ઇન્ડોનેશિયા : શાળામાં ફરજિયાત ધાર્મિક પોશાક પર રોક

ઇમેજ સ્રોત, Reuters
શાળાઓમાં ધાર્મિક પોશાક ફરજિઆત કરવા પર ઇન્ડોનેશિયાની સરકારે પ્રતિબંધ મૂકી દીધો છે. થોડા દિવસો પહેલાં મીડિયામાં એક સમાચાર વાયરલ થયા હતા, જેમાં ખ્રિસ્તી ધર્મ પાળતાં એક વિદ્યાર્થિનીને ક્લાસમાં હેડસ્કાર્ફ પહેરવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. આ ઘટના બાદ સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
જે શાળામાં આ ઘટના બની છે ત્યાં દરેક વિદ્યાર્થી માટે હેડસ્કાર્ફ પહેરવી ફરજિયાત છે. શાળાઓને પોતાના નિયમો બદલવા માટે ઇન્ડોનેશિયાની સરકારે 30 દિવસનો સમય આપ્યો છે.
બુધવારે સરકારે આદેશ પર સહી કર્યા હતા અને જે પણ શાળા આદેશનું પાલન નહીં કરે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.
મુસ્લિમ બહુમતી ધરાવતા ઇન્ડોનેશિયામાં બીજા ધર્મોને પણ સત્તાવાર માન્યતા આપવામાં આવી છે.
પરંતુ દેશમાં ધાર્મિક અસહિષ્ણુતા વધી રહી છે, જે માટે સરકાર પણ ચિંતિત છે.
ઇન્ડોનેશિયાના શિક્ષણ અને સાંસ્કૃતિકમંત્રી નદીમ માકરીમે જણાવ્યું કે, "ધાર્મિક પોશાક પહેરવો કે નહીં એ વ્યક્તિનો અંગત અધિકાર છે અને આ બાબતે શાળા નિર્ણય ન લઈ શકે."

શું છે સમગ્ર ઘટના?
આ ઘટના જાન્યુઆરી મહિનાની છે, જેમાં ઇન્ડોનેશિયાના પડાંગમાં આવેલી વૉકેશનલ સ્કૂલમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થિની ક્લાકમાં મુસ્લિમ હેડસ્કાર્ફ પહેરવા માટે સતત દબાણ કરવામાં આવતું હતું.
વિદ્યાર્થિનીએ હેડસ્કાર્ફ પહેરવા ના પાડી દેતાં તેમનાં માતા-પિતાને શાળામાં બોલવવામાં આવ્યાં હતાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
માતા-પિતાએ તેમના અને શાળા સંચાલકો વચ્ચેની મિટિંગ રૅકૉર્ડ કરી લીધી અને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી.
વીડિયોમાં શાળાના અધિકારી કહેતા સંભળાય છે કે આ શાળામાં નિયમ છે કે દરેક વિદ્યાર્થિની, બિનમુસ્લિમ માટે પણ, શાળામાં હેડસ્કાર્ફ પહેરવી ફરજિયાત છે.
બીબીસી સાથે વાત કરતાં વિદ્યાર્થિનીના પિતા ઈલ્યાનુ હિયાએ જણાવ્યું કે, "દરરોજ મારી દીકરીને હેડસ્કાર્ફ ન પહેરવા બદલ કહેવામાં આવતું હતું અને તે એક જ જવાબ આપતી કે હું બિનમુસ્લિમ છું."
"જો હું મારી દીકરીને હેડસ્કાર્ફ પહેરવા માટે દબાણ કરું તો એવું ફલિત થાય કે હું તેની ઓળખ અંગે ખોટું બોલી રહ્યો છું. મારી ધાર્મિક સ્વતંત્રતા કયાં છે? આખરે તો આ એક સાર્વજનિક શાળા જ છે ને."
ઘટના બદલ શાળાના આચાર્ય એક પ્રેસ-કૉન્ફરેન્સમાં માફી માગતા જણાવ્યું કે વિદ્યાર્થિનીને તેમનાં ધાર્મિક માન્યતાઓ પ્રમાણે પોશાક પહેરવા માટેની પરવાનગી આપવામાં આવશે.

ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













