You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
નેપાળમાં બિપ્લબ દેબના નિવેદનથી લોકો ભડક્યા કહ્યું 'હિંદુવાદી એજન્ડા'
- લેેખક, રજનીશ કુમાર
- પદ, બીબીસી સંવાદદાતા
ત્રિપુરાના મુખ્યમંત્રી બિપ્લબ દેબના નિવેદનને લઈને નેપાળે પોતાનો વિરોધ નોંધાવ્યો છે.
રવિવારે અગરતલામાં ભાજપના એક કાર્યક્રમમાં બિપ્લબ દેબે અમિત શાહને ટાંકીને જણાવ્યું હતું કે પાર્ટી માત્ર દેશના બધા રાજ્યોમાં જ નહીં પરંતુ નેપાળ અને શ્રીલંકામાં પણ સરકાર રચવાની યોજના ધરાવે છે.
2018માં ત્રિપુરા વિધાનસભાની ચૂંટણીની તૈયારી વખતે થયેલી એક ચર્ચાને ટાંકતાં બિપ્લબ દેબે જણાવ્યું કે ગૃહમંત્રી અમિત શાહે બેઠકમાં ભારતનાં તમામ રાજ્યો જીત્યા બાદ 'વિદેશોમાં વિસ્તરણ' વિશે વાત કરી હતી.
તેમણે કહ્યું કે, "ગૃહમંત્રી ત્યારે રાષ્ટ્રીય અધ્યક્ષ હતા. મેં એક મિટીંગમાં કહ્યું કે અધ્યક્ષજી ઘણાં રાજ્યો અમારી પાસે થઈ ગયા છે. હવે તો સારું થઈ ગયું છે.""આ વાત પર અધ્યક્ષે જણાવ્યું કે, અરે શું સારું થઈ ગયું છે. હજુ તો શ્રીલંકા બાકી છે. નેપાળ બાકી છે. એટલે કે તે વ્યક્તિને કહે છે કે દેશમાં પાર્ટી વિસ્તરણ કરશે જ પણ શ્રીલંકા અને નેપાળ છે, ત્યાં પણ પાર્ટીને લઈ જવી છે. ત્યાં પણ જીત મેળવવી છે."
ઔપચારિક વાંધો
નેપાળના વિદેશ પ્રધાન પ્રદીપ જ્ઞવાલીએ કહ્યું કે નેપાળે આ મુદ્દે ભારત સરકાર સમક્ષ ઔપચારિક વાંધો નોંધાવ્યો છે.
નેપાળી મીડિયા અનુસાર ભારતમાં નેપાળના રાજદૂત નીલાબંર આચાર્યએ સરકાર સામે ઔપચારિક વાંધો નોંધાવ્યો છે.
વિદેશમંત્રી પ્રદીપ જ્ઞવાલીના પ્રેસ સલાહકાર સુદાન જ્ઞવાલીએ બીબીસીને જણાવ્યું કે દિલ્હી સ્થિત નેપાળી દૂતાવાસે ભારત સરકાર સમક્ષ પોતાનો વાંધો નોંધાવ્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બીબીસી સાથેની વાતચીતમાં નેપાળ કૉમ્યુનિસ્ટ પાર્ટી (પ્રચંડ જૂથ)ના કેન્દ્રીય અને નેપાળી પ્રવાસ સંકલન સમિતિના અધ્યક્ષ યુવરાજ ચૌંલગાઈ કહે છે કે બિપ્લબ દેબનું નિવેદન નેપાળના સાર્વભૌમત્વનું અપમાન છે.
તેઓ કહે છે, "ભારતીય જનતા પક્ષના મુખ્યમંત્રીના નિવેદનથી ખબર પડે છે કે ભારતનો સત્તાધારી વર્ગ નેપાળ વિશે શું વિચારે છે. તમે આમ કઈ રીતે કહી શકો છો? નેપાળ એક સાર્વભૌમ દેશ છે અને તેના વિશે એજ સન્માન સાથે કોઈ નિવદેન થવું જોઈએ. ''
યુવરાજ વધુમાં જણાવે છે કે, "એ વિચાર માગી લેતી બાબત છે કે નેપાળને લઈને ભાજપમાં આટલો આત્મવિશ્વાસ ક્યાંથી આવ્યો છે. તેમને લાગે છે કે નેપાળમાં હિંદુ વસ્તી બહુમતિમાં છે, તો કઈ પણ બોલી નાખો."
ભલે અમારી વસ્તિમાં હિંદુઓ બહુમતિમાં છે પરતું તેનાથી અમારું સાર્વભૌમત્વ ઓછું થતું નથી. દુનિયામાં ઘણાં મુસ્લિમ બહુમતી દેશો છે, પરંતુ ત્યાં કોઈ મોટું મુસ્લિમ બહુમતી ધરાવતો દેશ નાના મુસ્લિમ બહુમતી ધરાવતા દેશના સાર્વભૌમત્વનું અપમાન કરતો નથી. મારું માનવું છે કે નેપાળ સરકારે વધુ ગંભીર વાંધો નોંધાવવો જોઈતો હતો.''
નેપાળી મીડિયામાં પણ ચર્ચા
બિપ્લબ દેબનું આ નિવેદન નેપાળી મીડિયામાં છવાયલું છે.
15 ફેબ્રુઆરીએ પોતાના અહેવાલમાં નેપાળી અખબાર 'નયા પત્રિકા'એ લખ્યું છે, "શું ભાજપની આ ગુપ્ત યોજના બહાર આવી ગઈ છે? આરએસએસ પહેલેથી જ નેપાળમાં વિસ્તરણ કરી રહ્યું છે. આવી સ્થિતિમાં ભાજપના મુખ્યમંત્રીનું આ નિવેદન પહેલાથી નક્કી હતું અથવા માત્ર એક સંયોગ છે?
વીરગંજમાં આરએસએસનું સંમેલન યોજાયો હતું. આ સંમેલનનું ઉદ્ઘાટન આરએસએસના રાષ્ટ્રીય સહ-સંચાલક કલ્યાણ તિમિલ્સિનાલે દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ધર્માંતરણને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી અને વીરગંજ બજારથી આર.એસ.એસના સ્વયંસેવકોએ એક રેલી પણ કાઢી હતી.
બિપ્લબ દેવના નિવદેન અંગે રશિયામાં નેપાળના રાજદૂત રહેલા હિરણ્ય લાલ શ્રેષ્ઠ કહે છે કે, "આ આરએસએસ અને ભાજપની મૂળભૂત વિચારસરણી છે."
તેઓ કહે છે, "સરદાર પટેલની જેમ તેઓ પણ ભારતનો વિસ્તાર કરવા માગે છે. તેમની ઈચ્છા છે કે સમગ્ર દક્ષિણ એશિયામાં હિન્દુ ધર્મનો પ્રભાવ હોય. પરંતુ તેમને માહિતી હોવી જોઈએ કે ધર્મ એ વ્યક્તિના આસ્થાનો વિષય છે નહીં કે રાજ્યનો. કોઈનું સાર્વભૌમત્વ નાનું કે મોટું હોતું નથી. દરેકના સાર્વભૌમત્વનો એ જ રીતે આદર કરવો જોઈએ."
શ્રેષ્ઠ કહે છે કે, "આરએસએસની યોજના ભારતની જેમ નેપાળમાં પણ પોતાનો પ્રભાવ ઊભો કરવાનો છે. તરાઈના વિસ્તારમાં આવા પ્રયાસો પણ કરવામાં આવી રહ્યાં છે. અમે ભારત અને નેપાળના સામાન્ય લોકો વચ્ચે મજબૂત સંબંધ ઈચ્છીએ છીએ, પરતું સત્તાધારી વર્ગની સર્વગ્રાહી વિચારસરણીથી બહાર નીકળીને. આરએસએસ પાકિસ્તાન, નેપાળ અને બાંગ્લાદેશ સુધી ભારતનો વિસ્તાર કરવા માંગે છે, પરંતુ તેમણે સ્વપ્નમાંથી બહાર આવી જવું જોઈએ."
ભારતના મુખ્ય વિરોધ પક્ષ કૉંગ્રેસે બિપ્લબ દેબના નિવેદનને બકવાસ ગણાવ્યું છે. ટ્વીટ કરીને પક્ષે કહ્યું કે, આ લોકોના મૂર્ખામીભર્યાં નિવેદનોના કારણે આજે પાડોશી દેશો સાથે ભારતના સંબંધો સૌથી ખરાબ તબક્કે પહોંચી ગયા છે. તમે આવા મૂર્ખામીભર્યાં નિવેદનોથી લોકોને માત્ર મૂર્ખ બનાવી શકો છો.''
સીપીઆઈએમ નેતા અને પૂર્વ સાંસદ જીતેન્દ્ર ચૌધરીએ કહ્યું છે કે મુખ્યમંત્રીને લોકશાહી અને બંધારણ વિશે પૂરતી સમજ નથી.
તેમણે કહ્યું છે કે આ પ્રકારના નિવેદનને બીજા દેશમાં દખલ કરવા તરીકે જોવામાં આવશે. બાબુરામ ભટ્ટરાયની જનતા સમાજવાદી પાર્ટીના નેતા રાજકિશોર યાદવ કહે છે કે બિપ્લબ દેબના નિવેદનથી એક પણ નેપાળી ખુશ થયો નહીં હોય.
તેઓ કહે છે કે, "આવા નિવેદનોથી ભારત-નેપાળના સંબંધો બગડશે. તેઓ બિનજરૂરી નિવદેનો કરતા રહે છે અને કહે છે કે નેપાળમાં ભારત વિરોધી ભાવના વધી રહી છે.
દબાણ
નેપાળમાં ઘણા લોકોનું માનવું છે કે 2014માં જયારે નરેન્દ્ર મોદી પહેલી વખત વડા પ્રધાન બન્યા હતા ત્યારે તેઓ નેપાળમાં પણ ઘણા લોકપ્રિય હતા. પરંતુ 2015ની નાકાબંધી બાદ નેપાળમાં ભારત અને ભાજપ બંનેની છબી ખરડાઈ ગઈ છે.
નેપાળી કોમ્યુનિસ્ટ પાર્ટીના એક નેતાએ નામ જાહેર ન કરવાની શરતે કહ્યું કે સારું છે કે ભારતે 2015માં નાકાબંધી લાદ્યી હતી નહીંતર મોદી નેપાળમાં પણ મોટા નેતા બની ગયા હોત. નેપાળને હિંદુ રાષ્ટ્ર તરીકે જાળવી રાખવા માટે ભાજપ દ્વારા નેપાળ પર દબાણ પણ કરવામાં આવ્યું હતું.
26-મે 2006ના રોજ ભાજપના તે સમયના અધ્યક્ષ રાજનાથસિંહે કહ્યું હતું કે, "નેપાળની મૂળ ઓખળ હિંદુ રાષ્ટ્ર તરીકે છે અને આ ઓળખ ભૂંસાઈ જવી જોઈએ નહીં. નેપાળ પોતાની મૂળ ઓળખ માઓવાદીઓના દબાણવશ ખોઈ નાખે તે વાતથી ભાજપ ખુશ નહીં થાય."
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો