PRESS FREEDOM : ભારતમાં પત્રકારો પર હુમલા કેમ થઈ રહ્યા છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, સૌતિક બિશ્વાસ
- પદ, ભારત સંવાદદાતા
2014ના ઉનાળામાં કાર્યભાર સંભાળ્યાના એક મહિના પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે "બોલવાની અને અભિવ્યક્તિની આઝાદીને આપણે ટકાવી શકીશું નહીં, તો ભારતમાં લોકશાહી ટકી નહીં શકે."
છ વર્ષ પછી ઘણા લોકોને લાગે છે કે ભારતમાં લોકશાહીને ઝાંખપ લાગી રહી છે, કેમ કે તેઓ કહે છે તે પ્રમાણે અખબારી સ્વાતંત્ર્ય પર સતત હુમલા થઈ રહ્યા છે.
પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સની બાબતમાં 180 દેશોના સર્વેમાં ભારતનું સ્થાન ગયા વર્ષે બે ક્રમ નીચે 142 પર આવી ગયું હતું.
આ ઇન્ડેક્સ રિપોર્ટર્સ વિધાઉટ બોર્ડર્સ દ્વારા દર વર્ષે તૈયાર થાય છે. ધબકતી લોકશાહી અને સ્પર્ધાત્મક મીડિયા માટે ગૌરવ લેનારા દેશ ભારત માટે સ્થાન નીચે જવું તે જરાય સારી બાબત નહોતી.
કૃષિકાયદાઓની સામે આંદોલન ચલાવી રહેલા ખેડૂતોએ હાલમાં જ રેલી કાઢી તે વખતે વધુ એક વાર પત્રકારો પર હુમલા થયા છે.
ધમાલ વચ્ચે એક દેખાવકારનું મોત થયું હતું અને 500થી વધુ પોલીસને ઈજા થઈ હતી.
પોલીસે હવે દિલ્હીમાં તોફાનોનું કવરેજ કરી રહેલા 8 પત્રકારો પર ફોજદારી ગુનાઓ દાખલ કર્યા છે અને તેમાં રાષ્ટ્રીય અખંડિતાની વિરુદ્ધમાં નિવેદન બદલ કેટલાક સામે દેશદ્રોહની કલમો પણ લગાવવામાં આવી છે.

ઇમેજ સ્રોત, Getty Images
ખેડૂતોએ 26 જાન્યુઆરીએ રેલી કાઢી તે દરમિયાન એક દેખાવકારનું મોત થયું હતું. તેનું કારણ શું હતું તે અંગે વિવાદ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પોલીસનું કહેવું છે કે તેણે બેફામ રીતે ટ્રૅક્ટર ચલાવ્યું તેના કારણે તે ઊથલી પડ્યું અને ઈજામાં તેનું મોત થયું.
તો મૃતકના પરિવારનો આક્ષેપ છે કે તેને ગોળી મારવામાં આવી હતી એટલે ટ્રેક્ટર કાબૂ બહાર જતું રહ્યું.
તેમના પરિવારના આક્ષેપ વિશે ઘણાં અખબારો અને મૅગેઝિનમાં લખાયું હતું અને તેને આધાર બનાવીને પત્રકારો સામે ગુના દાખલ કરવામાં આવ્યા હોય તેવું લાગે છે.

કાર્યવાહીનો વિરોધ

ઇમેજ સ્રોત, AFP
કેટલાક પત્રકારોએ આ બનાવનું રિપોર્ટિંગ કર્યું હતું અથવા તેનો અહેવાલ આપ્યો હતો, જ્યારે અન્ય પત્રકારોએ માત્ર તેને સોશિયલ મીડિયામાં શૅર કરી હતી.
આરોપો લગાવાયા તેમાંથી છ અને કૉંગ્રેસના સિનિયર સાંસદ સામે હકીકતો અને મોત વિશે "ખોટું રિપોર્ટિંગ" કરવાના કેસ થયા, જે કેસ ભાજપશાસિત ચાર રાજ્યોમાં નોંધાયા છે.
"શું મરણ પામનાર વ્યક્તિના પરિવારે કોઈ નિવેદન આપ્યું હોય કે પોસ્ટમૉર્ટમ વિશે શંકા વ્યક્ત કરી હોય કે પોલીસે જણાવેલા મોતના કારણ સામે વાંધો લીધો હોય તો તેના વિશે અહેવાલ આપવો એ શું ગુનો બની જાય છે?" એમ ધ વાયર વેબસાઇટના એડિટર ઇન ચીફ સિદ્ધાર્થ વરદરાજન કહે છે.
પોલીસે જેમની સામે કેસ દાખલ કર્યા તેમાં વરદરાજનનો પણ સમાવેશ થાય છે.
માનવ અધિકાર સંગઠનો અને સાથી પત્રકારોએ આ વિશે રોષ વ્યક્ત કર્યો છે.
હ્મુમન રાઇટ્સ વૉચના દક્ષિણ એશિયાના ડિરેક્ટર મીનાક્ષી ગાંગુલી કહે છે, "ભારતના સત્તાધીશોએ દેખાવોની સામે પ્રતિસાદ આપવામાં એવી રીત અપનાવી છે કે શાંતિમય રીતે વિરોધ કરી રહેલા લોકોને બદનામ કરવા માટે ભાતભાતના આક્ષેપો કરાયા. સરકારની ટીકા કરનારાની હેરાનગતિ કરવી અને બનાવોના અહેવાલો આપી રહ્યા હોય તેમની સામે કેસ કરવો તેવી રીતે અપનાવી છે."
એડિટર્સ ગિલ્ડ ઑફ ઇન્ડિયાએ પણ જણાવ્યું કે આ પોલીસ કેસ "મીડિયાને ધમકાવવા, પરેશાન કરવા અને તેને દબાવી દેવા માટે કર્યા છે."
ઘણા કહે છે કે તેનો એક નમૂનો કારવાં (Caravan) ઇન્વેસ્ટિગેટિવ ન્યૂઝ મૅગેઝિન છે. આ મૅગેઝિનને ઘણી વાર મોદી સરકારની સામે ઘર્ષણમાં ઊતરવું પડ્યું છે.

પત્રકારો સામે કેસ

ઇમેજ સ્રોત, Getty Images
આ મૅગેઝિનના તંત્રી વિભાગના ત્રણ સિનિયર મોસ્ટ સંપાદકો - પબ્લિશર, તંત્રી અને કાર્યકારી તંત્રી સામે દેશદ્રોહના 10 કેસ ઠોકી દેવામાં આવ્યા છે.
દેખાવકારના મોત વિશે અહેવાલ તથા ટ્વીટ કરવા બદલ પાંચ રાજ્યોમાં આ ત્રણ પત્રકારો સામે કેસ દાખલ કરી દેવાયા છે.
મૅગેઝિનના એક ફ્રીલાન્સ પત્રકારની પ્રદર્શનસ્થળેથી ધરપકડ કરવામાં આવી. તેમના પર કાર્યવાહીમાં "અવરોધ"નો આરોપ મૂકાયો હતો અને બે દિવસ બાદ જામીન પર છુટકારો થયો હતો.
સરકારે જાહેરશાંતિના ભંગની લીગલ નોટિસ મોકલી તે પછી થોડા કલાકો માટે મૅગેઝિનના ટ્વીટર હૅન્ડલને પણ બંધ કરી દેવાયું હતું.
ગયા વર્ષે પણ કારવાંના ચાર પત્રકારો પર બે જુદાજુદા બનાવોમાં હુમલા થયા હતા. રમખાણો વખતે અને દિલ્હીમાં એક કિશોરી પર કથિત બળાત્કાર અને હત્યાના કેસમાં રિપોર્ટિંગ કરતી વખતે તેમના પર હુમલા થયા હતા.
કારવાં મૅગેઝિનના કાર્યકારી તંત્રી વિનોદ જોસે મારી સાથેની વાતચીતમાં કહ્યું કે "એક એવું નૅરેટિવ ઊભું કરાઈ રહ્યું છે તે બહુ ખતરનાક છે. આપણે એવા ધ્રુવીકરણના માહોલમાં જીવીએ છીએ, જ્યાં સરકારે પોતાના ટીકાકારોને દેશદ્રોહી ઠરાવી દીધા છે. સત્તામાં બેઠેલા લોકોને સવાલો પૂછવાનું જ પત્રકારોનું કામ છે."
18 ડિસેમ્બર, 2019માં કાશ્મીરના શ્રીનગર શહેરમાં કાશ્મીર પત્રકારોએ ભારતીય દળોની જોહુકમી સામે પ્લેકાર્ડ દર્શાવીને દેખાવો કર્યા હતા.

ઇમેજ સ્રોત, Getty Images
સત્તાધારી ભારતીય જનતા પક્ષ એ વાતનો ઇનકાર કરે છે કે પત્રકારોને નિશાન બનાવાઈ રહ્યા છે. ભાજપ એવું માને છે કે સરકાર સામે "પદ્ધતિસરના પ્રોપેગેન્ડા" ખાતર આ બધું થઈ રહ્યું છે.
ભાજપના રાષ્ટ્રીય ઉપપ્રમુખ બિજયંત પાંડાએ મને જણાવ્યું, "રાજકીય જોડાણ ખુલ્લેઆમ દર્શાવનારા અને સરકારવિરોધી વલણ ધરાવનારા બધા જ પત્રકારો, અખબારો, ટીવી અને ઑનલાઇન પોર્ટલમાં ખુલ્લેઆમ લખતા જ રહ્યા છે અને બોલતા જ રહ્યા છે."
પાંડાનું કહેવું છે કે પોલીસે "હાલના બે-એક કેસમાં" જ પત્રકારો વિરુદ્ધ ફરિયાદો દાખલ કરી છે, કેમ કે "તેઓએ તોફાનો જેવી ગંભીર સ્થિતિમાં ફેક ન્યૂઝ કહેવાય તેવા અહેવાલો દર્શાવવાની ગંભીર ગુનાહિત પ્રવૃતિ કરી હતી, જેનો ઇરાદો તોફાનો ભડકાવાનો હતો."
તેમણે એક જાણીતી ન્યૂઝ ચેનલના સિનિયર એન્કરની વાત કરતાં કહ્યું કે તેમને ચેનલ દ્વારા ઑફ ઍર કરી દેવાયા હતા અને પગાર કાપી લેવાયો, કેમ કે તેમણે "ખોટી રીતે" દેખાવકારના મોત વિશે ટ્વીટ કર્યું હતું.
પાંડાએ વધુમાં જણાવ્યું હતું, "આ માત્ર ખોટી વાત ઊભી કરવાનો પ્રયાસ નહોતો, પણ તેમાં મોટા પાયે હિંસા ફાટી નીકળે તેવું જોખમ પણ હતું. આ પત્રકાર અને તેમના જેવા બીજા લોકોમાં ખોટું નૅરેશન ઊભી કરવાની એક પૅટર્ન બનેલી છે, જે ભૂતકાળમાં પણ જોવા મળી હતી."
"સંબંધિત પક્ષોએ આ બાબતમાં ફરિયાદ કરી હોય તે પછી સત્તાવાર રીતે માફી માગવામાં આવી હોય તેવું પણ બનેલું છે."
તેમણે ઉમેર્યું કે મોદી સરકારની વિરોધમાં હોય તેવા વિપક્ષની સરકારો જે રાજ્યમાં છે, ત્યાં આ સરકારો માટે "આ પત્રકારોએ બહુ સહાનુભૂતિ બતાવી છે, પણ આ સરકારોએ પત્રકારોને હેરાન કરવામાં સત્તાનો ભરપૂર દુરુપયોગ કરેલો છે."

ભારતમાં મીડિયાની સ્થિતિ કેવી છે?

ઇમેજ સ્રોત, Reuters
ટીકાકારો કહે છે કે સરકાર તરફી મનાતા અનેક પત્રકારોએ વારંવાર ઉશ્કેરણીજનક અને ઘણી વાર લઘુમતીઓની વિરુદ્ધમાં હોય તેવી બાબતોને પ્રકાશિત કરી છે, પણ તેમની સામે ભાગ્યે જ કાર્યવાહી કરવામાં આવી છે.
ટીકાકારોને નવાઈ લાગે છે કે શા માટે સામ્રાજ્ય વખતના દેશદ્રોહના ગુનાને અત્યારે વિરોધીઓ સામે વાપરવામાં આવી રહ્યો છે.
નેતાઓ અને સરકારોની ટીકા કરવા બદલ છેલ્લા દાયકામાં 405 ભારતીયો સામે દેશદ્રોહના ગુના દાખલ થયેલા છે, તેમાંથી સૌથી વધુ કેસો નરેન્દ્ર મોદીએ 2014માં સત્તા સંભાળી તે પછી થયેલા છે, એમ આર્ટિકલ14 વેબસાઇટે એકત્રિત કરેલા આંકડાંમાં દર્શાવાયું છે.
આ અત્યાચારી કાયદાનો ભોગ વિપક્ષના નેતાઓ, વિદ્યાર્થીઓ, પત્રકારો, લેખકો અને શિક્ષણશાસ્ત્રીઓ બન્યા છે.

ઇમેજ સ્રોત, Getty Images
આજના ધ્રુવીકરણના માહોલમાં પત્રકારો અગાઉ કરતાંય વધારે વિભાજિત થઈ ગયા છે. મોટા ભાગના મેઇનસ્ટ્રીમ મીડિયા, ખાસ કરીને કેટલાક પક્ષપાતી ન્યૂઝનેટવર્ક, મોદી સરકારની ટીકા કરવાનું ટાળી રહ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે.
"વિશ્વની સૌથી વધુ વસતી ધરાવતી ભારતની લોકશાહી પણ એવા મૅસેજ આપી રહી છે કે સરકારની ટીકા કરવાની જવાબદારી હવે અખબારોની રહી નથી," એમ ફ્રીડમ હાઉસના એક અહેવાલમાં જણાવાયું છે.
ઘણા લોકો માની રહ્યા છે ભારત પત્રકારો માટે અસલામત બની રહ્યું છે.
ફ્રી સ્પીચ કલેક્ટિવના ગીતા સેશુ કરેલા અભ્યાસ અનુસાર, 2020ના વર્ષમાં 67 પત્રકારોની ધરપકડ થઈ છે અને 200 પત્રકારોને માર મારવામાં આવ્યા છે. ઉત્તર પ્રદેશમાં ગૅંગરેપનો ભોગ બનેલી કિશોરીના બનાવને કવર કરવા માટે ગયેલા એક પત્રકારને પકડીને પાંચ મહિના માટે જેલમાં પૂરી દેવાયા હતા.

ઇમેજ સ્રોત, Reuters
પત્રકારો - ખાસ કરીને સરકારની ટીકા કરનારા મહિલા પત્રકારો સામે ઑનલાઇન બહુ મોટા પાયે ટ્રોલિંગ થાય છે અને તેઓને ધમકી આપવામાં આવે છે.
દિલ્હીસ્થિત ફ્રીલાન્સ પત્રકાર નેહા દીક્ષિત કહે છે કે "ઘણી વાર તેનો પીછો કરાયો છે અને ખુલ્લેઆમ બળાત્કાર કરવાની અને ખૂન કરવાની ધમકીઓ અપાઈ છે, ખરાબ રીતે ટ્રોલ કરવામાં આવી છે." પોતાના ઘરમાં ઘૂસણખોરીનો પણ પ્રયાસ થયો હતો એમ તેઓ કહે છે.
અન્ય એક ફ્રીલાન્સ પત્રકાર રોહિણી સિંહને મોત અને બળાત્કારની ધમકી આપનારા એક કાયદાના વિદ્યાર્થીની આ અઠવાડિયે જ ધરપકડ કરવામાં આવી છે.
ઑક્સફોર્ડ યુનિવર્સિટીના લૉના વાઇસ-ડીન તરુણાભ ખૈતાનના જણાવ્યા અનુસાર ભારતમાં અભિવ્યક્તિના સ્વાતંત્ર્યને ક્યારેય પૂરતા પ્રમાણમાં સંરક્ષણ મળ્યું નથી.
જોકે બંધારણમાં તેની ખાતરી આપવામાં આવી હતી, પરંતુ વડા પ્રધાન જવાહરલાલ નહેરુએ 1951માં પ્રથમ બંધારણીય સુધારો કરીને તે સ્વાતંત્ર્યને મર્યાદિત કરી દીધું હતું.
સિક્સટીન સ્ટોર્મી ડેઝ પુસ્તકના લેખક ત્રિપુરદમન સિંહે લખ્યું છે કે એ વખતે સરકારને એવું ભાન થયું હતું કે "નાગરિક સ્વાતંત્ર્યની ડાહી ડાહી વાતો કરવી એક વાત છે, અને વાસ્તવમાં તે સિદ્ધાંતનો અમલ કરવો એ જુદો જ મામલો છે."

ઇમેજ સ્રોત, Getty Images
બ્રિટિશરાજનો વારસો ધરાવતી પોલીસ અને ન્યાયતંત્ર પણ "માનવ અધિકારોને સાચવવાની પ્રથમ ફરજ પોતાની છે તેવી રીતે જોવાના બદલે તેને એક આડખીલી તરીકે જ જોતી રહી છે", એમ પ્રોફેસર ખૈતાન કહે છે.
તેઓ કહે છે કે અન્ય લોકશાહી દેશોની અદાલતોની તુલનામાં ભારતની સુપ્રીમ કોર્ટનો ટ્રેક રેકૉર્ડ પણ આ બાબતમાં વખાણવા જેવો નથી.
પ્રોફેસર ખૈતાને મારી સાથેની વાતચીતમાં જણાવ્યું, "લોકશાહી માટે કૉર્પોરેટર તાકાત અને રાજકીય શક્તિઓથી મુક્ત રહીને કામ કરી શકે તેવું મીડિયા અને યુનિવર્સિટીઓ માટે જરૂરી છે, પરંતુ સત્યની શોધ કરનારા આ બંનેને જ સૌથી વધુ સહન કરવું પડે છે."
"જ્ઞાનની આ સંસ્થાઓની ભૂમિકા એ છે કે તેઓ સત્તાધીશો સામે પડકાર ફેંકે અને સત્તા પર બેઠેલા લોકોને જવાબદાર બનાવે. પરંતુ તેના બદલે એક વાર કબજે થઈ ગયા પછી આ સંસ્થાઓ જ ઊલટાના સત્તાધીશોના હાથા બની જાય છે. અભિવ્યક્તિ સ્વાતંત્ર્યની સુરક્ષા અપૂરતી છે, તેના કારણે તેમના પર સહેલાઈથી કબજો થઈ જાય છે."
વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીએ 1975માં કટોકટી લાદી હતી અને તે પછી 21 મહિના સુધી ભારતમાં અખબારોનું ગળું દબાવી દેવાયું હતું.
પ્રોફેસર ખૈતાન વધુમાં જણાવે છે, "હાલની રાજકીય સ્થિતિ એ રીતે જુદી પડે છે કે સત્તાવાર રીતે કટોકટી જાહેર કર્યા વિના જ અધિકારોનો ખુલ્લેઆમ ભંગ થઈ રહ્યો છે. આપણા બધા અધિકારો હજીય અબાધિત હોવાનું ધારી લેવાયું છે."
"સત્તાવાર રીતે અધિકારોને હટાવાયા નથી, પણ વ્યવહારમાં કોઈ અધિકારો રહ્યા નથી તે બહુ આઘાતજનક છે. આપણે કાયદાથી પર, બિનસત્તાવાર કટોકટીમાં જીવી રહ્યા છીએ. સત્તાવાર કટોકટીમાં તો નાગરિક આશા પણ રાખી શકે ક્યારેક તે દૂર થશે અને સ્થિતિ સામાન્ય થશે."
"સત્તાવાર રીતે કટોકટી જાહેર જ ના કરાઈ હોય ત્યારે તમે તેને દૂર કેવી રીતે કરી શકો?"


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













