈજા હતી.

મ્યાના પરિવારજનો આંગ સાન સૂ ચીના પક્ષ નૅશનલ લીગ ફૉર ડૅમોક્રેસી (NLD)ના સમર્થકો છે.

મ્યાના ભાઈએ જણાવ્યું કે નવેમ્બરમાં યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં મ્યાએ પ્રથમ વખત મત આપ્યો હતો. જેમાં NLDનો ભવ્ય વિજય થયો હતો.

મ્યા થ્વે થ્વે ખાઇંગનાં બહેન મ્યા થા તૉ ન્વેએ શુક્રવારે મ્યા થ્વે થ્વેના મૃત્યુની જાહેરાત બાદ રિપોર્ટરોને કહ્યું કે, “હું બધા નાગરિકોને પ્રેરવા માગું છું કે તેઓ જ્યાં સુધી આપણને આ સિસ્ટિમથી મુક્તિ ન મળે ત્યાં સુધી વિરોધપ્રદર્શનનો ભાગ બને.”

મ્યાનમારમાં પ્રદર્શન આખરે કેમ થઈ રહ્યાં છે?

નોંધનીય છે કે ગત નવેમ્બર માસમાં યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં આંગ સાન સૂ ચીના પક્ષ નૅશનલ લીગ ફૉર ડેમૉક્રસીને ભારે અંતરથી જીત મળી હતી. પરંતુ સેનાએ આ ચૂંટણીપ્રક્રિયામાં ગરબડ થઈ હોવાનો આરોપ કર્યો હતો. અને આ માન્યતાને પગલે મ્યાનમારની સેનાએ એક ફેબ્રુઆરીના રોજ તખતાપલટાની કાર્યવાહી શરૂ કરી દીધી હતી.

સેનાની આ કાર્યવાહીની આંતરરાષ્ટ્રીય સ્તરે ઘણી ટીકા થઈ હતી જ્યારે સ્થાનિક સ્તરે પણ સેનાએ અસંતોષનો સામનો કરવો પડી રહ્યો છે.

આંગ સાન સૂ ચીના પક્ષના સમર્થકો તેમના નેતાઓને છોડાવવા માટે મ્યાનમારના પાટનગર સહિત ઘણાં શહેરોમાં પ્રદર્શનો કરી રહ્યા છે.

સેના દ્વારા વિરોધને દબાવવા માટે પણ સેનાનો વિરોદ કરવા બદલ 20 વર્ષની કેદની કઠોર જોગવાઈ કરી છે. આંગ સાન સૂ ચીના પક્ષના સમર્થકોનાં પ્રદર્શનો રોકવા માટે દેશના રસ્તાઓ પર ઠેરઠેર બખ્તરબંધ ગાડીઓ તહેનાત કરી દેવાઈ છે.

નોંધનીય છે કે મ્યાનમારની સેના દ્વારા એક વર્ષના સમય સુધી દેશમાં કટોકટીની સ્થિતિ જાહેર કરી દીધી છે.

તેમજ તમામ સત્તા કમાન્ડર ઇન ચીફ મિન આંગ હ્લાઇંગને સોંપવામાં આવી છે. ત્રણ ફેબ્રુઆરીથી મ્યાનમારનાં સર્વોચ્ચ નેતા આંગ સાન સૂ ચી પોતાના જ ઘરમાં બંધ છે. તેમના પર ગેરકાયદેસર વૉકી-ટૉકી રાખવાનો અને દેશના કુદરતી આપદા કાયદાનું ઉલ્લંઘન કરવાનો આરોપ છે.

પ્રદર્શનકારીઓ તેમને અને NLDના અન્ય નેતાઓને છોડી મૂકવાની માગ સાથે પ્રદર્શન કરી રહ્યા છે. વર્ષ 2007માં જ્યારે દેશના સૈન્ય શાસન વિરુદ્ધ દેશના હજારો સાધુઓએ વિરોધ કરવાનું શરૂ કર્યું હતું, તે કહેવાતી ભગવી ક્રાંતિ બાદ આ દેશમાં પ્રથમ વાર આટલાં મોટાં પ્રદર્શનો થઈ રહ્યાં છે.

ઘણાં સ્થળોએ પ્રદર્શનકારીઓ સુરક્ષાદળના જવાનો વચ્ચે ઘર્ષણ થયું છે. પ્રદર્શનકારીઓને રોકવા માટે સેનાએ ઇન્ટરનેટની સેવા પણ બંધ કરાવી દીધી હતી.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો