You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
#MeToo : મારી જીત એ તમામ મહિલાઓની જીત છે - પ્રિયા રામાણી
મોદી સરકારના પૂર્વ મંત્રી એમ. જે. અકબર અને મહિલા પત્રકાર પ્રિયા રામાણી સંબંધિત વિવાદ મામલેના માનહાનિ કેસમાં આજે દિલ્હીની કોર્ટે ચુકાદો આપ્યો છે. પ્રિયા રામાણી અને અન્ય મહિલાઓએ જાતીય સતામણીના આરોપ લગાવ્યા હતા તેની સામે એમ. જે. અકબરે ગુનાહિત બદનક્ષીનો કેસ કર્યો હતો તેમાંથી પ્રિયા રામાણીને આરોપમુક્ત કરી દેવાયા છે.
નિર્ણય બાદ પત્રકારો સાથે વાત કરતાં પ્રિયા રમાણીએ કહ્યું, "હું શાનદાર મહસૂસ કરી રહી છું, મારા સત્યને કાયદાની અદાલતે સ્વીકાર્યો છે. આ ખરેખર મોટી વાત છે."
તેમણે કહ્યું, "મારી જીતના કારણે મહિલાઓને ખૂલીને બોલવાની હિંમત મળશે અને તાકતવર લોકો પીડિતાઓને કોર્ટોમાં લઈ જતાં પહેલાં બે વખત વિચારશે."
ભારતમાં મહિલાઓનો અવાજ ઉઠાવનાર ટ્વિટર સમૂહ મી ટૂ ઇન્ડિયાએ ટ્વીટ કર્યું છે, "આપણે આ લડત જીતી લીધી છે. અત્યારે કંઈ જ કહેવા માટે શબ્દ નથી. બસ આંખમાં આંસુ છે. રુંવાડા ઊભા થઈ રહ્યા છે. બધાની સાથે એકતા. અમે પ્રિયા રમાણીની હિંમતના આભારી છીએ."
કોર્ટે આજના ચુકાદામાં કહ્યું કે એમ. જે. અકબર પ્રતિષ્ઠિત વ્યક્તિ છે. પરંતુ મહિલાને તેમની ફરિયાદ કરવાનો અધિકાર છે. તેને છીનવી ન શકાય.
ઍડિશનલ ચીફ મેટ્રોપૉલિટન મેજિસ્ટ્રેટ રવીન્દ્ર કુમાર પાંડેએ બન્ને પક્ષની હાજરીમાં આ નિર્ણય સંભળાવ્યો.
કોર્ટે કહ્યું કે જેવી રીતે અકબર વિરુદ્ધ તર્ક આપવામાં આવ્યો હતો કે તેઓ એટલા બધા પ્રસિદ્ધ નથી. પરંતુ કોર્ટે નોંધ્યું તેમની વિરુદ્ધ લગાવવામાં આવેલા આરોપો અપમાનવાચક છે.
આ સાથે જ કોર્ટે 'વૉગ' આર્ટિકલમાં છપાયેલ આરોપી વિરુદ્ધના એક આર્ટિકલને પણ નજરઅંદાજ કર્યો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ સાથે જ કોર્ટે નોંધ્યું કે પ્રાસંગિક સમયમાં વિશાખા ગાઇડલાઇન્સનો પણ અભાવ હતો.
કોર્ટે નોંધ્યું કે આરોપો પર સામાજિક માનસિકતાનો પ્રભાવ રહેલો હોય છે. સમાજે પીડિત પર લાગેલા આરોપોની ગંભીરતાને સમજવા જોઈએ.
કોર્ટે એવું પણ કહ્યું કે એક હોદ્દેદાર પણ જાતિય શોષણ કરી શકે છે. મહિલાઓને દાયકાઓ બાદ પણ અધિકાર માટે લડવાની છૂટ છે. કોર્ટે કહ્યું કે જાતિય શોષણ સન્માન અને આત્મવિશ્વાસ છીનવી લે છે.
મહિલા પત્રકારોએ ચુકાદા વિશે શું કહ્યું?
વરિષ્છ મહિલા પત્રકાર બરખા દત્તે પણ દિલ્હીની કોર્ટ દ્વારા પત્રકાર પ્રિયા રમાણી સામેના બદનક્ષીના કેસમાં તેમને નિર્દોષ ઠરાવી છોડી મુકાતાં, પ્રિયા રમાણીના સમર્થનમાં ટ્વીટ કર્યું હતું. તેમણે લખ્યું હતું કે :
"યસ!!! #PriyaRamani યસ. અકબરનો બદનક્ષીનો કેસ રદ કરાયો. સ્ત્રીઓ બોલે અને મૌન તોડે તે માટે તેમને વધુ શક્તિ. આજના દિવસે કોર્ટમાં રહીને ખૂબ જ ગૌરવ અને ખુશીની લાગણી અનુભવું છું. #MeToo"
વળી આ વિશે મહિલા પત્રકાર નિધિ રાઝદાને પણ એમ. જે. અકબર દ્વારા પ્રિયા રમાણી પર કરાયેલા ગુનાહિત બદનક્ષીના કેસમાં પ્રિયા રમાણીને નિર્દોષ જાહેર કરી છોડી મુકાતાં પ્રિયા રમાણી અને તેમનાં વકીલ રેબેકા જૉનના સમર્થનમાં ટ્વીટ કર્યું હતું.
તેમણે લખ્યું હતું કે, "પ્રિયા રમાણી અને તેમનાં અદ્ભુત વકીલ રેબેકા જૉન માટે શાઉટ આઉટ. આ એક શક્તિશાળી માણસ વિરુદ્ધ ખૂબ જ મુશ્કેલ લડત હતી. દેશમાં જાતીય સતામણીના મામલાઓમાં આ એક લૅન્ડમાર્ક ચુકાદો છે."
પત્રકાર અને લેખિકા નિલાંજના રોયે પણ દિલ્હીની કોર્ટ દ્વારા પત્રકાર પ્રિયા રમાણી વિરુદ્ધ કરાયેલ બદનક્ષીના કેસમાં તેમને નિર્દોષ ઠરાવી છોડી મુકાયાના નિર્ણયનું સ્વાગત કર્યું.
ટ્વિટર પર પ્રિયા રમાણી અને તેમનાં વકીલ રેબેકા જૉનના સમર્થનમાં લખ્યું કે :
"બેકી જૉન (રેબેકા જૉન) માટે તાળીઓ અને સન્માન, તેઓ એક એવાં નાયિકા છે જેમને આપણે પ્રેમ કરીએ છીએ અને જેની આપણને જરૂર છે."
"આ સમય છે પ્રિયા રમાણીની જીતની ખુશી મનાવવાનો. અને આ એ સુનિશ્ચિત કરવાનો પણ સમય છે કે મહિલાઓ ગુનાહિત બદનક્ષીના કેસની બીક વગર સત્ય બોલી શકે અને તેમના અનુભવો શૅર કરી શકે.
મહિલા પત્રકાર અનૂ ભુયને પણ પ્રિયા રમાણી વિરુદ્ધના બદનક્ષીના કેસમાં કોર્ટે કરેલું અવલોકન નોંધતાં તેમને સમર્થન આપતું ટ્વીટ કર્યું હતું.
"પ્રિયા રમાણી વિરુદ્ધના કેસમાં જજે કહ્યું કે પીડિતા તેમની જાતીય સતામણી અંગે વાત કરવા માટે સ્વતંત્ર છે. તેઓ આ અંગે કોઈ પણ સમયે કોઈ પણ માધ્યમમાં દાયકાઓ બાદ પણ વાત કરી શકે છે. ભલે પછી આ અંગે કોઈ પોલીસ ફરિયાદ ન થઈ હોય."
અન્ય પ્રતિક્રિયાઓ
સુપ્રીમ કોર્ટના વકીલ પ્રશાંત ભૂષણે પણ બદનક્ષીના ગુનામાં પત્રકાર પ્રિયા રમાણીના નિર્દોષ છૂટવાના સમાચાર ટ્વિટર પર શૅર કર્યા અને તેમના સમર્થનમાં લખ્યું કે :
"એમ. જે. અકબરની બદનક્ષીની ફરિયાદમાંથી થકવી દેનારી ટ્રાયલના અંતે પ્રિયા રમાણી નિર્દોષ છૂટ્યાં. જાતીય સતામણી બાદ કોર્ટની પ્રક્રિયા થકી પણ પ્રિયાને સતામણીનો સામનો કરવો પડ્યો. અકબરને આના માટે વળતર ચૂકવવું પડે તે સુનિશ્ચિત કરવું જોઈએ."
શું છે સમગ્ર મામલો?
દેશમાં પ્રેસ અને બોલીવૂડમાં શરૂ થયેલા #MeToo અભિયાનમાં મહિલા પત્રકાર પ્રિયા રમાણીએ સૌપ્રથમ એમ. જે. અકબર સામે ગેરવર્તણૂકના આરોપો લગાવ્યા હતા.
પ્રિયાએ ટ્વીટર પર કરેલા આક્ષેપો બાદની એક જ કલાકમાં જ અન્ય ત્રણ મહિલાઓ પત્રકારોએ પણ અકબર સામે જાતિય સતામણીના આરોપો મૂક્યા હતા.
આ મામલાના થોડા જ દિવસોમાં લગભગ 15 જેટલી મહિલાઓએ અકબર સામે ગેરવર્તણૂક અને જાતિય સતામણીના આરોપો મૂક્યા હતા.
જોકે, સમગ્ર મામલો ગરમાતા અને ચારેબાજુથી ટીકા થતાં અચાનક અકબરે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. ત્યારબાદ અકબરે પ્રિયા રામાણી પર માનહાનિનો કેસ કર્યો હતો.
આ ઘટના દરમિયાન અકબર નાઇજિરીયાના પ્રવાસે હતા. તેઓ જ્યારે પરત આવ્યા ત્યારે તેમણે રાજીનામું આપવાની ના પાડી દીધી હતી.
તેમણે પોતાની સામે લાગેલા આરોપોને નકાર્યા હતા અને કાયદાકીય કાર્યવાહી કરવાની વાત કહી હતી.
બાદમાં તેમણે મહિલા પત્રકાર પ્રિયા રમાણી સામે કોર્ટમાં બદનક્ષીનો દાવો કર્યો હતો. અહેવાલો મુજબ અકબરે આ કેસમાં 97 વકીલોને કેસ લડવા માટે રાખ્યા છે.
જોકે, તે બાદ અકબર સામે સોશિયલ મીડિયાથી લઈને રાજકારણમાં રાજીનામું આપવાનું સતત દબાણ શરૂ થયું હતું.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો